I mishti spy… in Gujarati Detective stories by Nisha Patel books and stories PDF | હું મિષ્ટી જાસૂસ…

Featured Books
Categories
Share

હું મિષ્ટી જાસૂસ…

હું મિષ્ટી જાસૂસ…

બાળપણમાં મેં શેરલોક હોમ્સની જાસૂસી કથાઓ ખૂબ સાંભળેલી અને વાંચેલી. મારા પિતાનું એ સૌથી પ્રિય પાત્ર હતું. તેમણે જ મને તેની અનેક વાતો કહી સંભળાવી હતી. અને તેની બધી બુકસ વાંચવાં આપી હતી. ત્યારથી મને તેનું અજબનું આકર્ષણ હતું. હું રોજ જાગતી આંખે જાસૂસ બનવાનાં સ્વપ્નાંઓ જોતી જોતી મોટી થવાં લાગી હતી.


પણ પછી હકીકતની દુનિયામાં બહુ જલ્દી પગ મુકવાનો થયો. જ્યારે હું મોટી થઈ, કોલેજની ડીગ્રી લઈ વાસ્તવમાં જોબ શોધવાં માંડી, ભારતમાં મારાં જેવી યુવતીઓ માટે ડીટેક્ટીવ જેવાં કોઈ ફિલ્ડમાં જોબ છે જ નહીં એ સત્ય સમજાઈ ગયું. અરે, એ જમાનામાં ભારતનાં નાનાં શહેરોમાં તો પ્રાઈવેટ ડીટેકટીવ જેવું પણ કાંઈ હતું નહીં. મને ડીટેક્ટીવ જગત પ્રત્યે આટલાં વાંચનનો અને એ રીતે કામ કરવાનો મોહ જગાડનાર મારાં પિતાએ પણ મારી ઇચ્છા પર ધ્યાન આપવાને બદલે મારાં લગ્ન કરાવી દીધાં. લગ્ન કરી હું મુંબઈ જેવાં મોટાં શહેરમાં આવી. પેલાં ડીટેક્ટીવ બનવાનાં સ્વપ્નાં સાંસારિક દોડધામ પાછળ સંતાઈ ગયાં. સમય પસાર થતો ગયો.


અચાનક એક અકસ્માતમાં મારાં માતાપિતા અને મારાં બંને બાળકો ઓન ધ સ્પોટ ગુજરી ગયાં! અને એ આઘાતની કળ વળે તે પહેલાં જ મારાં પતિએ મને ‘એ એક્સીડન્ટ માટે હું જ જવાબદાર છું’ કહી ડીવોર્સ આપી દીધાં! હું આઘાતથી સૂધબૂધ ખોઈ બેઠી! હવે મારાં સંસારમાં થોડાં દૂરનાં સગાં અને પોતપોતાનાં સંસારમાં ગળાડૂબ બે-ચાર મિત્રો સિવાય કોઈ રહ્યું નહીં. હું મુંબઈ હંમેશ માટે છોડી માતા પિતાનાં ઘરે રહેવાં ચાલી આવી…


કેટલાંય દિવસો હું નિષ્ક્રિય, સુસ્ત પડી રહેતી. તો ક્યારેક શૂન્યમનસ્ક ચાલ્યાં કરતી… ધીરે ધીરે સગાવહાલાં, મિત્રોએ સમજાવવાનું અને આવવાનું બંધ કરી દીધું. આડોશીપાડોશીઓ પણ મારો શુષ્ક વ્યવહાર જોઈ આવતાં બંધ થઈ ગયાં. નિઃસ્પૃહ એકલતા સાથે હું ચાલ્યાં કરતી અથવાં નિષ્ક્રિયતા સાથે બેડમાં પડી રહેતી. સમય પોતાનું કામ કરતો જતો હતો… ચૂપચાપ… આમ જ એક વર્ષ વીતી ગયું.


