A tone of sensation in Gujarati Love Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | સંવેદનાના સૂર

Featured Books
Categories
Share

સંવેદનાના સૂર

//સંવેદનાના સૂર//

વર્ષનો શરણ અને સાત વર્ષનો સપન ઝઘડી પડ્યા. બંને એક ફ્લેટ્સમાં રહેતાં હતાં. રમવા માટે ભોંયતળિયા પર પાર્કિંગ પ્લેસને બાદ કરતાં જે ખાલીજગ્યા બચતી હતી એમનું પ્લેગ્રાઉન્ડ. સપને અંચઇ કરી. શરણે એની સામે જીભ કાઢી. સપને એના ગાલ ઉપર એક તમાચો ઠોકી દીધો. થોડી વારમાં તોરમતનું મેદાન રણમેદાન બની ગયું. ચીસાચીસ, હાથાપાઇ અને રડારોળ મચી ગઇ. થોડી વાર પછી બંને ઘવાયેલા યોદ્ધાઓ રડી રહ્યા હતા. ત્યાં બંનેના વડીલોનોકરી-ધંધામાંથી છુટીને ઘરે આવ્યા. સૌથી પહેલા સપનના પપ્પા પ્રહર આવ્યા. સપન દોડીને એમને વળગી પડ્યો, એકતરફી રજૂઆત કરી દીધી.

પ્રહરના દિમાગની કમાન છટકી, ‘ઊભો રહે, બદમાશ! મારા નિર્દોષ દીકરાને તેં માર્યું? હવે તને હું મેથીપાક ચખાડું છું.’ ત્યાં સ્કૂટી આવીને ઊભું રહ્યું. એનીઉપર શરણની મમ્મી હતી. પણ કો ઓફિસમાંજોબકરતી હતી. એણે પ્રહરના છેલ્લા શબ્દો સાંભળ્યા, સામે ઊભા રહેલા પોતાના લાડકવાયાને હીબકાંભરીને રડતો જોયો. સ્ત્રી મટીને વિફરેલી વાઘણ બની ગઇ, ‘…! તમે કોણ છો મારા શરણને મેથીપાક ચખાડનારા? પહેલાં તો હું તમારા સપનની બત્રીસીબહાર નહીં ખેંચી કાઢું?’ પ્રહરને રીતે કોઇ સુંદર સ્ત્રી પોતાનું અપમાન કરે ગમ્યું નહીં, એણે વળતો ઘા કર્યો, ‘હું બાઇ માણસ જોડે જીભાજોડી કરવા નથીમાગતો. જ્યારે શરણના પપ્પા ઘરે આવે ત્યારે વાત…!’

શરણની મમ્મી તાડૂકી ઊઠી, ‘એમ કેમ નથી કહી દેતા કે તમે એક સ્ત્રીની સામે હારી ગયા છો! આમાં શરણના પપ્પા ક્યાં વચમાં આવ્યા? પોતાના દીકરામાં સંસ્કાર રેડવાનું ભૂલી ગયા છો એની વાત કરો ને!’‘ખબરદાર, જો સંસ્કાર વિશે એક પણ શબ્દ બોલ્યાં છો તો! તમારો શરણ છે અંગૂઠા જેવડો અને એનાથી મોટા બાળકો જોડે પંગો લેવા નીકળી પડે છે! બીજા ભલે સહન કરી લે, મારો સપન આવી ગુંડાગીરી જરા પણ સાંખી નહીં લે. મેં જ એને શિખવાડ્યું છે કે કોઇનો માર ખાઇને ઘરે નહીં આવવાનું, નાના-મોટાનો ભેદ જોયા વગર એક ઠોકી જ દેવાની…’

બસ ને! આ જ શિખવાડ્યું છે ને દીકરાને? એટલે તો કહું છું કે તમે તમારા સપનમાં સંસ્કાર રેડવાનું જ ભૂલી ગયા છો! આ છેલ્લી વારની ચેતવણી આપી દઉં છું, હવે પછી જો તમારા દીકરાએ મારા દીકરાને માર્યો, તો જોવા જેવી થશે.’ આટલું કહીને શરણની મમ્મી તપસ્યા શરણનો હાથ પકડીને ખેંચી ગઇ. લિફ્ટમાં ચડીને ત્રીજા માળે આવેલા પોતાના ફ્લેટમાં ચાલી ગઇ. એ પછી પ્રહર પણ પોતાના દીકરાને લઇને ચોથા માળે આવેલા એના ફ્લેટમાં ચાલ્યો ગયો.

એ રાત શાંતિથી પસાર થઇ ગઇ. બાકીના ફ્લેટ્સમાં રહેતા લોકોને લાગ્યું કે રાત ગઇ, બાત ગઇ. પણ બીજા દિવસની સવારે તપસ્યા તૈયાર થઇને જોબ પર જવા માટે નીકળી. લિફ્ટની રાહ જોતી ઊભી રહી. લિફ્ટ ઉપરથી આવી રહી હતી. જાળી ખોલીને જ્યાં એ દાખલ થવા ગઇ, ત્યાં એની નજર અંદર ઊભેલા પ્રહર ઉપર પડી.‘ઓહ્ નો!’ કહીને તપસ્યાએ મોં મચકોડ્યું અને પગ પાછો ખેંચી લીધો.

પ્રહર પણ ગાંજ્યો જાય તેવો ન હતો. એણે ‘હાશ! મારી સવાર બગડતાં રહી ગઇ!’ એવું બોલીને લિફ્ટની જાળી પાછી બંધ કરી દીધી. ટૂંકમાં, બંનેના મનના ખેતરમાં વેરનાં વાવેતર થઇ ગયાં. સવારે કે સાંજે જ્યારે પણ સામ-સામા મળી જાય ત્યારે બેયની નજરો તલવાર બની જાય અને તણખા ખરવા માંડે.

આવામાં એક આકસ્મિક ઘટના બની ગઇ. સાંજનો સમય હતો. તપસ્યા શાક લઇને આવી રહી હતી. આજે એને ઓફિસમાં રજા હતી. એ ચાલીને આવી રહી હતી, ત્યાં અચાનક બાજુમાંથી સપન પસાર થયો. એ નાની બે પૈડાંની સાઇકલ ઉપર બેઠો હતો. સાઇકલ પુરજોશમાં ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાંથી પસાર થઇ ગઇ, એટલે પાણીની છાલક ઊડીને સીધી તપસ્યાના સ્વચ્છ, ધોયેલા સલવાર-કમીઝ ઉપર પડી. આખો ડ્રેસ ખરડાઇ ઊઠ્યો.

તપસ્યાનો ગુસ્સો પ્રેશર કૂકરની વરાળની જેમ ધૂંધવાઇ ઊઠ્યો, પણ સાત વર્ષના બાળકને શું કહેવું? એવું વિચારીને એ પાછી એના ફ્લેટમાં ચાલી ગઇ. થોડીવાર પછી પ્લાસ્ટિક બેગમાં કાદવવાળો ડ્રેસ મૂકીને એણે વોચમેનના હાથમાં સોંપ્યો, ‘આ થેલી ચોથા માળવાળા લાટ સાહેબને હાથોહાથ આપી આવજે! કે’જે કે સારી રીતે ધોઇને, ઇસ્ત્રી કરીને મને પાછો મોકલાવે! એની બૈરીને ખબર તો પડે કે આવો વાંદરા જેવો દીકરો પેદા કરવાની સજા શી હોય છે!’વોચમેન કશુંક બોલવા ગયો, પણ તપસ્યા ઊભી રહે તોને! એ તો થેલી સોંપીને સડસડાટ ચાલી ગઇ હતી.

એ રાત્રે સપનના પપ્પા પ્રહર તપસ્યાનાં ખરડાયેલા સલવાર-કમીઝ ઉપર મૃદુતાપૂર્વક હાથ ફેરવીને ગમગીનીમાં ડૂબી ગયા. કેટલા બધા મહિનાઓ પછી આ ઘરમાં કોઇ સ્ત્રીનાં કપડાં જોવા મળ્યાં હતાં!એણે લોન્ડ્રીમાં ધોવડાવીને સલવાર-કમીઝ વોચમેન મારફત તપસ્યાના ફ્લેટમાં મોકલાવી આપ્યાં. બે-ચાર દિવસ માંડ થયા હશે, ત્યાં ફરી પાછી એક આકસ્મિક ઘટના ઘટી ગઇ. આ વખતે તપસ્યાનો શરણ નિમિત્ત બની ગયો.

શરણ બીજા બાળકોની સાથે ક્રિકેટ રમતો હતો. ફુલટોસ દડો આવ્યો. શરણે છગ્ગો મારવા માટે જોરથી હવામાં બેટ ઘુમાવ્યું. બેટ વજનદાર હતું, છટકી ગયું. સીધું જઇ પડ્યું બાજુમાં પાર્ક કરેલી પ્રહરની ગાડીના કાચ ઉપર. આગળની બાજુનો મોટો કાચ બેટના પ્રહારથી તૂટી ગયો. જ્યારે પ્રહરને દુર્ઘટનાની જાણ થઇ, ત્યારે એણે પણ ઘાંટાઘાંટ ન કરી. ચૂપચાપ પોતાની ગાડીની ચાવી વોચમેનના હાથમાં મૂકી દીધી અને સૂચના આપી, ‘ત્રીજા માળ ઉપર રહેતાં મહારાણી તપસ્યાદેવીને કે’જે કે ચોવીસ કલાકની અંદર નવો કાચ લગાડી આપે! પરમ દિવસે સવારે મારે શ્રીનાથજી જવાનું છે.’

એ રાત્રે તપસ્યા રડી પડી. કાર-ગેરેજવાળાએ ખર્ચનો અંદાજ આપ્યો એ છ હજાર રૂપિયાનો હતો! તપસ્યાનો આખા મહિનાનો પગાર દસ હજાર રૂપિયા હતો. કાચની કિંમત બાદ કર્યા પછી બચતાં ચાર હજારમાં આખો મહિનો કાઢવાનો હતો, સ્કૂટીનું પેટ્રોલ, શરણની સ્કૂલ ફી, વીજળી ને ટેલિફોનનાં બિલો અને… અને… અને…! અને આ બધું એણે એકલીએ કરવાનું હતું. કબાટમાં વસ્ત્રોની વચ્ચે સંતાડેલી એક ફોટોફ્રેમ બહાર કાઢીને, છાતી સાથે દબાવીને તપસ્યા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી.

એ સાંજે તપસ્યા જ્યારે વોચમેનના હાથમાં કારની ચાવી પાછી સોંપી રહી હતી, ત્યારે એ જ ક્ષણે લિફ્ટનો દરવાજો ખોલીને પ્રહર બહાર નીકળ્યો. બંનેના ચહેરાઓ તંગ થઇ ગયા. વોચમેન આ જોઇ ગયો. બાપડો અભણ માણસ હતો, પણ હિન્દુસ્તાનના આમ આદમીમાં હોય એવી કોઠાસૂઝનો એ પણ માલિક હતો.

એણે પ્રહરને ઇશારો કરીને પાસે બોલાવ્યો, તપસ્યા તો ત્યાં જ ઊભેલી હતી. વોચમેને દૂરના ખૂણા તરફ આંગળી ચિંધી, ‘બૂન! સાયેબ! ત્યાં જુઓ, તમારા બેયનાં સોકરાવ કેવાં રમી રહ્યાં સે! એ તો ભૂલીયે ગ્યા સે કે થોડા દી’ પહેલાં બેય ઝઘડી પડ્યા’તા! તમે ક્યાં લગી ઝઘડતાં રે’શો? સાયેબ, તમે લોકો અહીં નવાં-નવાં રે’વા માટે આવ્યાં સો! તમને ખબર નથી કે બૂનના ઘરવાળાં બે વરહ પહેલાં એક્સિડંનમાં ગુજરી ગ્યા સે. અને આ બૂનનેય ખબર નથી કે તમારી ઘરવાળી છ મહિના મોર્ય કો’કની હારે ભાગી ગઇ સે! એક વાત કહું, સાયેબ? મારું અભણનું કીધું માનો તો તમે બેય એક થઇ જાવ! સાયેબ ખૂબ સારું કમાય સે તે એમને ટિફિનનું ખાવું નઇ પડે ને બૂન, તમારે નાનકડા શરણને એકલો મૂકીને નોકરી કરવા નઇ જાવું પડે! જો મારી વાત સોળ આનાની લાગે તો વિચાર કરજો! નહીંતર બોલ્યું-ચાલ્યું માફ!’

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@