Street No.69 - 22 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -22

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -22

સ્ટ્રીટ નંબર- 69

પ્રકરણ -22

 

       સોહમ અને સાવી રાત્રીનાં સમયમાં એક દુકાનનાં આંગણમાં બનેલાં ઓટલાં જેવાં ભાગે અવરજવરને અવગણીને એકમેકનાં પ્રેમમાં રસતરબોળ હતાં. તેઓ બધું ભૂલીને બસ મધુરસ પીવામાં મશગુલ હતાં. ચારેબાજુ વાહનોનો અવાજ પૈદલ ચાલી રહેલાં માણસોની અવરજવર એમને કશું અડતું નહોતું...

ત્યાં આકાશમાં અચાનક વાદળ ઘેરાયાં...દરિયેથી જાણે હમણાંજ પાણી ભરીને આવ્યાં. વીજળીનાં કડાકા અને અનરાધાર વરસાદ પડવાનો ચાલુ થયો...થોડી ભાગમભાગ અને વાહનોના હોર્ન વાગવા ચાલુ થયાં પણ અહીં સોહમ અને સાવીતો પ્રેમ વર્ષામાં કેદ હતાં.

બંન્ને જણાં ચુંબન કરી રહેલાં અને વરસતાં રહેલાં અને વરસાદમાં પલળી રહેલાં એમનાં ચહેરાં પર પાણીનાં ફોરાં વરસી સાવીએ ધીમે રહીને આંખ ખોલી એની આંખની પાંપણ પણ વર્ષાનું બિંદુ અટક્યું અને સોહમે તેને ચૂમી લીધું...

સોહમે નીતરતાં ચહેરે અને પ્રેમ નીતરની આંખે કહ્યું “સાવી આઈ લવ યુ...જો અત્યારે પંચતત્વની સાક્ષીએ કહું છું ...જળ,ધરા,નભ,પ્રેમાગ્નિ અને આ મીઠી ઠંડી હવા...બધાંજ મારાં સાક્ષી મારાં હોઠ તને તરસતાં મારુ દીલ તારાં માટે પાગલ બસ તું જ મારી સર્વસ્વ એવીજ તને સ્વીકારી...ગમે તે સંજોગોમાં હું તારાં સાથમાં...કદી સાથ નહીં છોડું...”

“સાવી લગ્નની વેદી સમક્ષ અને ચોરીનાં ફેરાં ફરતાં સાત મંગળ ફેરામાં લેવાતાં શપથ...હું આજે પંચતત્વની સાક્ષીએ લઇ લઉં છું જન્મોજનમ બસ તને ચાહીશ તને પ્રેમ કરીશ તારોજ સાથ નિભાવીશ...”

સાવી પ્રેમભરી નજરે સોહમને જોઈ રહી...પછી બોલી “જેમ સપ્તપદીનાં મંગળ ફેરામાં વર વધુનાં અને વધુ વરનાં બોલ સ્વીકારે એની પાછળ પાછળ એને અનુસરે એમજ હું તને અનુસરીશ...થતી બધીજ ધાર્મિક, આધ્યાત્મિક ક્રીયાઓમાં તારાં હાથને સ્પર્શ કરી સહભાગી થઉં એમ અત્યારે તારાં આખાં તનને વીંટળાઈને તને સમર્પિત થઉં છું...”

બંન્ને જણાં વરસતાં વરસાદમાં જળ,થળ,નભ ,અગ્નિ અને અવકાશને સાક્ષી બનાવી એકબીજાનાં કાયમી બંધનમાં જાણે બંધાઈ ગયાં... આવા શુભ મંગળ પ્રેમાળ બંધનમાં બંધાતા જાણે તરસતાં હતાં...

સાવીએ કહ્યું “મારાં સોહમ, મારાં નાથ...મારાં માણિગર મારાં સાથી હું તને શું શું કહી પુકારું ? બસ તું છે એજ મારો છે. તારે તેં મને પહેલાં કીધેલું કે તારે આમ જ સામાન્ય જીવન જીવવું છે મને બસ પ્રેમ કરવો છે બીજી કોઈ ઈચ્છા નથી કોઈ લાલચ નથી પણ...”

 સોહમે સાવીને અટકાવતાં કહ્યું "સાવી તારી વાત સાચી છે હું સામાન્ય જીવન જીવવાજ માંગુ છું પણ ગરીબીનાં શ્રાપમાં, કોઈનાં ઓશીયાળા કે પ્રભાવમાં, દયાદાન પર જીવવા બીલકુલ નથી માંગતો હું કે આપણું કુટુંબ બધીજ રીતે સક્ષમ બને ના કોઈનાં ઉપકાર નીચે રહે ના કોઈ રીતે વિવશ જીવે. મારી બહેનો પર કોઈની ના કુદ્રષ્ટી પડે ના મારાં માંબાપ કોઈપણ સ્થિતિ સંજોગમાં કોઈ સામે હાથ ફેલાવે...સાવી સામાન્ય જીવનની પરિભાષામાં જેવું સંતુષ્ઠ જીવન...સ્વાવલંબી રીતે જીવાય એટલું તો જરૂર માંગુ છું...એવું તો જરૂર જીવવું છે.”

“મોટાં નથી બની જવું પણ સાવી ખોટા બનીને પણ નથી જીવવું...મને અઘોર વિદ્યા શીખવાનું એટલેજ મન હતું કે હું આમ સ્થિતિઓ સામે લડીને સંઘર્ષ કરીને પણ નથી મળતું તો વિદ્યા શીખીને મેળવી લઉં એમાંય કર્મ, શ્રમ, કર્તવ્ય, તપ બધું છુપાયેલુંજ છે ને ?”

સાવી સોહમને સાંભળી રહી હતી એની આંખમાં આંસુ આવી ગયાં...વરસતાં વરસાદમાં આંસુ સાથે જળ પણ ધોવાઈ ગયાં. સોહમે કહ્યું “વરસતાં વરસાદમાં પણ તારાં અશ્રુ મને જુદા દેખાય છે...સાવી અશ્રુ એમ થોડાં નીકળે છે ?”

“જળમાં લાગણી સુખ દુઃખની પરોવાય પછી અશ્રુ બને છે...જળની શું વિસાત લાગણી કેવું કામ કરે છે?”

સાવી સોહમને ફરી વળગી પડી અને બોલી “મારાં સોહુ હું પણ નાની ઉંમરમાં બધું સમજી ગઈ હતી કેવાં કેવાં સંઘર્ષમાંથી પસાર થઇ છું... સોહુ અમે કોલકતા હતાં ત્યારે અમે ત્રણ બહેનો...એમાં હું વચલી...પાપા એક પેઈન્ટર તરીકે કામ કરે...માં સાંધવા જોડવાનું કામ કરે...અમે ત્રણે છોકરીઓ મોટી થઇ રહી હતી.”

“નાની તન્વી ઘણી નાની, પણ હું અને અન્વી તો કિશોરાવસ્થા પાર કરી ગયેલાં...અમારી ગરીબી અમારાં માટે શ્રાપ બની રહી હતી...સાવ નાનું ઘર એટલે ઓરડીજ...”

“સોહુ...મેં એવાં દિવસ જોયાં છે કે જે દિવસનાં અજવાળે પણ કાળા લાગતાં... માં ને અમારી ચિંતા રહેતી અમારાં કપડાં એ જાતે સીવતી કોઈનાં જૂના પહેરેલા કપડાં લાવી એમાંથી અમારાં કપડાં સીવતી અમને પહેરાવતી...છોકરીઓની ઉંમર વધતી જાય એમ શારીરીક ફેરફાર થાય...શું શું વીતે ? શું શું જોઈએ ? તમે મોજ શોખ ના કરો અરે એવું વિચારવાનું દૂર હતું...ખાવાનાં સાંસા હોય ત્યાં કપડાં ક્યાંથી આવે ? કપડાં ના હોય ત્યાં અંતઃવસ્ત્રો ક્યાંથી આવે ?”

“સોહુ અમે બંન્ને બહેનો માસિકમાં આવવા લાગી હતી...ઓહ નો...એ દિવસો કેવી રીતે કાઢતાં એમ બોલતાં બોલતાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી...બોલી મને અત્યારે તને કહેતાં શરમ આવે એવાં દિવસો...માં અમને જોઈને પીડાતી...ક્યારેક કંટાળીને બોલી ઉઠતી...”ઉપ્પરવાળાએ સાપનાં ભારા તો મોકલી દીધાં પણ ઉછેરવા, સાચવવા કોઈ સગવડ ના આપી...”

“સોહમ એક દિવસ પાપા ખુબ દારૂ પીને આવેલાં...દારૂનાં પૈસા કેવી રીતે મેળવ્યા ? કોણે દારૂ પીવરાવ્યો એની પાછળનાં કારણ જાણીશ તો તું..”.

 

વધુ આવતા અંકે પ્રકરણ -23