Jivansangini - 18 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | જીવનસંગિની - 18

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જીવનસંગિની - 18

પ્રકરણ-૧૮
(મા બનવાની સફર)

કહેવાય છે ને કે, જે થવાનું હોય તે તો થઈને જ રહે છે. હોને કો કૌન ટાલ સકતા હૈ? અનામિકાના જીવનમાં પણ આવું જ કંઈક બનવાનું હતું. અનામિકનું એક બાળક મિસ થયા પછી પણ એ માત્ર બે મહિનાની અંદર જ એ ફરીથી મા બનવાની હતી. પરંતુ આ વખતે નિશ્ચયે ગયા વખતની જેવું ખરાબ વર્તન ન કર્યુ. એણે આ આવનાર બાળકને ઈશ્વરની ઈચ્છા સમજીને એને સ્વીકારી લીધું હતું. આ વખતે એ બાળકના જન્મ માટે માનસિક રીતે તૈયાર થઈ ગયો હતો. સમય વીતી રહ્યો હતો. સમયને વીતતાં કયાં કઈ વાર લાગે છે?

અનામિકાને હવે સાતમો મહિનો બેસી ગયો હતો. એ સીમંત કરીને પોતાના પિતાના ઘેર પિયર આવી હતી અને તેજ સમય દરમ્યાન રાજવીર અને પ્રીતિના લગ્ન પણ ગોઠવાયા હતા. ઈશ્વર જ્યારે ખુશીઓ દેવા બેસે છે ત્યારે એ ખુશીઓ જ આપ્યા કરે છે અને દુઃખ આપે છે ત્યારે દુઃખ જ આપ્યા કરે છે. એવું જ કંઈક અત્યારે મનોહરભાઈના જીવનમાં પણ બની રહ્યું હતું. એમના ઘરમાં ખુશીઓ સમાતી ન હોય એમ એમની મોટી દીકરી અને અનામિકાની મોટી બહેન કલગી પણ બીજી વખત મા બનવાની હતી.

મનોહરભાઈના જીવનમાં તો આજે એકસાથે ત્રણ ત્રણ ખુશીઓ દસ્તક દઈને આવી હતી.

રાજવીર અને પ્રીતિના લગ્ન. બંને દીકરીઓનું એક સાથે જ મા બનવું. બંને બહેનો એકસાથે જ બાળકને જન્મ આપવાની હતી. ખુશીઓના આગમનથી મનોહરભાઈના ઘરમાં બધા જ ખીલી ઉઠયા હતા.

બે મહિના પછી-

એક દિવસ અચાનક અનામિકાને પેટમાં દુખાવો ઉપડ્યો. અને એને હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં એણે સુંદર દીકરાને જન્મ આપ્યો. ઘરમાં દીકરાના આગમનથી બધા ખૂબ જ ખુશ હતા. નિશ્ચય પણ ત્યાં આવી પહોંચ્યો હતો. પણ પોતાના બાળકને જોઈને બધું જ ભૂલી ગયો હતો અને એને રમાડવા લાગ્યો હતો. અનામિકા અને નિશ્ચયની હવે માતા-પિતા બનવાની સફર શરૂ થવાની હતી. અને પોતાની આ નવી સફરને આવકારવા તૈયાર હતા અને બાળક પણ નસીબ લઈને આવ્યું હતું કે, એના જન્મની સાથે જ નિશ્ચયને નોકરીમાં પ્રમોશન મળી ગયું હતું..પરંતુ માણસ ઈચ્છે છે કંઈક અને કુદરત કરે છે કંઈક બીજું જ. ઘણી વખત કુદરત માણસ પાસે એવા નિર્ણયો પણ લેવડાવી લે છે કે જેના હિતમાં નથી હોતા. નિશ્ચય પણ આવનારા ભવિષ્યમાં આવો જ કંઈક નિર્ણય લેવાનો હતો. પરંતુ હજુ એ સમય નહોતો આવ્યો. અત્યારે તો એ પોતાના બાળકને રમાડવામાં જ ધ્યાન આપી રહ્યો હતો અને પોતાનું બધું જ ધ્યાન એના પર જ આપી રહ્યો હતો.
બાળકના આવવાથી ઘરમાં પ્રેમનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

*****

આ બાજુ નિધિને પણ નવ મહિના પૂરા થઈ ગયા હતા. અને એણે પણ સમય થતાં પુત્રરત્નને જન્મ આપ્યો હતો. એના ઘરમાં પણ બાળકના આવવાથી ઘરમાં બધા ખૂબ જ ખુશ હતા. બાળકનું નામકરણ કરવામાં આવ્યું. મેહુલે જ એનું નામ આપ્યું અને બોલ્યો, "આ મારા જેવો વીર થશે એટલે એનું નામ આપણે વીર રાખીશું."

મેહુલના ઘરમાં બધાને બાળકનું આ વીર નામ ગમી ગયું. વીર હવે ધીરે ધીરે મોટો થવા લાગ્યો હતો. એની સાથે રમતાં રમતાં બધાનો સમય ક્યાં વીતી જતો એ જ ખબર નહોતી પડતી. એમાંય મંજુબહેન અને દિગ્વિજયભાઈનો તો એ ખૂબ જ લાડકો થઈ ગયો હતો. દાદા દાદી એના એ લાડકા પર ખૂબ જ વ્હાલ વરસાવતા હતા. એ જોઈને નિધિ પણ હવે ખુશ રહેવા લાગી હતી. મેહુલનું ધ્યાન પણ નિધિ તરફથી હટીને હવે બાળકમાં જ પરોવાઈ ગયું હતું. આ બાળકના આવવાથી એમનો પતિ પત્નીનો સંબંધ વધુ મજબૂત બની ગયો હતો.

ત્રણ વર્ષ પછી-

નિધિ ફરીથી મા બનવાની હતી. મેહુલ અને નિધિ બંને બે બાળકો ઈચ્છતા હતા અને એ બંનેની આ ખુશી પૂરી થવામાં થોડાંક જ સમયની વાર હતી. વીર પણ હવે મોટો થઈ ગયો હતો અને શાળાએ જતો થયો હતો.

વીર આજે પણ શાળાએ ગયો હતો. નિધિને હવે નવ મહિના પૂરાં થઈ ગયા હતા. એને હવે ગમે ત્યારે બાળક જન્મી શકે તેમ હતું. બપોરનો સમય હતો. એ રસોઈ બનાવી રહી હતી. રસોઈ બનાવીને એ પોતાના રૂમમાં આવી ત્યાં જ એને અચાનક પરસેવો વળવા માંડ્યો અને એ ચક્કર ખાઈને પડી ગઈ. એનું બીપી ખૂબ જ વધી ગયું હતું. એ નીચે પડી ગઈ. નિધિના પડવાનો અવાજ સંભળાતા તરત જ મંજુબેન દોડી આવ્યા. એમણે દિગ્વિજય ભાઈને કહ્યું, "તમે ફટાફટ ડૉક્ટરને અને મેહુલ બંનેને ફોન કરો."

દિગ્વિજયભાઈએ બંનેને તાબડતોબ ફોન કર્યા. મેહુલ વીરને શાળાએ લેવા ગયો હતો. એને નિધિની ખરાબ તબિયતના સમાચાર મળતાં જ તે પહેલા ફટાફટ પોતાના દીકરાને શાળાએ લેવા ગયો અને પછી ફટાફટ ઘરે આવ્યો પણ એ ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. ડૉક્ટર કહી રહ્યા હતા, "આઈ એમ સોરી. મારે દુઃખ સાથે તમને કહેવું પડે છે કે, એમને એટેક આવી ગયો હતો અને હવે એ આ દુનિયામાં નથી રહ્યાં. અને બાળક પણ બચ્યું નથી. આઈ એમ સોરી."

મેહુલ તો આ ખબર સાંભળીને સાવ સુન્ન થઈ ગયો હતો. ન તો એ રડી રહ્યો હતો કે ન કંઈ પ્રતિભાવ આપી રહ્યો હતો.
મેહુલના ઘરમાં હવે જ્યાં ખુશીઓ છવાયેલી રહેતી હતી ત્યાં હવે માતમ છવાઈ ગયો હતો.

નિધિના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. નાનકડો વીર આ બધું શું થઈ રહ્યું છે એ સમજી શકતો નહોતો. એ હવે ક્યારેય પોતાની મા નું મોઢું જોઈ નહિ શકે એ વાતની સમજ હજુ એને આવી નહોતી.

*****
શું વીર પોતાની માતાના મૃત્યુ અંગે જાણી શકશે? સત્ય જાણ્યા પછી વીરના કુમળા મન પર શું અસર થશે? નિશ્ચય આવનારા ભવિષ્યમાં શું નિર્ણય લેશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતાં રહો આ વાર્તા જીવનસંગિની.