પ્રકરણ-૨૦
(હઠયોગ)
નિશ્ચયે હઠે ભરાઈને બિઝનેસ શરૂ તો કર્યો હતો પરંતુ એમાં એને જોઈએ એવી સફળતા મળી રહી ન હતી. અને આમ પણ એનો જેવો સ્વભાવ હતો એ પ્રમાણે તો તે ધંધામાં ચાલે એમ જ ન હતો. પણ કોણ જાણે એને શું ભૂત વળગ્યું કે, એણે માત્ર અનામિકાની કુંડળીના ભરોસે જ ધંધો કરવાનું જોખમ ખેડયું. અને એનું આ જોખમ ખરેખર એના માટે જોખમ જ પુરવાર થયું. કોઈ ભણેલો ગણેલો માણસ આટલો અંધશ્રદ્ધાળુ કઈ રીતે હોઈ શકે તેનો નિશ્ચય જીવતો જાગતો પુરાવો હતો. અનામિકા એની રીતે એને સમજાવવાના સતત પ્રયત્નો કર્યા કરતી હતી. પરંતુ નિશ્ચય ક્યાં એનું કંઈ સાંભળતો જ હતો! એ તો માત્ર એની હઠે જ ભરાયો હતો કે, મારે હવે કોઈના હાથ નીચે કામ કરવું જ નથી. પહેલાં થોડો સમય એણે કોમ્પ્યુટરનાં ક્લાસ શરૂ કર્યા પરંતુ એમાં પણ જોઈએ એવા વિદ્યાર્થીઓ એને મળતા નહોતા. એમાં નિષ્ફળતા મળ્યા પછી એણે હાર્ડવેરમાં પણ પોતાનું નસીબ અજમાવવાના નિરર્થક પ્રયત્નો કર્યા. એમાં પણ એને સફળતા મળી નહીં.
અને વળી એક બાજુ એણે મકાન પણ લીધું હતું એટલે એના લોનના હપ્તા પણ ભરવાના ચાલુ હતા. અને બીજી બાજુ એણે નોકરી પણ છોડી દીધી હતી. દર મહિનાના અંતે જે એને લાખ રૂપિયા પગાર આવતો હતો એ તો હવે બંધ થઈ ગયો હતો. અને અહીં ધંધામાં તો રોજેરોજની કમાણી કંઈ એકસરખી થોડી હોય! એમાં તો કોઈક દિન ઈદ અને કોઈક દિન રોઝા હોય. ધંધામાં ધારી સફળતા મળતી ન હોવાના કારણે નિશ્ચયનો સ્વભાવ ધીમે ધીમે વધુ ને વધુ ગુસ્સાવાળો થવા લાગ્યો હતો. અને પોતાનો આ બધો જ ગુસ્સો એ ક્યારેક અનામિકા ઉપર તો ક્યારેક આકાશ ઉપર પણ ઉતારતો. ક્યારેક તો જમતી વખતે થાળીઓના પણ ઘા કરતો અને અન્નનું અપમાન કરતો. અનામિકાથી આ જોયું જતું નહીં. તેના માટે તો અન્ન દેવતા હતા. નાનકડો આકાશ એના પપ્પાનું આવું વર્તન જોઈને સહમી ઉઠતો. એ ખૂબ ગભરાઈ જતો. એ હવે ચૂપચાપ રહેવા લાગ્યો હતો. એને કંઈ સમજમાં આવતું નહોતું. પણ અત્યારે એનું બાળમન માત્ર એટલું જ સમજતું હતું કે, પપ્પા મમ્મીના લીધે મારાં પર ગુસ્સે થાય છે. એટલે એ પણ એની મમ્મીથી નારાજ રહેતો. જેમ પિતાના લક્ષણો પુત્રમાં આવે છે એમ જ આકાશ પણ ધીમેધીમે એનાં પિતા જેવો થવા લાગ્યો હતો. એનો સ્વભાવ પણ ગુસ્સાવાળો થતો જતો હતો.
ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી પડવા લાગી હતી. આ જોઈને અનામિકાએ પણ પોતે હોમ સાયન્સનો કોર્સ કર્યો હતો એથી એણે ઝુલા બનાવવાનું શરૂ કર્યું. અને એમાંથી એને થોડી ઘણી કમાણી થતી. પણ એની આ બધી જ કમાણી નિશ્ચય એને ઘર ખર્ચમાં વપરાવી દેતો હતો.
અનામિકાને ક્યારેક ખૂબ ગુસ્સો આવતો. એને જ્યારે ગુસ્સો આવતો ત્યારે એ પોતાની ડાયરીમાં કવિતા લખવા માંડતી. મોટા ભાગની એની કવિતાઓ કૃષ્ણ ઉપરની રહેતી. જાણે એ કૃષ્ણની મીરાં કેમ ન બની ગઈ હોય! એ હવે ઈશ્વરને ભજવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા લાગી હતી. એ જે કંઈ પણ કવિતાઓ લખતી એને એ ફેસબુકમાં પણ પોસ્ટ કરતી. એણે હવે પોતાના જીવનની દિશા શોધી લીધી હતી. એ પોતાના મનને આકાશના ઉછેરમાં અને કવિતાઓ લખવામાં કેન્દ્રિત કરતી. પણ અહીં જ કંઈ એના જીવનનો સંઘર્ષ પૂરો નહોતો થવાનો. હજુ તો ઘણાં કપરાં સંઘર્ષો એના જીવનમાં આવવાના હતા.
પણ એક દિવસ એવો આવ્યો કે, જ્યારે નિશ્ચયે બધી જ હદ વટાવી દીધી. નિશ્ચયે એ દિવસે ગુસ્સામાં એના પર હાથ ઉપાડ્યો. અને એનું હાથ ઉપાડવાનું કારણ માત્ર એટલું જ હતું કે, આકાશને પરીક્ષામાં માર્ક્સ ઓછાં આવ્યા હતાં. અને એના માટે એ અનામિકાને જવાબદાર ઠેરવતો હતો. પણ એ એ ભૂલી ગયો હતો કે, બાળક માતા અને પિતાની સહિયારી જવાબદારી હોય છે. એકલી માતાની જ નહીં. અને આ ઘટના ઘટી એના બીજા જ દિવસે અનામિકા એક નિર્ણય કર્યો અને એ નિર્ણય ઉપર એ અડગ રહી.
*****
આ બાજુ મેહુલ પણ બીજા લગ્ન ન કરવા માટે હઠે ભરાયો હતો. પરંતુ તેના માતા-પિતા પણ એના બીજા લગ્ન કરાવવા માટે હઠે ભરાયા હતા. અંતે એક દિવસ મેહુલે એના માતા-પિતા આગળ નમતું જોખ્યું અને એક છોકરી જોવા માટે તૈયાર થઈ ગયો. એ છોકરી પણ મેહુલની જેમ દુઃખી હતી. એના છૂટાછેડા થવાના હતા. એને પણ બે બાળકો હતાં. મેહુલે એને પસંદ પણ કરી લીધી હતી અને મેહુલના ઘરનાંને પણ એ છોકરી મીરાં પસંદ આવી હતી.
બધાં જ મેહુલ અને મીરાંના લગ્ન માટે તૈયાર થઈ ગયા હતા. પણ એક દિવસ મીરાં મેહુલને મળવા આવી ત્યારે મેહુલે એને ઘરનો એક રૂમ બતાવતાં કહ્યું, "આ મારા દીકરા અને તારા બાળકોનો રૂમ છે. એમને અહીં આ રૂમમાં ફાવશે ને?"
આ સાંભળીને મીરાંએ ખુલાસો કર્યો, "પણ હું મારા બાળકોને અહીં સાથે લઈને નથી આવવાની. મારાં બાળકો તો ડિવોર્સ પછી તેના પિતા સાથે જ રહેશે."
આ સાંભળીને મેહુલ બરાબરનો ગુસ્સે થયો અને બોલ્યો, "અરે! તું કેવી મા છો? જે પોતાના સગાં છોકરાઓને તૈયાર છોડવા તૈયાર થઈ છે તે મારા પારકાં છોકરાને શું રાખશે? નીકળી જા અત્યારે જ મારાં ઘરની બહાર. મને તારા પર જરાય વિશ્વાસ નથી." મેહુલનું આવું વર્તન જોઈને મીરાં ત્યાંથી સડસડાટ બહાર નીકળી ગઈ અને પછી ફરી ક્યારેય એણે દેખા દીધી નહીં.
પણ આ ઘટના પછી મેહુલે ઘરમાં બધાને કહી દીધું કે, "આજ પછી કોઈ દિવસ આ ઘરમાં કોઈ મને બીજા લગ્ન કરવાનું કહેતાં નહીં. નહીં તો મારાથી ખરાબ કોઈ નથી આ ઘરમાં."
*****
નિશ્ચયનાં હાથ ઉપાડવાના કારણે અનામિકાએ શું નિર્ણય લીધો હશે? શું હશે અનામિકા, નિશ્ચય અને આકાશનું ભવિષ્ય? શું મેહુલ ક્યારેય પણ બીજા લગ્ન માટે તૈયાર થશે? શું વીરના નસીબમાં મા નું સુખ લખાયું હશે? આવાં અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.