vichar sarani in Gujarati Short Stories by Nij Joshi books and stories PDF | વિચાર સરણી

Featured Books
Categories
Share

વિચાર સરણી

આજે ઘર માં ખુબજ ચહલ પહલ છે. સવાર થીજ મહેમાનો ની અવર જવર ચાલું થઇ ગઈ છે. હું ગઇ કાલે આવી ત્યાર થી બહું ખુશ છું. મારા નાના ભાઈ ને ચિડવું પણ છું કે હવે તૈયાર રહેજે હીંચકા ની દોરી ખેંચવા, અને હાં અડધી રાતે નેપી બદલવા, કે પછી આખી રાત ના ઉજાગરા કરવા. જી હા આજે મારા નાના ભાભી ના સીમંત નો પ્રસંગ છે. ઘર માં મમ્મી પપ્પા, મોટા ભાઈ ભાભી અને નાની પરી બધાજ ખુબજ ખુશ છે. નાની પરી ને બધાજ સમજાવે છે કે તારી સાથે રમવા માટે એક નાની બહેન કે ભાઈ આવશે. એટલે પરી પણ ખુબજ ખુશ છે.
ઘરમા પ્રસંગ ને અનુરૂપ બધીજ તૈયારીઓ કરવામાં આવી છે. ભાભી માટે સરસ ફૂલો થી હીંચકો પણ સજાવવા માં આવ્યો છે. બધાં મહેમાનો ને બેસવા માટે પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે.
સગા સંબંધીઓ માંથી અને આજુબાજુ માંથી આવેલી બધીજ સ્ત્રીઓ ઘર ના હોલ માં બેઠી છે. બધાજ પુરૂષો બહાર ચોક માં બેઠાં છે. બધીજ સ્ત્રીઓ અલકમલકની વાતો માં લાગી છે. બ્રાહ્મણ દેવ પૂજા વિધિ ની તૈયારી માં લાગેલા છે. તેવા માં ભાભી સરસ તૈયાર થઈ ને બધાની વચ્ચે આવે છે. પોતાના ઉદર માં ઉછરી રહેલા પોતાના અંશ ની ખુશી નો અપાર આનંદ એમના ચહેરા પર જોવા મળે છે. એટલાં માં ભૂદેવ મુહુર્ત નો સમય થતાં વિધિ માટે બોલાવે છે. હસી ખુશી નાં માહોલ સાથે ખોળો ભરવા ની વિધિ આગળ વધે છે.
રિતી રિવાજ મુજબ એક પછી એક એમ વિધિ આગળ વધે છે. ભૂદેવ મહારાજ હવે ઘર ની સ્ત્રીઓ ને ખોડો ભરવાં માટે આગળ બોલાવે છે. મારાં મમ્મી પ્રથમ આગળ આવે છે અને ભાભી ને પાલવમાં ચોખા, શ્રીફળ, સોપારી વગેરે ફૂલ થી વધાવી ને આપે છે. અને આશીર્વાદ આપી ભાભી નો ખોળો ભરાવે છે. બધાં ખૂબ વધામણા આપે છે. બધાજ ખૂબ ખુશ હોય છે. તેવામાં ભુદેવ મહારાજ મારાં મોટાં ભાભી ને વિધિ માટે આગળ બોલાવે છે. મોટા ભાભી ને જેઠાણી બનીને ખોળો ભરવાની ખૂબ હોંશ હોય છે. તે ખુશી થી આગળ આવે છે. અને જેવાં તે નાનીભાભી ને કપાળે તિલક કરી ને શ્રીફળ ખોળા માં મૂકવાં જાય છે, ત્યાંજ ઘર ના એક વડીલ ગણાતા કાકીબા મારાં મમ્મી ને કહે છે. બકુલાવહુ આ શું કરવા જઈ રહી છે તું? મારાં મમ્મી અચરજ થી કાકિબા ની સામે જોવે છે. અને પૂછે છે કે શુ થયું કાકિજી? ત્યારે કાકીબા બોલે છે કે તું કોના હાથે નાનકી વહુ નો ખોળો ભરાવવા જઈ રહી છું? તારી મોટી વહું ના હાથે? અરે એણે તો પહેલાંજ બે બે છોડિયું જણવા માં તારું કુળ તો આગળ વધાર્યું નથી. એનાં આશીર્વાદ તું નાનકી વહુ ને અપાવીશ? શું એનાં હાથે ખોળો ભરાવી ને નાનકી વહુ ને પણ છોડીયું જણાવવી છે? એનાં હાથે તો નાનકી વહુ ને પણ દીકરો નઈ આવે. આ સાંભળતા જ બધાં એકદમ સ્તબ્ધ થઈ જાય છે. તો કેટલાંક અંદરોઅંદર વાતો કરવા લાગે છે.
આ સાંભળતાજ મોટાભાભી તો જાણે પગ નીચેથી જમીન જ સરકી ગઈ હોય તેમ અવાક બની ગયા. તેમની આંખો માં થી આશુઓ ની ધારા ચાલું થઇ ગઇ. કોઈ અક્ષમ્ય અપરાધ કર્યો હોય એવાં ભાવ તેમનાં ચહેરા ઉપર તરવરવા લાગે છે. ખોળા માં મૂકવાં માટે શ્રીફળ વાળો લંબાયેલા હાથ જાણે થીજી જાય છે. દિકરા ને જનમ ના આપ્યાં નો મહાપાપ નો ભાર જાણે તેમનાં ઉપર તુટી પડ્યો હોય એમ તે હાલી જાય છે. હર્દય પર ના ભાર ના કારણે જાણે એમનું શરીર લથડી જાય છે. અને તેમની પાસેજ ઊભેલી હું તેમને સંભાળી લેતાં નીચે બેસાડું છુ.
મારાં થી મોટાભાભી ની આવી હાલત જોવાતી નથી. અને મનમાં ખુબજ ગુસ્સો આવે છે,પણ તોય થોડું સંભાળી ને કાકીબા ને પૂછાયાજ ગયું. કે એવો તો સો મોટો અપરાધ કરી દીધો છે મોટા ભાભીએ? અરે જેના ધન્ય ભાગ્ય હોય તેનાજ ઘરે દીકરી નો જનમ થાય. આમ સ્રી ને લક્ષ્મી નો અવતાર ગણવાનો, પણ જો એજ લક્ષ્મી આપણા ઘરે દીકરી બની આવે તો તેને અવગણવાની? કાકીબા મને એક વાત નો જવાબ આપો કે હું અને તમે પણ તો દીકરી બની નેજ જન્મ્યા હતાં ને. તો આપડે આ ઘર નો એકભાગ નાં કહેવાઈએ? આ ખાનદાન નો અંશ ના કહેવાઈએ? અરે આજના જમાનામાં તો દીકરાઓ તો પાણી નો પ્યાલો આપવામાંય રાજી નથી હોતાં, માં બાપ ને વૃદ્ધાશ્રમ નાં દ્વારે છોડી આવે છે તો પણ સરમાંતા કે અચકાતાં નથી. એતો દીકરીઓ જ હોય છે. જે સેવા કરતી હોય છે. એક દિકરી તો બે કુળ ને દીપાવતી હોય છે. મારી આટલી વાત સાંભળતાજ કાકીબા જાણે માતાજી આવ્યાં હોય એમ ગુસ્સા થી ધ્રુજવા લાગ્યાં, અને મારી મમ્મી ને કહે કે આ તારી દિકરી ને બોલવાનું ભાન નથી. વડીલો ની આમન્યા જાળવવાનુય શિખવાડ્યું નથી? મેં તો તારા ભલા માટે કહ્યું હતું ને આ ઊલટાનું મને સંભળાવે છે? આંખો માં આવેલા આશું ને લુખતાં મારાં મમ્મી બોલ્યા કાકીજી મારી દિકરી ને સંસ્કાર અને સાચી શીખ આપી છે ને એટલેજ આજે આટલા ધીરજ પૂર્વક વાત કરી છે. અને શું ખોટું કહ્યું છે મારી દીકરીએ.
આપણે એક સ્રી થઈને બીજી સ્ત્રીની વ્યથા કયારેય નથી સમજી શકતા. આપણે સ્ત્રીઓજ સ્ત્રીઓ નું સન્માન નથી કરતી પણ એને મેણા ટોણા આપતા હોય છે. સાંત્વના નઈ. જેમ મારી દિકરી આજે મારાં માટે ગૌરવ બની છે એમ મારી મોટીવહુ ની દીકરીઓ પણ બનશે. ઈશ્વર ની કૃપા થી બે બે લક્ષ્મી નો અવતાર છે મારા ઘરે. દીકરો આવવો કે દિકરી એ તો ભગવાન ની મરજી છે. અમારે તો દીકરો અને દીકરી બન્ને સરખા છે. અરે કંઈ આંગળી કાપીએ તો લોહિ ના નીકળે? બધાજ અંગ સરખાં જ હોય. મારી મોટી વહું જ નાનકી નો ખોળો ભરસે. બસ તમે આશીર્વાદ આપો. કાકીબા તો પગ પછાડતા ત્યાં થી ચાલ્યા ગયાં. મમ્મીએ મોટાભાભી ની પાસે આવીને વહાલથી માથે હાથ ફેરવ્યો અને એમના આંસુ લૂછતાં પૂજા ની થાળી પકડાવી. મોટા ભાભી મમ્મી ના પગે પડી ગયા. જાણે ધન્યતા અનુભવી રહ્યાં. અને આગળ ની વિધિ પૂરી કરી ને નાની ભાભી ને આશીર્વાદ આપ્યા.
આમ તો બહુ આગળ વધી ગયાં, પાશ્ચાત્ય દેશો ના રંગે રંગાયા પણ વિચારો થી આજે પણ પાછળ જ છે. દિકરા ને દિકરી વચ્ચે નું અંતર જાણે ક્યારે બંધ થશે? સાચે બહુજ ગુસ્સો આવે છે મને આવી વિચારસરણી માટે.

🌺નીતુ જોષી "નીજ"🌺