Dashavatar - 7 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 7

Featured Books
Categories
Share

દશાવતાર - પ્રકરણ 7

          વિરાટ બીજા દિવસે સવારે મોડો જાગ્યો હતો. સવાર સામાન્ય રીતે અનુપમ હોય છે પણ એ સવારમાં પ્રભાતનો સંતોષ આપે તેવી કોઈ સુંદરતા નહોતી.

          એ આળસ મરડીને વાંસના ખાટલામાંથી બેઠો થયો. એણે પૂરતી ઊંઘ લીધી હતી છતા વિચારો હજુ બંધ નહોતા થયા. લોકો કહેતા કે પ્રલય પછી કુદરત લોકોથી રૂઠી ગઈ છે. પ્રલય પહેલાની સવારમાં સુંદરતા હોતી. એ લોકોમાં નવો ઉત્સાહ ભરી દેતી. બાળકોથી લઈને વૃદ્ધો સહુ કોઈ સવારના આનંદમાં થનગની ઉઠતાં. પણ પ્રલય પછી પૃથ્વી પરથી કુદરતી સુંદરતા ચાલી ગઈ હતી. હવે સવાર પણ સૂકી હતી. એમાં કોઈ આનંદ કે સુંદરતા નહોતી. ધરતી માતાએ તેની ભવ્યતા ગુમાવી દીધી હતી. પૃથ્વીની તાસીર બદલી હતી. સવારથી સૂરજના કિરણો ગરમી પકડવા લાગતાં અને એકાદ બે કલાકમાં તો દુનિયા તપી જતી. રાત જેટલી ઠંડી રહેતી એ જ પ્રમાણે દિવસ તપેલા લોઢાં જેમ ગરમ રહેતા. એ બધો રેતનો ખેલ હતો.

          વિરાટ બિછાનું છોડી બહાર ગયો અને બારી બહાર નજર કરી. સૂરજ જાણે દુનિયા પર રોષે ભરાયો હોય તેમ ધરતીને તપાડવા લાગ્યો હતો. સૂરજમાં પણ હવે કોઈ સુંદરતા નહોતી. એ આકાશમાંથી આખી ધરતીને રાખ કરી નાખવા મીટ માંડી બેઠેલી કોઈ રાક્ષસી આંખ જેવો ખોફનાક દેખાતો. અને આખું આકાશ જાણે ધરતી પરની આ રેતનેય રાખ બનાવી નાખવાની સૂરજની યોજનામાં સહભાગી હતું. ક્યારેય કોઈ વાદળ આકાશમાં ફરકતું નહીં. ક્યારેય સૂરજના કિરણોને કોઈ બાધા ન નડતી. બસ એ એક ધાર્યા રેતને દઝાડયે રાખતા. બપોર સુધીમાં તો રેત જાણે સળગવા લાગતી. એના પર પગ પણ ન મૂકી શકાતો.

          “વિરાટ, બેટા આટલો મોડો કેમ ઉઠ્યો?” માએ ઝૂંપડીના બીજા વિભાગમાંથી કહ્યું, “નહાવા જા, તને ખબર નથી સૂરજ કેટલો ઊંચો ચડી ગયો છે?”

          “મા, આજે મારે સ્નાન કરવાનો દિવસ નથી.” એણે કહ્યું. દરેક પરિવારને ગંગાની ચેનલમાથી મર્યાદિત પાણી લેવાની પરવાનગી હતી. એ સમયે પીવાના પાણીના પણ ફાંફાં હતા. રોજ સ્નાન કરવું તો વેપારીના વચેટીયા કે કલેકટરો જેવા મોટા માણસો માટે જ શકય હતું. શૂન્યોએ નહાવા માટે વારા બાંધેલા હતા. વિરાટનો વારો અઠવાડીયામાં બે વાર આવતો. આજે તેનો નહાવાનો વારો નહોતો.

          “કેમ આજે તારો જન્મદિવસ નથી?” માએ કહ્યું, “જન્મદિવસની શુભકામનાઓ, દીકરા.”

