પ્રકરણ-૧૬
(ખુશીઓનું આગમન)
"મને હમણાં હમણાંથી રાજવીરનું વર્તન બહુ બદલાયેલું લાગે છે. તમને નથી લાગતું? શું તમને એવું નથી લાગતું કે, હવે રાજવીરને એની જવાબદારીઓનું ભાન કરાવવાનો સમય હવે આવી ગયો છે. આમ ને આમ ક્યાં સુધી એ તમારાં પૈસા પર તાગડધિન્ના કર્યા કરશે? એને કહો કે, હવે જ્યાં ને ત્યાં રખડવાનું બંધ કરે અને કોઈ સારી જગ્યાએ નોકરી શોધી લે. જો નોકરી સારી હશે તો જ એને છોકરી પણ સારી મળશે." માનસીબહેન બોલ્યાં.
"હા, માનસી. તું ઠીક કહે છે. હું આજે જ એની જોડે વાત કરીશ અને એને નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા માટે સમજાવીશ. અને એને એમ પણ કહીશ કે, જ્યાં સુધી તને નોકરી નહીં મળે ત્યાં સુધી હવે હું તને નકામા ખર્ચ કરવા માટે પૈસા નહીં આપું. હવે તું મોટો થઈ ગયો છે અને તારે જાતે જ પૈસા કમાવા પડશે." મનોહરભાઈએ કહ્યું અને એ રાજવીરને એમની અને માનસીબહેન વચ્ચે જે કંઈ સંવાદ થયો એ સમજાવવા ચાલ્યા ગયા.
રાજવીરે પિતાની વાત શાંતિથી સાંભળી અને બધી વાતચીતના અંતે રાજવીરને પણ પિતાની વાત સાચી લાગી અને એ એ પણ સારી પેઠે જાણતો હતો કે, જો મારે પ્રીતિ જોડે લગ્ન કરવાના હશે તો સારી નોકરી ગોતવી જ પડશે. નહીં તો પ્રીતિના પિતા મારી જોડે એના લગ્ન ક્યારેય નહીં કરાવે.
રાજવીર હવે ઘણી બધી જગ્યાએ ઈન્ટરવ્યુ આપવા માટે જવા લાગ્યો. લગભગ બે મહિના પછી એને એક ઈન્ટરવ્યુ ફળ્યો અને એને એક સારી જગ્યાએ નોકરી મળી ગઈ. એ હવે વેલ સેટલ્ડ થઈ ગયો હતો. હવે એ એના અને પ્રીતિના લગ્નની વાત ઘરમાં કરવા માટે યોગ્ય મોકાની રાહ જોઈ રહ્યો હતો અને એને ટૂંક સમયમાં જ આ મોકો મળવાનો હતો.
****
નિશ્ચયે ઘરે આવીને અનામિકાને કહ્યું, "અનુ! માનવકુમારનો ફોન હતો. એમણે નોકરી છોડી દીધી છે અને અઠવાડિયા પછી તેઓ પોતાનું ક્લિનિક ચાલુ કરવાના છે. તો એના ઉદઘાટન માટે એણે આપણને બંનેને આમંત્રણ આપ્યું છે. આવતા અઠવાડિયે આપણે ત્યાં જવાનું છે તો તું બધી તૈયારી કરી લેજે."
અનામિકા આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ. એ કેટલાં બધા સમય પછી પોતાની બહેન કલગીને અને એની દીકરીને મળશે એ વિચારે જ એ ખૂબ ખુશ થઈ ઉઠી હતી. અને એ પોતાના પિયર જવાની તૈયારી કરવા લાગી. કલગીનું પિયર તો એના માતાપિતા જે ગામમાં રહેતા હતાં ત્યાં જ હતું.
*****
એક અઠવાડિયું વીતી ગયું. માનવકુમારના ક્લિનિકના ઉદ્દઘાટનમાં આખો પરિવાર ઘણાં સમય પછી ભેગો થયો હતો. માનવકુમાર, કલગી, એમની દીકરી, મનોહરભાઈ અને માનસીબહેન, અનામિકા અને નિશ્ચય, રાજવીર અને પ્રીતિ પણ એમાં સામેલ હતાં. પ્રીતિ મનોહરભાઈના ખાસ મિત્ર પ્રકાશભાઈની દીકરી હતી એટલે એને પણ માનવકુમાર અને કલગીએ આમંત્રણ આપ્યું હતું. બાળપણમાં કલગી, અનામિકા, રાજવીર એ બધાં ખૂબ સાથે જ રમ્યા હતાં.
*****
રાજવીર વારંવાર પ્રીતિને છેડી રહ્યો હતો. એ વારંવાર એનો હાથ પકડીને એને કહી રહ્યો હતો, "પ્રીતિ, આજે તો હવે હું આપણાં બંને વિષે ઘરમાં કહી જ દેવાનો છું. મારાથી હવે વધુ રાહ નહીં જોવાય. આઈ લવ યુ યાર!"
"અરે! રાજવીર મારો હાથ છોડ. કોઈ જોશે તો કેવું લાગશે? હજુ આપણાં બંનેના ઘરમાં કોઈને કંઈ જ ખબર નથી એટલે તું આવી રીતે વર્તન ન કર. મારો હાથ છોડ." આટલું કહીને એ પોતાનો હાથ રાજવીરના હાથમાંથી છોડાવવાની કોશિશ કરી રહી હતી ત્યાં જ એની નજર એ બંનેની પાછળ ઉભેલી અનામિકા પર પડી. "અરે! અનામિકા તું.??તું..?" આટલું બોલતાં તો એ ગલ્લાંતલ્લાં કરવા લાગી. પણ હવે એનો બોલવાનો કોઈ જ અર્થ નહોતો. અનામિકા બધું જાણી ગઈ હતી.
રાજવીર અને પ્રીતિ બંને ગભરાઈ ગયાં હતાં પણ એમનો એ ગભરાટ દૂર કરતાં અનામિકા બોલી, "અરે! પ્રેમ જ કર્યો છે ને તમે બંનેએ? તો પછી એમાં ગભરાઈ શું ગયા છો? પ્રેમ તો હિંમત આપે છે અને તમે બંને હિંમતથી પોતાની વાત રજૂ કરવાને બદલે મારાથી ગભરાઈ ગયાં છો! અને હું તો આજે ખૂબ ખુશ થઈ કે, મારી સખી પ્રીતિ જ મારી ભાભી બનીને આ ઘરમાં આવશે. અહીં આમ આવો બંને જણા." અનામિકાએ બંનેને પોતાની પાસે બોલાવ્યા અને બંનેને પ્રેમથી ભેટી પડી અને બોલી, "હું તમારા બંનેની સાથે છું."
*****
અનામિકાએ રાજવીર અને પ્રીતિના સંબંધ વિશે ઘરમાં વાત કરી. ઘરનાં બધા પણ આ વાત સાંભળી ખુશ થયાં કે, ચાલો ઘરમાં વહુ બનીને જાણીતી છોકરી જ આવશે. અને મનોહરભાઈ અને એમના મિત્ર પ્રકાશભાઈ કે જે, પ્રીતિના પિતા પણ હતાં એ બંનેનો સંબંધ વધુ ગાઢ બન્યો. અને એક મહિના પછી રાજવીર અને પ્રીતિની સગાઈ કરવામાં આવી. મનોહરભાઈના ઘરમાં આજે ફરીથી ખુશીઓનું આગમન થયું હતું.
*****
નિશ્ચય અને અનામિકા રાજવીર અને પ્રીતિની સગાઈ કરીને ફરી પોતાના ઘરે આવી ગયા હતાં. થોડાં દિવસ આમ જ ઘરના કામમાં વહી ગયા. અનામિકાને આ મહિને સમય થઈ જવા છતાં પણ માસિક આવ્યું નહીં એટલે એને શંકા ગઈ. એટલે એ ઘરની પાસેના મેડીકલ સ્ટોરમાંથી પ્રેગ્નન્સી ટેસ્ટ માટેની કીટ લઈ આવી. એણે બાથરૂમમાં જઈને ટેસ્ટ કર્યો. ટેસ્ટ પોઝીટીવ હતો. એને તો પહેલાં વિશ્વાસ જ ન આવ્યો. એણે ફરી રિપીટ ટેસ્ટ કરી જોયો. આ વખતે પણ ટેસ્ટ પોઝીટીવ જ હતો. એ ખૂબ ખુશ થઈ ગઈ. એ ઈચ્છતી હતી કે, એ જલ્દીથી નિશ્ચય પાસે દોડી જાય અને એને આ ખુશખબરી આપે. પણ એ ઈચ્છતી હતી કે, જ્યારે એ આ વાત નિશ્ચયને કરે ત્યારે નિશ્ચય એની સામે હાજર હોય જેથી એ નિશ્ચયના ચેહરા પરની ખુશીને મનભરીને નિહાળી શકે. એના મુખ પરના મનોભાવોને એ જોવા ઈચ્છતી હતી અને આ ખુશીને કાયમ માટે કેદ કરી દેવા ઈચ્છતી હતી. અને માટે જ એ નિશ્ચયના ઘરે આવવાની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહી.
*****
શું રાજવીર અને પ્રીતિના લગ્ન મનોહરભાઈના જીવનમાં ખુશીઓ લાવશે? શું અનામિકાની પ્રેગ્નન્સીની વાત સાંભળીને નિશ્ચય ખુશ થશે? પોતે પિતા બનવાનો છે એ વાત જાણીને કેવી લાગણી અનુભવશે નિશ્ચય? આવા અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતાં રહો આ વાર્તા જીવનસંગિની.