ચુપ: રિવેન્જ ઓફ ધ આર્ટીસ્ટ
-રાકેશ ઠક્કર
સને દેઓલ વર્ષો પછી એક દમદાર ભૂમિકામાં પુનરાગમન કરી રહ્યો હોવાથી નિર્દેશક આર. બાલ્કીની 'ચુપ: રિવેન્જ ઓફ ધ આર્ટીસ્ટ' ની વધારે ચર્ચા હતી પરંતુ એમાં દુલકર સલમાને ખરો રંગ રાખ્યો છે. તે પોતાના અભિનયથી સમીક્ષકોની સૌથી વધુ પ્રશંસા મેળવી ગયો છે અને એમને રેટિંગમાં આપવાના હતા તેનાથી એક 'સ્ટાર' વધારે આપવા મજબૂર કર્યા છે. લગભગ બધાંએ ફિલ્મને બે થી ચાર સ્ટાર આપ્યા છે.
દુલકર એક-એક દ્રશ્યમાં છવાઇ ગયો છે. સમીક્ષકોએ એકી અવાજે એના અભિનયને બિરદાવ્યો છે. એક ફૂલ વેચનારાની આ ભૂમિકા બીજો કોઇ કલાકાર આટલી સહજતાથી કદાચ જ કરી શક્યો ના હોત. એ ફિલ્મની આત્મા બની રહે છે અને આજની પેઢીમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં એક છે. થોડા સમય પહેલાં 'સીતારામમ' માં તે પ્રભાવિત કરી જ ગયો હતો. એમ કહેવાયું છે કે જો તમે કંઇ સારું જોવા માગતા હોય તો દુલકરની બધી જ ફિલ્મો જોઇ નાખો. 'ચુપ' ની તે જાન છે અને એમાં એની જ વાર્તા છે. સનીએ ઉંમર મુજબની દમદાર ભૂમિકાથી પ્રભાવિત કર્યા છે. એ પોલીસની ભૂમિકામાં બરાબર જચે છે. શ્રેયા ધન્વંતરીએ પોતાના પત્રકારના પાત્રને સટીક રીતે નિભાવ્યું છે. પૂજા ભટ્ટ બીજા ભાગમાં આવે છે છતાં પોતાના અભિનયથી ભૂમિકાથી નિરાશ કરતી નથી. અમિતાભની ખાસ ભૂમિકા યાદગાર બની રહેશે. તો શ્રેયાની મા તરીકે સરન્યા પોનવન્નનનું કામ અદભૂત છે. આર. બાલ્કીએ દરેક પાત્રની વરણી બહુ યોગ્ય રીતે કરી છે.
'ચુપ' માં જે બતાવાયું છે એ બોલિવૂડમાં ક્યારેય જોવા મળ્યું નથી. ફિલ્મો માટે રેટિંગ આપવાને કારણે કોઇને મારી નાખવાનો વિચાર ખતરનાક છે. સિનેમાના ઇતિહાસમાં પહેલી વખત ફિલ્મોની રેટિંગ આપતા સમીક્ષકોને કેન્દ્રમાં રાખીને કોઇ ફિલ્મ બની છે ત્યારે એને પાંચમાંથી કેટલા સ્ટાર મળ્યા એ જાણવાની દર્શકોને ઉત્સુક્તા જરૂર હતી. એ વાત અલગ છે કે આજના દર્શકો એટલા પરિપકવ થઇ ગયા છે કે કોના ફિલ્મ રીવ્યુ સાચા છે કે ખોટા એ સમજી જાય છે. સમીક્ષક કોમલ નાહટાનું તો કહેવું છે કે આ પ્રકારની વાર્તાને પચાવવાનું મુશ્કેલ છે. કોઇ માણસ ગુસ્સામાં સમીક્ષકની હત્યા કરવા પર ઉતરી આવે એ વાત ગળે ઉતરે એવી નથી. સિરિયલ કિલર એવું વિચારે છે કે ફિલ્મ સમીક્ષાઓ વાંચીને દર્શકો પર અસર થાય છે. પણ એવો કોઇ સમીક્ષક નથી જે ફિલ્મના ભવિષ્યને બદલી શકે. ફિલ્મની વાર્તાનો પાયો જ ખોટો છે. ફિલ્મમાં એક જગ્યાએ સિરિયલ કિલરને કારણે પોલીસ સમીક્ષકોને થોડા સમય માટે રીવ્યુ ન કરવાનું કહે છે ત્યારે એ વાતનો વિરોધ થાય છે પણ પછી એવું આવે છે કે સમીક્ષકો પોલીસને એવું કહે કે જ્યાં સુધી અમારી સલામતિની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી રીવ્યુ લખીશું નહીં. એ વાત અટપટી લાગે છે.
ફિલ્મમાં હિંસાના દ્રશ્યો વધારે હોવાથી 'એ' સર્ટીફિકેટ મળ્યું હતું. હત્યાના કેટલાક દ્રશ્યો તો પુખ્ત લોકો પણ જોઇ ના શકે એટલા ડરામણા છે. બાળકો માટે તો આ ફિલ્મ બિલકુલ નથી. અને ક્લાસ દર્શકો માટેની ગણાઇ હોવાથી પારિવારિક દર્શકો મળ્યા નથી. વાર્તા એક સિરિયલ કિલરની છે. એ એવા સમીક્ષકોની હત્યા કરતો રહે છે જેણે ફિલ્મને ઓછા સ્ટાર આપ્યા હોય છે કે વધુ સ્ટાર પણ આપ્યા હોય છે. હત્યાઓ કરવાની તેની નિર્દયી રીત એવી હોય છે કે પોલીસ ચોંકી જાય છે અને ગુંચવાય છે. એ સિરિયલ કિલર કોણ હોય છે અને એનું ગુરુદત્ત સાથે શું જોડાણ છે એ જાણવાનું રસપ્રદ બની જાય છે.
સમીક્ષકોએ આર. બાલ્કીના નવા વિષય પર ફિલ્મ બનાવવાના પ્રયાસને બિરદાવ્યો છે પણ એમણે કેટલીક બાબતોની અવગણના કરી હોવાનો અફસોસ વ્યક્ત કર્યો છે. મહાન ફિલ્મકાર ગુરુદત્તને શ્રધ્ધાંજલિ આપવા આ ફિલ્મ બનાવી હોવા છતાં એમની 'કાગઝ કે ફૂલ' છેલ્લી ફિલ્મ હતી અને એમનું મોત એની નિષ્ફળતાને કારણે થયું હોવાની ખોટી માહિતી રજૂ કરી છે. અને 'કાગઝ કે ફૂલ' માત્ર સમીક્ષકોએ જ નહીં દર્શકોએ પણ નકારી કાઢી હતી. લેખકે સરખું સંશોધન કર્યું નથી. અને પૂજા ભટ્ટના પાત્રના માધ્યમથી કેટલાક સંવાદમાં હિંસાને ન્યાયી ગણાવી હોવાથી ટીકા થઇ છે.
આમ તો ક્લાઇમેક્સમાં રહસ્ય ખોલવા જેવું કંઇ રહ્યું જ નથી. દર્શકને કિલરની ખબર પડી જ ગઇ હોય છે. એમણે પોલીસને ખબર પડે એની રાહ જોવાની હોય છે! પોલીસ કરતાં દર્શકને પહેલી ખબર પડી જાય એ લેખનની ખામી જ કહેવાય. બહુ જલદી કિલર છતો થઇ જતો હોવાથી સસ્પેન્સ બનતું અટકી જાય છે. ઇન્ટરવલ પહેલાં જ રહસ્ય ખુલી જાય છે છતાં દિલચશ્પી બની રહે છે. ફિલ્મ એક સાઇકો થ્રીલર છે પણ રોમાંચ આવતો નથી. ફિલ્મનો સૌથી મોટો માઇનસ પોઇન્ટ એ જ છે કે આર. બાલ્કીએ ઇન્ડસ્ટ્રીની પોલ ખોલવાનું ટાળીને સલામત રીતે વાત કહી છે. અને ક્લાઇમેક્સને ઉતાવળમાં બરાબર ફિલ્માવ્યો નથી. એમ જરૂર થશે કે હજુ વધુ સારો બનાવી શકાયો હોત.
આર. બાલ્કીએ અગાઉ પા, શમિતાભ, ઇગ્લીશ વિંગ્લીશ, પેડમેન વગેરે 'જરા હટકે' ફિલ્મો બનાવી હોવાથી ટ્રેલર પછી દર્શકોની ઉત્સુક્તા વધી ગઇ હતી. તે એક નિર્દેશક તરીકે જરા પણ નિરાશ કરતા નથી. હલ્કાફુલ્કા પ્રસંગો અને સંવાદ પણ છે. ફિલ્મમાં ગુરુદત્તની ફિલ્મના ગીતો યોગ્ય જગ્યાએ મૂકવામાં આવ્યા છે. રેટ્રો સિનેમાના ચાહકો અને ખાસ કરીને ગુરુદત્તના પ્રશંસકોએ આ ફિલ્મ જોવા જેવી છે. ફિલ્મ 'ચુપ' નો પ્રિમીયર શો જોયા પછી સમીક્ષકોએ મજાકમાં એકબીજાને કહ્યું હતું કે,'ભાઇ સમજીને સ્ટાર આપજો. એકાદ ઓછો આપશો તો તમારી ખેર નહીં રહે! એક જણે તો કહ્યું કે હું તો પાંચમાંથી સાડા પાંચ આપીશ!!'