"બસ આપણે બે જ..."
જો સખી, હું પાછી તારી પાસે આવી ગઈ છું. આજે વાત કરવી છે. પરિવાર કેટલો જરૂરી છે. અત્યારના દીકરીઓ કે દિકરાઓ બસ આપણે બે બીજુ કોઈ નહીં એ રીતે જીવન જીવવા માગે છે, અત્યારે વિભક્ત કુટુંબો વધતા જાય છે. એટલે હું તને મારી એક સહેલીની વાત લઈને અહીં આવી છું. જેના થકી અત્યારના દીકરા દીકરીઓ સુધી વાત પહોંચે અને સંયુક્ત પરિવારમાં રહેવાથી કેટલા ફાયદા છે. બધા હળીમળીને કઈ રીતે રહી શકાયની સમજ કેળવાશે.
નેન્સી લગ્ન કરીને સાસરે આવી. તેનો સંયુક્ત પરિવાર હતો. બા, દાદા, કાકાજી, કાકીજી તેમના બાળકો તેના સાસુ સસરા અને એક નણંદ તેટલો બહોળો પરિવાર હતો. હવેલી જેવડું મકાન હતું. બધાના રૂમ અલગ અલગ હતા. ઘરમાં પુરતી સગવડો હતી. રસોઈ એક જ રસોડે બનતી હતી અને રસોઈ બનાવવા માટે પણ બે મહારાજ હતા. વૈભવથી છલકાતો પરિવાર હતો. ઘરમાં નેન્સીએ બદલાતી પેઢીની મોટી વહુ હતી. તેના કાકા સસરાના દિકરાની સગાઈ કરી હતી. પરંતુ લગ્ન બે વર્ષ પછી કરવાના હતા. નેન્સીને આધુનિક યુગ પ્રમાણે પહેરવેશની પુરેપુરી છુટ આપી હતી. તે જિન્સ કે ડ્રેસ પહેરી શકતી હતી. હવે, ઘર હતું એટલે થોડીઘણી જવાબદારી તેના માથે હતી. તેણે તેની એક સખીના કહેવાથી કીટી પાર્ટીમાં જોડાઈ ગઈ. તેના ઘરમાંથી પણ તેને પરમિશન મળી ગઈ. તેને પહેલીવારમાં જ કીટી લાગી ગઈ. આવતા મહિનાની કીટી તેના ઘરે ગોઠવાઈ. તેની બધી સખીઓ તેના ઘરે આવી. તે બધી વિભક્ત કુટુંબમાંથી આવતી હતી. લગ્ન કરીને બધી સ્વતંત્ર રહેતી હતી. નેન્સીનો પરિવાર જોઈને તેમને મોઢું બગાડ્યું. આજની કીટી તો પુરી થઈ પરંતુ તે નેન્સીના કાન પણ ભરતી ગઈ. "જો નેન્સી ખોટું ના લગાડતી પરંતુ તમારા સંયુક્ત પરિવાર જ્યારે ત્યારે તો ભાગ પડશે. તારો પતિ મોટો છે એટલે મહેનત એ કરશે અને તેની મલાઈ તારા કાકાજીના દીકરો લઈ જશે. પરંતુ જો તું અત્યારથી જુદી થઈ જાય તો તારા આવનાર સંતાનનું ભવિષ્ય સુરક્ષિત થઈ જશે. જો આપણે બે જ રહેતા હોય તો જીવન જીવવાની મજા આવે.આ તો તારી સખીઓ છીએ એટલે તને સમજાવીએ છીએ. નહિતર તને જે યોગ્ય લાગે તે પરંતુ તું અમારી વાત પર વિચાર કરી જોજે" આમ પરિવારથી જુદા રહેવાના ફાયદા સમજાવતી ગઈ. હવે, નેન્સીના મનમાં આ જ વિચાર ફર્યા કરતાં હતા. એટલે તેને બધામાં કંઈના કંઈ દોષ દેખાવા લાગ્યો. આ પરિવારથી કઈ રીતે છુટા પડવું તેના કાવા દાવા કરવા લાગી. છેલ્લે સ્વતંત્રતા મેળવવા ઓસ્ટ્રેલિયા જવા તૈયાર થઈ ગઈ. ગમે તેમ કરીને તેના પતિને લઈને ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ. ત્યાં ગયા પછી થોડા દિવસ તો બંને જણા ખૂબ જ ફર્યા. તેના પતિને કહેવા લાગી કે" સ્વતંત્રત રહેવામાં કેટલી મજા આવે છે. ક્યાંય કોઈની રોકટોક નહીં મન ફાવે તેમ કરવાનું."