એક દિવસ ઘરની નજીકનાં નાનાં તળાવ પાસે બેઠી બેઠી અન્યમનસ્ક સ્થિર પાણીને જોતી હતી ત્યાં અચાનક પાણીમાં કશું પડવાનો મોટો અવાજ આવ્યો અને બધું પાણી ડહોળાઈ ગયું. બેધ્યાનપણે મેં ત્યાં જોયું. બે ત્રણ પોલીસ ત્યાં ઊભી હતી એમાંથી એક જણે અંદર કૂદકો માર્યો હતો. થોડી ક્ષંણોમાં એ પથ્થર બાંધેલી કોઈ સ્ત્રીની લાશ ઊંચકીને બહાર આવ્યો… ને મારું યે આખું અસ્તિત્વ ડહોળાઈ ગયું. હું ચૂપચાપ ત્યાં તાકી રહી હતી, પણ મારી અંદર એક રમખાણ ચાલી રહ્યું હતું. થોડીવાર રહીને હું ઘરે તો ચાલી આવી, પણ, મારી અંદર એક અજબનું મનોમંથન ચાલું થઈ ચૂક્યું હતું. એ આખો દિવસ અને રાત એ રમખાણ ચાલું રહ્યું. બીજે દિવસે વહેલી સવારે થોડાં કપડાં અને જરુરીયાતની થોડી વસ્તુઓ લઈ, ઘરને તાળું મારી હું મુંબઈની ટ્રેનમાં બેસી ગઈ…


ટ્રેને સ્પીડ પકડી પણ તેનાથી યે વધુ સ્પીડમાં મનનાં વિચારો ચાલતાં હતાં. લગભગ એક વર્ષથી સાવ વિચારશૂન્ય મારાં મનમાં અચાનક જ વિચારોનાં સમુદ્રની ભરતી આવી હતી. અને જાણે કે, હું નિર્ણય કરવાં પાછી સક્ષમ બની ગઈ! રસ્તામાં એક સ્ટેશન પર નીચે ઉતરી મેં મીનેષને એસટીડી બુથ પરથી ફોન કર્યો. એટલે મુંબઈ ઉતારતાં જ મેં મીનેષને મને લેવાં સ્ટેશન પર આવીને ઊભેલો જોયો. તે મારાં પપ્પાનાં ખાસ મિત્રનો પુત્ર અને મારો પણ બહુ નજીકનો મિત્ર. અમે સાથે ભણેલાં તેથી તેને બોલાવતાં મને ખાસ સંકોચ ના થયો. હું જ્યારે પરણીને મુંબઈ આવી તે પહેલાં જ તે બધાં મુંબઈ રહેવાં આવી ગયાં હોઈ મને તેમની સારી કંપની હતી. તેની પત્ની સાથે પણ મને સારું ફાવવાં માંડ્યું હતું. અમે અવારનવાર સાથે બહાર પણ જતાં હતાં. આ છેલ્લાં એક વર્ષમાં પણ ખબરઅંતર પૂછવાં તેમનાં ફોન આવતાં રહેતાં. આમ, મારો વ્યવહાર શુષ્ક બની ગયેલો, પણ તે બંનેનો નહીં. થોડાં ભારે મન સાથે હું તેમનાં ઘરે પહોંચી...પણ મીનેષ અને તેની પત્ની તિથિનાં મીઠાં આવકારથી થોડીવારમાં મારું મન હળવું થવાં માંડ્યું.


બીજાં દિવસે થોડી અહીં તહીંની વાતો કરી મેં અનયની વાત કાઢી. અનય તિથિનો પિતરાઈ ભાઈ થતો હતો. તેની બહેને એને અમેરિકા બોલાવેલો. હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે જ એ ત્યાં જતો રહેલો. એ ક્રિમીનોલોજીનું ભણેલો. ભણતાં ભણતાં કોઈની સાથે લીવ ઈન રીલેશનશીપમાં હતો. પણ પછી મેરેજ કરતાં પહેલાં જ બ્રેક અપ થઈ ગયું...અનય પહેલેથી જ ખૂબ લાગણીશીલ હતો. પેલી છોકરીનાં જતાં રહેવાથી તે સાવ જ ભાંગી ગયો.


મન ફેર કરવાં થોડાં દિવસો ઈંડિયા તિથિએ તેને બોલાવ્યો. ત્યાર પછી તે પાછો ગયો જ નહીં. અહીં જ રહી ગયેલો. અહીં રહેવાનું નક્કી કર્યું ત્યારે એ તિથિને મળવાં આવ્યો હતો, સંયોગવશાત્ એ સમયે હું પણ અહીં મીનેષનાં ઘરે મળવાં આવી હતી. અનય ક્રીમીનોલોજીનનું ભણેલ છે અને હવે અહીં જ રહીને કામ કરશે એ વાત મારાં મનને જાણે કે સ્પર્શી ગઈ હતી. પણ પછી મળવાનું બન્યું નહીં. અને એનાં થોડાં સમયમાં તો મારી આખી દુનિયા જ ઊલટપલટ થઈ ગઈ! મારું આખું અસ્તિત્વ તૂટીને ઝીણાં ઝીણાં ટુકડાઓમાં વેરવિખેર થઈ ગયું…અનય પણ ભુલાઈ જ ગયો હતો. પણ તળાવમાંથી નીકળેલી સ્ત્રીની લાશે અનય ફરી પાછો યાદ કરાવી દીધો...


મેં તિથિને અનય વિશે પૂછ્યું અને મળવાની ઇચ્છા બતાવી. બેત્રણ દિવસ પછી અનય મળવા આવી ગયો. તેણે જે વાતો કરી તેનાંથી તો જાણે વર્ષોથી દટાઈ ગયેલાં મારાં સ્વપ્નાંઓ તરફનો દરવાજો ખૂલી ગયો...અનયને અહીં કશે જોબ કરવાનું ફાવ્યું નહોતું. બહુ બધાં ટ્રાયલ પછી તેણે તેની પોતાની એક ડીટેક્ટીવ એજન્સી ખોલી હતી; જેમાં દસેક જણાં કામ કરતાં હતાં. આહ!!! ને પેલી દટાઈ ગયેલી ઈચ્છાઓ આળસ મરડી બેઠી થઈ ગઈ! હું એની સાથે જોડાઈ શકું? પણ એવું સીધું પૂછતાં સંકોચ થયો. એ આખી રાત મેં જાગતાં જાગતાં વિતાવી. મનમાં ગજબનો અજંપો રહ્યો. છેવટે સવાર થતાં તેની ઓફીસે જઈ સીધી વાત કરવાનું નક્કી કરી હું થોડીવાર માટે સૂઈ ગઈ. ડીટેક્ટીવ બનવાની ઈચ્છાઓનાં અજંપાથી વ્યાકુળ હું અનયની ઓફીસે નવ વાગ્યાં પહેલાં જ પહોંચી ગઈ.


ત્યાં પહોંચી ત્યારે અનય પહેલેથી જ આવેલો હતો. મને આવેલી જોઈ તેણે મને સીધી અંદર બોલાવી લીધી. હજુ તેની રીસેપ્સનીસ્ટ આવી નહોતી. અલબત્ત, બીજું પણ કોઈ આવ્યું નહોતું. મારે અનયને કશું કહેવાની જરૂર ના પડી. તેણે મને સામેથી જ પૂછ્યું, જો હું તેની કંપની જોઈન્ટ કરવાં માંગતી હોવ તો આજથી જ કામ ચાલું કરી શકું છું.


મને લાગ્યું કે મારી ચારે તરફ ઘણાં સમય પછી આનંદનો સમુદ્ર ઉછાળાં મારી રહ્યો છે! અચાનક જ કુદરતે મારાં પર અપરંપાર કૃપાનો વરસાદ વરસાવી દીધો છે! પહેલાં તો મને મારાં કાન અને નસીબ પર વિશ્વાસ જ ના થયો! હું કાંઈ સમજી જ ના હોઉં તેમ તેની તરફ બાઘી બની જોઈ રહી. ના હલી! ના ચાલી! ના બોલી! આંખો પહોળી અને મોંઢું ખુલ્લું રહી ગયું! અનય મારી આવી સ્થિતિ પર ખડખડાટ હસી પડ્યો! કહે,

“મિષ્ટી! તું સ્વપ્નાંમાં કે તંદ્રાંમાં નથી. અનય ડીટેક્ટીવની ઓફીસમાં જાગ્રત અવસ્થામાં આવેલી છું. અને હવે તું મારી ખાસ ડીટેક્ટીવ ટીમની મેમ્બર છું. હવે તું કાંઈ કામ કરવાં માંગતી હોય તો આપણે મારાં આ ચાલી રહેલાં કેસ પર કાંઈ કામ કરીએ!”


તેનાં શબ્દોથી હું જાગ્રત તો થઈ પણ રહી રહીને પેલાં આનંદનાં સમુદ્રનાં ઉછાળાં મારતાં મોજાંઓનાં અવાજમાં આખો દિવસ અનયનો અવાજ દબાઈ જતો રહ્યો! ઈશ્વર જેમ અચાનક તમારું બધું જ લઈ લે છે તેમ અચાનક તમને બધું આપી પણ દે છે! એટલે જ તો હિંદીમાં પેલી કહેવત છે ને કે ‘ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ’. મા બાપ, બાળકો, પતિ બધું જ છીનવાઈ ગયું ને હું સાવ એકલી પડી ગઈ! પણ આજે અચાનક મને મારાં સ્વપ્નાકાશમાં રૂબરૂ પ્રવેશ મળી ગયો! આશ્ચર્ય નહીં?!


એ આખો દિવસ આંખનાં પલકારાંમાં ઉડી ગયો. હું કામમાં ધ્યાન આપવાં પ્રયત્ન કરતી રહી. પણ મનનું યે કેવું છે નહીં?! અતિ દુઃખમાં પણ માણસ સાનભાન ગુમાવે છે તો અચાનક મળી ગયેલાં અતિ સુખમાં પણ સુધબુધ ખોઈ નાંખે છે! એ આખાં દિવસનાં કામમાં મને કાંઈ સૂઝ ના પડી. હું ખાલી ડોકાં હલાવતી હલાવતી એ હકીકતનાં સ્વપ્નાકાશમાં પાંખો ફફડાવતી રહી!


૰ ૰ ૰ ૰ ૰ ૰


સાંજે અનય મને ઘરે મૂકવાં આવ્યો. અમને બંનેને સાથે જોઈ અને મારાં ચહેરાં પર ઘણાં સમય પછી આનંદની રેખાઓ જોઈ મારાં વગર કહ્યે જ મીનેષ અને તિથિ બધું સમજી ગયાં. તેમને આનંદ અને ‘હાશ’ બંને થયાં. ‘મારાં ડૂબવાં માંડેલાં જીવનને નવી દિશા મળ્યાં’નો સંતોષ મારાં એ પરમ મિત્રોનાં ચહેરાં પર પણ છવાઈ ગયો! અમે બધાં અલકમલકની વાતો કરતાં કરતાં જમ્યાં. મોડેથી અનય ગયો એટલે હું મનની પાંખોથી હવામાં ઊડતાં ઊડતાં સૂવા ગઈ!


૰ ૰ ૰ ૰ ૰ ૰ ૰


બીજે દિવસે પણ હું સમય કરતાં વહેલી પહોંચી ગઈ. અનય પણ વહેલો જ આવેલો હતો. એક નવજાત શિશુઓનાં અપહરણનો મોટો કેસ ચાલી રહ્યો હતો. આજે હું સ્વસ્થ બની ગઈ હતી. મારાં મગજનાં ઊડતાં ઘોડાં કાબૂમાં હતાં. મેં આખાં કેસનો પૂરો સ્ટડી કરવાં માંડ્યો. એ સ્ટડીમાં એક વ્યક્તિનાં બેંક અકાઉન્ટ અને ફોનની પણ માહીતિ હતી. તે ધ્યાનમાં આવતાં જ હું ચોંકી ગઈ. એ મારાં ભૂતપૂર્વ પતિનાં બેંક અકાઉન્ટ અને ફોન હતાં. એ લેઈટ નાઈન્ટીસનાં દિવસો હતાં. મારાં ભૂતપૂર્વ પતિનું આવી કોઈ ગુનાહીત પ્રવૃત્તિમાં સામેલ હોવું મારાં માટે બહુ આઘાતજનક વાત હતી. હું એક ગુનેગાર સાથે રહેતી હતી? મારાં મૃત સંતાનોનો પિતા નવજાત શિશુઓનો વ્યાપાર કરનાર? મને મારી પોતાની જાત પર પણ અણગમો થઈ આવ્યો.


મારાં ભાગે આવ્યું એ ભૂતપૂર્વ પતિની બધી ગતિવિધિઓ પર નજર રાખવાનું. મેં અને ટીમનાં બીજાં એક મેમ્બર, શિવમે સવાર થતાં જ કાળાં સનગ્લાસીસ, કાળું ટીશર્ટ, કાળું પેન્ટ, કાળી કેપ, કાળાં શુઝમાં સુસજ્જ થઈ, એનાં ઘરથી થોડે દૂર અમારી મારુતિ કાર ઊભી રાખી, અને એનું ધ્યાન રાખવાં માંડ્યું. આખો દિવસ એવું કાંઈ ખાસ નોંધી શકાય તેવું જોવાં મળ્યું નહીં. એ એક હોસ્પીટલમાં ગાયનેક હતો. ત્યાંથી ઘણાં બાળકો ગુમ થયાં હતાં. પણ તેનાં ઘર પાસે તો સામાન્ય દેખાતું હતું. કશું એવું ખાસ નજરે ચઢ્યું નહીં. તે દિવસે ફરી રાજ એટલે કે મારાં ભૂતપૂર્વ પતિનાં ખાતાંમાં ૨૫લાખ રૂપિયાં જમા થયાં. એટલે અમે બધાં સડક થઈ ગયાં.


એ રાત્રે મેં અને અનયે વળી મારાં ભૂતપૂર્વ પતિ રાજનો પીછો કર્યોં. આજે તો અમારે ગમે તેમ કરીને શોધ પૂરી કરવાની હતી. છેલ્લાં એક મહિનાથી આ કેસ હાઈ એલર્ટમાં હતો. જુદી જુદી હોસ્પીટલમાંથી લગભગ બે હજાર જેટલાં બાળકો ગુમ થયાં હતાં. એ પછી તેમનું શું થતું હતું ખબર પડતી નહોતી. અડધી રાત્રે રાજ કોઈ કાળી મોટી ચારેબાજુથી બંધ વેનમાં નીકળ્યો. તેણે લગભગ મુંબઈથી કલાકેક દૂર જઈ ગીચ જંગલ જેવી જગ્યામાં ગાડી ઊભી રાખી. અમે પણ તેનાંથી વ્યવસ્થિત અંતરે ગાડી ઊભી રાખી. તે ઝાડીઓમાં અંદર ચાલતો ચાલતો ગયો. અમે પણ તેની પાછળ પાછળ સંતાઈને ગયાં. અંદર એક ટ્રક ઊભી હતી. એનું પાછળનું બારણું રાજે ખોલ્યું તે જોઈ મારું અને અનયનું મોંઢું ખુલ્લું જ રહી ગયું.


અંદર લગભગ પચાસ જેટલાં નવજાત શિશુ હતાં અને પાંચેક તેમની સંભાળ રાખનાર બાઈઓ હતી. એવાંમાં ત્યાં બેત્રણ બીજાં માણસો આવ્યાં. એ લોકો પેલાં બધાંને લઈને દરિયાકિનારા તરફ ચાલ્યાં. હવે અમારે એ લોકોને રોકવાં જ રહ્યાં! તે લોકો એ બાળકોને લઈ જઈ વેચી દેવાનાં હોય તેવું લાગતું હતું. જો અમે ના રોકીએ તો એ બાળકોને ગુમાવી જ દઈશું! પણ અમારી પાસે પોલીસનું બેક અપ કે ખાસ કોઈ સાધન નહોતાં. મારી પાસે એક હોકી જેવી લાકડી હતી અને અનય પાસે… મેં અનય તરફ નજર કરી તો એ નાનકડી રીવોલ્વર કાઢી તૈયાર ઊભો હતો. હું અચંબીત બની ગઈ. એવામાં તો તેણે એ લોકોને લલકારી રોકવાંનો પ્રયત્ન કર્યોં.


એ બધાં દરિયામાં ઊભાં રાખેલાં નાનાં જહાજ તરફ દોડ્યાં. મારાં બીજાં આશ્ચર્ય વચ્ચે અમારી આખી ટીમ ક્યાંકથી નીકળી, આવી પહોંચી હતી. પેલાં બધાં પેલાં બાળકોને એક પર એક થેલાંમાં નાંખી પેલી છોકરીઓ પાસે થેલાં ઊંચકાવી દોડવાં માંડ્યાં હતાં. અમે સૌએ તેમનો પીછો કર્યોં. લગભગ એકાદ કીલોમીટર પછી કિનારો આવી ગયો ને ત્યાં આગળ બધાંની ઝપાઝપી થઈ ગઈ. છુટ્ટાં હાથની મારામારી, મારી પાસે હતી તેવી લાકડીઓની મારામારી અને ગોળીઓની રમઝટ…


ક્ષણોમાં તો બધું બની ગયેલું. હવે પેલાં લોકો બાળકોને નાંખી જીવ બચાવવાંની કોશિશ કરતાં હતાં. રાજ અને અનય એકબીજાંની સામસામે આવી ગયેલાં. કોણ મર્યું કોણ જીવ્યું તે સમજું તે પહેલાં મને માથામાં એક ગોળી વાગી ને હું બેભાન બનીને પડી.


૰ ૰ ૰ ૰ ૰ ૰ ૰


અરે! આ મારી આંખો ખોલી શકાતી કેમ નથી?! મારાં હાથપગ હલતાં કેમ નથી?! મારાંથી બેઠાં થવાતું કેમ નથી?!


અરે, કોઈ છે?! મારે બૂમ પાડવી છે. કોઈને બોલાવવાં છે. પણ મારાંથી તો બોલાતું પણ નથી?!


આ શું થઈ રહ્યું છે??? હું ક્યાં છું? અનય ક્યાં છે? પેલાં બાળકોનું શું થયું?


૰ ૰ ૰ ૰ ૰ ૰ ૰ ૰


આંખો પર પાટાં બાંધ્યાં હોય તેવું લાગે છે. હાથપગ પણ બાંધી દીધાં હોય તેમ લાગે છે. અથવા મારાં હાથપગ છે જ નહીં. કપાઈ ગયાં હશે? પણ મને તો મારું શરીર પણ ફીલ થતું નથી. એનું શું કારણ? હું જીવું છું ખરી?! મને તો ગોળી વાગી હતી! તો શું હું મરી ગઈ છું!? તો આ ટક ટક અવાજ સંભળાય છે એ શું? મર્યાં પછી આવાં અવાજ સંભળાતાં હશે? કોઈ તો મને કહો શું થઈ રહ્યું છે? મેં મનોમન ચીસો પાડી… પણ હોઠ હલતાં નહોતાં.


“ડોક્ટર, મિષ્ટી ભાનમાં ક્યારે આવશે?” મને અવાજ સંભળાયો. એ કદાચ શિવમનો અવાજ હતો. મને કશું દેખાતું તો હતું નહીં. એટલે મારે ધારવાનું જ હતું કે કોણ હશે.

“કશું કહી ના શકાય. એ કોમામાં જતી રહી છે. એટલે હવે કશું પણ કહી શકાય તેમ નથી.” ડોક્ટરનો અવાજ આવ્યો, “માથાંમાં ગોળી વાગવાથી બ્રેઈન ડેમેજ થઈ ગયું છે. એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે.”


મને બૂમ પાડવી છે કે ના, મારું મગજ કામ કરે છે. પણ આ હોઠ ખબર નહીં કેમ ખૂલતાં જ નથી. મારે હાથ ઊંચો કરી જણાવવું છે કે હું ભાનમાં છું. પણ એક સેન્ટીમીટર પણ હલી શકાતું નથી. મને દેખાય તો હું આંખથી ઈશારો કરી જોઉં પણ દેખાતું યે નથી. એવું કેમ?! મારે ડોક્ટરને પૂછવું છે, એક નહીં ઘણાં સવાલ છે. મારી લાચારી પર હું સમસમી ગઈ! અનય ક્યાં છે? કેસનું શું થયું? પેલાં બાળકોનું શું થયું? તેમને અપહરણ કરી ક્યાં અને કેમ લઈ જવાતાં હતાં? પ્રશ્નોનાં ઝુંડ વચ્ચે હું નિઃસહાય ઊભી હતી. હું ખાલી એટલું જ સમજી શકી કે હું હોસ્પીટલમાં હતી. થોડીવારમાં નિરવ શાંતિ છવાઈ જાય છે. મેં વિચાર્યું કે એ લોકો જતાં રહ્યાં છે. પછી કેટલો સમય વહી ગયો તેની ખબર નથી.


ફરી વાતો કરવાનાં અવાજો આવવાં લાગ્યાં. આ વખતે મને લાગે છે કે ચારપાંચ જણાં છે. અવાજ અને વાતો પરથી લાગે છે કે અમારી ડીટેક્ટીવ ટીમનાં મેમ્બર્સ છે. અરે એમાંથી, આ અવાજ તો મેં ઓળખ્યો! આ તો મીનેષ બોલ્યો. સાથે તિથિ પણ વાત કરતી લાગે છે. મેં ધ્યાનથી વાત સાંભળવાં માંડી. ઘણીવાર બધાં સાથે બોલવાં માંડતાં હતાં ત્યારે સમજાતું નહોતું કે કોણ શું બોલે છે!


ધીરે ધીરે મને વાત સમજાવાં માંડી. એ લોકો રાજ અને તેનાં સાથીદારોની વાત કરતાં હતાં. તે બધાં પકડાઈ ગયાં હતાં. તેમાંથી એક બે છોકરીઓ મૃત્યુ પામી હતી. એ લોકો એ બાળકોને દેશ અને વિદેશનાં અમુક શહેરનાં અમુક રેસ્ટોરાન્ટ્સમાં વેચતાં હતાં. જ્યાં એ રેસ્ટોરાન્ટ્સવાળાં બાળકોનું તાજું માંસ બનાવીને વેચતાં હતાં. તે માટે તેઓ અઢળક પૈસાં ચાર્જ કરતાં હતાં અને અઢળક પૈસાં ચૂકવતાં પણ હતાં. એટલે નવજાત શિશુઓને વેચવાનો ગેરકાયદેસરનો વ્યાપાર પૂરજોશમાં ચાલતો હતો, જેમાં બાળકોને જીવતાં જ જે તે રેસ્ટોરાન્ટ્સમાં પહોંચાડવાનાં રહેતાં. તેમાં ડોક્ટરો અને દેશવિદેશનાં મોટી મોટી રેસ્ટોરાન્ટ્સનાં માલિકો સામેલ હતાં. રાજ અને તેનાં સાથીઓ અને બીજાં અમુક લોકો પોલીસ કસ્ટડીમાં હતાં. બીજાં વિદેશમાં રહેલાં ગુનેગારોને પકડવાં ઈન્ટરપોલ એકદમ સક્રિય બની ગયેલી.


હું આઘાતથી જાણે સાનભાન ખોઈ બેઠી હતી. કેટલો મોટો દેશદ્રોહ અને કેટલી બધી નીચ કક્ષાનાં માણસો? માણસાઈનું નામોનિશાન નહીં? અને તેવો વ્યક્તિ મારો ભૂતપૂર્વ પતિ? સારું થયું કે મારાં બાળકો કે મારાં માતાપિતા આ સાંભળવાં-જાણવાં જીવતાં જ નથી રહ્યાં! પૈસાં પાછળ માણસ આટલી નીચતા પર ઊતરી આવે? નવજાત બાળકો? તેને મારીને ખાઈ શકે???


એ બધાંએ તિથિને ત્યાંથી નીકળતી વખતે અનયનાં મૃત્યુ માટે આશ્વાસનનાં વચનો કહ્યાં. આ વળી નવો આઘાત! અનય જ નથી રહ્યો??! અને તે પણ મર્યોં હતો રાજની ગોળીથી! હવે તો રાજ માટે ધિક્કારની ભાવના હદ વટાવી ગઈ! અને અનયને મેં મનોમન શ્રદ્ધાંજલિ અર્પી. દેશ માટે કેવો ત્યાગ! હજુ ત્રણચાર વર્ષ પહેલાં જ વિદેશ અભ્યાસ કરી પાછો ફરેલો યુવાન દેશ માટે અને માણસાઈની રક્ષા માટે વગર કોઈ અપેક્ષાએ કુરબાન થઈ ગયો!


૰ ૰ ૰ ૰ ૰ ૰ ૰

આજે વર્ષો પછી કદાચ હું ભાનમાં આવી છું! મારી આંખો ખુલ્લી છે અને સામે મીનેષ અને તિથિ પ્રૌઢાવસ્થામાં ઊભાં છે. હું તેમને જોઈ શકું છું… ને અચાનક મારી આંખો ફરી બંધ થઈ ગઈ! ડોક્ટરે લાઈફ સપોર્ટનાં બધાં પ્લગ્સ કાઢી લીધાં.