Dashavatar - 6 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 6

Featured Books
Categories
Share

દશાવતાર - પ્રકરણ 6

          તેના હાથ સ્તંભની અંતિમ ઇંગલ સુધી પહોચ્યા ત્યાં સુધી એ ચડતો જ રહ્યો. સ્તંભના ઉપર લાકડાના પાટીયાની છત હતી અને એના પર લગભગ તેની ઝૂંપડી કરતાં પણ બમણા કદની ગોળ ઘડિયાળ ગોઠવેલી હતી એટલે શૂન્ય લોકો એ સ્તંભને સમયસ્તંભ કહેતા. કારુએ સ્તંભ એમને કંઈક યાદ અપાવવા માટે બનાવ્યો હતો. શૂન્ય લોકોને ઘડિયાળ જોતાં શીખવવામાં આવતું અને એ વિશાળ ઘડિયાળ ચોવીસ કલાક તેમની આંખો સામે રહેતી. દરેક કલાકે એમાં વાગતા ડંકાનો અવાજ તેમને યાદ આપાવતો કે પ્રલય હજુ પૂરો થયો નથી. પ્રલય હજુ દક્ષિણના સમુદ્રના તળિયે છુપાઈને બેઠો છે. પ્રલયનો ખાસ સાથીદાર એવો એ સમુદ્ર ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે અને જો શૂન્યોએ આગગાડીમાં જઈ દીવાલની પેલી તરફના પ્રલયમાં તબાહ થયેલા શહેરોનું સમારકામ કરવાનો ઇનકાર કર્યો તો તેમણે એ સમુદ્રમાં જેમ શ્રીલંકા નામનો દેશ વિલીન થયો એમ જ વિલીન થઈ જવું પડશે.

          શૂન્ય લોકો કહેતા કે દીવાલની એમની તરફના વિસ્તારમાં પહેલા મુંબઈ કરીને એક વિશાળ શહેર હતું. જે પ્રલય પહેલા વેપારધામ હતું પણ સમુદ્ર એને પૂરેપુરું ગળી ગયો. એવા તો કેટલાય મહાકાય બંદરો અને વેપારધામો હવે એ સમુદ્રના તળિયે હતા છતા એની ભૂખ ન મટી હોય એમ એ દિવસેને દિવસે વધુ જમીનને ગળતો હતો.

          સ્તંભની ઊંચાઈ પરથી વિરાટને દીવાલની આ તરફનો આખો પ્રદેશ દેખાતો હતો. મોટાભાગની ઝૂંપડીઓ અંધકારમાં ગરકાવ હતી. જોકે કેટલીયે ઝૂંપડીઓ બહારના થાંભલાઓ પર ફાનસ સળગતી હતી. એ પરિવારો એટલી મોડી રાતે પણ જાગતા હતા. એ કેમ જાગતા હતા એ તેને ખબર હતી. એ પરિવારનો કોઈ યુવક સોળ વર્ષનનો થયો હશે અને આવતીકાલે આવનારી આગગાડીમાં તેને જવાનું હશે.

          છેલ્લે ત્રણ મહિના પહેલા આગગાડી આવી હતી. એ પછી જે પણ યુવકો સોળ વર્ષના થયા હશે એ બધાને લેવા માટે આગગાડી એકાદ બે દિવસમાં આવવાની હતી. દર ત્રણ મહિને આગગાડી જૂના મજૂરોને ઉતારી જતી અને નવા મજૂરોને લઈ જતી. એ પરિવારો ઊંઘી નહીં શક્યા હોય કેમકે કોલસા અને તાંબાની ખાણોમાં કામ કરવા કરતાં પણ દીવાલની પેલી તરફ જવું વધુ જોખમી હતું. ત્યાં પ્રલયમાં તબાહ થયેલા શહેરોના સમારકામમાં ગયેલા લોકો અવારનવાર થતાં અકસ્માતમાં મૃત્યુ પામતા. એમની લાશ આગગાડીમાં પાછી મોકલવામાં આવતી. શૂન્ય લોકોને નીચા અને અપવિત્ર માનવામાં આવતા. દીવાલ પેલી તરફના સમશાન દેવતા અને વેપારી જેવા પવિત્ર માણસો માટે હતા. ત્યાં શૂન્યના અગ્નિસંસ્કાર કરવાથી એ સ્થળ અપવિત્ર થઈ જતું. શૂન્ય લોકોને એ બાબતે ક્યારેય કોઈ વાંધો નહોતો પણ વિરાટને એ ખૂંચતું. જે શૂન્યએ ઉગાડેલું અનાજ દેવતાઓ અને વેપારીઓ ખાઈ શકે તે શૂન્યના મૃતદેહને એમની જમીન પર અગ્નિદાહ આપવાથી એ જમીન અપવિત્ર શી રીતે થઈ શકે?