તેના પતિએ કંઈ જવાબ ના આપ્યો એટલું બોલી કે આપણે આવતીકાલથી જોબ પર જવાનું છે. તેને બેકરીમાં જોબ મળી હતી. સતત આઠ કલાક સુધી ઊભા રહીને કામ કરવું પડતું હતું. તે સવારે નોકરી નીકળે એટલે તેનો પતિ નોકરીથી ઘરે આવે. બંને વિકેન્ડમાં મળે. આખા અઠવાડિયાનું કામ ભેગું કરી રાખ્યું હોય તે કામ કરવામાં જ બે દિવસ નીકળી જાય. નેન્સીને તેનો પરિવાર યાદ આવવા લાગ્યો. તેને ત્યાં તો કંઈ કામ કરવાનું જ નહોતું. તેને જવું હોય ત્યાં જવા પણ મળતું હતું. તેને સંયુક્ત પરિવારનું મહત્વ સમજાઈ રહ્યું હતું. તેને એરપોર્ટ પર તેની મમ્મીએ કહેલા શબ્દો યાદ આવી રહ્યા હતા."બેટા તમારે અહીતો વિદેશ કરતાં પણ વધુ સુખ છે. તું જે સુખ મેળવવા જાય છે તે ઝાંઝવાના નીર સમાન છે. તને જ્યારે એ વાત સમજાઈ જાય ત્યારે પાછી આવવામાં સમય ના લગાડતી. તરત જ તારો નિર્ણય લઈ લે જે. "
નેન્સીએ તેના સાસુને ફોન કર્યો. "મમ્મીજી મને અહીં નથી ગમતું મારે તમારી પાસે પાછું આવવું છે. તે રડવા લાગી.
"રડીશ નહીં બેટા, આ તારું જ ઘર છે. તારી જ્યારે ઈચ્છા થાય ત્યારે ઘરે પાછી આવી શકે છે. બોલ, ક્યારે ટિકિટ મોકલાવું?"
"આવતા અઠવાડિયે જ મારે તો ઘરે આવવું છે."
"મમ્મી, બે ટિકિટ મોકલાવજો" પાછળથી અવાજ સંભળાયો.
હા, બેટા હા પાછા આવવાની તૈયારી શરૂ કરો.
એક અઠવાડિયા પછી નેન્સી તેના ઘરમાં બેઠી હતી. તેની સખીનો ફોન આવ્યો "નેન્સી તું ઈન્ડિયા પાછી આવી ગઈ. તારી સ્વતંત્રતા છીનવાઈ જશે."
"અરે, ખરી સ્વતંત્રતા તો પરિવારની સાથે જ મળે છે. મારું માનો તો તમે બધા તમારા પરિવાર સાથે રહેવા ચાલ્યા જાઓ. મુશ્કેલી સમયે એ આપણો પરિવાર જ આપણો સહારો બને છે. તમે પરિવારનું મૂલ્ય સમજો તો તમારા બાળકો પણ પણ તેનું મૂલ્ય સમજતા થઈ જશે."નેન્સીની આ વાત સાંભળીને પરિવારના બધા ચહેરા પર ખુશી છવાઈ ગઈ અને એક તૂટતો પરિવાર બચી ગયો.
જોયું ને સખી પરિવારનું કેટલું બધું મહત્વ છે.અત્યારે જે દીકરા દીકરીઓ બસ આપણે બે એ વિચારો બદલશે તો કેટલાયે મા બાપ એકલવાઈ જિંદગીથી બચી જશે.
પીના પટેલ "પિન્કી"
વિસનગર