Prem - Nafrat - 47 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૪૭

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૪૭

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૭

રચનાના સ્થાન પર બીજી કર્મચારી લેવાની વાત લખમલભાઇને સામાન્ય લાગી. એમણે હિરેનની વાતને સમર્થન આપતાં કહ્યું:'તારી વાત બરાબર છે. એ વાત મારા ધ્યાન પર આવી ન હતી. રચના ઘર- પરિવારને સંભાળવા સાથે ઓફિસ તો આવશે જ પણ અત્યારે જેટલો સમય આપી શકે છે એટલો આપી શકશે નહીં. અને એ આઇ.ટી. ની જગ્યા પર કામ કરે એ આપણા પરિવારને શોભે નહીં. એણે હવે મેનેજમેન્ટ પર ધ્યાન આપવું પડશે... આરવ, તું નવી જાહેરાત આપીને બીજી કોઇ છોકરીને નોકરીએ રાખી લેજે...'

હિરેન મનોમન વિચારતો હતો કે હવે એ પોતાના એક ઓળખીતાની છોકરીને નોકરીએ રખાવીને આરવ અને રચનાની બધી વાતો જાણતો રહેશે. પહેલી વખત તો એણે પોતાની રીતે છોકરીને પસંદ કરી હતી. આ વખતે અમે દાવ અજમાવીશું. કિરણ પણ હિરેન સાથે થયેલી મસલત મુજબ નવી છોકરી એમના વર્તુળમાંથી આવશે એ વિચારથી ખુશ હતો.

હિરેન અને કિરણની કલ્પનાના ફુગ્ગામાંથી હવા કાઢતો હોય એમ આરવ બોલ્યો:'પપ્પા, આપણે આ વખતે જાહેરાત આપવાની કે કોઇને શોધવાની જરૂર જ નથી. એક છોકરી મારી જાણમાં છે. એણે આડકતરી રીતે આપણી કંપનીને મદદ કરી જ છે...'

લખમલભાઇ નવાઇ પામ્યા અને પૂછ્યું:'કોણ છે?'

ત્યારે હિરેન અને કિરણની ભ્રમરો ખેંચાઇ ચૂકી હતી. એમને થયું કે આરવે એમની યોજના પર પાણી ફેરવી દીધું છે.

આરવ મોબાઇલમાં આવેલા એક મેસેજ પર નજર નાખીને આગળ બોલ્યો:'એનું નામ સંજના છે. એને આપણે હરીફ કંપનીમાં નોકરીએ રાખી હતી. એ બહુ હોંશિયાર છે. સમજી લોને કે બીજી રચના જ છે. પણ હા, હજુ એની સંમતિ મેળવવી પડશે. એ વધુ અભ્યાસ કરવા માગે છે...'

'ઠીક છે. તું એને પૂછી લેજે...' કહી લખમલભાઇ કોઇ કામ યાદ આવતા જતા રહ્યા.

હિરેન અને કિરણના મોં લટકી ગયા હતા. બંને એક શબ્દ બોલ્યા વગર પોતાની ઓફિસમાં જતા રહ્યા.

હિરેનની પાછળ દાખલ થયેલા કિરણે દરવાજો જોરથી પછાડી ફ્રિજમાંથી ઠંડા પાણીની બોટલ કાઢીને સીધી મોઢે માંડી દીધી. છતાં તેના દિલનો ઉકળાટ ઓછો થયો ના હોય એમ કિરણ બોલી ઊઠ્યો:'આ આરવની મનમાની વધુ પડતી છે. પપ્પાની શરમમાં આપણે કંઇ બોલી શકતા નથી. એ દર વખતે આપણી બાજી બગાડી નાખે છે...'

હિરેન નિરાશ થતાં બોલ્યો:'એમાં આપણો નહીં આપણા નસીબનો વાંક છે. આ રચનાએ કંપનીમાં પગ મૂક્યો પછી પનોતી બેઠી છે. પહેલાં બધું જ આપણું ચાલતું હતું. ત્યારે આપણા ગ્રહો સારા હતા. આ રચના ગ્રહણ બની છે કે શું? જ્યોતિષને પૂછવું પડશે. આપણું ભવિષ્ય મને કેમ સારું દેખાતું નથી?'

કિરણ સહેજ વિચારીને બોલ્યો:'ભાઇ, એ છોકરી ખરેખર હોંશિયાર છે. આપણે કંપનીમાં કંઇ સર્જનાત્મક કામ કર્યું નથી. બસ બેઠાં બેઠાં ધંધો ચલાવ્યા કર્યો છે. એણે હલચલ મચાવી દીધી છે. આપણે કંઇક નવું કરવું પડશે...'

'તું જ કંઇક વિચારને...' હિરેને વિચારવાનું પણ એના પર ઢોળી દીધું.

થોડીવાર આંખો બંધ કરીને ખુરશી પર ઝૂલતા કિરણના ચહેરા પર અચાનક ખુશી આવી ગઇ. તે ખુરશીમાં જ ઉછળીને બોલ્યો:'આપણે પોર્ટેબલ પાવરબેંક બનાવીએ તો કેમ રહેશે?'

'હા, એક નવું સાહસ કરીએ... આજકાલ લોકોનો મોબાઇલનો વપરાશ એટલો વધી ગયો છે કે સાથે પાવરબેંક રાખે છે...' કિરણ હિરેનની વાતમાં સૂર મિલાવતો બોલ્યો.

બંનેએ પોતાનો વિચાર સાકાર કરવા બીજા દિવસે ડિરેક્ટરોની બેઠક બોલાવી લીધી. એમાં હાજર રહેવા આરવે રચનાને પણ આમંત્રણ આપ્યું હતું. તે માનતો હતો કે હવે કંપનીને એના સૂચનોની જરૂર હતી. રચનાની હાજરી હિરેન અને કિરણને ખટકી હતી. પણ હવે એના માટે કંઇ બોલી શકે એમ ન હતી. એ કંપનીની કર્મચારી નહીં પણ ભાવિ ભાભી હતી.

મીટીંગની શરૂઆત કરતાં કિરણ બોલ્યો:'આપણી કંપની મોબાઇલના નિર્માણ માટે જાણીતી બની ચૂકી છે ત્યારે હું અને હિરેન એક નવો વિચાર લઇને આવ્યા છે અને કંપનીનું ક્ષેત્ર વિસ્તારવા સૂચન કરીએ છીએ. મોબાઇલની સાથે હવે આપણે પોર્ટેબલ પાવર બેંકનું પણ નિર્માણ કરવું જોઇએ. પાવર બેંકના બજારમાં આપણે પ્રવેશ કરવો જોઇએ. અને તમે કોઇ ચિંતા કરશો નહીં. હું અને હિરેન આ યોજના માટે વધારે સમય ફાળવીશું અને એને સાકાર કરીશું. પાવર બેંકથી આપણી કંપનીની શાખ વધશે...'

લખમલભાઇને મોબાઇલ સિવાયની વસ્તુઓના ઉત્પાદનમાં ઝાઝો રસ ન હતો. તે માનતા હતા કે બીજી વસ્તુઓના ઉત્પાદનથી મોબાઇલ પર પૂરતું ધ્યાન આપી શકાશે નહીં. હમણાં આરવના લગ્ન સાથે નવા મોબાઇલને લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે કોઇ અનુભવ વગર પાવર બેંકના ઉત્પાદનમાં ઝંપલાવવાનું સલાહભર્યું લાગતું ન હતું. તે હિરેન અને કિરણને નારાજ કરવા માગતા ન હતા. તેમણે કંઇપણ બોલવાનું ટાળ્યું. એમના મૌનને કિરણે સંમતિ માની.

હિરેન સમર્થનમાં બોલ્યો:'પાવર બેંકના ઉત્પાદનમાં આપણે વધારે સમય આપવો નહીં પડે કે મહેનત પણ નથી.'

આરવ અને રચના સાથે બીજા ડિરેકટરોને એમનો આ વિચાર બહુ પલ્લે પડ્યો ના હોય એમ એકબીજાની સામે જોવા લાગ્યા. બધાંને થયું કે બંને ભાઇ ભારે ઉત્સાહથી પોતાનો વિચાર લઇને આવ્યા છે ત્યારે એમને તોડી પાડવાનું યોગ્ય નથી.

હિરેન અને કિરણ બધાંને મૂંગા જોઇ નવાઇ પામ્યા. બંનેની નજર ઉત્સુક્તાથી રચનાના ચહેરા પર ગઇ. એમને લાગ્યું કે બધો આધાર રચના પર છે કે શું? તેની પાસે આવું જ્ઞાન વધારે છે?

બંનેને સંબોધીને રચના જ બોલી:'આપનો વિચાર સરસ છે. ઘણી કંપનીઓ મોબાઇલની સાથે પાવર બેંક બનાવે છે... એનું વેચાણ થાય છે. કેમકે મોબાઇલની કંપની પ્રત્યે એમને વિશ્વાસ છે. મોબાઇલની લોકપ્રિયતાનો લાભ એમની પાવર બેંકના વેચાણમાં થાય છે...'

રચનાને પોતાની તરફેણમાં વાત કરતી જોઇ બંને ભાઇને નવાઇ લાગી. એમને થયું કે પહેલી વખત રચના એમના સમર્થનમાં બોલી રહી છે. પણ એની પાછળ એનો આશય શું હશે?

ક્રમશ: