*........*........*........*........*
ઘડિયાળ રાતના ત્રણ વાગ્યા નો સમય બતાવતી હતી. આભા આકાશનો સહવાસ પામી એના પડખામાં ઘસઘસાટ ઊંઘી રહી હતી. પણ આકાશની આંખોમાંથી ઊંઘ જાણે છુમંતર થઈ ગઈ હતી. થોડીવાર પહેલાનો બંનેનો સહવાસ તેના હૃદયમાં ડંખી રહ્યો હતો. જે થયું તે આભાની ઈચ્છા અને જીદના કારણે થયું હતું. આમ છતાં આકાશ પોતાને દોષી સમજી રહ્યો હતો. પોતે જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય એમ પોતાને કોસી રહ્યો હતો. એ જાણતો હતો કે જે પણ થયું છે એમાં એ કોઈ ફેરફાર કરી શકે એમ નહોતો. પણ આમ છતાં એને પોતાની ભૂલ ખૂબ જ મોટી લાગતી હતી. આવા જ વિચારોના ઘમાસાણ વચ્ચે રાત વીતી રહી હતી. અંતે એણે મનમાં કંઈક નક્કી કર્યું પછી જાણે તેનું મન હળવું થયું હોય એમ થોડી વાર આંખો મીંચી દીધી.
આંખો ખુલતા જ આભા એ આસપાસ જોયું પણ આકાશ ક્યાંય જોવા ન મળ્યો. એને ગઈકાલની રાત યાદ આવી અને ચહેરા પર શરમની લાલી ફરી વળી. થોડી જ વારમાં તૈયાર થઈ એ નીચે તરફ ચાલી.
" કાશી, કોઈ દેખાતું કેમ નથી? બધા ક્યાં છે?" આભા એ રસોડામાં કામ કરતી કાશીને પૂછ્યું.
" ભાભી, બધા તો વહેલી સવારના મોટા સાહેબના રૂમમાં છે. ખબર નહિ શેની ચર્ચા ચાલે છે??" કાશી પોતાનું કામ કરતા કરતા જ બોલી.
" અને આકૃતિ, એ પણ ત્યાં છે?" આભા એ પૂછ્યું.
"ના ઢીંગલીબેન તો હજુ નાના સાહેબના રૂમમાં જ સુતા છે." કાશી હજુ પણ પોતાનું કામ છોડ્યા વગર જ બોલી.
" આટલી વહેલી સવારથી બધા ભેગા થયા છે?? શું થયું હશે?? શેની ચર્ચા હશે??" વિચારતા વિચારતા આભાના પગ મમ્મી પપ્પાના રૂમ તરફ ઉપડ્યા.
*........*........*........*........*
"આકાશ તું સમજતો કેમ નથી? તું જાણે છે ને કે આ રિસ્કી છે?" હેમંતભાઈ આકાશને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા હતા.
"હું જાણું છું પપ્પા. પણ મને લાગે છે કે હવે આ જરૂરી છે. નહીં તો હું મારા જ ગિલ્ટમાં મૂંઝાયા
કરીશ. શું એ ગમશે તમને??" આકાશ નો અવાજ થોડો ભીનો થયો હતો.
" શેનું ગિલ્ટ બેટા? આભા પોતે તારા પ્રેમ માટે તડપી રહી હતી. અને એ તે એને આપ્યો. અને તું એનો પતિ છે તે કશું ખોટું નથી કર્યું." હર્ષદભાઈ પણ આકાશને સમજાવવા પૂરો પ્રયત્ન કરી રહ્યા હતા.
" બેટા, એ વાતથી અમે બધા જ દુઃખી હતા કે તારો અને આભાનો પતિ પત્ની તરીકેનો સંબંધ ફક્ત નામનો જ હતો. પણ આજે હું તો બહુ ખુશ છું. અને હવે એક આશા મળી છે કે તું તારા હક નું જીવન જીવી શકીશ." જીજ્ઞાબેન આકાશ અને આભાને પતિ પત્ની તરીકે જોઈ ખુશ હતા.
" હા, ઘરમાં બધા આ જ તો ઈચ્છે છે. કે તું પોતાનું લગ્નજીવન સુખેથી જીવે અને હવે તમે આગળ વધી રહ્યા છો એ જાણીને બધા જ ખુશ છે. તો પછી શું કામ તારે એને બધું જણાવવું છે? " વનિતાબેન પોતાના જેઠાણી સાથે સહમત હતા.
" આઈ એમ સોરી. કદાચ મારા પગલાથી તમને બધાને દુઃખ થશે પણ મને આ જરૂરી લાગે છે. હું પોતે પણ મારી પૂરી જિંદગી આભા સાથે ખુશીથી વિતાવવા ઈચ્છું છું. પણ આ રીતે નહીં. એ બધું ભૂલી ચૂકી છે પણ મને તો યાદ છે ને? હું આજે સાંજે આભા અને આકૃતિને લઈ સુખપર જવાનો છું એ ફાઈનલ છે." આકાશનાં અવાજમાં દ્રઢતા હતી.
" સુખપર? એ તો રિયા નાં ગામનું નામ છે ને? શું ચર્ચા ચાલે છે એની?" દરવાજે પહોંચેલી આભાએ સુખપર નામ સાંભળ્યું અને તેના મોઢેથી આ શબ્દો સરી પડ્યા.
"કશું નહીં.. કાલે રિયા ને જોવા છોકરાવાળા આવવાના છે. એનાં મમ્મી પપ્પા ઈચ્છે છે કે તું અને આકાશ ત્યાં જાવ ને છોકરાવાળાને મળો. બસ એની ચર્ચા છે. " આકાશ બીજું કંઈ કહે એની પહેલા જ જીજ્ઞાબેને વાત વાળી લીધી.
" રિયા ને છોકરા વાળા જોવા આવે એમાં અમારું શું કામ?? એ તો આપણા કોઈ રિલેશનમાં પણ નથી ને??" આભાને આ વાત ગળે ઉતરતી ન્હોતી.
" હા, અમે પણ આકાશને એ જ સમજાવી રહ્યા છીએ અને આટલી લાંબી મુસાફરી તારા સ્વાસ્થ્ય માટે પણ ઠીક નથી. " જીજ્ઞાબેન હજુ પણ આકાશનાં સુખપર જવાનાં નિર્ણય સાથે સહમત નહોતાં.
" મેં કાલે જ તને કહ્યું હતું ને કે રીયા મને ભાઈ માને છે. અને તેના મમ્મી પપ્પા પણ મને પોતાના દીકરાથી કમ નથી સમજતા. અને એ લોકો ઈચ્છે છે કે રિયાની લાઇફનો ઈમ્પોર્ટન્ટ નિર્ણય લેવા માટે હું હેલ્પફૂલ થાવ. અને તારા એક્સિડન્ટ બાદ એ લોકો તને પણ મળી શક્યા નથી તો એ બહાને તને પણ મળી શકશે ." આકાશ કંઈ પણ કરીને આભા ને સુખપર લઈ જવા ઈચ્છતો હતો.
" હા, પણ...... "
" મમ્મા..." આભા કંઈ કહે એ પહેલાં જ દરવાજા પર રાહુલે તેડેલી આકૃતિ નો અવાજ સંભળાયો.
આભા ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી આકૃતિ તરફ વળી.. આકૃતિને રાહુલ પાસે થી લેતાં ધીમેથી કહ્યું, " કાલે રિયા ને જોવા છોકરાં વાળા આવવાનાં છે. "
" શું? રિયા એ મને નથી કહ્યું..?" રાહુલ બધી વાત થી અજાણ હતો.
આભા આકૃતિને લઈ કિચન તરફ ગઈ. એ આકૃતિને જમાડવામાં મશગુલ બની ગઈ. રૂમમાં હજુ પણ એ જ ગડમથલ ચાલતી હતી. અને રાહુલ રિયા વિશે જાણીને ગિન્નાયો હતો. આભા અને રાહુલ બંને થોડા દિવસ પહેલા ની વાત યાદ કરી રહ્યા હતા.
*.........*.........*........*.........*
આકૃતિ રાહુલ સાથે તેના રૂમમાં રમી રહી હતી. આભા રાહુલના રૂમને ધ્યાનથી જોઈ રહી હતી. રાહુલ ના ફોટોગ્રાફ્સ, તેના સ્કૂલથી લઈને કોલેજ સુધીના મેડલ્સ, બુક રૅકમાં પડેલ બુક્સ બધું ખૂબ વ્યવસ્થિત ગોઠવાયેલ હતું. આભા એ એમાંથી એક બુક હાથમાં લીધી. બુક હાથમાં લેતા જ એક ફોટોગ્રાફ નીચે પડ્યો. આભા ફોટોગ્રાફ્સ હાથમાં લેતા રાહુલ સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી. એ ફોટોગ્રાફ રિયા નો હતો. પણ અહીંયા રાહુલની બુકમાં શું કરતો હતો??
"રિયાનો ફોટો તારી બુકમાં? શું ચક્કર છે દેવરજી ?"
આભા એ રાહુલને પૂછ્યું..
"ભાભી કંઈ નહીં, એ તો બસ એમ જ. શી ઈઝ માય ફ્રેન્ડ ઓન્લી. તમે વિચારો છો એવું ચક્કર બક્કર કાંઇ નથી. ઓકે.." રાહુલે આભાના હાથમાંથી ફોટો લઈ લેતા કહ્યું.
"તને ખબર છે ભાભી ની સૌથી નજીક પોતાનો દિયર હોય છે. અને છતાં તું મને કંઈ નહીં કહે??" આભા રાહુલને સમજાવી રહી હતી.
રાહુલ થોડીવાર ચૂપચાપ ઉભો રહ્યો. કદાચ કોઈ ગડમથલમાં હશે કે ભાભી ને સાચું કહેવું કે નહીં. અને રિયા વિશે બધું જણાવવું એ પોતાના ભાઈ ભાભી ની લાઇફમાં નુકસાન પહોંચાડી શકે એમ હતું એ વાતની એને બરાબર જાણ હતી.
" યુ લાઇક હર રાઇટ?? શું એ પણ તને પસંદ કરે છે??" આભા એ રાહુલને ચૂપ જોઈને પૂછ્યું.
"આઇ થિંક આઇ લવ હર.." થોડીવાર પહેલાં જે નનૈયો ભણ્યો હતો એ ભૂલી ને રાહુલ થી બોલી પડાયું.
"એન્ડ શી ઓલસો લવ યુ??" આભા એ ઉત્સુકતા થી પૂછ્યું.
" આઈ ડોન્ટ નો.." રાહુલે હતાશાથી કહ્યું.
"કેમ ? તે એને પૂછ્યું નથી ? તે એને તો જણાવ્યું છે ને કે તું એને પ્રેમ કરે છે??" આભા એ એક સાથે ઘણા સવાલ પૂછી લીધા.
જવાબમાં રાહુલે ફક્ત નકારમાં માથું હલાવ્યું.
" હું ઘરે બધાને વાત કરું તારા મેરેજ માટે??" આભા એ લાગણીવશ પૂછ્યું.
" ના.. હું પહેલા રિયા સાથે વાત કરીશ. જોઈએ પછી??" રાહુલે કહ્યું.
ભાભી બીજું કંઈ પૂછે એની પહેલા જ રાહુલ કોલેજમાં કંઈ કામ છે એવું બહાનું કરીને બહાર નીકળી ગયો.
આભા પોતે આકાશ અને રિયા વિશે ખોટું વિચારી રહી હતી. ખરેખર તો રાહુલ રિયા ને ચાહે છે એ જાણીને આભાનું મન જાણે હળવું થઈ ગયું હતું. એ રિયાને બરાબર ઓળખતી નહોતી પણ રાહુલ એને ચાહે છે તો પોતે રાહુલ માટે શું કરી શકે એ માટે પોતે વિચારવા લાગી. યોગ્ય સમય મળે ત્યારે આકાશ અને ઘરના બાકી બધાને રાહુલ ની પસંદ વિશે જણાવી દેશે એવું વિચારીને તે પોતાના કામમાં વ્યસ્ત બની ગઈ.
*.........*.........*.........*.........*
રિયા ના લગ્ન કોઈ બીજા સાથે થશે એ વાત આભા અને રાહુલ બંને દિયર ભાભી ને સતાવી રહી હતી.
આ વાત થી અજાણ એવા હેમંતભાઈ, અને હર્ષદભાઈ તેમજ બંને દેરાણી જેઠાણી આકાશ નાં પાટે ચડતા લગ્ન જીવનમાં ફરી ઝંઝાવાત આવશે એ વિચાર થી પરેશાન હતા.
અને આકાશ સુખપર પહોંચ્યા બાદ આભા ને કંઈ યાદ આવશે કે નહીં? યાદ આવે તો પોતે એને કઈ રીતે સંભાળી શકશે? અને જો કંઈ યાદ ના આવે તો આગળ શું કરવું ? જેવા સવાલો ના જવાબ વિચારી રહ્યો હતો.
*.........*.........*.........*.........*
આભા - ધારાવાહિક વાંચન માટે આપનો આભાર 🙏🏻
આ વાર્તા વિશે આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો.