પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૪૯
આરવના રચના સાથેના ધામધૂમથી લગ્ન થયા. એની સાથે નવા મોબાઇલને પણ લોન્ચ કરી દેવામાં આવ્યો. લગ્ન સાથે મોબાઇલ લોન્ચ કરવાના નવા વિચારની મિડિયાએ ઘણી નોંધ લીધી હતી. સોશિયલ મિડિયામાં આરવ-રચનાના લગ્નની સાથે નવો મોબાઇલ છવાયેલો રહ્યો હતો. કેટલાકે લખ્યું હતું કે નવા ફેમિલી સાથે 'ફેમી' લોન્ચ થયો. લોકોને મોબાઇલનું નામ 'ફેમી' પસંદ આવી ગયું હતું. પરિવાર માટે વ્યાજબી કિંમતમાં આવો મોબાઇલ મળે એમ ન હતો. યુટ્યુબ ઉપર મોબાઇલનો રીવ્યુ કરનારાઓએ એને એક સારો અને પારિવારિક મોબાઇલ ગણાવ્યો હતો. રચનાનો વિચાર સફળ રહ્યો હતો. હવે એનું વેચાણ કેવું થાય છે એના પર બધો આધાર હતો.
આરવના મિત્રો જાણતા હતા કે એ કિશોરકુમારના ગીતોનો ગાંડો શોખ ધરાવે છે. એક ખાસ સ્પીકર પર કિશોરકુમારના અસલ અવાજમાં જ ગીતો વાગી રહ્યા હતા. આરવની સૂચના હતી કે બીજા ગાયકોએ ગાયેલા કે ડીજે સાથે વાગતા મિક્સ કરેલા ગીત વગાડવાના નહીં. એમનો અસલી અવાજ દિલને સ્પર્શી જાય છે. એમના અસલ અવાજની તોલે કોઇનો અવાજ ના આવે.
લગ્ન મંડપ ખાલી હતો અને હજુ કોઇ આવ્યું ન હતું ત્યારે પહેલું ગીત 'શાયદ મેરી શાદી કા ખયાલ દિલ મેં આયા હૈ...' વાગતું હતું.
લગનની વિધિ ચાલી રહી હતી ત્યારે ધીમા સ્વરમાં ગીત વાગી રહ્યું હતું:'જાનૂં મેરી જાન, મેં તેરે કુર્બાન, મેં તેરા તૂ મેરી, જાને સારા હિન્દુસ્તાન...' પણ વિધિ કરતી રચનાના મનમાં 'જિસકા મુઝે થા ઇંતજાર, જિસકે લિયે દિલ થા બેકરાર, વો ઘડી આ ગઇ આ ગઇ, આજ પ્યાર મેં હદ સે ગુજર જાના હૈ, માર, દેના હૈ તુઝકો યા મર જાના હૈ...' ગુંજતું હતું.
આરવના મિત્રો કિશોરકુમારના ગીતો પર ઝૂમી રહ્યા હતા. એક મિત્ર બીજાને કહી રહ્યો હતો કે હનીમૂન મનાવવા જશે ત્યાં આરવ રચનાને જોઇને ગાશે કે,'તેરે ચેહરે સે નજર નહીં હટતી નજારે હમ ક્યા દેખેં.' એ સાંભળીને બીજો મિત્ર ખડખડાટ હસી પડ્યો હતો.
રચનાના લગ્નમાં એના મમ્મી મીતાબેન ચૂપ જેવા જ રહ્યા હતા. માત્ર હસીને જ પ્રતિસાદ આપતા હતા. એમને બીક હતી કે પોતાની ઓળખ છતી ના થઇ જાય. કેમકે લગ્ન ભલે મોટાપાયા પર આયોજિત કર્યા ન હતા પણ સાથે 'ઓલ ઇન વન' કંપનીનો નવો મોબાઇલ 'ફેમી' લોન્ચ થઇ રહ્યો હતો એટલે લખમલભાઇના ઓળખીતા- પાળખીતા કરતાં કંપનીના કર્મચારીઓ વધુ હતા. મોબાઇલની કંપનીના સફળતાના પાયામાં એ બધાં જ હતા. નાના- મોટા તમામ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા. એમાં ઘણાં કર્મચારીઓ જૂના હતા. એ ઓળખી શકે એમ હતા. ક્યાંક કોઇ જૂની ઓળખાણ કાઢે તો મુશ્કેલી ઊભી થાય એમ હતી એનો મીતાબેનને ખ્યાલ હતો. એમણે ઘણી વખત સાડીનો પાલવ ચહેરા પર એવો સિફતથી ઢાંકી દીધો હતો કે અડધું જ મોં દેખાય. એમની નજર કંપનીના કર્મચારીઓ માટે ખાસ બાંધવામાં આવેલા શમિયાણા તરફ ફરતી રહેતી હતી. સદનસીબે બધા નવા જ લાગતા હતા. કોઇ એમને ઓળખી શકે એવી શક્યતા જણાતી ન હોવાથી નિશ્ચિંતતા અનુભવી રહ્યા હતા.
