Vasudha - Vasuma - 55 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ -55

Featured Books
Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ -55

વસુધા

પ્રકરણ -55

 

વસુધા લાલી પાસે બેઠી બેઠી લાગણી સભર વાતો કરી રહી હતી એનાં પિયર પિતાનાં ઘરે લાલી આવી ત્યારથી એની જાણે સહેલી બની ગઈ હતી એનાં વિનાં એને ગોઠતુંજ નહીં એને થયું મારી સખી મારી લાલી... એનાં ખોળામાં આકુ હતી અને લાલી સામે જોતાં જોતાં એને પિયરની વાતો યાદ આવી ગઈ... આંખનાં ખૂણા ભીનાં થયાં આકુ વસુધા સામે જોઈને રમી રહી હતી અને વસુધાને થયું બાળપણ ક્યાં પાછળ રહી ગયું કિશોરીથી યુવાની બધું શીખવા સમજવામાં ગયું ભણવામાં ગયું... લગ્ન થયાં કેટકેટલાં અરમાન હતાં ઈચ્છાઓ હતી...બધુંજ જાણે એક ઝાટકે છીનવાઈ ગયું હતું...

વસુધાને પોતાને લાગતું હતું કે આટલી નાની ઉંમરમાં હજીતો એ પુરી ચોવીસની પણ નથી થઇ અને જીવનની ચોર્યાસી મંડાઈ ગઈ...નાની ઉંમરમાં કંઈક વધું જ પુખ્ત થઈ ગઈ...જવાબદારીઓનાં બોજે એનામાં રહેલી અલ્લડતાં, નિર્દોષતા, ચંચળતા બધુંજ જાણે છીનવાઈ ગયું... રહ્યું સહ્યું બધું પાછું અંદર કાળજામાં ધરબાઈ ગયું...પીતાંબરની વિદાય આકાંક્ષાનો જન્મ, માથે આવી રહેલી જવાબદારીઓ, સરલાબેનને થતો અન્યાય.

વસુધાને એનાં મનનાં વિચારો અંદરને અંદર જાણે મનોમંથનમાં ખેંચી રહેલાં...નજર લાલી તરફ ખોળામાં આકાંક્ષા... એને થયું મારુ જીવતર જાણે શરૂ થતાંમાંજ પૂરું થઇ ગયું... વસુધામાંથી હું પણ વસુ...વસુમાં બનવા જઈ રહી છું મારી અંદર રોપાયેલી ઈચ્છાઓ... મારી યુવાનીનાં અરમાનો... પતિ સાથે મીંઢળ બંધાયા ત્યારથી વિચારેલી મહત્વાકાંક્ષાઓ એ પ્રેમાળ ક્ષણો... બધુંજ જાણે હવે કલ્પના માત્ર બની ગયું...

બાપનાં ઘરે હતી યુવાનીનાં ઉંબરે આવી અને લગ્ન વિશેનાં વિચાર...હજી નાની છું ખુબ ભણવું છે મારી જીવન અંગેની મહત્વાકાંક્ષાઓ, મારુ લક્ષ્ય જાણે હવે અચાનક બદલાઈ ગયું...

મારાં શરીરમાં ચઢતા લોહીમાં પણ જાણે પરીપક્વતા આવી ગઈ... પરીપક્વ લોહી મગજમાં ઉમંગ ઉત્સાહ પ્રેમપીપાસા બધુંજ જાણે બદલાઈ ગયું મરી પરવાર્યું યુવાનીનાં ઓછાયામાં વહેલી પ્રૌઢતા આવી ગઈ...મારી શું આ ઉંમર છે આવી જવાબદારીઓની ? હું હજી નાની નથી ? હજી પચ્ચીસી નથી પહોંચી અને હું...આમ વિચાર કરતાં કરતાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી...આકુ એને જોઈ રહી હતી. વસુધાને રડતી જોઈ અચાનક એણે પણ રડવાનું ચાલુ કરી દીધું...લાલી પણ જાણે સમજી ગઈ હોય એમ એની આંખમાંથી આંસુ નીકળી આવ્યાં એણે ભાંભરવાનું શરૂ કર્યું એનાંથી વસુધાનું રુદન જોવાતું નહોતું એણે વસુધાનાં હાથ ચાટવાનું ચાલુ કર્યું એ મૂંગું પ્રાણી પણ પ્રયત્ન કરી રહ્યું હતું કે એ કેવી રીતે આશ્વાસન આપે...

વાડાનો એ ગમાણનો ભાગ -માહોલ ગમગીન થઇ ગયો. વસુધાની અંતઃકરણની લાગણી કોણ સમજે ? બધાંને પોત પોતાની મુશ્કેલીઓ હતી બધાંને દુઃખ હતું ત્યાં દિવાળીફોઈ એની પાસે આવ્યાં અને બોલ્યાં " દીકરી વસુધા હું ક્યારની દૂર બેઠી તનેજ જોઈ રહી છું...દિકરા વસુ ઓછું ના લાવીશ...આ ડોશીને 70 ઉપર થયાં...મારે રાંડે લગભગ 50 વર્ષ થયાં લગ્ન કરીને આવી...હજી વરનાં પ્રેમનાં બે વેણ નથી સાંભળ્યાં...આ મારાં બાપનાં ઘરેથી આવેલી મેં મીઠાં સ્પર્શ ધણીનાં નથી માણ્યાં અને એમને એરૂ આંભડી ગયેલો...લગ્ન કરીને આવે હજી...બે દાડા નથી થયાં અને મેં ઘણી ગુમાવ્યો હું વિધવા થઇ ગઈ અમારાં સમયમાં લગ્ન કરીને આવે ઘરમાં બધાને મળે...વિધિ થાય અને તરત પાછાં બાપનાં ઘેર મોકલે...”

“વસુ એમને લગ્નની વેદી ચોરીમાં અછડતાં જોયેલાં રીતરીવાજ પ્રમાણે મોઢે ઘૂમટા તાણેલાં સરખાં જોયાં પણ નહોતાં ફરી પિયરથી સાસરે આવું ત્યાં એ એરૂ અમારાં જીવનને આભડી ગયો...દિકરાં હું બધી પીડા બધું સમજું છું અને એટલેજ મેં તારી જોડે રહેવાનું નક્કી કર્યું છે પણ દીકરી તું ખુબ સમજદાર , શિક્ષિત, બહાદુર છે તારાં પડખે અમે બધાંજ છીએ પણ તારું પડખું હવે કાયમી સૂનું થઇ ગયું એ કોઈ...દીકરા ...તારાં પડખે હવે આકુને રાખજે..”.એમ કહી આંખો લૂછી જતાં રહ્યાં...

વસુધા દિવાળી ફોઈ બોલીને ગયાં નમ આંખે સાંભળતી રહી... જે સામે વાસ્તવિકતા આવી છે બદલી શકાય એમ નથી દુઃખને દોહીને એમાંથી હિંમત કાઢવાની છે આગળ લાબું જીવન જીવવાનું છે આકુ ને મોટી અને યોગ્ય બનાવની છે...ગળામાં રહેલું મંગળસૂત્ર અમંગળ..થયું... એકસૂત્રતા તોડાવી ગયું...એકલું થયું છતાં પહેરી રાખ્યું છે...

પીતાંબરની વિદાય પછી એનીજ જનેતા માં પાર્વતિબેને કહેલું તારું મંગળસૂત્ર મહાદેવ પાસે સેવામાં મૂકી દેજે...ત્યારેજ વસુધાએ બધાંની સામેજ કહેલું માં મંગળસૂત્ર તો મારાં ગળામાંજ રહેશે...મારાં લગ્નની નિશાની છે એક સુત્રતામાં હું બંધાઈ ચુકેલી છું એનું ચિન્હ છે અને માં પીતાંબર તો ગયાં પણ એમણે મને સામાજીક સ્વીકારી એનું બંધન છે ભલેને રહેતું ગળામાં એ રહ્યું રહ્યું પણ મને હૂંફ આપશે... ગમે તેવા સંજોગોમાં હું પ્રવૃત થઉં વ્યસ્ત થઉં એમની યાદ આપશે...વસુધાએ યાદ કરી મંગળસૂત્રને હાથમાં લઇ ચૂમી લીધું અને એનાંથી આક્રંદ સાથે રાડ નીકળી ગઈ "પીતાંબર".

ત્યાં ભાનુબહેન દોડી આવ્યાં...”વસુ વસુ તને શું થયું કેમ દીકરા આમ ભાંગી પડી ? તારાં સાથ અને તારી મજબૂતાઈ તારો સંઘર્ષ તારી તૈયારીથી તો અમે બધાં જીવીએ છીએ...તું અમારી માર્ગદર્શક...”

ભાનુબહેનને બોલતાં અટકાવીને વસુધાએ રડતાં રડતાં કહ્યું માં” બસ...બસ... નથી હું એટલી મજબૂત મારેય ઘણાં સપનાં હતાં...કેટ કેટલી આશ -ઈચ્છાઓ હતી...ખબર છે હું બધું હારી બેઠી છું ગુમાવી ચુકી છું પણ માં હું યે માણસ છું...સ્ત્રી છું હજી સાવ નાની છું તમારાં અનુભવો અને શીખ જેવી મારામાં બુધ્ધી પણ નથી...આમ મને નાની ઉંમરમાં...” એમ કહેતાં કહેતાં ભાનુબહેનને વળગીને રડતી રહીં...

ભાનુબહેને આશ્વાસન આપવા નિષ્ફ્ળ પ્રયત્ન કર્યો. સરલા દોડી આવી એણે વસુધાનાં બરડે હાથ ફેરવવા માંડ્યો...બધાની આંખો ભીની થઇ ગઈ. થોડીવાર બધાં રડતાં રહ્યાં. ગુણવંતભાઈનો અનુભવી અવાજ આવ્યો...”દીકરી તું આટલા સમય પછી આજે સાચી રડી છું આજે તારો સંતાપ શબ્દ અને આંસુઓથી બહાર નીકળ્યો છે હું ઈશ્વરને પ્રાર્થના કરું તને શાંતિ આપે.”

*****

આજે ઘરમાં ચૂલે ના ઇંધણ ચઢ્યાં.. ના રસોઈ બની. બધાં એમજ બસી રહ્યાં. લગભગ 3-4 કલાક પછી વસુધા સ્વસ્થ થઇ એની આંખો રડી રડીને સુજી ગઈ હતી એણે દિવાળીફોઈ, માં-પાપા-સરલાને બધાંને કહ્યું “તમે બધાં આવો અહીં મારે કંઈક કહેવું છે...”

બધાં થોડાં આશ્ચર્ય સાથે આગલાં રૂમમાં ભેગાં થયાં માં -પાપા ઉપર બેઠાં હતાં સોફા પર સરલા ખુરશી પર અને વસુધા અને દિવાળીફોઈ ભોંય પર બેઠાં વસુધાનાં ખોળામાં આકુ હતી એ પણ ઉછ્ળતી રમી રહી હતી.

વસુધાએ રડતી ભીની આંખે કહ્યું “ મારે થોડાં દિવસ મારાં પિયર જવું છે... મારુ ઘર તો આજ છે. આકુ ને ઘરે નથી લઇ ગઈ એનાં જનમ પછી… લાલી વિયાય પહેલાં પાછી આવી જઉં...”

ભાનુબહેને તરતજ કહ્યું “હાં દીકરા...જઈ આવ તારાં પાપા જ તને મૂકી જશે. જઈ આવ દીલ હળવું થશે. પણ આપણી ગાડી નથી આવી હજી જીપમાં જઈ આવજો.”

વસુધાએ કહ્યું “મારાં ધ્યાનમાં બધુંજ છે આપણી ગાડી રીપેર થઈને આવી જશે...એનાં વીમાનાં કાગળીયાં કરસનભાઈ પાપા પાસેથી લઇ ગયાં હતાં”. તરતજ ગુણવંતભાઈએ કહ્યું “એ બધું પતી ગયું છે ગાડી પણ આવી જશે.” વસુધાએ કહ્યું “ગાડી આવી જાય પછીજ એમાંજ ઘરે જઈશ.” ગુણવંતભાઈ કહે “સાચી વાત છે હું અને કરસન મૂકી જઈશું કરસન ચલાવી લેશે.”

સરલાએ કહ્યું “હું અને માં પણ આવીશું એ બહાને...” વસુધાએ તરતજ કહ્યું “ચોક્કસ બધાંજ જઈશું.”

ત્યાં ગુણવંતભાઈએ કહ્યું “દીકરાં ઘણાં સમયથી બધી તાપાસ ચાલતી હતી હવે પુરાવા હાથ લાગ્યાં છે અને મોતી ચૌધરી, આહીર, ભૂરા ભરવાડ, કૌશિક નાઈ બધાને પોલીસ પકડી ગઈ છે... પુરાવા એટલાં સજ્જડ છે કે બધાને ભારે સજા થશે...”

વસુધાએ સંતોષનો શ્વાસ લેતાં કહ્યું “હું કોઈને છૂટવા પણ નહીં દઉં હવે... હું કોઈને નહીં છોડું...પાપા આપણે પોલીસ પટેલને મળવા જઈશું” ગુણવંતભાઈએ કહ્યું “પહેલાં તમે લોકો રમણકાકાની જીપમાં બધાં આણંદ જઈ આવો...પછી તારે તારાં ગામ જવાનું છે...”

 

વધુ આવતા અંકે -પ્રકરણ 56