(નિયતી ગુસ્સામાં આદિને પૂછી રહી હતી કે એણે એનાં લગ્ન વિશે કેમ ન જણાવ્યું.)
*****************
"હું બહાર રાહ જોઉં છું." ગૌરી બોલી.
"ના... તું ક્યાંય નહીં જાય. તને બધું જાણવાનો હક છે." આદિ ગૌરીનો હાથ પકડી બોલ્યો.
"હા... તને બધું જાણવાનો હક છે. તને ખબર છે આદિ મને પ્રેમ કરે છે મને.... તું અમારી વચ્ચે આવી ગઇ છે." નિયતી ગૌરીને બોલી.
"ગૌરીને બધી ખબર છે અને બાય ધ વે પ્રેમ કરતો હતો, છું નહીં. એ એકતરફી પ્રેમ હતો, માત્ર તરુણાવસ્થાની લાગણી હતી; સાચી લાગણી જે હવે નથી."
"તું આમ કઈ રીતે કહી શકે? હું જાણું છું કે તું હજી મને ચાહે છે. મેં તે દિવસે તને પ્રપોઝ કર્યું ત્યારે કેમ ન કહ્યું કે પ્રેમ હતો હવે નથી?" નિયતીએ આક્રોશ ઠાલવ્યો.
"એ મારી ભૂલ હતી. હું પોતે પણ અસમંજસમાં હતો પણ પછી સમજાયું કે હું તો ગૌરીને ચાહવા લાગ્યો છું. તું મારી માટે એક કલિગથી વિશેષ કંઈ નથી."
નિયતી ચૅરમા બેસી બંને હાથે મોં ઢાંકી રડવા લાગી.
"નિયતી... પણ હજી પણ એક આદત ગઇ નથી, કોઈને નીચી દૃષ્ટિએ જોવાની. માણસ નાનું હોય કે મોટું, ગરીબ હોય કે તવંગર એમનું સન્માન કરવું જોઈએ. તેં ગૌરીનુ બબ્બે વાર અપમાન કર્યું અને એ ચૂપ રહી કારણકે મને તારા માટે લાગણી હતી ભૂતકાળમાં. તું કહે છે કે હવે તું બદલાઈ ગઈ હોય તો તને કોઈ સારું પાત્ર મળી જ જશે. એમ પણ તું મને પ્રેમ નથી કરતી. તારે માત્ર સેટલ થવું છે એક વેલ સેટલ્ડ વ્યક્તિ સાથે. બરાબરને!" આદિ નિયતીનો હાથ પકડી બોલ્યો.
"તું સાચું કહે છે આદિ... મને કોઈ જોઈતું હતું જે મને કંફર્ટ ફીલ કરાવે, મારી કૅર કરે, મને પ્રેમ કરે. અહીં મને તું મળ્યો તો મને તું પરફેક્ટ લાગ્યો. વળી તું મને ચાહતો પણ હતો પણ..." ગૌરી તરફ નજર કરતાં એ બોલી.
"ગૌરી તારી માટે પરફેક્ટ છે. ગુડલક ફ્રેન્ડ. મને કોઈ બીજું મળી રહેશે આફ્ટરઑલ હું સુંદર છું."
"એમાં ક્યાં ના છે!" આદિ હસીને બોલ્યો.
"આદિ... એક ફૅવર કરીશ? જો ગૌરીને વાંધો ન હોય તો કોઈ વાર તને મળી શકું એઝ અ ફ્રેન્ડ."
"કેમ નહીં... તમે બિલકુલ મળી શકો. ગમેત્યારે ઘરે પણ આવી શકો. મિત્રોનો તો હક હોય છે." ગૌરી બોલી.
"થેન્કસ. હું વધું હેરાન નહીં કરું બસ મારી વાતો શેર કરીશ તમારા બંનેની સાથે. હું જાઉં, તમે બંને જમી લો."
"બંને!!! ત્રણેય. તમે પણ અહીં જ જમી લો." ગૌરીએ આગ્રહ કર્યો.
"ના... મારે જરા અગત્યનું કામ છે એ પતાવી જમી લઈશ." એમ કહી નિયતી કૅબીનની બહાર આવી.
નિયતી કૅબીનની બહાર નીકળી એટલે આદિએ ગૌરીને પોતાની તરફ ખેંચી જકડી લીધી પછી બોલ્યો,
"સૉરી તમારી શરત ભૂલાઇ ગઇ."
"ચાલશે. તમારી શરતે આપણને જોડી દીધાં એટલે મારી શરત આપોઆપ અદ્રશ્ય થઈ ગઇ." ગૌરી એ જ અવસ્થામાં બોલી.
"ગૌરી... હજું એક વાત કરવી છે."
"હમમમ્.. બોલો."
"મેં તારી ડાયરીનું એ પાનું વાંચેલું."
"ખબર છે."
"ખબર છે!! તો તને શું નથી ખબર એ કહીશ?"
"ઘણું બધું નથી ખબર... તમે કહેશો એટલે ખબર પડી જશે. ડાયરી વાંચી એ પણ નહોતી ખબર, કહ્યું ત્યારે જ ખબર પડી."
"તો આ ખબર છે એમ શું કામ કહ્યું?"
"તમે કહ્યું પછી તો ખબર પડી ગઈને એટલે."
બંને એકબીજાને જોઈ હસી પડ્યા.
નિયતીએ બીજાં જ દિવસે બીજાં શહેરની બ્રાંચમાં ટ્રાન્સફર લઇ લીધી. જતાં પહેલાં આદિના પરિવારને મળીને ભૂતકાળ માટે માફી માંગીને ગઈ.
આદિ અને ગૌરી વચ્ચે પ્રેમ નામનું તત્વ ઉત્તરોત્તર વધતું જાય છે. પરીને મા-બાપનો સ્નેહ મામા-મામી રૂપે મળ્યો.
(એક પૂર્ણ વિરામ સાથે નવાં જીવનની શરૂઆત...)
- મૃગતૃષ્ણા
🌸🌸🌸