Talash 2 - 39 in Gujarati Fiction Stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 2 ભાગ 39

Featured Books
Categories
Share

તલાશ - 2 ભાગ 39

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  

"યસ સર, જીતુભા અહીં જ ઉતર્યા છે. રૂમ નંબર 1313માં."

"શું એ અત્યારે એની રૂમમાં છે?"

"ના એ એમના એક મિત્ર છે મિસ્ટર ઝાહીદ, એમની સાથે ગઈ રાત્રે લગભગ 10.30 વાગ્યે બહાર ગયા છે. હજી આવ્યા નથી."

"ઓકે મારી રૂમમાં ચા- નાસ્તો મોકલી આપો. અને જીતુભા આવે તો એમને મેસેજ આપો કે પરબત 12 થી 1 વચ્ચે નીચે રેસ્ટોરાંમાં મળશે."

"ભલે" કહી રિસેપ્શનિસ્ટ ફોન મુક્યો અને બેલ મારી ને વેઈટરને કહ્યું "12 માં મળે 1204 માં કોઈ સ્યામ નારાયણ નામના સજ્જન છે એમને ચા-નાસ્તો પહોચાડ."

xxx 

"જલ્દી બોલ ગણેશન મારી પાસે ટાઈમ નથી."

"જુઓ હમણાં 9.30 વાગ્યે, સુમિતની કંપનીમાં રેડની કાર્યવાહી પૂરી થશે. અને રેડ કરનારા અધિકારી 10 વાગ્યા આસપાસ નીકળશે. પછી ક્રિષ્નન પોતાના ઘરે જશે. પણ એ પહેલા એની પૌત્રી કે જે 7વર્ષની છે એ સ્કૂલે જશે 9.30 વાગ્યે એની સ્કૂલ બસ એના ઘર થી 50 મીટર દૂર આવે છે એ છોકરીને છોડવા એની માં આવી હશે. કોઈ 2 ટપોરીઓને મોકલીને એ છોકરી.."

"ગણેશન, તારી સાથે ફોનમાં વાત થઇ ત્યારે મને લાગ્યું કે કોઈ બુદ્ધિશાળી માણસ મને ચમચા તરીકે વર્ષો પછી મળી ગયો, પણ તું તો ફિલ્મી માણસ છો. છોકરીને કિડનેપ કરીને ક્રિષ્ણનને હું મારી પાસે આવવા મજબૂર કરું...."

"ગુરુ અન્ના આજ સુધી હું માનતો હતો કે તમે આપણા પ્રદેશના ભાવિ મુખ્યમંત્રી બનવાને લાયક છો. પણ તમારા આ છીછરા વિચાર સાંભળીને મને લાગે છે કે તમે સરકારી સ્કૂલમાં ચપરાસી બનવાને પણ લાયક નથી. જેને હું હીરો માનતો હતો એ મારા વિષે એવું વિચારે છે?"

"એ એ ગણેશન.. તને ખબર છે હું કોણ છું ગુરુ અન્ના,અમ્મા નો ખાસ માણસ છું."

"છું નહીં હતા. હવે તમારી હેસિયત કઈ નથી. પણ મારી વાત ધ્યાનથી સાંભળો તો ફરીથી અમ્માના ખાસ માણસ બની શકશો અને ચન્દ્રેશન ની જગ્યાએ તમારી સાંસદ તરીકે ટિકિટ પાકી મારી ગેરંટી."

"પ્લાન બોલ, મારે શું કરવાનું છે."

"તમારે કઈ નથી કરવાનું દૂર થી તમાસો જોવાનો છે. તમારા ગુર્ગા ને કહો કે ક્રિષ્નનની પુત્રવધુ અને પૌત્રી ઘરેથી સ્કૂલ બસના સ્ટોપ સુધી પહોંચે એ દરમિયાનમાં એ નાનકડી છોકરીની નાનકડી સ્કૂલબેગ છીનવી લેવાની છે."

"બસ, આટલું જ. પણ ક્રિષ્ણન આવડી સ્કૂલબેગ ના બદલામાં શું કામ.."

એ સ્કૂલ બેગ નથી તમારી સાંસદ બનવાની ચાવી છે. અને અમ્મા ના ફરીથી વ્હાલા બનવાનું સાધન. હવે જલ્દી કરો 15 મિનિટમાં એ માં દીકરી ઘરેથી નીકળશે. બેગ છીનવવા માટે તમારા માણસો પાસે 3 -4 મિનિટ હશે. અને જો એ સ્કૂલ બેગ તમારા માણસો દ્વારા તમારા હાથમાં ન આવી તો તમે ફિનિશ. અમ્મા સંસદમાં અત્યારે આ સરકાર ટકશે કે જશે એના ટેન્શનમાં છે. એમને ફ્રી થતા 12 વાગશે પછી સૌથી પહેલું કામ તમને ગોતીને સુમિતની માફી મંગાવવાનું કરશે. કેમ કે ચૂંટણી ફંડ અને આ પ્રદેશમાં લગભગ 20000 માણસોને આડકતરી રોજગારી માટે એમને સુમિતની જરૂર છે."

"ઓકે. પછી."

"પછી કંઈ નહીં. બેગ તમારા હાથમાં આવી જાય એટલે મને કહી દેજો. 12 વાગ્યા પહેલા ક્રિષ્નન સામેથી તમારો સંપર્ક કરશે."  

xxx 

સવારે સાત વાગ્યે દુબઈના દરિયાકાંઠા ની બાજુમાં આવેલા માલ ભરવાના અનેક ગોડાઉનમાંથી એક માં જયારે બેહોશ જીતુભાને લાવવામાં આવ્યો ત્યારે શેખ રહેમાની (હની) અને એનો મેનેજર (ઈરાની) જીતુભાને એક રૂમમાં ખુરશી પર બંધાવી, રૂમને લોક કરીને એ ગોડાઉનના પ્રાંગણમાં બેઠા હતા. શેખ ઝાહીદ પણ ત્યાં હાજર હતો. તેઓ આગળ શું કરવું? સુમિતનો કોન્ટેક્ટ કરીને રૂપિયા કેવી રીતે વસૂલવા એની ચર્ચા કરી રહ્યા હતા. જીતુભાએ બોલાવેલ એનો સાથીદાર એમના હાથમાં આવ્યો ન હતો. છેવટે હનીએ ઝાહીદને કહ્યું કે "તું જા તારા ઘરે, થોડીવાર આરામ કર. અને પછી જીતુભાની હોટલની રેસ્ટોરાંમાં જરા તપાસ કરાવ એ ગુમ થયો તો કોઈ હલચલ તો નથી ને?"

"ભલે તો હું જાઉં છું, પણ મારું કમિશન?"

"તારું કમિશન તને બહુ જલ્દી મળી જશે. તું ચિંતા ન કર." ઈરાનીએ કહ્યું.

"પણ આપણે ગઈ કાલે વાત થઇ કે જીતુભા જેટી પર ના ગોડાઉનમાં પહોંચી જાય એટલે તરત મને રોકડા આપશો તમને ખબર છે ને મારે કેટલા ખર્ચ છે. હું અહીં રોયલ રીતે રહું છું. રાજ ઘરાણાનો છું. પણ ભાયાત છું એટલે વારસામાં ખાલી શેખ નામ મળ્યું છે." કૈક મોં બગાડતા ઝાહિદે કહ્યું. 
"ઝાહીદ, યાર ભરોસો રાખ આપણે 12 વાગ્યે મળીએ એ વખતે તારું કમિશન રોકડામાં તને મળી જશે."

"ઠીક છે મને તમારા લોકો પર વિશ્વાસ છે. હું કલાક આરામ કરીને હોટેલ પર જઈશ અને બધી તપાસ કરી અહીં 12 વાગ્યે પાછો આવીશ" કહી એને વિદાય લીધી.

xxx 

જે વખતે ઝાહિદે હાનિ અને ઈરાની પાસેથી વિદાય લીધી એ જ વખતે ગુરુ અન્નાના 2 માણસ બાઈક લઈને કૃષ્ણની પુત્રવધુ અને પૌત્રી પાસે પહોંચ્યા હતા,અને બંધુકની ધાક દેખાડીને એ છીકરીની સ્કૂલ બેગ છીનવીને ભાગ્યા હતા. છોકરીની માં એ ચીસાચીસ કરી મૂકી પણ સંપન્ન એરિયામાં વસતા લોકો માંથી મોટા ભાગના પુરુષો કામ પર જવા નીકળી ગયા હતા જે 2-4 રડ્યા ખડ્યા બેરોજગાર અને વૃદ્ધો અને મહિલાઓ સિવાય કોઈ એમનો સામનો કરે એવું ત્યાં હાજર ન હતું અને એ લોકોની એવી હિંમત ન હતી કે એમને રોકે. માત્ર એમને એટલી નવાઈ લાગી હતી કે ઘરેણાં કે મોબાઈલ છીનવવાને બદલે માત્ર સ્કૂલ બેગ લઈને એ લોકો કેમ ભાગ્યા હશે. તો એ જ વખતે ગુલાબચંદ નો ખાસ માણસ એક ટેમ્પોમાં મજૂરો સાથે 4 જણને બેસાડીને જેસલમેરમાં ગુલાબચંદના ગોડાઉન + ઓફિસે પહોંચ્યો હતો. અનોપચંદ પ્લેનમાં હતો અને લંડન જઈ રહ્યો હતો. નિનાદ પણ ઓસ્ટ્રેલિયાથી લંડનની ફ્લાઈટમાં રસ્તામાં હતો. મોહનલાલના લગભગ બધા કામ પૂર્ણ થયા હતા, એ 15 મિનિટ પહેલા 1 કલાકનું એલાર્મ લગાવીને સૂતો હતો એ આખી રાત જાગીને પ્લાનિંગ કરી રહ્યો હતો. મુકેશ વ્યગ્ર હતો ઓફિસના બધા ડોક્યુમેન્ટ જપ્ત થયા હતા અને કમ્પ્યુટર ના ડેટાની કોપી કરીને આઇટી ઓફિસરો લઇ ગયા હતા, પૃથ્વીએ હોટલમાં 3-4 વાર ચા નાસ્તો સાબુ ગીઝરની ફરિયાદ કરવા કોઈને કોઈને બોલાવ્યા હતા અને એમની સાથે બને એટલી લાંબી વાત કરી ને કઈ તારણ પર પહોંચ્યો હતો. ક્રિષ્નન માથે હાથ દઈને પોતાની કેબિનમાં બેઠો હતો. એની પૌત્રીની બેગ ચોર લોકો છીનવી ગયા છે એ એને ખબર ન હતી. નીતા અને સિન્થિયા નાસા ની ઓફિસમાં બેઠા હતા. એમના ચહેરા પર ચિંતાની લકીરો હતી કેમ કે સુમિતનો લગાતાર કોન્ટેક્ટ કરવા છતાં એનો કોઈ સંપર્ક થતો ન હતો. માઈકલને એ લોકો એ રાતના લગભગ 12 વાગ્યે માંડ સમજાવી ને ઘરે મોકલ્યો હતો. માર્શા કોફીના 3 કપ લઇ ને એમની બાજુની ખુરશી પર બેસ્ટ બોલી "નીતા મેડમ તમે થોડો આરામ કરી લો રાતના (લંડનમાં) 3 વાગવા આવ્યા છે." તો એજ વખતે સુમિત અને સ્નેહા એકબીજાને વળગીને બધી ચિંતાને ભૂલીને આરામથી સુતા હતા. તો નીચેના માળે ગોરાણી માં બધી તૈયારી ચેક કરી રહ્યા હતા. દુબઈના 'વલ્ડ હુબ' મોલમાં બીજા માળે આવેલા 'કટિંગ એન્ડ ફિટિંગ' ના ભારત ડીપાર્ટમેન્ટમાં આમતેમ આંટા મારી રહ્યા હતા. એમના સહકર્મીઓ એ એમને કદી એવી રીતે વર્તતા જોયા ન હતા. એજ વખતે દુબઈની જેટી ની પાસે આવેલા ગોડાઉનની એક બહાર થી તાળું મારેલા રૂમમાં ખુરશી માં બંધાયેલ જીતુભા એ હળવો કણસાટ કરી ને આંખો ખોલી. 

xxx

સંસદનું આજનું સત્ર શરૂ થયું. ગઈ કાલે સવારે 10.30 વાગ્યે શરૂ થયેલ ચર્ચામાં સરકાર અને વિપક્ષ તરફથી સામ સામે જોરદાર દલીલો થઈ હતી. એ છેક આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થઇ હતી. હવે સરકાર પાસે બહુમતી છે કે નહીં એ વોટ નાખી ને નક્કી થવાનું હતું. બધા એ બોલી લીધું હતું અને વિપક્ષના અનેક પ્રશ્નોના જવાબ દેવાનું કાર્ય પરંપરાગત રીતે વડાપ્રધાનશ્રીએ કરવાનું  હતું એ ભાષણ શરૂ થયું. આ ભાષણ પૂરું થાય એટલે તરત વોટિંગ અને પછી ફેંસલો કે સરકાર ટકશે કે જશે. એ જ વખતે ભાનમાં આવીને જીતુભા થોડો સ્વસ્થ થયો. એણે પોતાના હાથ પગ ખેંચીને સહેજ આળસ મરડવાની કોશિશ કરી પણ અનુભવ્યું કે એના હાથ બંધાયેલા હતા, એ વાતની એને ખાતરી જ હતી. એક નાનકડું સ્મિત એના ચહેરા પર આવ્યું અને ગઈ સાંજે ઈશ્વર ભાઈ સાથે થયેલી વાતો એણે યાદ કરી. અને પોતાનું મોં લંબાવીને પોતાના શર્ટ નો ડાબો કોલર પોતાના મોં માં લીધો. એજ વખતે ગુરુ અન્નાએ ગણેશને કહ્યું કે સ્કૂલ બેગ મળી ગઈ છે. પણ એમાં સ્કૂલની ચોપડી-નોટ સિવાય કઈ નથી. ગણેશને એને કહ્યું કે સ્કૂલ બેગ મને પહોંચાડો, અને ક્રિષ્નનના ફોન ની રાહ જુઓ. તો આ બાજુ ક્રિષ્નનની પુત્રવધુ એ ક્રિષ્નનને ફોન કરીને રડતા રડતા સમાચાર આપ્યા કે "સ્કૂલ બેગ કોઈ બાઈક વાળા છીનવી ગયા છે." સાંભળીને ક્રિષ્ણનના હાથમાંથી ફોન પડી ગયો અને એને લાગ્યું કે એને હાર્ટએટેક આવી રહ્યો છે. એ પોતાની છાતી દબાવતો ખુરસી પરથી ઢળી પડ્યો. સામે જ ઉભેલા પ્યુને રાડો પાડવા માંડી "સાહેબ એ સાહેબ, શું થાય છે" એની રાડો સાંભળીને ઓફિસ સ્ટાફ જમા થઈ ગયો. 

