One unique biodata - 2 - 9 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૯

Featured Books
Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૯

રાતે દેવ ઘરે આવ્યો.નિત્યા,કાવ્યા અને જસુબેન ડિનર કરવા બેસ્યા હતા.દેવ આવીને સીધો જ બેગ સોફામાં મૂકીને ડાઈનિંગટેબલ પર પોતાની ચેરમાં બેસી ગયો.દેવ ત્યાં બેસ્યો ત્યારે નિત્યા કંઈક લેવા માટે રસોડામાં ગઈ હતી.પણ કાવ્યા અને જસુબેન ત્યાં જ હતા.એ બંને આ દ્રશ્ય જોઈને દંગ થઈ ગયા.કાવ્યા તો વિચારમાં જ પડી ગઈ કે આજ સૂરજ કઈ બાજુ ઊગ્યો હતો.આજ સવારના પપ્પા કઈક અલગ જ બીહેવ કરે છે.

"શું વાત છે પપ્પા,આજ સીધું જ ડાઈનિંગ ટેબલ પર"કાવ્યાએ દેવને પૂછ્યું.

"મને બહુ જ કકડીને ભૂખ લાગી છે.શું બનાવ્યું છે?"દેવે કહ્યું.

"મારા માટે પાસ્તા,નાની માટે રજવાડી ખીચડી અને નીતુ તો કઈ પણ ખાઈ લે છે"કાવ્યા બોલી.

"આ કાંઈ પણ નવી ડિશનું નામ છે?"

"ના,એવી કોઈ ડિશ નથી પણ મને ભૂખ નહોતી એટલે મેં સૂપ બનાવ્યો છે"

"તને આમ પણ કયા દિવસે ભૂખ હોય છે.તું તો હવા ખાઈને જ જીવે છે"દેવ નિત્યાની મજાક ઉડાવતા બોલ્યો.

"સાચી વાત છે હો પપ્પાની"કાવ્યા પણ દેવની વાતમાં સપોર્ટ આપતા બોલી.

દેવ અને કાવ્યાએ હસતા હસતા એકબીજાને તાળી આપતા હાઈ-ફાઈ કર્યું.પછી નિત્યાની ગુસ્સાવાળી આંખો જોઈને બંને હસવાનું બંધ કરી દીધું.

"વેરી ફની,પણ મને હસુ ના આવ્યું.એન્ડ બાય ધ વે,હું ઓફિસના ફ્રેન્ડ્સ સાથે નાસ્તો કરીને આવી છું"

"મારા માટે કઈ નથી બનાવ્યું?"દેવે પૂછ્યું.

"આ દેખાય છે ને?"નિત્યાએ હાથથી ઈશારો કરતા કહ્યું.

"શું?"નિત્યાનો ઈશારો કાવ્યા,દેવ કે જસુબેન ત્રણેયમાંથી કોઈ સમજ્યું નહિ તેથી ત્રણેય એક સાથે બોલ્યા.

"અરે આ અદશ્ય હવા.હવે એ જ ખાવ અને પેટ ભરી લો"નિત્યા ચિડાઈને બોલી.

નિત્યાના આ બોલતા જ દેવ,કાવ્યા,નિત્યા અને જસુબેન બધા જ હસી પડ્યા.આમ હસતો ખેલતો પરિવાર જોઈ જસુબેન થોડા ભાવુક થઈ ગયા અને એમની આંખમાં ખુશીના આંસુ આવી ગયા.જસુબેન મનમાં વિચારવા લાગ્યા કે,"હે કાન્હાજી,મેં ઘણા દિવસે મારા આ પરિવારને હસતો ખેલતો જોયો છે.તમે હંમેશા એમના પર આવી કૃપાનો વરસાદ વરસાવતા રહેજો.હું હોઉં કે ના હોઉં મારા પરિવારને બસ આમ જ ખુશ રાખજો"

"સાચું બોલને,તે ખરેખર કશું જ નથી બનાવ્યું?"દેવે નિત્યાને પૂછ્યું.

"તમે ડિનર મોસ્ટલી બહાર કરીને આવો છો અને ઘરે કરવાનું હતું તો તમારે મને પહેલા કહી દેવું જોઈએ ને"

"હું કામમાં ને કામમાં ફોન કરવાનું જ ભૂલી ગયો"

"કંઈ વાંધો નહીં.તમારે શું ખાવું છે એ કહો,હું હમણાં જ બનાવી લાવું"

"હવે કઈ નથી બનાવવું"

"તો શું જમશો તમે?"

"એક કામ કરો"

"શું?"

"તમારા બધાનામાંથી મને થોડું થોડું આપો"

"પણ હું બનાવી દઉં છું.નહીં વાર લાગે"નિત્યાએ કહ્યું.

"અરે ના,હું પહેલા પણ આવું કરતો હતો.યાદ છે ને મમ્મી તને"દેવે જસુબેનને પૂછ્યું.

"હા યાદ છે"

"નાની મને કહોને પુરી વાત"કાવ્યાએ પુરી વાત જણાવવા માટે જસુબેનને કહ્યું.

"દેવ જ્યારે નાનો હતો ત્યારે એ પોતાની થાળીમાં પીરસેલું જમવાનું જમવાની બદલે થોડું થોડું બધાની એટલે કે મારી પ્લેટમાંથી,એના પપ્પાની પ્લેટમાંથી અને સ્મિ..........."આટલું બોલતા બોલતા જસુબેન અટકી ગયા.

"ચાલો જમી લો બધા,જમતા જમતા વાત કરવી ઇટ્સ બેડ હેબીટ"નિત્યાએ વાત બદલતા કહ્યું.

"મારું જમવાનું થઈ ગયું.હું રૂમમાં જાઉં છું"જસુબેન આટલું કહીને પોતાના રૂમમાં જતા રહ્યા.

"પપ્પા,મારે તમને એક વાત પૂછવી હતી"

"હા પૂછને?"

"મેં કહ્યુંને અત્યારે કોઈ જ વાત નઈ.બધા જમી લો"નિત્યાને કદાચ જાણ થઈ ગઈ હતી કે કાવ્યા શું પૂછવાની હતી એટલે એને ટકોર કરી.

"બોસનો ઓર્ડર છે માનવો જ પડશે"દેવ બોલ્યો.

"ઓકે"

"ચકલી તું જમી રહી હોય તો અંદરથી ટમેટો સોસ લઈ આવને"

"હા"

કાવ્યા ફ્રીઝમાંથી ટમેટોસોસ લેવા ગઈ ત્યાં નિત્યાએ દેવને કહ્યું,"કાવ્યા તમને શું પૂછવાની છે એ મને ખબર છે એટલે હું તમને જે કહું એ કરજો"

"શું પૂછવાની છે?"

"ચોક્કસ તો નથી ખબર પણ હું જે વિચારું છું એ પૂછશે તો તમે જવાબ નહીં આપી શકો"

"અચ્છા,મને ખ્યાલ આવી ગયો"

"એટલે જ તો કહું છુ કે હું જે કહું એમાં બસ મારો સાથ આપજો"

"તું જબરી પ્લેનિંગ કરતી થઈ ગઈ છે"

"પરિવાર માટે બધું જ કરવું પડે"

એટલામાં કાવ્યા આવી.સોસ નિત્યાને આપી પોતે ફોન લઈને સોફા પર બેસી.

"લે આને તો કઈ પૂછ્યું જ નહીં"

"સારું છે ને.મારે ખોટું નહીં બોલવું પડે.પણ મારે એ વાતનો પરમેનન્ટ ઈલાજ કરવો પડશે.કેમ કે,એ વાતને જલ્દી ભૂલતી નથી"

"હમ્મ"

"તમે જમીને રૂમમાં જાવ,હું મમ્મીને દવા આપીને આવું"

"નિત્યા,જો તને પ્રોબ્લેમ ના હોય તો હું મમ્મીને......"હજી દેવ એની વાત પૂરી કરે એ પહેલાં નિત્યા બોલી,"ઓફ કોર્સ,ઇવન મને ગમશે કે તમે મમ્મી પાસે જાવ અને એમને પણ ગમશે.કારણ કે એમને કદાચ આજ મારા કરતાં તમારી જરૂર વધારે છે"

દેવ જમીને જસુબેનના રૂમમાં ગયો અને નિત્યા કામ કરીને કાવ્યાના રૂમમાં ગઈ.

"હાઈ શું કરે છે?"નિત્યા કાવ્યાના રૂમમાં એન્ટર થતા બોલી.

"બસ જો આ બેગ ભરીને સુઈ જઈશ.થાકી છું"

"ઓકે"

"નીતુ એક વાત પૂછું?"

"હમણાંથી તારા સવાલો વધી ગયા છે"

"એવું?,સોરી.મને પણ એવો વિચાર આવ્યો હતો કે મારે બહુ સવાલો ના પૂછવા જોઈએ"

"અરે બચ્ચા,મજાક કરું છું બોલ"

"નાની કઈક કહેતા કહેતા અટકી ગયા હોય એવું નથી લાગતું?"

"ના.....ના...એવું તો કઈ નથી"નિત્યા અચકાતા અચકાતા બોલી.

"ચાલ આપણે નાની પાસે જઈએ"

"થોડી વાર પછી જઈએ.દેવ ગયા છે એમની પાસે"

"ઓકે"

*

"જશોદાબેન,શું હું અંદર આવી શકું?"દેવે રૂમમાં જતા કહ્યું.

જસુબેન સુતા સુતા માળા લઈને ભગવાનું નામ લેતા હતા.જસુબેન જ્યારે મનથી ખૂબ પરેશાન હોય ત્યારે એ મંદિરમાં કે પોતાના રૂમમાં જઈને ભગવાનનું નામ લઈને મન શાંત રાખતા.

"અરે બેટા તું,આવ ને"

દેવે દવા આપી અને સાથે ગ્લાસમાં પાણી પણ ભરીને આપ્યું.પછી જસુબેનને હગ કરી વ્હાલ કરવા લાગ્યો.

"આજ દવા તું કેમ લઈને આવ્યો?"

"કેમ તને ના ગમ્યું?"

"રોજ નિત્યા લઈને આવે છે તો......"

"તારી વહુએ તમારા બધા ઉપર જાદુ કરી દીધું છે.તમે મારા કરતાં એને વધારે સારું રાખો છો.નો ડાઉટ એ પરફેક્ટ છે પણ મને તો મારી જવાબદારી સમજવા દો"

"તારી વાતમાં કમ્પ્લેઇન નહીં પણ જલન વધારે દેખાય છે"

"તમે જે સમજો એ"

દેવ જસુબેનના ખોળામાં ઊંઘ્યો.

"શું વાત છે દેવ?,બધું બરાબર તો છે ને બેટા"

"શું તું બરાબર છે?"દેવે જસુબેનને પૂછ્યું પણ જસુબેને કઈ જવાબ ના આપ્યો.જસુબેનના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.દેવ ખોળામાંથી ઉભો થઇ જસુબેનને શાંત કરવા માટે ઉભો થઇ ગયો અને એમના બંને હાથ પોતાના હાથમાં રાખી સતત એમને શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ જસુબેન ખૂબ રડી રહ્યા હતા.એમને જોઈને દેવ પણ રડવા લાગ્યો.બંને માં-દિકરો આજ જાણે એક જમાના પછી મળીને રડતાં હોય એવી પરિસ્થિતિ ઉભી થઇ ગઇ હતી.

"મને.....મને...."જસુબેન રડતાં રડતાં કઈક બોલવા જતા હતા પણ બોલી નહોતા શકતા.

"બોલ મમ્મી.....શું કહેવું છે તારે"

"મને....મને બહુ યાદ આવે છે"

"મમ્મી,યાદ તો અમને પણ આવે છે.આમ રડ નહીં મમ્મી"

"દેવ મારી...મારી દિકરી......"આટલું બોલીને જસુબેન ફરી અટકી ગયા અને જોરથી રડવા લાગ્યા.

"મમ્મી,તું નહીં અમે પણ એમને નથી ભૂલી શક્યા"

"દેવ મારે પણ જવું છે એની જોડે.નથી રહેવું હવે મને"

"અમે તારા વગર શું કરશું.અમે ક્યાં જઈશું?,અને નિત્યા....નિત્યાને કોણ સંભાળશે"

"એના માટે તું છે"

"મને ક્યાં કઈ કહે છે એ"

"દેવ!,મને આજ એક પ્રોમિસ કર.મારા ગયા પછી તું નિત્યાનું હંમેશા ધ્યાન રાખીશ.ફક્ત જવાબદારી પૂરતું નહીં પણ એને એ બધું આપજે જેની એ હકદાર છે.પ્રોમિસ કર મને."

દેવ થોડો અચકાયો પણ જસુબેનના માન ખાતર દેવે એમને પ્રોમિસ આપી દીધું.

"તું કોઈ જ વાતની ચિંતા ના કર.તારો આ દિકરો બધું જ સંભાળી લેશે"

"હા બેટા,ખાસ કરીને નિત્યાને સંભાળી લેજે.કારણ કે આપણા કરતા એણે વધારે ગુમાવ્યું છે જિંદગીમાં"

"હા મમ્મી"

જસુબેન કોને યાદ કરી રહ્યા હશે?

નિત્યાએ શું ગુમાવ્યું હશે?

આવા પ્રશ્નો તમારા મનમાં થતા હશે જેનો જવાબ હવે ટૂંક જ સમયમાં તમને મળી જશે.ત્યાં સુધી વાંચતા રહો એક અનોખો બાયોડેટા............

તમારા અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ભૂલતા નહીં.

ધન્યવાદ
જય શ્રી ક્રિષ્ના🙏🏻⭐🌹