Laughter - 33 in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૩૩

Featured Books
Categories
Share

હાસ્ય લહરી - ૩૩

 

આ તે કોઈ ચરબી છે કે ચરબો


આપણી એ જ તો મહા-મારી છે કે, સમઝવા કરતાં વિચારીએ વધારે, ને વિચારવા કરતાં બકીએ વધારે. નેતાઓની વાત નથી કરતો યાર..! આ તો જનરલ ટોકિંગ..! જેમ યોગનો અર્થ એવો નથી કે, પેટને ધમણની માફક હલાવ્યા પછી, પેટને ગોડાઉન સમજી માલ ભરી દેવાનો. અમુક તો મહેસાણી ર છકડાની માફક ભરાય એટલા મુસાફર ભરે એમ, ખવાય એટલું ખાય, ને ઊંઘમાં પણ ઢેકાર ખાતો જાય..! મહર્ષિ પતંજલિની ૩૦૦૦ હજાર વર્ષ જૂની આ સિસ્ટમનો કચ્ચરઘાણ કાઢે..! આમ તો શરીર અને આત્માનું જ્યાં જોડાણ થાય ત્યાં યોગનું પ્રાગટ્ય થાય. અને આડેધડ ભચડ ભચડ કરે ત્યાં રોગનું પ્રાગટ્ય થાય. વિકાસનો પવન એવો ભરાયો કે, સુવિધાને બદલે દુવિધા ઉભી થાય એમ ભૌતિક વિકાસને બદલે લોકોનો શારીરિક વધ્યો..! ચામડા નીચે ચરબીનો થર એવો ઝમાવી દીધો કે, માણસને બદલે મલબાર હિલનો બગીચો વધારે લાગે..! ગાગરિયા પેટ એવાં ફાટ ફાટ થવા માંડ્યા કે, એમના સન્માનમાં આંતર રાષ્ટ્રીય યોગ દિન કાઢવો પડ્યો. મુલાયમ શબ્દોમાં કહીએ તો, ' ગાગરિયા ' પેટવાળા માટે યોગ દિવસ એટલે એમને ખંખેરવાનો દિવસ..! ભલભલા ચરબીધારીઓ ઠેંસ કરવાનો દિવસ..! શરીરે વળગેલી ચરબી જોઇને આપણને એમ થાય કે, આ તે કોઈ ચરબી છે કે, ચરબો..! માણસમાં ચરબી રહેવાને બદલે. ચરબામાં માણસ રહેતો હોય એવું લાગે..! માઈ આ વાત જાણીને
જેનામાં ચરબીનો દુકાળ છે, એવાં ચરબીલેશોએ ફટાકડાં ફોડવાની જરૂર નથી. ફેર એટલો કે, એમની ચરબી દેખાતી નહિ હોય, પણ બોલે ત્યારે મોંઢામાંથી ચરબી એવી ઝરે કે, સામેવાળાની ચરબી તાવી નાંખે. ગાગરિયા પેટવાળા તો સ્ખુટોક ચરબીના હોલસેલ સ્ટોકીસ્ટ હોય એમ ફરતા હોય, ત્યારે ચરબી વગરના કાળું નાણું દબાવીને બેઠા હોય એમ દેખાડો નહિ કરે..! ચમનીયો ૧૭૭ રતલનો છે. એમાં ૭૦ ટકા તો ચરબી છે. આપણે પૂછીએ કે કેમ આવું..? તો કહે, " મારે ત્યાં ફ્રીઝ નથીને એટલે..! રાંધેલું વધ્યું હોય, એ બધું મારે જ ઝાપટી જવું પડે. ના ખાઉં તો રાંધેલુ બગડે..! તારા પેટ ઉપર કાંદો ફોડું..!

આવા ખાધેશને જ્યારે યોગના રિમાન્ડ મળે ત્યારે કમરને બદલે કમરો કણસ મારતો થઇ જાય. બે-ચાર દિવસ સુધી તો હલ્લો..હાવ આર યુ કહેવાનું પણ ભૂલી જાય. આપણાથી કેમ છો એમ પણ નહિ પુછાય..! પૂછવા ગયા તો એની વાઈફને " ફ્લાઈંગ કિસ " કરી હોય, એવો બગડી બેસે..! ચમનીયો તો આજે પણ ઊંઘમાં બોલે છે, " કે સાલું શું ધારેલું, ને શું થઇ ગયું.? સ્વચ્છતા અભિયાનમાં ઝાડુ મરાવીને કેડ બેવડ વાળી, તે હજી સીધી થઇ નથી ત્યાં, હવે યોગના પાયે સાડાસાતી બેસાડી..! કમરનું કચુંબર કરી નાંખ્યું .! શ્વાસના ફૂંફાડા મારતાં કરી નાંખ્યા..! ને તે પણ પાછું, ટૂંકી ચડ્ડીમા ને ઉઘાડે બરડે..! કોઈ મને પરસેવો નુંછવા ટોવેલ તો આપો..?
આજે પણ એને યોગની હોલસેલ અટકડી આવે છે, .! એવી આવે કે, એ અટકડી હજી અટકતી નથી. ( અટક-ડી એટલે અટકડી. તમે શબ્દના પોસ્ટમોર્ટમ ના કરો યાર..! એમાં પોલીસનો પીનલ કોડ કાઢીને શું બેસી ગયાં...? અટક-ડી એ કોઈ પીનલ કોડવાળી પોલીસ કલમ નથી. શું લોહી પીઓ છો યાર..? ) મને કહે, " રમેશિયા..! જે શ્વાસ સીધી રીતે ચાલે છે એને ચાલવા દેજે. એને છેડવા નહિ. સાલું સમજાતું નથી કે, યોગના લફરાં કાઢીને એને ' હળી ' કરવાનું કંઈ કામ...?
એના ભેજામાં કોણ ભૂસું નાંખે કે, ભારત એટલે, ઋષિઓનો દેશ. યોગીઓનો દેશ, સંતો મહંતો ને ભક્તોનો દેશ..! પેલાં ફોરેનવાળા ધોરિયા જેવાં ધોરિયા યોગના રવાડે ચઢ્યા, અને આપણે માવો મસાલો જ ઠપકારવાનો..? ભોગ તો નહિ આપો પણ યોગમાં તો હાડકાં વાળો..? ભારતના હવા-પાણી લેવા હોય તો, યોગ પણ કરવાં પડે ઘોંચું.! દુનિયાને મરચાં નથી લાગ્યા, ને તું ભારતનો થઈને ભારત સામે જ ફેણ કાઢે..? યોગ ભગાવે રોગ, ચાલ શ્વાસ અંદર બહાર કાઢવા માંડ..! યોગમાં ખાવાની કાળજી તો રાખવી જ પડે બકા.! આપણા વડાપ્રધાને તો પહેલેથી જ કહેલું, કે, ' હું ખાતો પણ નથી, અને ખાવા દેતો પણ નથી. શ્વાસ પણ, ગણી ગણીને ખાવાના..! બાપુએ કહેલું ને કે, " તમે, જેટલાં શ્વાસ બચાવશો, એટલાં શ્વાસ પાછળથી જીંદગી લંબાવવા કામ લાગશે..! " { અરે..બાપૂ એટલે, ગાંધી બાપૂ નહિ. પેલાં ખ્યાતનામ બાપૂની વાત કરું છું..! } સાલા...આપૂનકા નહિ, તો બાપૂનકા તો માનો..! .
કૌન કહેતા હૈ ગુજરાતમે પાની નહિ હૈ..! યાદ આવે છે, આપણા વડાપ્રધાને કે પહેલાં, ઓબામાને બોલાવ્યા. આવ્યાં, પછી સવારે અમદાવાદના પ્રખ્યાત ફાફડા જલેબી ને ગાંઠીયાનો નાસ્તો કરાવ્યો. તે પણ ધરાઈ સુધ...! એમાં ભાઈલાનું પેટ એવું ડફ થઇ ગયું, કે રાતે પેલી લખોટીવાળી સોડા પણ પીવડાવી. તો પણ પેટ એની મૂળ સ્થિતિમાં આવ્યું નહિ. એટલે મોદીસાહેબે યોગવિદ્યાનો પ્રયોગ ચલાવ્યો. યોગથી એવી જાદુઈ અસર થઇ ગઈ કે, રાતોરાત ભાઈલાના મગજમાં યોગવિદ્યા ઠસાવી દીધી. પછી તો પૂછવાનું જ શું..? દુનિયાના મહાશક્તિશાળી દેશના આ નરેશને યોગાના રવાડે ચઢાવી દીધાં. અને આ ફોર્મ્યુલા વર્લ્ડમાં લોકપ્રિય ગઈ..!
બેંકમાં એક ચિંથરેહાલ ડોશીમા બેંકનું ખાતું ખોલાવવા ગયાં. અને બેંકમાં જઈ રૂઆબથી બોલી. એઈઈઈ બેંક મેનેજર..! ચાલ મારું એક લાખનું ખાતું ખોલ જોઉં..! આ સાંભળી બેંક મેનેજર વિચારમાં પડી ગયો, કે આ ચિંથરેહાલ ડોશી લાખ રૂપિયા લાવી ક્યાંથી..? એણે પુછયું, માજી આ લાખ રૂપિયા તમે લાવ્યાં ક્યાંથી ? ડોશી કહે, મારો ધંધો શરત મારવાનો છે. એમાં હું કમાઉ છું. જેમ કે, તારા આ ગુચ્છા જેવાં વાળ છે ને, એ નકલી છે. તેં વિગ પહેરેલી છે. બોલ લાખ રૂપિયાની શરત લગાવવી છે..? મેનેજરની આંખમાં તો ચમક આવી ગઈ. કારણ એના વાળ ઓરીજીનલ હતાં. એને લાખ રૂપિયા સામા દેખાવા લાગ્યા. કારણ એના માથે વિગ હતી જ નહિ. બેક મેનેજર કહે, જો માજી શરત લગાવું, પણ હારી જાઉં તો મારે તમને એક લાખ રૂપિયા આપવાના, ને જીતી જાઉં તો આ લાખ રૂપિયા મારા..! માજી કહે, ધંધામાં પ્રમાણિકતા એ જ તો મારી શાખ છે. લાગી ગઈ શરત લાખ..લાખની..! કાલે હું મારાં વકીલને લઈને આ સમયે તારી પાસે આવું છું. એક લાખ તૈયાર રાખજે, ને બીજે દિવસે માજી એક વકીલને લઈને ટાઈમસર બેંકમાં આવી ગયા. રૂઆબથી મેનેજરને બોલાવ્યો. એઈઈઈ... બેંક મેનેજર લે હું આવી ગઈ...! લાવ હવે જોવાં દે તારા વાળ..! અને વાળ ચેક કરવા મેનેજરને વાળ પકડીને ત્રણથી ચાર વાર ખુરશીમાંથી ઉંચો નીચો કર્યો. એ જોઈને સાથે આવેલો પેલો વકીલ ભીંતમાં માથા અફાળવા લાગ્યો. મેનેજર કહે, વાળ તો મારાં ખેંચાય છે, એમાં આ વકીલ કેમ ભીંતમાં માથા અફાળે છે....? માજી કહે, એણે પણ મારી સાથે શરત મારી છે કે, " બેંકના મેનેજરને જો હું વાળ પકડીને ત્રણચાર વાર ઉંચો નીચો કરૂ તો એ મને બે લાખ રૂપિયા આપવાનો છે. એ હારી ગયો એટલે માથા અફાળે છે. એ બે લાખમાંથી એક લાખ તારા, અને એક લાખ મારાં..! લે, ખોલ હવે એક લાખનું મારું ખાતું..! તારા કપાળમાં કાંદો ફોડું...!

આ બાજુ ચમનિયાએ પણ આ બધાને આબાદ ઉલ્લુ બનાવ્યા. ૧૭૭ રતલના વજનવાળા ચમનિયાના ઘરે ૧૨ વરસે ઘોડિયું બંધાયું. મિત્રોના ભોગ લાગ્યાં કે, બધાને પાર્ટી આપવા માટે એમણે ૨૧ મી જુનના રોજ જ બોલાવ્યા. મેનુમાં દુધીનો સૂપ, કારેલાનો રસ, પલાળેલા ચણા ને ઉકાળેલું પાણી....! અને પછી કહે, " હેપ્પી વિશ્વ યોગા દિન..! " ચાલો હવે બધાં યોગામાં બેસી જાવ..! તારી ભલી થાય તારી ચમનિયા...!
એકે તો કહ્યું પણ ખરું કે, યાર બાર વરસે તારે ત્યાં બાબો આવ્યો, એનું મોઢું મીઠું કરાવવાને બદલે, તેં તો અમને બેવડ વાળી દીધાં...! ચમનીયો કહે, ' હું પણ શું કરું...? બાર વરસે આવ્યો, તો પણ કેટલો આવ્યો.? જરાક અમસ્તો જ આવ્યો ને....? બધાં કહે તો શું પહેલાં ધોરણમાં દાખલ થાય એવડો મોટો આવવાનો હતો..? તારા કપાળમાં કાંદો ફોડું....!!!
------------------------------------------------------------------------------------------------------- -------