          બધી ઝૂંપડીઓ સલામત હતી. કોઈ ઝૂંપડી સળગતી નહોતી મતલબ કોઈ પરિવાર રાતે તબાહ નહોતો થયો. નિર્ભય સિપાહીઓએ આક્રમણ કર્યું એ માત્ર તેણે જોયેલું એક ખરાબ સ્વપ્ન હતું. એ રાત એક શાંત રાત હતી.

          વિરાટ સ્તંભ પર જ બેસી રહ્યો. તેના પિતા કહેતા કે આ કલિયુગ છે અને આ અંધકારના યુગમાં તમે કોઈનો ભરોસો ન કરી શકો. તમારા સામે ઊભેલો માણસ ભલે માણસ દેખાતો હોય પણ એ અંદરથી રાક્ષસ હોઈ શકે.

          વિરાટ પ્રલયના 500 વર્ષ પછી જનમ્યો હતો. તેની મા કહેતી કે જ્યારે એ જનમ્યો એ સમયે પક્ષીઓ મધુર ગીતો ગાતા હતા. દુનિયાનું સૌથી બુધ્ધિશાળી પક્ષી પોપટ જે માનવભાષાની નકલ કરી શકે છે તે તેના જન્મ પછી તેના ઘોડિયાના પાયા પર આવી બેસી રહેતું અને એ રડતો કે હસતો એની નકલ કરતું. જોકે તેના પિતા કહેતા કે એ કોઈ બીજું જ પક્ષી હતું કેમકે પોપટ તો દુનિયામાંથી પાંચસો વર્ષ પહેલા નાશ પામ્યા હતા. મા કહેતી કે એ શૂન્ય લોકોને ગુલામી અને દુખમાંથી મુકત કરવા જનમ્યો છે. એ અવતાર છે એટલે જ એ લુપ્ત થયેલું પક્ષી તેના જન્મ સમયે સ્વર્ગથી એના માટે હાલરડાં ગાવા આવ્યું હતું.

          એ સ્વર્ગીય પક્ષી જોયાની આછી પાતળી યાદો તેના મનમાં હતી. તે લીલા રંગનું હતું અને એના ગળા પર કાળા રંગનો કાંઠલો હતો. તેની ચાંચ ઘેરા રાતા રંગની હતી. એ તેના ઘોડિયા આસપાસ ઉડતું અને ગાતું હોય એવું તેને યાદ હતું પણ તેને લાગતું એ તેનો વહેમ હશે. કોઈ વ્યક્તિને પોતે એક બે દિવસનો હોય એ સમયની કોઈ ઘટના કઈ રીતે યાદ રહે? તેને એમ લાગતું કે તેણે એ પક્ષી જોયું છે કેમકે તેણે તેના પિતા પાસેથી એ પક્ષી વિષે સાંભળ્યુ હતું. તેની માએ એ પક્ષીનું આબેહૂબ વર્ણન તેને કહી સાંભળાવ્યું હતું એટલે એ પક્ષીને જોયાની તેની યાદ એ તેની કલ્પના હતી એમ તેને લાગતું. તમે એ જીવને કઈ રીતે જોઈ શકો જે તમારા જન્મના પાંચસો વર્ષ પહેલા લુપ્ત થઈ ગયો હોય? હવે એવા પક્ષીઓ માત્ર સ્વર્ગમાં જ રહેતા હતા. પ્રલય પહેલા પૃથ્વી પણ સ્વર્ગ જેવી હતી. અહીં અનેક સુંદર પક્ષીઓ અને પ્રાણીઓ હતા. વિવિધ જળચર જીવો હતા પણ વિરાટે એ બધાના માત્ર નામ જ સાંભળ્યા હતા. અલબત્ત બીજા લોકોએ પણ એમના વિષે સાંભળ્યુ જ હતું. કોઈએ એ જીવો જોયા નહોતા.

          લોકો કહેતા કે હજારો જાતના પક્ષીઓમાં મોર સૌથી સુંદર પક્ષી હતું. વિરાટે પડોશી માયામાંની દીકરીના લગ્ન વખતે એમની ઝૂંપડી પર પ્રાણીના છાણથી લીંપણ કરી મોર બનાવેલા જોયા હતા. એ બહુ વિશાળ પક્ષી હશે એમ તેને એ ચિત્રો પરથી લાગ્યું. એના પીંછામાં હજારો આંખો હોતી એવું પણ કેટલાક લોકો કહેતા. શું સાચું અને શું ખોટું એ કોઈને ખબર નહોતી.

          જગમાલગુરુ કહેતા કે જૂના પુસ્તકો મુજબ જે બાળકના જન્મ સમયે સ્વર્ગમાં વસતુ શુક પક્ષી પૃથ્વી પર આવશે એ બાળક વિષ્ણુ ભગવાનનો દશમો અવતાર હશે. એ બાળક કલ્કિ અવતાર હશે. વિરાટને એ બધી વાતોમાં ક્યારેય વિશ્વાસ નહોતો.

મારા જેવા લોકો ભવિષ્યવાણીમાં ન હોઈ શકે. જે લોકોને લઈને મહાન ભવિષ્યવાણીઓ થઈ હોય એવા મહાન લોકો ઝૂંપડામાં ન રહેતા હોય. તેણે વિચાર્યું. વિરાટના માનવા મુજબ એ લોકો નક્કી કરેલો પરિધાન ન પહેરતા હોય અને સૌથી મહત્વનુ ભગવાનનો અવતાર બની આવેલ વ્યક્તિ તેના સોળમાં જન્મદિવસથી કારુનો કાયમી ગુલામ ન બને.

          તેણે ઊભા થઈ ઘડિયાળના કાંટાનું અવલોક્ન કર્યું. એ અંધકાર અને નીરવતામાં એનો એ ટીકટીક અવાજ અને એની સાથે તાલ મિલાવતો તેના હ્રદયના ધબકવાનો અવાજ કોઈ અનેરા સંગીત જેવો મેળ ખાતા હતા. તેણે આકાશ તરફ જોયું. તેની મા કહેતી કે જૂના સમયમાં - પ્રલય પહેલાના સમયમાં ભગવાન આકાશમાં રહેતા અને પૃથ્વી પર રાજ કરતાં. એ સમયે ભગવાન બહુ દયાળુ હતા. પણ હવે ભગવાન આકાશને બદલે દીવાલની પેલી તરફ પાટનગરમાં રહે છે અને હવે આ નવો ભગવાન જરાય દયાળુ નથી.

ગુરુજી ક્યારેક તેને છાને છાને કહેતા કે યાદ રાખજે વિરાટ, તું જે જુએ અને સાંભળે એ બધુ સાચું નથી. દુનિયા જેને ભગવાન માને છે એ ગમે તે હોઈ શકે, ભલે એ અમર હોઈ શકે પણ એ ભગવાન તો નથી જ. વિરાટને પણ લાગતું કે ભગવાન શું કામ એમ આકાશનું ઊંચું સ્થાન છોડી દીવાલની પેલી તરફ આવીને રહેવા લાગે?

          તેને આકાશમાં જૂના ભગવાનની કોઈ નિશાની ન દેખાઈ. નવા ભગવાન જેમ એનો વિશાળ મહેલ ક્યાય ન દેખાયો. બસ જ્યાં સુધી નજર પહોચે ત્યાં સુધી અગણિત તારાઓ ટમટમતા હતા. એ બધા લાખો કરોડો કિલોમીટર દૂર હતા પણ તેને ઘણીવાર લાગતું જાણે એ તેની એકદમ નજીક છે. એટલા નજીક કે પોતે હાથ લંબાવે તો એને સ્પર્શી શકે.

          જગમાલગુરુ જ્યોતિષ જાણતા. એ કહેતા કે વિરાટ જન્મ્યો ત્યારે આકાશના તારાઓ એવી રીતે ગોઠવાયેલા હતા કે એ મહાન બનશે અને શૂન્ય લોકોને ગુલામીથી મુક્ત કરાવશે. પણ વિરાટને આકાશના તારાઓમાં લખેલું વાંચતાં ન આવડતું. એ બધી વાતો તેની સમજ બહારની હતી. એ તેના માથા ઉપરથી પસાર થઈ જતી. આકાશમાં એકાદ તારાજૂથ શોધી કાઢવું અલગ વાત હતી બાકી નક્ષત્રો અને એમની ભાત સમજવી, એ ભાત શું કહે છે એ સમજવું તેને લોઢાના ચણા ચાવવા જેવું લાગતું. અલબત્ત, વિરાટને તો એમ જ લાગતું કે તારાઓમાં કઈ લખેલું હોય જ નહીં. બસ ગુરુ એમ જ તેને વાર્તાઓ કહેતા હશે. એ તારાઓને એટલા નજીક અનુભવી શકતો જાણે એ તેની કીકીઓને અડેલા હોય છતા એ તેમને વાંચી શકતો નહીં તો બીજું કોઈ કઈ રીતે વાંચી શકે?

          તેના પિતાના કહેવા મુજબ તેની મા પણ સ્ટાર-રીડર હતી. એ પણ તારાઓમાં લેખેલું ભવિષ્ય વાંચી શકતી. તેને એ સાંભળી હસવું આવતું. તેને લાગતું કે એ બધુ તેની માના અને તેના ગુરુના મગજમાં હતું. બસ તેઓ દીવાલની એ તરફના દુખી જીવનથી એક દિવસ છૂટકારો મળશે તેવી આશા બાંધવા માટે આ તે કલ્પનાઓ કર્યા કરતા બાકી તારાઓમાં વળી શું લખેલું હોય? અને કઈ લેખેલું હોય તો પણ એટલે દૂરનું લખાણ કોઈ વાંચી શકે ખરું?

          મા અને ગુરુ ખોટી આશાઓ અને કલ્પનાની દુનિયામાં જીવતા. તે કહેતા કે આ દુનિયાનો દરેક પદાર્થ એક અણુંમાથી બન્યો છે. એ જ અણુંમાથી આ બ્રહ્માણ્ડ પણ બન્યું છે. સિતારાઓ પણ એ જ અણુંઓના બનેલા છે તો કેમ એ આપણી સાથે જોડાયેલા ન હોઈ શકે? આ બ્રહ્માણ્ડની દરેક ચીજ એકબીજા સાથે જોડાયેલી છે તો એ સિતારા અને એમની ગોઠવણ કેમ ભવિષ્ય ન બતાવી શકે?

          પણ વિરાટને એ બધુ ક્યારેય ન સમજાતું. બીજી પણ એક બાબત હતી જે તેને ક્યારેય ન સમજાતી. ગુરુ કહેતા કે જેમ દિવસ અને રાત બે ભાગ છે એમ જ સમયના સૌથી મોટા ભાગ છે યુગ. યુગ એ સમયનું એક વિશાળ ચક્ર છે. એના મુખ્ય ચાર ચક્રો છે અને ચારેય ચક્રો હંમેશાં ક્રમમાં વારાફરતી આવે છે. સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ.

          એ કહેતા કે આપણે સમયના છેલ્લા ચક્રમાં જીવી રહ્યા છીએ. આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ. એની શરૂઆત મહાભારતના યુદ્ધથી થઈ હતી અને એના અંતની શરૂઆત 500 વર્ષ પહેલા થયેલા પ્રલયથી થઈ હતી. દુનિયા અંધકારમાં ડૂબેલી છે. અજ્ઞાન ચારે તરફ રાજ કરી રહ્યું છે. સિંધુ, સરસ્વતી અને યમુના જેવી નદીઓ સુકાઈ ગઈ છે મતલબ કલિયુગ એના અંત પર છે અને આ અંધકાર યુગને શુદ્ધ કરી એને જ્ઞાનના પ્રકાશમાં લાવવા માટે એક બાળકે જન્મ લીધો છે જે બે યુગોના જોડાણ માટે જન્મ્યો છે. એ બાળક કલ્કિ અવતાર છે જે કળિયુગનો અંત લાવી સત્યયુગની શરૂઆત કરશે. વિરાટ એની ખાસ ફિકર ન કરતો કેમકે તેનું નામ કલ્કિ નહીં પણ વિરાટ હતું અને એ અવતાર નહોતો.

