વસુધાને મોક્ષનો પગરવ સંભળાયો એણે પુસ્તક બાજુમાં મુકવા પ્રયત્ન કર્યો પણ એટલો રસ પડેલો કે એણે પુસ્તક મૂક્યું નહીં મોક્ષે કહ્યું ‘વસુધા...વસુમાં વંચાતી લાગે તારો ચહેરોજ ચાડી ખાય છે કે વસુધાની વાર્તા વંચાઈ રહી છે કેટલી વાંચી ?” અવંતિકાએ કહ્યું “પીતાંબર ઘોડા પરથી પડી જાય છે અને...” મોક્ષે કહ્યું “એ બધું તો વંચાઈ ગયું છે તેં તો મને કહેલું પીતાંબરને હોંશ નથી આવતો અને પીતાંબર એની છોકરીનું મોં જુએ પહેલાંજ મૃત્યુ પામે છે વસુધા દીકરીને જન્મ આપે છે એનાં પિતાનું એ છોકરી મોં નથી જોઈ શકતી તરત પીતાંબર...પછીતો વસુધા વધુ મજબૂત બને છે ખેતરે જઈને ઉભા પાકને લણણી કરાવી સારા ભાવમાં સોદો કરે છે...”
“વસુધાને માથે તો પસ્તાળ પડી એમ કહી એ સાંજે રસોઈ ના બનાવી ના આપણે કંઈ અન્ન જળ મોઢામાં મૂક્યું...એનાં આઘાતમાં બે દિવસ તું...અવંતિકા ભૂલી ગઈ ? આવું દુઃખ ઈશ્વર કોઈ દુશમનને પણ ના આપે...”
અવંતિકાએ કહ્યું “મોક્ષ એવી કારમી સ્થિતિમાં મુકાયેલી વસુધા...હું કેમ કરી ભૂલી શકું ? ભલે પુસ્તક વાંચી રહી છું પણ આ વસુધાના જીવનની પુસ્તક છે આ બધું સાચે બની ગયું છે. ખબર નથી આટલાં પ્રકરણો મને ખુબ મહત્વનો લાગે છે સમજવા જેવાં લાગે છે...એક નાની ઉંમરની સ્ત્રી હજી પરણીને સાસરે આવી છે એનાં અરમાનની મહેંદી હજી ઉતરી નથી...જુવાનીનાં ઉંબરે પગ મૂક્યાં ત્યાં લગ્ન થયાં હજી સંસારની દોર હાથમાં લે એજ પહેલાં વિધવા થાય...એનાં પતિનાં પ્રેમ એણે હજી પૂરો માણ્યો નથી...મીંઢળનાં વેઢ હજી એનાં એમ છે એવી છોકરી વિધવા થાય...ઉપરથી એની નણંદ સરલાનુ લગ્ન જીવન તૂટવાને આરે આવી ઉભું છે...@
“મોક્ષ આંસુ દોહી દોહીને આ વસુધા હિંમત એકઠી કરી રહી છે આ પ્રકરણોએ મને હચમચાવી દીધી છે હું બે દિવસ વિચારોમાંજ પડી ગઈ કે હજી ચોવીસી પચીસીની ઉંમરે પહોંચેલી છોકરી પિયરનો ઉંબરો હમણાં ઓળંગી સાસરે આવી છે અને આટલી જવાબદારી ? એક એક પ્રસંગો છાતીએ કાળની જેમ વાગવા એ કોણ સહન કરે? “
“મોક્ષ હું તો વિચારી નથી શકતી કે જીવનમાં આવી પણ પરિસ્થિતિ આવે ? જેનો વિચાર ના થઇ શકે એવી સ્થિતિ વસુધા વાસ્તવિકતામાં જીવે છે... હજી આખી ઉંમર જીવવી બાકી છે એ પણ એકલા પંડી જીવવાની. એનાં પીતાંબરનાં સ્પર્શનાં સ્પંદનો ભુલાયા નહીં હોય વારે તહેવારે પ્રસંગે કેટ કેટલું ઉજવવાનું માણવાનું વિચાર્યું હશે અને અચાનકજ જાણે જીવનની પાટી કોરી થઇ ગઈ...મોક્ષ...મોક્ષ...” એમ કહેતી અવંતિકા મોક્ષને વળગીને રડી પડી...
મોક્ષે અવંતિકા બરડે હાથ ફેરવ્યો માથે હાથ ફેરવ્યો આંખો લૂછી સાંત્વના આપતાં કહ્યું “જો એવું જે પ્રકરણો આવી રીતે રડાવી જાય એ ફરી ફરી શા માટે વાંચવા જોઈએ ? તું આગળ વધને તું વાંચવામાં આગળ વધ...વસુધા બધું ઝેર પચાવી જીવનમાં આગળ વધી ગઈ હશે આગળમાં પ્રકરણમાં.”
“વસુધા વસુમાં... એટલેજ તો સ્ત્રીઓ માટે દીવાદાંડી સમાન છે બધાને જીવનનાં અંધકારમાં પ્રકાશ આપીને આગળ વધવાનો રસ્તો બતાવે છે. “
અવંતિકાએ આંસુ લૂછતાં કહ્યું “મોક્ષ તમારી વાત સાચી છે જે સ્થિતિ સંજોગ આવે એ તમે રડીને પસાર કરો કે હસીને...પસાર તો કરવાનાંજ છે તો હસીને...સમજીને શા માટે નહીં ? અને વસુધા બધું સહીને આગળજ વધી ગઈ એ ઘરનો ખૂણો પકડી રડતી બેસી નથીજ રહી...”
“મોક્ષ વસુધા એની નણંદ સરલાનાં જીવનમાં પણ આવી પડેલી સ્થિતિને સારી રીતે સમજીને આગળ વધી રહી છે મને વિશ્વાસ છે કે એ સરલાને પ્રોબ્લેમ પણ સોલ્વ કરી દેશે...આગળ મેં વાંચેલું એનાં સસરાનાં મિત્ર રમણકાકાની પાછી ફરેલી દીકરી અને મહેનતુ છોકરાની વહુને સાથે રાખી આણંદ ડેરી માટે મળવા જઈ રહી છે..”.
“વસુમાં માટે મને માન વધી ગયું એટલી નાની ઉંમરમાં આટલી સહનશક્તિ અને વિચક્ષણ બુદ્ધિ ક્યાંથી લાવ્યાં હશે ?કહેવું પડે...”
નારી શક્તિઓને નમન છે...
“મોક્ષ...વસુધાએ સમાજની દરેક સ્ત્રીને દુઃખ સહી પરિસ્થિતિઓ સામે સમાધાન કરી પોતાની પાત્રતા અને આબરૂ જાળવીને બસ આગળ વધવાનો નિશ્ચય કર્યો એટલે બીજી કોઈ છોકરી હોતતો એનાં માં બાપનાં ઘરે જતી રહી હોત. છોકરી સાસરાવાળાને સોંપી પોતે...આવાં હળાહળ કળીયુગમાં એક જુવાન સ્ત્રીએ પતિ ગુમાવ્યા પછી જીવવું એ પણ સમાજની નજરોથી બચીને એ ખાવાનાં ખેલ નથી...પણ ભગવાને એનાં ઉપર કૃપા કરી છે બહેન જેવી નણંદ અને જન્મ આપનાર માવતર જેવાં સાસુ સસરા મળ્યાં છે એની હિંમતને એલોકોનો સાથ સહકાર અને હૂંફ મળ્યાં છે...”
મોક્ષે કહ્યું “અવી...તારી આંખો નમ થઇ ગઈ હતી હું સમજી ગયેલો કે નવલકથામાં જરૂર કંઈક એવું વસુધાને થયું છે જે તને પણ અસર કરી ગયું છે...પણ આમ મન પર ના લઈશ એમનાં સંઘર્ષ અને કરેલાં કામમાંથી કંઈક સંદેશ કંઈક પ્રેરણા લેવાની છે અને મને થાય છે તારે તારી ઈચ્છા મુજબ કોઈ સંસ્થા...તું તો કામ કરેજ છે એમાં પણ મહિલા જાગ્રુતિ અને પ્રેરણાત્મક કાર્યો શરૂ કરાવવા જોઈએ. આગળ પછી સરલાનુ શું થયું ?”
