પ્રકરણ-૨૪
(વિચારવમળ)
અનામિકાએ હવે જીમની નોકરી સ્વીકારી લીધી હતી પરંતુ એમ હજુ કંઈ એની જિંદગી આસાન નહોતી થવાની. હજુ તો એના જીવનમાં ડગલે ને પગલે સંઘર્ષ આવીને ઉભા રહેવાના હતાં.
અનામિકાને જીમમાં નોકરી મળી એથી એના માતાપિતા તો ખુશ હતાં પરંતુ રાજવીરને પોતાની બહેન એવી જગ્યાએ નોકરી કરવા જાય કે, જ્યાં વધુ પ્રમાણમાં પુરુષો જ આવતાં હોય એ બહુ પસંદ ન પડ્યું. એણે અનામિકાને કહ્યું, "તારે એવી જગ્યાએ નોકરી કરવાની શું જરૂર છે? અહીં તને શું કમી છે? તને ખબર પણ છે કે, જીમમાં કેવા કેવા લોકો આવતાં હોય છે? ત્યાં અનેક પ્રકારના માણસો આવતાં હોય. અને એવું જરૂરી પણ નથી ને કે, બધાં જ સારા હોય."
"પણ બધાં જ ખરાબ હોય એ પણ જરૂરી નથી ને! રાજવીર! દુનિયામાં સારા માણસોની પણ કમી નથી ભાઈ." અનામિકાએ રાજવીરને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું.
પણ રાજવીર જેનું નામ. ખૂબ પઝેસિવ સ્વભાવ ધરાવતો રાજવીર એમ કંઈ થોડો સમજવાનો હતો!
એ તરત જ બોલી ઉઠ્યો, "તે હજુ દુનિયા જોઈ નથી. તું ઘરની બહાર નીકળી નથી તો તને શું ખબર પડે કે, દુનિયામાં કેવાં કેવાં લોકો હોય છે? એ તો જ્યારે તું ત્યાં જઈશ ને ત્યારે જ તને ખબર પડશે કે, તારો આ ભાઈ સાચું જ કહેતો હતો. તારા ખુદના અનુભવે જ તને સમજાશે. હું ભલે ઉંમરમાં તારા કરતાં નાનો છું પણ મને દુનિયાદારીનું ભાન તારા કરતાં વધારે છે." આટલું કહી એ ગુસ્સામાં ત્યાંથી જતો રહ્યો.
થોડાં સમય પછી એ જ્યારે એ શાંત થયો ત્યારે પ્રીતિએ એને સમજાવતાં કહ્યું, "રાજવીર! અત્યારે તું શા માટે અનામિકાને નોકરી કરવા માટે પ્રોત્સાહિત કરવાને બદલે એને ડીમોટીવેટ કરે છે? તને ખબર છે ને કે, અત્યારે એની હાલત કેવી છે? એના મનને ક્યાંક વાળવું બહુ જ જરૂરી છે."
"પણ મારી એને નોકરી માટે ના જ નથી. મને વાંધો એ જીમમાં નોકરી કરે એની સામે છે. તને ખબર પણ છે કે, ત્યાં બધાં કેવાં કેવાં માણસો આવતાં હોય. આવાં માણસોની સાથે એને કામ લેવું પડે એ મને બહુ પસંદ નથી." રાજવીરે કહ્યું.
"પણ અત્યારે એને આ એક જ નોકરી મળી છે તો એને એ લઈ લેવા દે. અને પછી ક્યાં જોબ બદલી નથી શકાતી? એને બીજી નોકરી મળશે એટલે એ આ નોકરી તરત જ છોડી દેશે. એ હું એને સમજાવીશ. હું તને પ્રોમિસ કરું છું કે, એને જેવી બીજી નોકરી મળશે કે એ તરત જ આ નોકરી છોડી દેશે. પછી તો તને કંઈ વાંધો હોવો જોઈએ નહીં." પ્રીતિ બોલી.
"ઠીક છે. હું માત્ર તારી વાત પર ભરોસો કરીને એને છૂટ આપું છું આ નોકરી કરવાની." રાજવીરે કહ્યું.
એ અનામિકાના રૂમમાં આવ્યો. અનામિકાએ રાજવીરને જોઈને પોતાનું મોઢું ફેરવી લીધું. અનામિકાનું આવું વર્તન જોઈને રાજવીર સમજી ગયો કે, આજે અનામિકા એનાથી નારાજ છે. અનામિકાની આ નારાજગી દૂર કરતાં રાજવીરે કહ્યું, "ઠીક છે. તું આ નોકરી કરવા જઈ શકે છે પણ તારે બીજી નોકરી શોધવાના પ્રયત્નો ચાલુ જ રાખવા પડશે અને જેવી તને બીજી કોઈ ઓફીસવર્કની જોબ મળી જાય એટલે આ નોકરી છોડી દેવાની શરતે હું તને છૂટ આપું છું."
"મને મંજૂર છે. થેંક યુ રાજવીર! મને સમજવા માટે. અને થેન્ક યુ પ્રીતિ! રાજવીરને સમજાવવા બદલ." અનામિકા બોલી.
અનામિકા જાણતી હતી કે, પ્રીતિના કહેવાથી જ રાજવીર માન્યો હશે એટલે એણે પ્રીતિનો પણ આભાર માન્યો. અનામિકા હવે જીમમાં નોકરી કરવા જવા લાગી હતી.
*****
"આકાશ! આવતાં અઠવાડિયે તો તારો જન્મદિવસ છે ને?" આકાશના મિત્ર રવિએ એને પૂછ્યું.
"હા." આકાશે ટૂંકમાં જ જવાબ આપ્યો. એ હવે વધુ કંઈ બોલવા જ નહોતો ઈચ્છતો.
"દર વખતની જેમ આ વખતે પણ તને સૌથી પહેલું બર્થ ડે વિશ તારી મમ્મી જ કરશે નહીં!" રવિએ પૂછ્યું.
રવિનો આ પ્રશ્ન સાંભળીને આકાશ ડરનો માર્યો ત્યાંથી ભાગ્યો. આકાશની મમ્મી એને છોડીને જતી રહી છે એ વાતથી એનો મિત્ર હજુ બિલકુલ અજાણ હતો.
*****
આકાશનું હવે શાળામાં પરફોર્મન્સ પણ બગડવા લાગ્યું હતું. ભણવામાં હંમેશા આગળ રહેતો આકાશ આજે માત્ર 50 ટકા માર્ક્સ લઈને આવ્યો હતો. આકાશનું આવું પરિણામ જોઈને સ્કૂલના પ્રિન્સીપાલે નિશ્ચયને ફોન કરીને મળવા આવવા જણાવ્યું અને કહ્યું કે, "હું તમને અને આકાશની મમ્મીને બંનેને મળવા માંગુ છું. આકાશના અભ્યાસ વિષે તમારા બંને જોડે થોડી ચર્ચા કરવા માંગુ છું."
"ઠીક છે. હું આવી જઈશ." નિશ્ચય બોલ્યો.
"તમે કદાચ મારી વાત બરાબર સાંભળી નહીં. હું તમને અને તમારી પત્ની બંનેને સાથે મળવા માંગુ છું." સામે છેડેથી પ્રિન્સિપાલે કહ્યું.
"એ તો હવે શક્ય નહીં બને. એની મમ્મી હવે અમારી જોડે નથી રહેતી." નિશ્ચયે કહ્યું.
પ્રિન્સીપાલને નિશ્ચયની આ વાત સાંભળીને ઘણુંબધું સમજાઈ ગયું. છતાં પણ એમણે એક વખત નિશ્ચયને કહેવાનો છેલ્લો પ્રયત્ન કરી જોયો અને બોલ્યા, "ઠીક છે. જો બની શકે તો તમારી પત્નીને પણ સાથે લઈને આવજો.ઘણીવાર મા બાપના ઝગડામાં બાળક પીસાતું હોય છે અને એની અસર બાળકનાં સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે. જો તમે આકાશની મમ્મીને પણ સાથે લઈને આવશો તો મને વધુ ગમશે." એટલું કહી એમણે ફોન મૂકી દીધો.
*****
અનામિકા વિચારવમળમાં ખોવાઈ ગઈ હતી. એ વિચારી રહી હતી કે, હું જ હંમેશા આકાશને એના બર્થ ડે પર વિશ કરું છું તો આ નિત્યક્રમને હું કંઈ રીતે તોડી શકું? મારી નારાજગી તો નિશ્ચય સાથે છે. આકાશ જોડે તો નહીં. એણે મનોમન નકકી કર્યુ કે, હું જરૂર મારાં દીકરાને મળવાં એના જન્મદિવસ પર જઈશ. અને સાથે સાથે એના મનમાં ઉંડે ઊંડે એક આશા પણ હતી કે, નિશ્ચય કદાચ એને સમજવાનો પ્રયત્ન કરે. પણ નિશ્ચયના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું.
*****
શું નિશ્ચય અનામિકાને આકાશના પરિણામ વિષે જાણ કરશે? શું એ અનામિકાને પોતાની સાથે આકાશની શાળાએ આવવા કહેશે? શું અનામિકા આકાશના બર્થ ડે પર એને મળી શકશે? શું મા દીકરાનું મિલન થશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.