          “આભાર મા.” તેણે મા જે વિભાગમાં હતી એ વિભાગમાં ડોકિયું કર્યું. મા એક જૂનો લાકડાનો પટારો ફેદતી હતી. ખબર નહીં એ સવાર સવારથી શું શોધતી હશે.

          માએ પટારો ફેદવાનું ચાલુ રાખતા ઉપર જોયું, “જા હવે આજે આગગાડી પણ આવવાની છે.”

          “આજે?” વિરાટ જાણતો હતો કે આજે આગગાડી આવવાની છે પણ જ્યારે માએ કહ્યું તેને એ વાત સ્વીકારતા જરા ખચકાટ થયો.

          આગગાડી આજે જ આવવાની છે એમ કહેવાને બદલે માએ પુછ્યું, “કેમ આજે રાતે પણ નહોતો ઊંઘ્યો?”

          “ઊંઘ્યો હતો.”

          “મે સવારે ઝૂંપડીના દરવાજા પાસે તારા બહાર જતા-આવવાના પગલાં જોયા હતા.” માએ ગુસ્સાથી કહ્યું, “ફરી તું સમયસ્તંભ પર ચડ્યો હતો ને?”

          વિરાટને એમ હતું કે પવન સાથે વહેતી રેતીમાં તેના પગલાની છાપ ભૂંસાઈ જશે. એ છાપ ભૂંસાઈ જ ગઈ હતી પણ દરવાજા નજીક મોજલીનો શેડ હતો એટલે ત્યાં રેત ન પડી અને પગલાની છાપ રહી ગઈ હતી. વિરાટ પકડાઈ ગયો છતાં તેણે બનાવટી સ્મિત ફરકાવ્યું, “એ તો રાતે ઊંઘ ઊડી ગઈ હતી તો જરા આંટો લગાવ્યો હતો.”

          “તું કલાકો સુધી સ્તંભ પર ચડી બેસી રહ્યો હોઈશ.” માએ તેની બનાવટ ઉપર કોઈ ધ્યાન ન આપ્યું.

          “ના, મા ખરેખર હું બહાર ગયો જ નહોતો.”

          “તો સવારે આગગાડી આવવાની છે એનો સંદેશો પોકારતા છોકરા આખી ગલીમાં કોલાહલ કરતાં હતા એ સાંભળી તું જાગ્યો કેમ નહીં?” હવે તેના ચહેરા પર ગુસ્સાને બદલે ચિંતાના ભાવ દેખાયા.

          “માફ કર મા.” તેણે કહ્યું, “પણ રતનગુરુના પરિવાર સાથે જે થયું એ પછી ગમે તે રાતે ગમે ત્યારે મારી ઊંઘ ઊડી જાય છે અને હું સ્તંભ પર જઈ નિર્ભય સિપાહીઓના આક્રમણની ખાતરી ન કરી આવું ત્યાં સુધી મને જપ નથી પડતી.”

          “મને એ જ તો ભય છે.” માએ નિસાસો નાખ્યો, “તું કેમ બીજા શૂન્ય લોકો જેવો નથી? તને કેમ નિર્ભય સિપાહીનો ભય નથી લાગતો? તું કેમ બધાની ફિકર કરે છે અને દીવાલની પેલી તરફ રહેતા ભગવાનથી નથી ડરતો?”

          “મા, તારે તો ખુશ થવું જોઈએ કે તારો દીકરો એટલો બહાદુર છે કે કોઈથી નથી ડરતો.” એટલુ કહી વિરાટ ઝૂંપડીના પાછળના દરવાજેથી બહાર નીકળી ગયો કેમકે તેને ખબર હતી કે જો તેના રાત્રે બહાર નીકળવા બાબતે લાંબી ચર્ચા ચાલે તો મા રડવા લાગશે અને તેને એ ગમે તેવી વાત ન હતી. કમ-સે-કમ વિરાટ પોતાના જન્મદિવસની સવારે તેની આંખમાં આંસુ જોવા નહોતો માંગતો.

          ઝૂંપડીના પાછળના ભાગમાં ખાસ્સો મોટો એવો જળકુંડ હતો. વિરાટે એના પર ઢાંકેલા લાકડાના પાટિયા ખસેડયા. જળકુંડ ઢાંકીને રાખવો પડતો કેમકે એક તો એ ધૂળથી ભરાઈ જાય અને ખુલ્લો હોય તો સૂર્યના કિરણો એનું પાણી પણ વરાળ કરી નાખે. પિતાજીએ જળકુંડ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી. દિવસો સુધી સૂકા લાકડા ભેગા કર્યા હતા. પ્રલય પછી નાશ પામેલા સૂકા ઠૂંઠા જેવા વૃક્ષોની એમને કોઈ કમી નહોતી. સૂકા વૃક્ષો કાપવા પર પ્રતિબંધ નહોતો. વાડ અને ઝૂંપડીના છાજમાં એ વૃક્ષોનો જ ઉપયોગ થતો. જાતે ટેરાકોટા ઈંટો બનાવી પિતાજીએ એ ઇટોને સૂકા લાકડાના ઢગલા વચ્ચે રાખી શેકી હતી. લાલ ઈંટો અને સૂકી નદીના ઉત્તરની પહાડીઓમાંથી મળતા પથ્થરને વાટી એના ભૂક્કાથી જળકુંડનું ચણતર કર્યું હતું. દીવાલની આ તરફ લોકો ઝૂંપડી કરતાં પણ વધુ કાળજી જળકુંડ બનાવવામાં લેતા કેમકે જીવનનો બધો મદાર એના પર હતો. જો જળકુંડ બનાવવામાં કચાસ રાખી હોય તો પાણી લીક થઈ જમીનમાં ઉતરી જાય અને પરવાનગી કરતાં વધુ પાણી મળવું અશક્ય હતું. પાણીની ચોરી કરવાની સજા મૃત્યુદંડ હતી.

          ખાખી પહેરણ અને કાળું પાટલૂન ઉતારી વિરાટ ટેરાકોટા જળકુંડમાં કૂદી પડ્યો. રાતે ખુલ્લામાં જવાથી તેના વાળમાં રેત ભરાઈ હતી. એ કાઢવા ખાસ્સી મહેનત કરવી પડી. લગભગ દસેક મિનિટ જેટલો સમય એ પાણીમાં પડ્યો રહ્યો. પાણીમાં પણ તેના વિષે એક વિચિત્ર બાબત હતી જે એ બારેક વર્ષનો હતો ત્યારે તેના ધ્યાનમાં આવી હતી. એ બીજા કોઈ પણ શૂન્ય કરતાં લાંબો સમય પાણીમાં ડૂબકી લગાવી શકતો. પાણીમાં શ્વાસ વગર એ મિનિટો સુધી રહી શકતો. પદ્માને ગંગાની કેનાલમાં ડૂબતી બચાવી એ સમયે તેને ધ્યાનમાં આવ્યું હતું કે પાણીમાં એને અલગ જ શક્તિઓ છે.

          કમર ફરતે ઉપવસ્ત્ર વીંટાળી વિરાટ ઝૂંપડીમાં પાછો ફર્યો. તેના પગની ખુલ્લી પીંડીઓના સ્નાયુ દેખાતા હતા. માએ તેના માટે લગભગ નવા કહી શકાય તેવા કપડાં કાઢી રાખ્યા હતા. હવે તેને સમજાયું કે મા સવારથી પટારામાં શું શોધતી હતી. એ પિતાજી યુવાન હતા એ સમયે એમને મળેલા કપડાંમાંથી જે સારા અને સાજા બચ્યા હતા એવી એક જોડ વિરાટ માટે શોધતી હતી. એ કપડાં પણ શૂન્યોના પરિધાન મુજબ જાડા કાપડમાંથી બનાવેલા હતા.

          વિરાટે પાટલૂન પહેરી, શર્ટ ચડાવ્યું અને બટન બંધ કર્યા, “મા, આપણાં લોકોએ દીવાલની પેલી તરફ સમારકામ કરવા કેમ જવું પડે છે?” તેના અવાજમાં ઉદાસી હતી કેમકે તેને શૂન્ય લોકો દીવાલ પેલી તરફ જોખમી કામ કરવા જાય એ ગમતું નહીં.

          મા પલંગ પર બેઠી, એ ઘડીભર તેને જોઈ રહી. બે ત્રણ વર્ષ પહેલા વિરાટ તેની મા કરતાં નીચો હતો પણ છેલ્લા બે ત્રણ વર્ષમાં તેની ઊંચાઈ તેના પિતા જેટલી થઈ ગઈ હતી. માની આંખોમાં જારા ઉદાસી હતી, “મને ખબર નથી કેમ આપણે ત્યાં જવું પડે છે.” તેના હોઠ વિરાટ સામે મલક્યા. વિરાટ જાણતો હતો કે એ શું વિચારતી હતી. એ વિચારતી હતી કે તેનો દીકરો યુવાન થઈ ગયો છે. દીવાલની આ તરફ ભૂખમરો, લુંટફાટ, જંગલી પ્રાણીઓનો હુમલો, સર્પદંશ અને સૌથી ભયાનક નિર્ભય સિપાહીઓનું આક્રમણ એ બધાથી બચીને જો કોઈ બાળક તરુણા અવસ્થા પાર કરી યુવાની સુધી પહોંચે તો એ એક મા માટે ખુશીની વાત હતી. દીવાલની આ તરફ એવી કેટલીયે કમભાગી માતાઓ હતી જેમના બાળકો ક્યારેય યુવાન થતાં જ નહીં. ગરીબી અને ખાણોનું જોખમી કામ એમને ભરખી જતું.

          “મા, મારા વાળ બાંધી આપને.” વિરાટ તેની નજીક જઈ પલંગના પાયા પાસે જમીન પર બેઠો, “આજે મારો જન્મદિવસ છે. કેવા વાળ બાંધે મા, બધા જોતાં રહી જવા જોઈએ.”

          માએ તેના ગાલ ચૂમ્યા, “હવે તું નાનો નથી. તારા વાળ બાંધી શકે એટલો મોટો તો થઈ જ ગયો છે.” જોકે એમ કહીને એ તેના વાળને લાકડાના દાંતિયાથી ઓળાવવા લાગી. વિરાટ પણ તેના પિતા જેમ ખભા સુધી લાંબા વાળ રાખતો.

          મા વાળ ઓળવતી હતી અને વિરાટ નીચે બેસી કંટાળતો હતો એટલે તેણે પુછ્યું, “મા કેમ ગંગા હજુ સુધી સુકાઈ નથી? બીજી બધી નદીઓ તો સુકાઈ ગઈ છે ને?”

          “કેમકે કે એ પવિત્ર નદી છે.” દાંતિયા સાથે તેની આંગળીઓ પણ તેના વાળમાં ફરતી હતી.

          “કેમ એ પવિત્ર છે?”

          “પવિત્ર પદાર્થોની પવિત્રતા વિષે પ્રશ્નો ન કરાય.” તેનો અવાજ એકાએક બદલાઈ ગયો. કેમ જાણે વિરાટે કોઈ ગુનો કર્યો હોય.

          “પણ કેમ?” તેણે ખભા ઉલાળ્યા.

          “લોકોએ પહેલા પણ એ જ કર્યું હતું. તેમણે પવિત્ર પદાર્થો પર વિશ્વાસ કરવાનું છોડી દીધું એટલે જ પ્રલય આવ્યો હતો.”

          વિરાટને એ વાત પર જરાય વિશ્વાસ ન થતો. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને હસીને પુછ્યું, “હું તારી વાત સાથે સહમત છુ પણ એ પવિત્ર નદી દીવાલની આ તરફ કેમ નથી આવતી?”

          “કેમકે એ નદી પવિત્ર છે અને આપણે શૂન્ય લોકો અપવિત્ર છીએ.”

          માના હાથ થંભી ગયા. વાળમાં કાંસકો ફરતો અટકી ગયો. વિરાટે તેની તરફ જોયું. તેનો ચહેરો પડી ગયો હતો. આ બધી બાબતો વિશે પ્રશ્નો ન કરવા. એ બધી બાબતો વિશે ન વિચારવું. કારુ વિશે ક્યારેય કોઈ પ્રશ્ન ન કરવો. ગંગા અને એની પવિત્રતા સામે આંગળી ન ચીંધવી. દીવાલની પેલી તરફ રહેતા ભગવાને બનાવેલા કોઈ પણ નિયમોનો ભંગ ન કરવો. નિર્ભય સિપાહીઓથી તમારી ગરદન બચાવવી. વેપારીઓનો માલ લૂટવાની હિંમત ન કરવી, ક્યારેય કોઈ દેવતા સામે આંખમાં આંખ પરોવી વાત ન કરવી. આ બધી દીવાલની આ તરફ અપાતી સૌથી પ્રચલિત સૂચનાઓ હતી. દીવાલની આ તરફ દરેક મા તરફથી એના બાળકને મળતી સૌથી ઉપયોગી સલાહ એ હતી કે ક્યારેય કારુ શબ્દને તમારી જીભ પર ન લાવવો. એના માટે ભગવાન એવો પવિત્ર શબ્દ જ વાપરવો. વિરાટને આ બધી વાતો પર ભરોષો નહોતો.

“આપણે કેમ પવિત્ર નથી મા?” તેણે પુછ્યું, “શું આપણે માનવ નથી?”

          “ના, આપણે શૂન્ય છીએ.” માએ કહ્યું. તેના અવાજમાં કશુંક ન સમજાય તેવું હતું, “આપણે માનવ નથી.” અને પછી ધીમા અવાજે ઉમેર્યું, “અલબત્ત હવે દુનિયામાં ક્યાય કોઈ માનવ બચ્યું જ નથી, બસ પૃથ્વી પર દેવતાઓ, નિર્ભય સિપાહીઓ, લોક અને આપણે શૂન્યો જ બચ્યા છીએ. માનવ અહીં પ્રલય પહેલા રહેતા. એમનામાં આવા કોઈ ભાગલા નહોતા. એ બધા સમાન હતા.”

          “અને કા....” વિરાટ બોલવા જતો હતો કે તે કારુનો સમાવેશ કરવાનું ભૂલી ગઈ છે પણ તેને અધવચ્ચે જ અટકાવતાં એ બોલી, “સ...સ...સ....” તેના અવાજમાં ભય ભળેલો હતો, “એ નામ ક્યારેય ન બોલીશ.”

          “કેમ?”

          “એ મહાન ભગવાન છે અને આપણે મામૂલી શૂન્ય. આપણે એ પવિત્ર નામ બોલી ન શકીએ. આપણે એની સેવા માટે બન્યા છીએ.”

          “કેમ?” વિરાટે પુછ્યું, “કેમ આપણે એની સેવા માટે બન્યા છીએ?”

          “બસ કર વિરાટ,” તેણે જોરથી દાંતિયો તેના વાળમાં ફેરવ્યો. તેના માથામાં વાગ્યું પણ એ કશું ન બોલ્યો, “તું ઇચ્છે છે કે નિર્ભય સિપાહીઓની લોહી તરસી તલવારો તારું...” એ આગળ ન બોલી શકી.

          વિરાટ કશું બોલ્યા વગર એમ જ બેસી રહ્યો. મા કારુની તરફેણ કરે એ તેને જરાય ન ગમતું.

          ફરી મા તેના વાળ હોળાવવા લાગી. તેના વાળને અંબોડા જેમ વાળી તેની ગરદન પાસે બાંધતા માએ કહ્યું, “વિરાટ.”

          તેણે ઉપર જોયું. માની આંખમાં કશુંક હતું. શું હતું એ વિરાટને સમજાયું નહીં.

          “મને વચન આપ તું દીવાલની પેલી તરફ આમ સવાલો નહીં કરે.” માના અવાજમાં મીઠાશ હતી. દરેક મા પાસે આ ગુણ હોય છે જ્યારે એને બાળકને કોઈ વાત મનાવવી હોય કે વચન જોઈતું હોય ત્યારે એના અવાજમાં કોઈ જાદુ આવી જાય છે અને બાળકે એ વાત માનવી જ પડે છે.

          “વચન?” વિરાટ હસ્યો.

          “વચન આપ કે દીવાલની પેલી તરફ તું કોઈ સવાલો નહીં કરે.”