અવંતિકાએ કહ્યું “મોક્ષ તમને તો રસ પડી ગયો છે અરે હજીતો વસુધા એ બધાની સાથે આણંદ જઈ રહી છે ડેરી માટે...મને મોક્ષ વાત એનાં સસરાની ખુબ ગમી એલોકોનાં ગામની દૂધ સહકારી મંડળીનાં એમનાં શેર...ભાનુબહેન અને સરલા માટે થોડાં રાખી બધાં વસુધાનાં નામે કરાવી લીધાં... એમને વસુધા ઉપર કેટલો વિશ્વાસ હશે...છોકરીને પોતાની પાછળ રાખી અને વહુને આગળ કરી...કહેવું પડે...”
મોક્ષે કહ્યું “વહુ અત્યારે દીકરાને સ્થાને એ લોકો જોઈ રહ્યાં છે ગામમાં ઘણાં ઓછાં લોકો એવું કરી શકે છે. વળી વસુધાની પાત્રતા એવી પુરુવાર પણ થઇ ચુકી છે...એનાં સસરાને વિશ્વાસ છે કે આ વહુજ આપણું કુળ ઉજાળશે...એવાં માવતરને પણ હજારો સલામ છે જે પોતાની વહુને દીકરી સમજી આટલો સાથ આપે છે. અવંતિકા કહે બધી વાત સાચી મોક્ષ પણ...”
મોક્ષ અવંતિકાની વધુ બાજુમાં આવ્યો... અવંતિકાનાં કપાળે પ્રેમાળ હાથ ફેરવીને કહ્યું “અવી શું વિચારો આવે છે હજી ? કેમ આટલી બધી વિહવળ અને ઉદાસ થઇ ગઈ ? તારો મોક્ષ તારી પાસેજ છે...બધામાં સાથ અને હૂંફ આપતો અપાર પ્રેમ કરતો...બોલ શું વિચારે છે ?...”
અવંતીકાએ કહ્યું “મોક્ષ...તમે બોલો છો ને એજ વિચારું છું...તમારી હૂંફ...એક પુસ્તક વાંચી હું આટલી વિહવળ અને ઉદાસ થઇ ગઈ તમે મને આમ સાચવી રહ્યાં છો. સમજાવી હૂંફ આપી રહ્યાં છો...મારી ઉંમર 38 વટાવી ગઈ છે...આ વસુધા હજી ચોવીસની છે...”
“એને કોની હૂંફ ? એનાં અંગત વિચાર પ્રશ્નો કોને કેહવા જાય ? કોની સાથે વાતો કરે ? આટલી નાની ઉંમરની સ્ત્રીને શું ના હોય ? આંખમાં અરમાન હૈયામાં હૂંફની ભૂખ...શરીરને સ્પર્શનું સુખ...અવનવી વાતોની ઈચ્છાઓ...શું ના હોય મોક્ષ ? એ બધું કેવી રીતે સહી જાય છે ? એ સ્ત્રી છે હાડ માસનું માત્ર પિંડ નથી એનામાં હૈયું ધબકે છે કાળજે કેટલાંય અરમાન છે...આંખમાં સ્વપ્ન છે છતાં એ બધું કોરાણે મૂકીને ઘરની જવાબદારીઓ ઉપાડે છે...”
“એકાંતે હૈયું રડી ઉઠતું હશે એનાં મનનો માણીગર પ્રદેશ નથી ગયો...ગામ તરૂ કરી ભગવાન પાસે જતો રહ્યો છે કદી પાછો નથી આવવાનો...બધાને ખબર છે. એનાં મૃત્યુનાં બે દિવસ પછી દીકરી અવતરી છે…એય સ્ત્રી જાતિ...કેટલી હામ ભીડી હશે એણે...બધાને જોવાનું છે બોલવાનું છે કોઈ વણમાગી શિખામણ આપી જશે એનેતો આ બધું સહીને જીવવાનું છે...”
“મોક્ષ વિરહ પોષાય કે મારો સાથી દૂર છે પણ ક્યારેક આવશે એની આસ હોય આતો જ્યાં ગયો છે ત્યાંથી પાછો કદીયે નથી આવવાનો એ સ્ત્રીને કોણ સમજે ? કોણ સમજશે ? ખાલી...ખાલા ટાલા વચનો અને શિખામણની લ્હાણી કરીને પોત પોતાનાં ઘેર બધા જતાં રહેશે પોતાની હૂંફ શોધી લેશે...આ સ્ત્રી રાત્રી પડે એની દીકરીને છાતીએ વળગાવીને નિતરતાં આંસુ સાથે સુઈ જાય છે કોઈને ખબર છે ?”
વધુ આવતા અંકે -પ્રકરણ 58