Radheshyam - 4 in Gujarati Motivational Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | રાધેશ્યામ - 4

Featured Books
Categories
Share

રાધેશ્યામ - 4

// રાધે-શ્યામ-૪ //

દયાશંકરકાકાની ચાલુ ખણખોદથી કંટાળીને રાધેશ્યામે પોતાની બદલી હલકારામાં કરાવી છે. અધમણનો બીસ્ત્રા-થેલા ઉપાડીને નદી-કાંઠાનાં સાત ગામડાંની ફેરણી કરવા રોજે-રોજ ચાલી નીકળતો. નદીનો પ્રવાહ એનો રોજનો સાથી બન્યો હતો. બન્ને એકલા છે, બન્ને મૂંગા હતા, બન્નેને તાપમાં તપતાંતપતાં, બસ, કેવળ પંથ જ પસાર કરવાનો હતો. એકના શરીર ઉપર તારાઓના, વદળીઓના અને વૃક્ષોના પડછાયા પડતા હતા જયારેબીજાના માથા પર અનેક માનવીઓનાં સુખ–દુ:ખની છૂપી–અછૂપી કથાઓનો ભાર પડતો આવતો હતો. પણ નદીના પ્રવાહને જેમ સૂર્ય કે સંધ્યા પોતાના અઢળક રંગ–તેજનું એક ટીપુંયે નહોતાં દેતાં, તેમ રાધેશ્યામના હૈયાને પણ એ થેલી માંહેલા કાગળો એક લાગણી, ધબકાર એક નિશ્વાસ પણ નહોતા દેતા. બન્નેનું જીવતર વેરાનમાં વહેતું. રેણુ નદી દરિયે પહોંચ્યા પહેલાં જ ખારાપાટમાં ફોળાઇ-શોષાઇ જતી તેમ રાધેશ્યામનું જીવન વહેણ પણ એકલતાની ધરતીમાં ઊતરીને વરાળ બની જતું. પારકાના અનેકોનેકકાગળો ઉપાડનારને પોતાને તો એક ચબરખી મોકલવાનું પણ કોઇ સરનામું નહોતું. ઘણીવાર એની આંગળીઓ ત્રમ્ - ત્રમ્ થતી. એક વાર કવરમાં એક નનામો કાગળ ફક્ત ‘તમો સુખી છો ?’ એટલું લખીને ચોડ્યો હતો. સરનામું ‘બેન મંજુલા, ઠે...' એટલું લખતાં તો આંગળીઓ પરસેવે ટપકી ગયેલી ને એ કવરની ઝીણીઝીણી કરચો કરીને ગજવામાં રાખી મૂકી ફેરણીએ નીકળતી વખતે, કો ઇ ન દેખે તેમ, નદીમાં પધરાવી દીધેલી.

જગતમાં ‘વાંઢા’ જેવો કોઇ ગહન કોયડો છે ખરો ? એને કોઇ પડોશમાં ઘર ન આપે, વાંઢાપણું એટલે જાણે કોઢિયા અને રક્ત્પીતિયા જેટલું એ ભયંકર છે. એનું ટીખળ સહુયે કરે પણ એને પોતાને તો છૂટથી હસવાનુંય જોખમ હોય. પાડોશના બાળકને જો એ પીપરમીટ લાવીને આપે, તો તે ઘડીથી ‘બબલીની બા’ અને આ પીપરમીટ આપનાર વાંઢાની ચાર આંખો કેટલી વાર અને કેટલી ‘ડીગ્રી’ને ખૂણે મળે છે તેની ગુપ્ત તપાસ ‘બબલીના બાપા’ રાખવા લાગે. એ જો બરાડા પાડીને કવિતા વાંચે તો બૈરાં સમજે કે, ‘પીટ્યો અમને સંભળાવવા સારુ બરાડે છે !’ એ જો મૂંગો મરી રહે, તો ‘હલકા મનસૂબા' ગોઠવતો લાગે છે. એની અનેકઘણી અનંત વેદનાઓને વ્યકત થવામાં સભ્ય-વાક્ય એક જ 'મારે રોટલ-પાણીની વપત્ય વડે છે !’

“મારું નસીબ ફૂટી ગયું, ભાઇ ! દીકરી મંજૂલાનો ચૂડો ભાંગ્યો.”

“ઓચિંતનું શું થયું ?”

“હરિ જાણે ! જમાઇની કાયા તો કંચન સરખી હતી; પણ એકાએક હ્રદય બંધ પડી ગયું. ઓછમાં પૂરું દરબારે મકાન પણ પાછું લઇ લીધું જમીન આપીતી તે રાજમાં દાખલ કરી દીધી, અને દીકરીને પહેર્યે લૂગડે બહાર કાઢી.”

“આ તે શો કોપ !”

“હું જાણું છું, ભાઇ, જાણું છું: દીકરીના લીલા માંડવા હેઠે જ એ કાળમૂખો રાધેશ્યામ તે દિવસ નિસાપો નાખી ગયેલો ને શરાબ પી ગયેલો. ગામના વાઘરીવાડે જઇને કાંઇક કામણટુમણ પણ કરાવતો હતો. એનાં પાપ મંજુલાની આડાં ફરી વળ્યાં.”

દયાશંકરની આ વાતમાં થોડોક જ સુધારો જરૂરી છે. તેમના જમાઇરાજનું મૃત્યુ રાધેશ્યામના શાપથી નહિ પણ શરીરમાં વધી પડેલી ચરબીથી નીપજ્યું હતું. એ માધવીલતાનો ઓધાર આંબો જાણે કે બેહદ કેરીઓના ફાલથી ફસકાઇ પડ્યો હતો.

એક વરસ વીતી ગયું છે. માથાના ચળકતા મૂંડા સાથે અઢાર વર્ષની મંજુલા મહિયરે ખૂણો મુકાવવા આવી છે. એક વરસની તેની નાની કીકલી એની કેડ્યે રમતી હતી. હવે એને પાછું સાસરે જવાનું રહ્યું ન હતું. તેના વરના પિત્રાઇઓએ એની સાસરીની સંપત્તિનો કબજો કરી લઇ આ ‘રાંડમૂંડી’ ને માસિક બે રૂપિયા જિવાઇના ઠરાવી આપ્યા હતાં. દયાશંકરને તેમની નવી વહુથી થયેલી બાળગોપાળ-વાડી બહોળી હોઇ આ રાંડીરાંડ દીકરી ઉપર ખાસ કશું હેત તેમને તો નહોતું રહ્યું પણ મંજુલાનો રંડાપો એમને ભારી ઉપયોગી થઇ પડ્યો નવી માને વરસોવરસ આવતી સુવાવડ મંજુલા જ કરશેઅને એટલી બધી સુવાવડને કારણે મા માંદાંસાજાં રહે છે, તેને કામમાંથી સંપૂર્ણ વિસામો મળશે.

(ક્રમશઃ)

DIPAK CHITNIS (dchitnis3@gmail.com)

(DMC)