લખમલભાઇ પરિવારમાં રચનાના લગ્ન થઇ રહ્યા હોવાથી મીતાબેનને એક તરફ ખુશી થઇ રહી હતી અને બીજી તરફ વિચિત્ર લાગણી અનુભવાતી હતી. એક સમયે મોટી ઘટના પછી આ પરિવાર સાથેનો એમનો નાતો તૂટી ગયો હતો એને રચનાએ પાછો જોડ્યો હતો. પરંતુ એનો મકસદ અલગ જ હતો. મીતાબેન સામે હવે ઘણી વખત ભૂતકાળ ઝબકી જતો હતો. એ પોતાની યાદોને વર્તમાન પર હાવી થવા દેતા ન હતા.
હિરેનની પત્ની અલકા અને કિરણની પત્ની સોનલના ચહેરા પર નકલી ખુશી એમણે કરેલા મેકઅપમાં અસલી લાગી રહી હતી. બંને જાણે લગ્નમાં મહાલવા માટે જ તૈયાર થઇ હોય એવો ડોળ કરી રહી હતી. અસલમાં દિલમાં અને ચહેરા પર નવી આવનારી રચના માટેની જલનને દબાવવા જ મોંઘો મેકઅપ કર્યો હતો. કિરણ અને હિરેને પત્નીઓને ચેતવણી આપી જ દીધી હતી કે રચના આવ્યા પછી એમની કિંમત ઓછી થઇ શકે છે. સાવધાન રહેવું. એનાથી ઘણી બાબતો છુપી રાખવાની છે.
પહેલાં અલકા અને સોનલ આરવની આવનારી પત્ની માટે કેટલાય અરમાન સેવીને બેઠી હતી. પરંતુ રચના સાથે એના લગ્ન નક્કી થયા અને પતિઓએ એમના કાનમાં રચના વિશે ફૂંક માર્યા પછી દિયરને પરણાવવાનો ઉત્સાહ સોડાવોટરના ઉભરા જેવો બનીને રહી ગયો હતો. કિરણ અને હિરેન આરવના સગા ભાઇ હોવા છતાં જાણે બહારથી આવેલા મહેમાનોની જેમ પ્રસંગમાં ભાગ લઇ રહ્યા હતા. લખમલભાઇ અને સુલોચનાબેન બહુ ઉત્સાહમાં હતા. એમના પરિવારનો આ છેલ્લો લગ્ન પ્રસંગ હતો. એ આ પ્રસંગને પૂરેપૂરો માણી લેવા માગતા હતા.
રચના અત્યંત ખુશ હતી. રચના પોતે એક સામાન્ય અને ગરીબ પરિવારની યુવતી હોવા છતાં માલેતુજાર અને દેશની જાણીતી કંપનીના માલિકની પુત્રવધુ બનવા જઇ રહી હતી એના કરતાં આ પરિવાર અને ખાસ તો એમની કંપનીમાં પ્રવેશ મેળવવામાં સફળ થઇ હતી એના વિજયનો આનંદ વધુ હતો. આરવ ખુશ હતો કે એને એની પસંદગીની છોકરી મળી હતી. તે એની અપેક્ષા કરતાં વધુ બુધ્ધિશાળી અને હોંશિયાર હતી.
લગ્ન પછી મિત્રોએ આરવ અને રચનાને સ્ટેજ પર એક ગીત પર ડાન્સ કરવાની ફરમાઇશ કરી એમને તેઓ ટાળી શક્યા નહીં એવું લોકોને લાગ્યું. અસલમાં બંનેએ એ માટે પૂર્વતૈયારી કરી રાખી હતી.
કિશોરકુમાર અને આશા ભોંસલેના અવાજવાળું 'એક મૈં ઔર એક તૂ, દોનોં મિલે જિસ તરહા...ઔર જો તનમન મેં હો રહા હૈ, યે તો હોના હી થા...' ગીત પર નાચતી વખતે આરવને તનમનમાં પ્રેમની એવી લાગણીઓ થઇ રહી હતી કે હમણાં જ રચનાને પોતાની છાતી સાથે ભીંસી દે. જ્યારે રચનાને તનમનમાં અલગ જ લાગણી થઇ રહી હતી. તેના તનમનમાં પ્રેમની નહીં પણ બીજી જ એક આગ ફેલાઇ રહી હતી. જેનો આરવને સપના જેનો આરવને સપનામાં અંદાજ આવે એમ ન હતો.
ક્રમશ: