પ્રકરણ-૧૩
(આવરણ)
અનામિકા રાજવીરના આવવાથી બહુ જ ખુશ હતી. આજે રવિવાર હતો એટલે રજાનો દિવસ હતો. એ ક્યારની એના મમ્મી પપ્પા અને ભાઈની રાહ જોતી હતી. આજે એના મમ્મી પપ્પા રાજવીરને ત્યાં મૂકવા માટે આવવાના હતાં. અને પાછો બીજા દિવસે એટલે કે, સોમવારે અનામિકાનો જન્મ દિવસ પણ હતો. એટલે મનોહરભાઈ અને માનસીબહેને વિચાર્યું હતું કે, અનામિકાનો જન્મદિવસ ઉજવીને એ પછી જ ઘરે જશે.
લગ્ન પછી અનામિકાનો આ પહેલો જ જન્મ દિવસ હતો એટલે એ ખૂબ જ ખુશ હતી. એ પોતાના મનમાં ને મનમાં વિચાર કરી રહી હતી કે, આવતી કાલે મારો જન્મદિવસ છે તો નિશ્ચય જરૂર મને અહીં આવીને સરપ્રાઈઝ આપશે. એણે જ્યારે નિશ્ચય સાથે ફોનમાં વાત કરી હતી ત્યારે તો એણે રજા મળે તેમ નથી એમ કહીને એણે અનામિકાને પોતે નહીં આવી શકે એમ કહ્યું હતું. પણ અનામિકાએ તો નિશ્ચયની આ વાતને મજાક સમજી લીધી હતી. પણ અનામિકાને એ વાતની ક્યાં ખબર જ હતી કે, નિશ્ચયને તો મજાક કરવાની આદત જ નહોતી! એ તો નિશ્ચયના આવવાની ઘડીઓ ગણી રહી હતી અને આજની રાત ક્યારે પૂરી થાય અને એના જન્મદિવસનો દિવસ શરૂ થાય એની જ રાહમાં હતી. અને મનમાં એક આશા પણ હતી કે, નિશ્ચય એને જરૂર સરપ્રાઈઝ આપવા આવી જ પહોંચશે.
બીજા દિવસની સવાર પડી. અનામિકાની નજર ફોન પર પડી. એણે એક આશા સાથે મોબાઈલની સ્ક્રીનમાં જોયું પણ ત્યાં નિશ્ચયનો કોઈ જ મિસકોલ નહોતો. એ હજુ આ બાબતે વિચારી જ રહી હતી ત્યાં જ એના મમ્મી પપ્પા ભાઈ અને પ્રીતિ ચારેય જણાં એના રૂમમાં હેપ્પી બર્થ ડે ટુ યુ એમ ગીત ગાતાં ગાતાં દાખલ થયાં. અનામિકા એમને બધાંને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. એણે બધાંનો આભાર વ્યક્ત કર્યો. એણે પોતાના આંસુઓ પર હસતાં ચહેરાનું આવરણ ચડાવી દીધું હતું.
ત્યાં જ એમના ઘરની ડોરબેલ રણકી. એ દોડીને દરવાજો ખોલવા ગઈ. એણે દરવાજો ખોલ્યો. આગંતુકનો ચેહરો જોતાં જ એ ઉદાસ થઈ ગઈ. દરવાજા પર એક માણસ એના માટે એક બોક્સ લઈને ઉભો હતો અને એણે પૂછયું, "આ અનામિકાનું જ ઘર છે ને?"
"હા." અનામિકા બોલી.
"આ તમારું પાર્સલ આવ્યું છે." એટલું કહી એ બોક્સ અનામિકાને આપીને એ માણસ ચાલ્યો ગયો.
અનામિકાએ બોક્સ લીધું અને ખોલ્યું. એમાં બર્થ ડે કેક હતી. એણે મોકલનારનું નામ વાંચ્યું "નિશ્ચય".
આ નામ જોઈને એ ખુશ થઈ ગઈ અને એણે તરત જ નિશ્ચયને થેંક યુ કહેવા માટે ફોન લગાડ્યો.
સામે છેડેથી જવાબ આવ્યો, "આ આપણાં લગ્ન પછીનો તારો પહેલો બર્થ ડે હતો એટલે તને ઓછું ન આવે એટલે મેં આ કેક મોકલાવી છે. આ મારી પહેલી અને છેલ્લી કેક છે. હવે પછી તું મારી પાસે આવી આશા ન રાખતી. બાકી મને આવા ખોટાં ખર્ચા પસંદ નથી એ તું સારી રીતે જાણે છે."
અનામિકા તો નિશ્ચયની આવી પ્રતિક્રિયાથી સહમી ગઈ. ન તો નિશ્ચયે એને વિશ કર્યું કે, ન તો એને કોઈ પ્રેમભર્યા બે શબ્દો કહ્યાં. પણ પછી ઘરમાં મમ્મી પપ્પાની હાજરીનો ખ્યાલ આવતાં જ એણે પોતાના આંસુઓને છુપાવી દીધાં અને બોલી, "ચાલો, તમારા જમાઈએ કેક મોકલાવી છે તો કાપવી નથી?"
"હા, હા, ચાલો બધાં." મનોહરભાઈએ કહ્યું અને બધાં અનામિકા કેક કાપે એની રાહ જોવા લાગ્યાં.
અનામિકાએ હસતાં મુખે આ વખતે પણ પોતાના પિયરના પરિવાર જોડે જ કેક કાપી જેમ હંમેશા કાપતી આવી હતી.
અનામિકાને ખુશ જોઈને મનોહરભાઈ અને માનસીબહેનને શાંતિ થઈ. બંનેને મનમાં થયું નિશ્ચય અનામિકાનું કેટલું ધ્યાન રાખે છે નહીં! પણ એમને ક્યાં ખબર હતી કે, એમના આ જમાઈએ જ એમની દીકરીને હૃદયમાં કેટલી વેદના આપી હતી અને એ પણ એના જન્મદિવસે.
અનામિકાનો જન્મદિવસ ઉજવીને મનોહરભાઈ અને માનસીબહેન બંને ફરી પોતાના ઘરે જવા રવાના થયા.
*****
"થેન્ક્સ રાજવીર! અહીં એડમિશન લેવા માટે." પ્રીતિ બોલી.
"મેં તને કહ્યું હતું ને કે, હું કંઈ એમ તારો પીછો નહીં છોડું. તું જ્યાં જઈશ ને ત્યાં જ તારી પાછળ પાછળ જ આવીશ. સમજી! અને જો મેં મારો એ વાયદો પૂરો પણ કર્યો. મેં મારા મમ્મી પપ્પાને મનાવી જ લીધાને! અને અહીં એડમિશન લઈ જ લીધું ને." રાજવીર બોલ્યો.
"એ તો હું જાણું જ છું મારા રાજ. અને એટલે જ તો આઈ લવ યુ. અને હું તો એ દિવસની રાહ જોઈશ જ્યારે તું એ લોકોને આપણાં લગ્ન માટે મનાવીશ." પ્રીતિ બોલી.
રાજવીર અને પ્રીતિ બંને વાતો જ કરી રહ્યાં હતાં ત્યાં જ એને બંગડીની ખનક સંભળાઈ. એટલે બંને તરત જ છૂટા પડી ગયા. અનામિકાએ આવીને કહ્યું, "રાજવીર! તું ઉપરના રૂમમાં રહેજે અને અમે બંને અહીં નીચે રહીશું. બરાબર ને!"
"હા, હા. તું ઠીક કહે છે." રાજવીર બોલ્યો. અને એ પોતાનો સામાન લઈને ઉપરનાં રૂમમાં રહેવા ચાલ્યો ગયો. અને જતાં જતાં એ પ્રીતિને આંખ મારતો ગયો. પણ પ્રીતિએ એની આ હરકતને નજરઅંદાજ કરી.
*****
મેહુલ અને નિધિ બંને બાળક થાય એ માટેનાં પ્રયત્નો કરી રહ્યા હતા. પણ હજુ એમને બંનેને સફળતા મળી નહોતી રહી. એમના લગ્નને હવે ઘણો સમય થઈ ગયો હતો એટલે સમાજના લોકો પણ હવે તો મંજુબહેનને કહેવા લાગ્યા હતા કે, "મંજુબહેન! મેહુલના લગ્નને તો ઘણો સમય થઈ ગયો. હવે દાદી બનવાની ખુશખબર ક્યારે આપો છો?"
મંજુબહેન પાસે આનો કોઈ જવાબ નહોતો. એ મેહુલને કહેતા, "દીકરા! તારી સાથે જ પેલી મીતાના પણ લગ્ન થયા હતા. આજે એનો દીકરો એક વર્ષનો થવા આવ્યો. અને એની દાદી આખા ગામને પોતાના પૌત્રની વાતો કરતા થાકતી નથી. તમે બંને હવે મને ક્યારે એવો મોકો આપશો?"
મેહુલ અને નિધિ પાસે પણ મંજુ બહેનના આ સવાલનો કોઈ જ જવાબ નહોતો.
એવામાં એક દિવસ મેહુલના મિત્ર ઈકબાલે એને કહ્યું, "મેહુલ! તું અને ભાભી એકવાર ડૉક્ટર પાસે કેમ નથી જઈ આવતાં? આજકાલ તો ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે, બધી જ વસ્તુઓના રસ્તા છે.
"તું ઠીક કહે છે ઈકબાલ. મારે અને નિધિએ એકવાર ડૉક્ટરને મળી લેવું જોઈએ.
*****
શું મનોહરભાઈ અને માનસીબહેન અનામિકા અને નિશ્ચયના સંબંધનું સત્ય જાણી શકશે? શું નિશ્ચય અનામિકાને પોતાની જીવનસંગિનીનું સ્થાન ક્યારેય પણ આપી શકશે? શું અનામિકા રાજવીર અને પ્રીતિનું સત્ય જાણી શકશે? શું મેહુલ અને નિધિના જીવનમાં સંતાનનું આગમન થશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે વાંચતાં રહો આ વાર્તા જીવનસંગિની.