          એના અવાજ પરથી વિરાટને લાગ્યું કે જો પોતે વચન નહીં આપે તો મા રડવા લાગશે એટલે તેણે તરત જ કહ્યું, “વચન. હું ત્યાં કોઈ અજાણ વ્યક્તિને સવાલો નહીં કરું. વિરાટ શૂન્યનું વચન...”

          “યાદ રાખજે...” એ બોલવા લાગી, “ તું ખરેખર કોણ છો એની કોઈને જાણ થવી જોઈએ નહીં. આ કલિયુગ છે તારી સામેવાળો માનવ દેખાતો વ્યક્તિ માનવ ન પણ હોય. એ રાક્ષસ પણ હોઈ શકે. તું કોઈના પર ભરોષો ન કરતો. આપણાં શૂન્યો પર પણ નહીં.” માએ આ સૂચના તેને હજારો વાર આપી હતી, “બસ આ કળિયુગમાં એક જ વસ્તુ પર વિશ્વાસ કરી શકાય.”

          “શેના પર મા?” તેણે પુછ્યું.

          “તારા હથિયાર પર..” એ ઊભી થઈ પટારા પાસે ગઈ. પટારામાંથી એક કટાર લઈ આવી અને વિરાટના હાથમાં આપી, “તારા કમરપટ્ટામાં ખોસેલી કટાર હજુ કટાર જ છે એ ભરોસો કરજે પણ તારી સામે ઊભેલા માણસ પર ક્યારેય ભરોસો ન કરતો કેમકે આ કળિયુગમાં માનવ દેખાતા બધા માનવ નથી. એ માનવની ખાલમાં છુપાયેલા રાક્ષસો છે.”

“મા.” વિરાટે નવાઈથી મા સામે જોયું. દીવાલની આ તરફ કોઈ મા એના દીકરાને હથિયાર આપીને દીવાલની પેલી તરફ મોકલે એ માનવમાં ન આવે તેવી વાત હતી. કેમકે શૂન્ય લોકો હથિયારનો ઉપયોગ કરવા માટે નહોતા બન્યા. એ કામ નિર્ભય સિપાહીઓનું હતું. જો કોઈ શૂન્ય તલવાર કે કટાર જેવા હથિયાર સાથે પકડાય તો એને આજીવન કારાવાસની સજા થતી.

          “મને ખબર છે.” મા વિરાટના વિચારો જાણી લીધા હોય એમ બોલી, “પણ આ રાખ, આમ જ મરવા કરતાં લડીને મરવું સારું.” કદાચ કોઈ મા ભાગ્યે જ પોતાના દીકરા માટે મરવું શબ્દ વાપરે પણ હવે દુનિયા બદલાઈ ગઈ હતી અને સત્ય સ્વીકારે એ જ લાંબો સમય જીવી શકે એ હકીકત હતી.

          વિરાટે કટાર લઈને કમરે ભરાવી.

          “આ એ જ કટાર છે જે રતનગુરુના ઘર પર થયેલા હુમલા પછી મને ત્યાંથી મળી હતી.” માએ કહ્યું. વિરાટને તેની આંખમાં આસું દેખાયા, “તને યાદ છે એ નિર્દય રાક્ષસોએ શું કર્યું હતું?”

          “મને યાદ છે.” માની આંખોમાં વિરાટને એક તણખો સળગતો દેખાયો અને એની આગ વિરાટના અંગે અંગમાં પ્રસરી ગઈ હોય એમ તેની નસોમાં દોડતું લોહી ધખવા લાગ્યું. વિરાટ સાથે રમેલા એ ત્રણ નિર્દોષ બાળકો જેને હજુ દુનિયા શું એ ખબર નહોતી એમની હત્યા કરી કોઈને શું મળ્યું? કેમ કારુએ એ પરિવારના મૃત્યુનું ફરમાન બહાર પાડ્યું હતું? વિરાટની આંખો સામે એ રાતે દેખેલી પાંચ લાશો તરવરવા લાગી. ત્રણ બાળકો, રતનગુરુ અને ગુરુમાં. બધાને નિર્દયતાથી રહેંશી નાખવામાં આવ્યા હતા. વિરાટ માત્ર આઠ વર્ષનો હતો. એ પોતાની ઝૂંપડીમાથી એ બધુ જોઈ રહ્યો હતો. એ ખૂબ ડરેલો હતો. એ ચીસ ન પાડી બેસે એ માટે તેના પિતાએ તેના મોં પર હથેળી દબાવી રાખી હતી. વિરાટ મદદ કરવા માટે બહુ નાનો હતો. એ નિર્ભય સિપાહીઓ સામે લડી શકવા એ સક્ષમ નહોતો.

          દુનિયામાં આમેય ગરમી વધી ગઈ હતી. જોકે સવારથી એટલી ગરમી ન હોય અને વિરાટ હમણાં જ સ્નાન કરીને આવ્યો હતો છતા એ ઘટના યાદ કરતાં તેના શરીરે પરસેવો વળી ગયો. શરીરનું તાપમાન તેને પોતાને દઝાડી નાખે એટલુ વધી ગયું. તેને સમજાતું નહીં કે તેની સાથે એવું કેમ થતું? તેને સમજાતું નહી કે એ તેની સાથે જ થતું કે બધા એ આગ અનુભવતા હતા?

          “વિરાટ, તું મને સાંભળે છે કે નહીં?” માએ તેના ખભા પર હાથ મૂક્યો.

તેણે હકારમાં માથું હલવ્યું પણ ખરેખર માએ છેલ્લે શું કહ્યું એ તેણે સાંભળ્યુ નહોતું. તેનું મન રતનગુરુ અને તેમના પરિવાર સાથે થયેલા અત્યાચાર વિશે વિચારવામાં ખોવાયેલું હતું.

          માએ તેની આંખોમાં જોઈ કહ્યું, “દીવાલની પેલી તરફની દુનિયા અલગ છે. તને કોઈ પણ સવાલ કરવામાં આવે જરૂરી ન હોય ત્યાં સુધી જવાબ ન આપીશ અને સામેથી સવાલો તો ક્યારેય ન કરતો.” તેની આંખો જીણી થઈ, “હું શું કહું છું એ તને સમજાય છે?”

          “મા, તું મને આ બધુ તો હજારોવાર કહી ચૂકી છે.” વિરાટે તેનો હાથ હાથમાં લઈ કહ્યું, “મા, હું હવે કઈ નાનું બાળક નથી.”

          “તું નાનું બાળક નથી એ જ ચિંતા છે, બેટા.” એ સ્વાગત બબડી અને ફરી વિરાટ તરફ જોઈ કહેવા લાગી, “આ બધુ મહત્વનુ છે વિરાટ, તું દીવાલની પેલી તરફ જઈ રહ્યો છે અને દીવાલની પેલી તરફ જીવતા રહેવા માટે દરેક વ્યક્તિએ સાવધાની રાખવી પડે છે.”

          માના અવાજમાં રહેલું દર્દ વિરાટને વ્યાકુળ બનાવતુ હતું. કેમ? કેમ દીવાલની આ તરફની દરેક માતાએ પોતાના બાળકોને અનિચ્છાએ પણ દીવાલની પેલી તરફ મૂકવા પડે છે?

          “વિરાટ…” માએ કહ્યું, “તું ફરી વિચારોમાં ખોવાઈ ગયો અને તું જ્યારે વિચારોમાં ખોવાઈ જાય છે મને કશુંક અશુભ થવાની આશંકા સતાવવા માંડે છે.” તેની આંખો હવે ચૂવા લાગી હતી, “મને વચન આપ કે મે જે કહ્યું એ તું યાદ રાખીશ?” તેનો અવાજ રૂંધાવા લાગ્યો હતો. માના ગાળામાં ડૂમો ભરાઈ આવ્યો, “વચન આપ કે તું પોતાની જાતને સલામત રાખીશ.”

          “હું વચન આપું છું, મા.” વિરાટે કહ્યું. તેનાથી એક નિસાસો નખાઈ ગયો. કેમ? આ ભય કેમ? એ ઇચ્છતો હતો કે દીવાલની આ તરફ દરેક માતા ખુશ હોય. કોઈ માને પોતાના કાળજાના ટુકડા, પોતાના વહાલસોયા બાળકને દીવાલની પેલી તરફ મૂકવાની ફરજ પાડવામાં ન આવે. વિરાટ કારુની ક્રૂર તાનાશાહીનો અંત ઇચ્છતો હતો પણ એ બધી વાતો તેના મનમાં જ દબાવી રાખતો.

          વિરાટના વચનથી તેની માને સંતોષ થયો. એ તેને ગળે બાજી રડવા લાગી. જોકે એ રડતી હતી પણ વિરાટને હવે તેની આંખોમાં એક રાહત દેખાઈ. બસ વિરાટ એ જ ઇચ્છતો હતો. તેને દીવાલની આ તરફ રહેતી દરેક મજલૂમ માની આંખોમાં રાહત જોવી હતી. ગુરુજી અને મા કહેતા કે વિરાટ અવતાર છે પણ તેને એ વાતનો ક્યારેય વિશ્વાસ નહોતો. તેને કારુ જેમ ભગવાન નહોતું બનવું. તેને માત્ર એટલુ જ કરવું હતું કે શૂન્ય લોકોએ દીવાલની પેલી તરફ રહેતા દેવતાઓએ બનાવેલા અન્યાયી કાયદાઓનું પાલન ન કરવું પડે, ચતુષ્કોણમાં રહેતા નિર્દય નિર્ભય સિપાહીઓની ખૂન પ્યાસી તલવારનો ભોગ ન બનવું પડે. બસ શૂન્ય લોકોને બે ટક ખાવાનું મળી રહે. એ ઇચ્છતો હતો કે તેના લોકોને પણ દીવાલની પેલી તરફ રહેવા મળે. જોકે ત્યારે તેને ખબર નહોતી કે એ બધી ઇચ્છાઓ મૃત્યુની માંગ કરવા બરાબર હતી. સદીઓથી ચાલતી એ પરંપરાઓ તોડવી સહેલી નહોતી. તેને ખબર નહોતી કે એ એક મહાયુધ્ધનો આરંભ કરવાનો હતો. જોકે તેને ખબર હોત તો પણ તેણે એ બધુ કર્યું જ હોત!

          “કદાચ નિર્ભય સિપાહીઓ કોઈ નિર્દોષ શૂન્યને વગર વાંકે મારી નાખે તો પણ વચ્ચે દખલ ન કરતો નહિતર એ તને પણ મારી નાખશે.” માએ તેને વિચારોના વમળમાંથી બહાર લાવ્યો, “નિર્ભય સિપાહી સામે શૂન્ય ક્યારેય લડી કે જીતી ન શકે એટલે એવી કોશિશ કરવાની ભૂલ ન કરતો. અહીં દીવાલની આ તરફ જેમ લોકોની મદદે દોડી જાય છે એવું ત્યાં ન કરતો.”

          “મા, આપણે આ બાબતે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છીએ.” તેણે નારાજ થઈ કહ્યું, “આપણી પાસે સાંજ સુધીનો જ સમય છે પછી તો હું મહિનાઓ માટે દીવાલની પેલી તરફ હોઈશ. તું આ બધામાં સમય બગડવા માંગે છે. મારા જન્મદિવસે તારે મને કંઈક એવું કહેવું જોઈએ જે મને આનંદ આપે.”

          “ઠીક છે.” એ હસી, “તો પદ્માની મા પાસે તારા માટે માંગુ નાખું?”

          “મા.” તેના ગાલ શરમથી લાલ થઈ ગયા. મા જાણતી હતી કે વિરાટ અને પદ્મા એકબીજાને ચાહતા હતા.

          “બસ હવે આમ શરમા નહીં.” માએ તેનો કાન પકડ્યો, “તું કદંબવનમાં એને છાને છાને મળવા જાય છે એ બધુ મને દક્ષાએ કહ્યું છે.”

          “હું એ દક્ષાની બચ્ચીને છોડીશ નહીં.”

          “પહેલા તારા પિતાજી બહાર તારી રાહ જુએ છે એમને મળી લેજે.”

          “ભલે મા.” માના પગે લાગી એણે ઝૂંપડી બહાર જવા પગ ઉપાડ્યા.

ક્રમશ: