૨૬.લોજીક
અપર્ણા એનાં વિચારોમાં ખોવાયેલી હતી. આમ કહીએ તો એનાં અને શિવનાં વિચારોમાં ખોવાયેલી હતી. એ સમયે જ એનાં મોબાઈલની રિંગ વાગી. સ્ક્રીન પર નિખિલ નામ ચમકી રહ્યું હતું. એને કોઈ રોકટોક ન હતી, કે એ અપર્ણાને કોલ નાં કરી શકે. છતાંય એણે એનાં મોટાં પપ્પાની વાતનું સમ્માન જાળવી રાખતાં અપર્ણા મુંબઈ આવતી રહી, પછી ક્યારેય નિખિલે એને કોલ કર્યો ન હતો.
નિખિલ કિડનેપ થયો. એ પછી એણે પહેલીવાર અપર્ણાને કોલ કર્યો હતો. કોઈ જરૂરી વાત હશે એમ સમજીને અપર્ણાએ કોલ રિસીવ કરીને, કાને લગાવ્યો, "હાં નિખિલ! બોલ."
"દીદી! મારે તમને એક બહું જરૂરી વાત જણાવવી છે." નિખિલે તરત જ કહ્યું, "તમને પેલી અનોખી યાદ છે?" એણે સવાલ કર્યો. એ સવાલ સાથે જ અપર્ણા થોડી સિરિયસ થઈ ગઈ. નિખિલે આગળ કહ્યું, "એ મુના બાપુની છોકરી છે. એ જ મુના બાપુ જેમણે મને કિડનેપ કર્યો હતો."
નિખિલની વાત પૂરી થતાં જ અપર્ણાને ૪૪૦ વોલ્ટનો ઝટકો લાગ્યો. એ તરત જ બેન્ચ પરથી ઉભી થઈ ગઈ. જે વાત શાહ પરિવારમાંથી માત્ર એને એકને જ ખબર હતી. એ હવે નિખિલને પણ ખબર પડી ગઈ હતી. પણ, કેવી રીતે? એ હજું સુધી અપર્ણાને ખબર ન હતી.
"આ બધી તને કેમ ખબર?" અપર્ણાએ તરત જ સવાલ કર્યો.
"એ કાલે કોલેજમાંથી છૂટ્યાં પછી અજીબ જ વર્તન કરતી હતી." નિખિલે કહ્યું, "આજે મેં એને એક આદમી સાથે વાત કરતાં જોઈ. ત્યારે એનું તો રૂપ જ અલગ હતું. એ પેલા આદમીને ભડાકે દેવાની વાત કરતી હતી." એ કોઈ સસ્પેન્સ થ્રીલર કહાનીની જેમ વાત કરવાં લાગ્યો, "પછી અચાનક જ પેલો વ્યક્તિ ડરી ગયો, અને એણે કહ્યું, કે મુના બાપુએ એને મારી અને અનોખી ઉપર નજર રાખવા અમદાવાદ મોકલ્યો છે. એમને એવું લાગે છે, કે હું અને અનોખી એકબીજાને પસંદ કરીએ છીએ. આ બધું સાંભળ્યાં પછી અનોખીએ પેલાને એમ કહ્યું, કે 'પપ્પાને કહેજો એમની શંકા સાચી ઠરી છે, બાકી હું મુંબઈ આવીને બધું સંભાળી લઈશ.' દીદી! અનોખી કાલે મુંબઈ આવી રહી છે." કહીને નિખિલે એની વાત પૂરી કરી.
નિખિલની પૂરી વાત સાંભળ્યાં પછી અપર્ણા કંઈક વિચારવા લાગી. એણે પોતાની આજુબાજુ નજર કરી. અચાનક જ એની નજર રસ્તાની સામેની બાજુએ ઉભેલાં એક આદમી પર પડી. જેને ઓળખતાં અનોખીને જરાં પણ વાર નાં લાગી. એ મુના બાપુનો આદમી હતો. જેને અપર્ણાએ મુના બાપુનાં બંગલે જોયો હતો.
"હું તારી સાથે પછી વાત કરું. પણ, તને જે કંઈ ખબર પડી છે. એની જાણ તું ઘરે કોઈને નાં કરતો. બાકી હું સંભાળી લઈશ." કહીને અપર્ણાએ તરત જ કોલ કટ કરી નાખ્યો.
હવે અપર્ણાનું મગજ બુલેટ ટ્રેનની માફક દોડવા લાગ્યું હતું. એ એકલાં એકલાં જ બબડવા લાગી, "અમદાવાદમાં મુના બાપુનો આદમી નિખિલ પર નજર રાખી રહ્યો છે. અહીં મારી ઉપર પણ એનાં આદમીની નજર છે. મતલબ...." એણે પોતાનું વાક્ય અધૂરું જ છોડ્યું, અને તરત જ મોબાઈલ ઓન કરીને એમાં કંઈક ટાઈપ કરવા લાગી. પછી તરત જ એણે મોબાઈલ પર્સમાં મૂક્યો, અને શૂટિંગમાં ધ્યાન પરોવ્યું. આ કામ પણ એનાં માટે જરૂરી હતું. મુસિબતો ગમે તેટલી આવે. પણ, અપર્ણા મુંબઈ આવવાં પાછળનું પોતાનું સપનું અને એનાં પપ્પા સામે રાખેલી શરત એ હજું સુધી ભૂલી ન હતી. એટલે જ તો આટલાં બધાં રાઝ સામે આવવાં છતાં, અને રોજ નવી મુસિબતો ઉભી થવા છતાંય એ ફરી મુંબઈ આવી પહોંચી હતી.
શૂટિંગ પૂરું કર્યા પછી એ તરત જ પોતાનાં ફ્લેટ પર આવવાં નીકળી ગઈ. એણે કારને જેવી રસ્તા પર દોડાવી. એ સાથે જ એની પાછળ મુના બાપુનાં આદમીની કાર પણ એનો પીછો કરવા લાગી. અપર્ણાને આ ખેલ હવે દિલચસ્પ લાગી રહ્યો હતો. એણે સેટેલાઈટ ઈલેજન્સ આવતાં જ કાર પાર્કિગમાં પાર્ક કરી, અને પોતાનાં ફ્લેટ પર આવી ગઈ. ફ્લેટનો દરવાજો ખોલતાં જ એને લિવિંગ રૂમનાં સોફા પર બેઠેલો શિવ નજરે ચડ્યો.
"આ બધું શું છે? તે મને અત્યારે અહીં કેમ બોલાવ્યો?" શિવે ગુસ્સામાં આવીને ઉંચા અવાજે પૂછ્યું, "એક તો પોતે બોલાવે અને ઘરેથી ગાયબ પણ થઈ જાય. બોલાવ્યો તો બોલાવ્યો ઉપરથી કારને ફ્લેટથી એક કિલોમીટર દૂર પાર્ક કરાવી. આખરે હવે તારાં દિમાગમાં કેવી ખિચડી પાકી રહી છે? તું...."
"ઓય, એકદમ ચૂપ." અપર્ણાએ શિવની વાત વચ્ચે જ કાપીને પોતાનાં હોંઠો પર આંગળી મૂકીને કહ્યું, "મારો દિમાગ કંઈ કિચન નથી, કે એમાં ઘુસીને ખિચડી પકવી શકાય." એણે ચિડાઈને કહ્યું, "મેં તને તારી ભલાઈ માટે જ અહીં બોલાવ્યો છે, અને કાર ફ્લેટથી દૂર પાર્ક કરવાં કહ્યું. તો એની પાછળ કંઈક તો લોજીક હશે ને? એટલું જરાં વિચારી લેવાય."
"લોજીક? એ પણ તારી વાતમાં?" શિવે હસતાં હસતાં કહ્યું, "લોજીક શબ્દનો અર્થ પણ તને ખબર છે? લોજીક હંમેશા એવાં વ્યક્તિની વાતોમાં હોય, જેની વાતોમાં કોઈ તથ્ય હોય. તારી તો એકપણ વાતમાં કયારેય કોઈ તથ્ય જ નથી હોતું."
"મતલબ હું હંમેશા તથ્ય વગરની વાતો કરું છું એમ?" અપર્ણાએ ગુસ્સાથી ભડકીને કહ્યું, "જા, મારે તારી સાથે કોઈ વાત જ નથી કરવી."
"તો હું ક્યાં તારી સાથે વાત કરવા પાગલોની જેમ ફરું છું? મારે પણ તારી સાથે કોઈ વાત નથી કરવી." શિવે પણ થોડો ગુસ્સો કરીને કહ્યું.
"હાં હાં, જા જા, મને પણ તારી સાથે વાત કરવાનો કોઈ શોખ નથી. હુંહ." અપર્ણાએ મોઢું બગાડીને કહ્યું. શિવ તરત જ ચાલતો થઈ ગયો. એ હજું દરવાજા સામે પહોંચ્યો જ હતો. ત્યાં જ અપર્ણાએ કહ્યું, "જા પણ, એક વાત સાંભળતો જા. જ્યારે મુના બાપુને તારાં પ્લાનની ખબર પડી જાય, અને તારી મહેનત પર પાણી ફરી જાય. ત્યારે રડતાં રડતાં મારી પાસે આવજે. ત્યારે કદાચ તને મારી વાતમાં કોઈ તથ્ય નજર આવી જાય." મુના બાપુનું નામ આવતાં જ શિવનાં કદમ દરવાજે જ જડ થઈ ગયાં. એણે તરત જ પાછળ ફરીને અપર્ણા સામે જોયું. એનાં ચહેરાં પર બાર વાગેલા જોઈને અપર્ણાએ આગળ કહ્યું, "ક્યૂં? લગા ના ઝટકા? મુજે ભી લગા થા."
"મતલબ?" શિવે અપર્ણા તરફ આવીને પૂછ્યું.
"શાં માટે કહું?" અપર્ણાએ શિવની આંખોમાં આંખો પરોવીને કહ્યું, "તને તો મારી વાતો તથ્ય વગરની લાગે છે ને?" એણે તથ્ય શબ્દ પર કંઈક વધારે પડતો જ ભાર આપ્યો, "તને એમ છે, કે હંમેશા તારી વાતો જ તથ્ય વાળી હોય છે. મારી બધી વાતો તો નકામી જ હોય છે. તે મને એક વખત શું કહ્યું હતું?" એણે વિચારવાનો ડોળ કરતાં કહ્યું, "હાં યાદ આવ્યું, 'કુત્તા પાલો, બિલ્લી પાલો, મગર વ્હેમ કભી મત પાલો.' આ લાઈન અત્યારે તારી ઉપર ફીટ બેસે છે. તને પણ એવો જ વ્હેમ છે, કે તારી વાતો લોજીકલ અને બીજાંની ઈલોજીકલ હોય છે. ખાસ કરીને મારી!"
"હવે મુદ્દાની વાત કરીશ?" શિવે અપર્ણાની વાતોથી કંટાળીને પૂછ્યું.
"જી, નહીં." કહીને અપર્ણા પોતાનાં રૂમમાં જતી રહી.
(ક્રમશઃ)
_સુજલ પટેલ "સલિલ"