xxx 

વડાપ્રધાનનું ભાષણ લગભગ દોઢ કલાક ચાલ્યું અને વોટિંગ ની પ્રક્રિયા શરૂ થી જે ફટાફટ પુરી પણ થઇ કેમ કે બધા સાંસદોને એક ડિવાઇસ આપવામાં આવેલું એમાં 2 બટન હતા. જેમાં 1લૂ ઓપ્શન હતું. આ સરકારમાં તમને વિશ્વાસ છે. જયારે 2જા બટનનું ઓપશન હતું કે આ સરકારમાં વિશ્વાસ નથી. લગભગ 15 મિનિટ પછી અધ્યક્ષ શ્રીએ ફેંસલો સંભળાવ્યો કે 269 સભ્યોને સરકારમાં વિશ્વાસ છે. જયારે 270 સભ્યોને સરકારમાં વિશ્વાસ નથી. આમ માત્ર એક મતથી સરકાર પડી ગઈ. સંસદ ભવનમાં શોર બકોર થઇ ગયો કેટલાક જીતની ખુશી મનાવી રહ્યા હતા, તો કેટલાક માયુસ થઈને બેઠા હતા, કેટલાક વારંવાર વિચારી રહ્યા હતા કે આમ થયું હોત તો આમ થાત. ધીરે ધીરે બધા વિખરાયા અને બહાર નીકળવા માંડ્યા. પણ આ બધા થી અલિપ્ત વડાપ્રધાન પોતાની ચેર પર બેઠા રહ્યા. 

xxx 

 

ઈશ્વર ભાઈએ પોતાની સામે ઉભેલા પૃથ્વીને એક થેલી કહ્યું કે "તારા 2 જોડી કપડાં તૈયાર છે. અને સૂટ 3 દિવસમાં બની જશે. તું અહીં સુધી કેવી રીતે આવ્યો છે?"

"મારી ટેક્સી બહાર ઉભી છે અને મારે ઝાહીદને.."

એનું વાક્ય કાપતા ઈશ્વરભાઈ એ એને એક ચિઠ્ઠી આપતા કહ્યું "એક જોડી કપડાં ટ્રાયલ માટે પહેરી લે. અને દુબઈમાં ક્યારેય તકલીફ હોય તો મને કે સ્ટોર માલિક ભગવાન ભાઈને મળજે. ટેક્સી ડ્રાઈવર તારા ભરોસાનો માણસ છે કે અજાણ્યો? કહેતો હો તો તારી સાથે કોઈ ને મોકલું. આ એડ્રેસ પર પહોંચી જા. તને ત્યાં પહોંચતા 15 મિનિટ થશે. તું ત્યાં પહોંચીશ ત્યારે ઘરમાં માત્ર બાળકો અને સ્ત્રીઓ હશે એક વોચમેન છે. મને ખાત્રી છે કે સ્ત્રીઓ સાથે તું કઈ આડુંઅવળું નહિ કરે. બાકી આગળ શું કરવું એ તું જાણે છે."

xxx 

મોહનલાલ અલાર્મથી જાગ્યો અને ફ્રેશ થઈને ગણેશનને ફોન કર્યો. એની સાથે વાત કરીને પછી નિશ્ચિત થઈને પોતાના રસોડામાં પોતાના માટે ચા બનાવવા ગયો. તો ગણેશને ફોન કટ કરીને પોતાની બાજુમાં બેઠેલા ખબરી કાકાને કંઈક કહ્યું. એની વાત સાથે સંમત થતા ખબરી કાકાએ કોઈને ફોન જોડ્યો સામેથી ફોન ઉંચકાયો એટલે એણે કહ્યું. "હેલો ક્રિષ્ણન" 

ક્રમશ:

 તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરીને જરૂરથી જણાવશો.