અશ્વલને લાગ્યું કે, ખરેખર પોતે જે શબ્દો સાંભળી રહ્યો છે તે શું સત્ય છે? અને તે વિચારમાં પડી ગયો અને તેણે પોતાના મોબાઈલની સ્ક્રીન ઉપર નજર કરી કે, ખરેખર ત્યાં સામે આન્યા જ છે ને જે આ બોલી રહી છે અને પોતે સાંભળી રહ્યો છે અને વિચારોમાં ખોવાયેલો પોતે કંઈ બોલે કે આન્યાને કંઈ પૂછે તે પહેલાં આન્યા ફરીથી બોલી.. "એય મી.અશ્વલ તમે ક્યાં ખોવાઈ ગયા?"
અશ્વલ: આઈ ડોન્ટ બીલીવ... ખરેખર તું મને...?
આન્યા: ખરેખર...
અશ્વલ: હું હમણાં જ આવ્યો તને લેવા માટે. મારી સામે તારે બોલવું પડશે હં..
આન્યા: ના ના, હું સામે નહીં બોલી શકું.
અશ્વલ: ના એ નહીં ચાલે. તારે બોલવું જ પડશે...
અને અશ્વલે પોતાની કારની ચાવી હાથમાં લીધી અને તે આન્યાને લેવા માટે ઉપડી ગયો...
આજે અશ્વલનું મન તેનાં કાબૂમાં નહોતું. તેની ગાડીમાં લગાવેલું ટેપ રેકોર્ડર આજે ફૂલ સ્પીડમાં વાગી નહોતું રહ્યું જાણે ધમધમી રહ્યું હતું અને તે જ રીતે તેનાં દિલનાં તારને કોઈએ છેડી દીધા હતા એટલે તે પણ ધમધમી રહ્યા હતા અને આન્યા સાથે તેનું દિલ અને દિમાગ બંને જાણે જોડાઈ ચૂક્યા હતા તે આજે અનહદ ખુશ હતો તેની ખુશી આજે ચરમસીમાએ પહોંચી ગઈ હતી કારણ કે તેને જે જોઈતું હતું તે તેને મળી ગયું હતું તે નોનસ્ટોપ આન્યાને લેવા માટે પહોંચી ગયો.
આ બાજુ આન્યા પણ કાગડોળે.. ચાતક જેમ વરસાદની રાહ જુએ તેમ રાહ જોતી દિપેનના ઘરના ટેરેસ ઉપર પહોંચી ગઈ હતી અને અશ્વલની કાર આવે તેની રાહ જોતી ઉભી હતી. અશ્વલની કાર આવી એટલે તે દોડીને નીચે ઉતરી તેને આમ દોડીને નીચે ઉતરતાં જોઈને દિપેનભાઈએ પણ તેને પૂછ્યું કે, "શું થયું કેમ આમ દોડે છે?"
ત્યારે તેના પગ જરા થંભી ગયા અને તે બોલી કે, "ના ના કંઈ નહીં ભાઈ એ તો એમજ" અને પછી તે પાણી પીવા માટે કિચનમાં ચાલી ગઈ અને પોતાની બંને આંખો બંધ કરીને દિવાલે ટેકો દઈને બે મિનિટ ઉભી રહી ગઈ અને તેણે એક ઉંડો શ્વાસ લીધો.. આજે જાણે તેનું દિલ તેના કહ્યામાં નહોતું.. આજે તે બેહદ ખુશ હતી મનમાં ને મનમાં હસી રહી હતી.. અને વિચારી રહી હતી કે જ્યારે પ્રેમ થતો હશે ત્યારે આવું થતું હશે આ ક્ષણ..આ ઘડી..કેટલી ગજબ છે..બસ બીજું કંઈ સૂઝતું જ નથી જેને પ્રેમ કરતાં હોઈએ ફક્ત તેને જ મળવાનું મન થાય છે. હે ભગવાન! આ પ્રેમ પણ કેવો પાગલ છે નહીં!! અને તે પાણીના માટલા પાસે ગઈ અને પાણીનો ગ્લાસ ભરીને તેણે હાથમાં લીધો અને એટલામાં અશ્વલ આવ્યો, અશ્વલનો અવાજ સાંભળીને તેના હ્રદયનાં ધબકારા જાણે ઓર વધી ગયા.
અશ્વલ પણ ઘરમાં આવ્યો કે તરતજ તેની નજર આન્યાને શોધવા લાગી પછી તેણે દિપેનભાઈને હાય હલ્લો કર્યું અને પોતે આન્યાને લેવા માટે આવ્યો છે તેમ જણાવ્યું. આન્યા પણ અશ્વલને જોવા અને મળવા માટે જાણે તલપાપડ થઇ રહી હતી તે અશ્વલ માટે હાથમાં પાણીનો ગ્લાસ લઈને આવી અને બંનેની નજર એક થતાં જ જાણે બંનેના હ્રદયના ધબકારા વધી ગયા અને હ્રદયના તાર જાણે છેડાઈ ગયા અને મન એકબીજા સાથે વાત કરવા લાગ્યું.
અશ્વલે પોતાનું મૌન તોડ્યું અને આન્યાને પૂછ્યું કે, "ચાલો નીકળીશું આપણે?"
પરંતુ આન્યાનું ધ્યાન તો બિલકુલ નહોતું તેથી તેણે કંઈજ જવાબ ન આપ્યો. અશ્વલે તેને ફરીથી પૂછ્યું કે, "ચાલો નીકળીશું આપણે?" આ વખતે તેણે સાંભળ્યું એટલે તરત જ જવાબ આપ્યો કે, "હા હા ચાલ હું તો ક્યારનીયે તૈયાર છું"
આન્યાએ દિપેનભાઈની રજા લીધી અને બંને જણાં અશ્વલના ઘર તરફ જવા માટે નીકળ્યા.
રસ્તામાં અશ્વલને આન્યા સાથે આજે ખૂબજ વાતો કરવી હતી અને આન્યાને પણ અશ્વલ સાથે ખૂબજ વાતો કરવી હતી. અશ્વલે એક મીઠાં મધુરા સ્મિત સાથે આન્યાની સામે જોયું અને તે બોલ્યો કે, "આજે તું ખૂબજ સુંદર લાગે છે"
આન્યા પણ આજે તો ફૂલ મૂડમાં હતી તેણે પણ અશ્વલની પ્રેમભરી નજરમાં પોતાની નજર મીલાવી અને પોતાની આંખોને આમ ઉછાળતાં ઉછાળતાં તે પણ બોલી કે, "આજે તું પણ ખૂબજ હેન્ડસમ લાગે છે અને પછી તેણે એકદમથી અશ્વલને એક વિસ્મયભર્યો સવાલ પૂછ્યો કે, "હું રૂપાળી છું એટલે તને ગમું છું ને અને એટલે તું મને લવ કરે છે ને?"
અશ્વલ પણ આન્યાના આ અનએક્સપેક્ટેડ સવાલથી જાણે એક સેકન્ડ માટે વિચારમાં પડી ગયો કે, હવે આ છોકરીને શું જવાબ આપવો? પછી તે બોલી ઉઠ્યો કે, "એય પાગલ, એવું ન હોય જેની સાથે પ્રેમ થાયને તે વ્યક્તિ આપણને રૂપાળી લાગવા લાગે અને ખૂબજ ગમવા લાગે.. પછી તો આપણને તેને ગમતું જ બધું કરવાનું મન થાય અરે ઈવન કપડા પણ તેને જેવા ગમે તેવા જ પહેરવાનું મન થાય, જાણે આપણે આપણી જાતને તેનામાં ઢાળી દઈએ અને તેનામય બની જઈએ, આ દુનિયા આ જિંદગી બધું જ રંગીન લાગવા લાગે અને આપણને ખૂબજ ગમવા લાગે... અને આન્યા વચ્ચે જ બોલી, "અચ્છા એવું હોય?"
અશ્વલ: હા યાર, પ્રેમ એ તો એક નશો છે નશો.
આન્યા: હા એ વાત સાચી હોં, હું તો એમ જ માનતી હતી કે, મારે તો કદી કોઈની સાથે પ્રેમ થશે જ નહીં પણ કઈરીતે અને ક્યારે થઈ ગયો તેની તો મને પણ ખબર ન પડી. બસ એટલી ખબર પડી કે, તું મને ખૂબ ગમવા લાગ્યો, તારી સાથે વધારેમાં વધારે સમય પસાર કરવાનું મન થવા લાગ્યું. તું આમ દૂર જાય તો જરાપણ ગમે નહીં બસ એમ જ થાય કે હર ક્ષણ હું તારી સાથે જ રહું.. ખબર નહીં યાર આ શું થઈ ગયું!! અને આન્યાના દિલોદિમાગમાં વિસ્મયતા છવાયેલી હતી.. હજુ પણ તે સમજી શકતી નહોતી કે, તેને અશ્વલ સાથે પ્રેમ કઈરીતે થઈ ગયો?? બસ તેનું મન આમ વિસ્મયતાથી ભરેલું હતું અને અશ્વલે તેનાં નાજુક કોમળ હાથ ઉપર પ્રેમથી પોતાનો ઉષ્માભર્યો હાથ મૂક્યો અને....
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
18/9/22