ઉનાળાના ધોમ ધખતાં તડકાએ ગીરના જંગલના ઝાડવાના રહ્યા સહ્યા રસ પણ સૂચિ લીધા હતા. જેના લીધે ઝાડવાના પાંદડા સુકાઈને ખરી પડ્યા હતા.આવા ઉજ્જડ ઝાડવાઓમાં પ્રાણ પૂરવા છેલ્લા થોડા દિવસથી મેહુલોજતી પહોંચી ગયો હતો.ખેડૂત અને માલધારીઓ માટે જેઠ આખો ભલે કોરો ધાકોડ જાય.પણ અહાઢનો એક દાડો પણ કોરો કાઢવો બહું કઠણ છે.અને આવા અષાઢ મહિનાનાં સમયે વરસાદ પડે એટલે ગીર આખું હરખની હેલીયે ચડે છે. પૂરતો વરસાદ પડવાથી સુકાઈ રહેલા ઝાડવાને નવજીવન મળી ગયું હતું.સુકાઈ ગયેલું ઘાસ જમીનમાં ભળી જઈ, તેનાં પાકી ગયેલાં બી ભીની માટીમાં દબાઈને ફરી ઊગવા તૈયાર થઈ ગયાં હતાં. પંખીડા પણ આનંદમાં આવી કિલ્લોલ કરવાં લાગ્યાં હતા.મોરલા જાણે તેનાં ગાળાના ત્રણ ત્રણ કટકા કરી ગહેકી રહ્યાં હતાં. આવાં ભીના વાતાવરણમાં જ્યારે ખૂબ વરસાદ ખાબકી રહ્યો હોય, ગીરની નદીઓ અને વોકળા ગાંડાતુર થઈ ઘોડાપૂરે હાલી નીકળ્યા હોય તેવા વખતે નેહડાના માલધારી પોતાના માલઢોરને ચારવા જંગલમાં જતા નથી. માલધારી પોતાના વાડામાં ભેંસોની પૂરી રાખે છે. ને આવા સમયે નિરવા માટે સંઘરીને રાખેલી બાજરાની કે જુવારની કડબની ગંજી (સુક્લ નીરણને ગોઠવવાની એક રીત જેમાં ઉપરની બાજુ છાપરા જેવો બે ઢાળીયાનો આકાર આપવામાં આવે છે.જેથી વરસાદનું પાણી તેમાં અંદર ઉતરતું નથી અને નીરણ પલળતી નથી.) માંથી કાઢીને માલઢોરને ખવડાવતા હોય છે. આવા વરસાદના દિવસોમાં માલધારી આખો દિવસ નવરા હોય છે.જેથી બધાં માલધારી કોઈ એક નેહડે ભેગાં મળી વાતો કરતાં હોય છે.વચ્ચે વચ્ચે ચા પાણી આવતાં રહેતા હોય છે. ગલઢેરા ચુંગીના અને આધેડ ખાખી બીડી પેટાવી ધૂમાડાના ગોટે ગોટા કાઢતાં હતા.આવી મોજમાં અને વરસાદી ટાઢા વાતાવરણમાં ગીરની કાળી ડીબાંગ રાતમાં એક ગોવાળિયાએ નરવ્યાં ગળે છંદ ઉપાડ્યા.જે ગીરનાં જંગલમાં પડઘા પાડી રહ્યાં હતાં.
🌺🌺છંદ🌺🌺
અષાઢ ઉચ્ચારમ્ , મેઘ મલ્હારમ્ , બની બહારમ્ , જલધારમ્
દાદુર ડક્કારમ્ , મયુર પુકારમ્ , તડિતા તારમ્ , વિસ્તારમ્
ના લહી સંભારમ્ , પ્યારો અપારમ્ , નંદકુમારમ્ નિરખ્યારી
કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી…
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં, બાદલ બરસે,અંબરસેં
તરુવર વિરિવરસે, લતા લહરસે, નદિયાં પરસે સાગરસેં
દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં, લગત જહરસેં દુઃખકારી
કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી…
ભાદર ભરિયા, ગિરિવર હરિયા,પ્રેમ પ્રસરિયા તન તરિયા
મથુરામેં ગરિયા, ફેરન ફરિયા, કુબજા વરિયા વસ કરિયાં
વ્રજરાજ વિસરિયા, કાજન સરિયા, મન નહિ ઠરિયા હું હારી
કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી…
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
તવ ડમક ડમક દાદુરદ્રાંવ ડમકત ડેહકત મોર મલ્હાર ગીરા
તવ પિયુપિયુ શબ્દ પુકારત ચાતક કિયુંકિયું કોકિલ કંઠ ગીરા
તવ ઘડડ ઘડડ નભ હોત કડાકા ને ગણણ ગિરિવર શિખર દડે
તવ રૂમ્જુમ રૂમ્જુમ બરસત બરખા ને ઘરર ઘરર ઘનઘોર ગજે …
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
સામ સામે ગોવાળિયાએ બોલાવેલી દુહા/ છંદની રમઝટે બેઠેલાં ડાયરાને મોજમાં લાવી દીધો. ગોવાળિયા ભાલકારા દિધે જતાં હતાં. આમ ચિક્કાર વરસાદ પડવાથી ગીર રૂડીને હેતાળ લાગવા લાગી હતી.
છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદે આજે વિરામ લીધો હતો. બે ત્રણ દિવસથી બાંધી બાંધી નિરણ ખાઈ રહેલી ભેંસો પણ જંગલમાં જવા તણઘા તોડાવી રહી હતી. વરસાદને લીધે ભેંસોએ જોકમા કીચકાણ મચાવી દીધું હતું. ભેંસોના પોદળા અને મુતર ગારા સાથે ભળવાથી ભેંસોની જોકમાં અલગ પ્રકારની વાસ આવતી હતી. અમુક ભેસો આવા માંદળામાં આળોટીને આખી રાબડ રાબડ થઇ ગયેલી હતી. બે ત્રણ દિવસના સતત વરસાદને લીધે ઉનાળાની ગરમીએ વિદાય લઈ લીધી હતી. વાતાવરણમાં ચારે બાજુ ઠંડક હતી. આજે વરસાદે વિરામ લીધો હતો.પરંતુ આકાશમાં અષાઢી વાદળોનો જમાવડો જામેલો હતો.તેમ છતાં બે ત્રણ દિવસથી વાડે પૂરેલી ભેંસોને આજે પગ મોકળો કરાવવા જંગલમાં લઈ જ જવી પડે તેમ હતી.બાકી પહેલાં વરસાદ પછી થોડા દિવસ જંગલમાં ભેંસો માટે ખાસ કંઈ ચરવાનું હોતું નથી. કેમકે એક તો ઉનાળામાં સૂકાઈ ગયેલું ઘાસ ઢોર-ઢાખર ચરી ગયાં હોય છે.રડ્યું ખડ્યું બચેલાં સૂકા ઘાસ પર વરસાદ પડવાથી બધું ઘાસ માટીમાં ભળી જાય છે.તેથી કોઈ કોઈ જગ્યાએ મોટું ઘાસ બચેલું હોય કે જાળામાં ન ચરેલું ઘાસ ઊભું હોય તે ગોતી ગોતીને ભેંસો ચરતી હોય છે.નવું ઘાસ ઉગીને મોઢામાં આવે એવું થવામાં હજી પંદર દિવસ નીકળી જાય તેમ હતાં.
વરસાદના માહોલમાં માલઢોરને ચરાવવા મોડેથી છોડે છે.જેથી ઘાસમાં બાઝી ગયેલું ઝાંકળ ઊડી જાય.ત્રણેક દિવસથી વાડે પૂરેલી ભેંસોના વાડાનો જાંપો ગેલાએ ઊઘાડ્યો ત્યાં તો બધી ભેંસોને ગાવડિયું હડી કાઢીને બહાર નીકળી ગઈ.બહાર નીકળેલાં માલઢોર સીધાં જ જંગલને કેડે ચડી ગયા. ઉનાળામાં સૂકી ભઠ્ઠ જમીન પર માલઢોરની ખરીએથી ધૂળ ઊડીને ગોટે ગોટા ચડે છે.પરંતુ આજે વરસાદ પડવાથી કેડીએ ધૂળ ભીની થઈ ચોટી ગઈ હતી.જેમાં ગાયો ભેંસોના પગ ખૂપતા જતાં હતાં. ક્યાંક રસ્તામાં આવતાં ખાબોચિયામાં થઈને ચાલી રહેલાં માલઢોર પાણી ઉડાડતાં જતાં હતાં.વરસાદને લીધે ચારેબાજુથી સૂકી ભીની અનોખી સોડમ આવી રહી હતી.જમીન પર ખરી પડેલાં સૂકા પાંદડા ભીના થઈ ગયાં હોવાથી તેની સુગંધ પણ વાતાવરણમાં ભળી રહી હતી.રસ્તામાં વચ્ચે આવતાં નેરામાં પણ પાણી ચાલું થઈ ગયું હતું. ઉપરવાસમાંથી આવતાં પાણીમાં ધૂળ ભળવાથી પાણી ડોળું થઈ ગયેલું હતું.પાણી ભાળીને ભેંસો વધારે ગેલમાં આવી ગઈ.નેરું બહું ઊંડું તો નહોતું પરંતુ તેમ છતાં ભેંસોના ગોઠણ સુધી પાણી વહેતું હતું. નેરામાંથી નીકળી રહેલી ભેંસોમાંથી અમુક પાણી પીવા લાગી તો અમૂક ભેંસો તો ચાલું પાણીમાં જ બેસી ગઈ.આવી પાણીમાં બેસી ગયેલી ભેંસોને ગેલાએ અને કનાએ હાંકલાં કરી ઊભી કરી નેરુ પાર કરાવ્યું. ગેલાએ પહેરેલો ચોરણો ગોઠણ સુધી ઊંચો કર્યો.ને કનાએ પોતાનું પેન્ટ ઉપર ચડાવ્યું. છતાં નેરૂ પાર કરવામાં બંનેના કપડાં ભીંજાય ગયાં. ચોમાસામાં ગીરના ગોવાળિયાના કપડા આવી રીતે પલળતા જ રહેતા હોય છે.ક્યારેક નદી પાર કરવામાં તો ક્યારેક વરસાદમાં. ચોમાસામાં આમ તો ગોવાળિયા સાથે છત્રી કે પ્લાસ્ટિકના મોટાં બારદાનના બનાવેલાં કુશલા પણ હોય છે. પરંતુ તેનાંથી પલળવાથી આંશિક રીતે જ બચી શકાય છે. આવી રીતે ગોવાળિયાના પલળી ગયેલાં કપડાં ગીરની હવા સુકાવી દેતી હોય છે.
છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલ વરસાદને કારણે મોજમાં આવી ગયેલી પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હતી. હરણાંનાં નાના નાના બચ્ચા ગેલમાં આવી ચારેબાજુ દોડી રહ્યા હતા. અને મોટા મોટા ઠેકડા મારી રહ્યા હતા. પહેલા વરસાદને લીધે પોતાનો રાફડો છોડી ઉધઈ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની કોશિશ કરી રહી હતી. સ્થળાંતર કરી રહેલી આ ઉધઈ ચારે બાજુ ઉડી રહી હતી. સ્થળાંતર કરી રહેલી, હવામાં ઉડી રહેલી આ ઉધઈ મોટાભાગે રાણીઉધઈ હોય છે. જે અન્ય જગ્યાએ જઈ ત્યાં પોતાનું ઘર બનાવી પોતાનો વંશવેલો આગળ વધારે છે. પરંતુ વાતાવરણમાં ઉડી રહેલી આ ઉધઈમાંથી ભાગ્યશાળી હોય તે જ પોતાની ધારેલી જગ્યાએ પહોંચી શકે છે. બાકીની ઉધઈને ખાવા માટે કાળીકોશ, પતરંગા, કાબર, બ્રાહ્મણી મેના, કાળીદેવ જેવા પક્ષીઓ તૈયાર જ હોય છે. જે હવામાં ઉડી રહેલી ઉધઈની મીજબાની માણે છે. જેમાંથી આ પક્ષીઓને પ્રોટીનનો સારો એવો સ્ત્રોત મળી જતો હોય છે.
મોટાભાગના જંગલી પશુ પક્ષીઓનો સંવનન કાળ આ ચોમાસાની ઋતુમાં જ હોય છે. જેથી આ ઋતુમાં જન્મનાર બચ્ચાને આવતા વેંત ખોરાકની કમી રહેતી નથી. ભીની ભીની ઋતુમાં સિંહણો પણ મેટિંગ પિરિયડમાં હોવાને લીધે હાવજો તેની સાથેને સાથે ફરતા હતા. ક્યાંક દૂરથી કોઈ હાવજની સિંહણ આઘી પાછી થઈ જવાથી હાવજનો હુંકવાનો અવાજ આવી રહ્યો હતો. સાવજની આ ડણક ખૂબ દૂર સુધી સંભળાય છે. સાવજની ડણક સાંભળી કેડીએ ચાલી રહેલી ભેંસો ઉભી રહીને ચારે બાજુ મોઢા ઊંચા કરી રણકવા લાગી. ઉભી રહી ગયેલી ભેંસોને ગેલાએ હાકલો કરી આગળ ચાલવા આદેશ કર્યો,
" ભૂરી...હે...મોર્ય હાલ્ય જોયે. ન્યા તની ઈમ હાવજયું નય ખાય જાય.ઈમ ડણક હાંભળી તું ઉભી રય જાહે તો હામે આવશી તિયારે હૂ થાહે?" આવો મીઠો ઠપકો દેતા ગેલાએ ભેંસોને આગળ હાંકલી.
ત્રણ ચાર દિવસથી ઘરે બાંધેલ માલઢોર ડુંગરના ઢોળાવ પર ચરવા માંડ્યા હતાં.વરસાદમાં માખી મચ્છરનું જોર વધે છે.જેથી ભેંસો સતત પૂંછડાં ફંગોળ્યા કરતી હતી.જૂનું ઘાસ વરસાદમાં પલળીને ગળી ગયું હતું.તેમ છતાં ભૂખી ભેંસો રડ્યાં ખડ્યા ઘાસનાં ભોથામાં મોઢાં માર્યા રાખતી હતી.વરસાદી વાદળો આકાશમાં આવન જાવન કરી રહ્યાં હતાં. જેના લીધે ઘડીક તડકો તો ઘડીક છાયડો થઈ જતો હતો.બે ત્રણ દિવસથી બાંધેલી હોવાથી બે ઓડકિયું રમણે ચડી હતી.તે ગારો ઉડાડતી આમ તેમ દોડી રહી હતી. રાધી ડેમના પાણીમાં ડૂબી ગયાં પછી આજે ઘણાં દિવસે માલમાં આવી હતી.કનો આજે ભેંસો ચારવા તો આવ્યો હતો,પરંતુ તેને મનમાં તો એવું જ હતું કે હવે રાધી માલઢોર ચારવા નહીં આવે.તેથી તે પોતાની જાતને ઢસડતો, મૂડ વગર ચાલ્યો આવતો હતો. તેણે દૂરથી નનાભાઈના ભેંસોના ખાડું પાછળ રાધીને જોઈ હોય તેવું લાગ્યું.તેને પોતાની આંખ પર વિશ્વાસ ન આવ્યો. તેને એવું લાગ્યું કે તેણે હમણાથી રાધીના જ વિચાર આવતાં હોવાથી આવો ભ્રમ થતો લાગે છે. તેણે આંખો ચોળીને જોયું તો રાધી તેનાં તરફ જ આવી રહી હતી.
ક્રમશ: ...
( આજે ઘણાં દિવસે રાધી માલઢોરમાં કેમ આવી હશે? જાણવા માટે વાંચતા રહો " નેહડો(The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ.ટાંક
Watsapp no.9428810621