          આકાશમાં જાણે તારાઓ વચ્ચે પણ યુધ્ધ જામ્યું હોય અને કેટલાક ડરીને મેદાન છોડી રહ્યા હોય એમ ઓઝાલ થવા લાગ્યા તો કેટલાક ઘવાયેલા યોધ્ધા જેમ આખરી તેજનો લિસોટો દેખાડી નાશ પામતા હતા. હવે ખરતા તરાઓની સંખ્યા વધી ગઈ હતી. લોકો કહેતા દિવસેને દિવસે તારાઓ પણ નાશ પામી રહ્યા છે.

          ગુરુ કહેતા કે એ અવતાર છે અને તે અજ્ઞાનના અંધકારનો નાશ કરી સત્યયુગથી દુનિયાને ઉજાગર કરશે. એ વાત દીવાલની આ તરફના લોકોથી પણ છુપાવીને રાખવામા આવી હતી. તેના અવતાર હોવાની વાત માત્ર ગુરુ, મા અને પિતાજી જાણતા હતા. લોકોથી એ વાત છુપાવવા પાછળ ગુરુનો એવો તર્ક હતો કે લોકો ભરોષાને લાયક નથી. વિરાટને એમની અવતારવાળી વાત પર ભરોસો નહોતો કે એવી અફવાઓ તેને ગમતી પણ નહીં પણ એમણે એ વાત બધાથી છુપાવીને રાખી એ તેને ગમતું. એના બે કારણ હતા એક તો તેના અવતાર હોવાની અફવા ફેલાય તો નિર્ભય સિપાહીઓ તેનું ગળું કાપી નાખે અને બીજું કદાચ એમના સુધી ખબર ન જાય તો પણ તેના મિત્રો તેને પરેશાન કરી મૂકે. આમ પણ તેના મિત્રો તેને નિશાચર, રાતના અંધકારમાં પણ જોઈ શકતું પ્રાણી અને એવા કેટલાય નામથી ચીડવતા રહેતા.

          ધીમે ધીમે આકાશમાંથી તારાઓ ઓછા થવા માંડ્યા હતા તેને અંદાજ પણ ન રહ્યો કે એ કેટલો સમય વિચારોમાં ખોવાઈ ત્યાં બેસી રહ્યો કેમકે તેણે સમયસ્તંભ ઉતરવાનું શરૂ કર્યું ત્યારે ગણ્યા ગાંઠયા તારાઓ જ ચમકતા હતા. હવામાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું મતલબ સવાર થવાની તૈયારી હતી.

          સ્તંભ ઉતરતા તેને પંદરેક મિનિટ થઈ. ફરી એ જ રીતે દોડીને તેની ઝૂંપડી સુધી પહોચતા અડધો કલાક. પ્રાંગણમાં બિલ્લીપગે ચાલી એ ઝૂંપડીના દરવાજા સુધી ગયો. એક નજર મા અને પિતાના વિભાગ તરફ કરી. બંને હજુ શાંત મુદ્રામાં સુતા હતા. એ હળવેથી ઝૂંપડીનો તેના વિભાગનો દરવાજો ખોલી અંદર દાખલ થયો. ઝૂંપડીમાં દાખલ થતાં જ દોડવાનો થાક જાણે હવે રહી રહીને તેને આંબી ગયો હોય એમ આખા શરીરમાં થાક વરતાવા લાગ્યો. એ ખાટલામાં આડો પડ્યો અને માએ રૂમાંથી જાતે સિવીને તૈયાર કરેલું જૂનું ગોદડું ઓઢી લીધું. શરીરમાં પેસી ગયેલી ઠંડી થોડોક સમય તેને ધ્રુજાવતી રહી. માએ સિવેલા એ ગોદડામાં ગજબ શક્તિ હતી. ઠંડીની અસર ધીમે ધીમે ઓછી થવા લાગી. ગાદલું તેને ગરમી આપવા લાગ્યું કે પછી દોડવાના અને સ્તંભ પર ચડવાના થાકથી તેની આંખો મળી ગઈ અને એ પણ બાકીના શૂન્યો જેમ રાતને હવાલે થઈ ગયો.

 

ક્રમશ: