સેવ ઉસળ ની ફિલોસોફી
ગઈ કાલે રાત્રે ગેટ ટુ ગેધર માં સેવ ઉસળ શું ખાધું કે મારા માં ફિલોસોફરનો આત્મા ઘુસી ગયો,
'શું છે આ જીવન , શું જીવવા જેવું છે આ જીવન માં, જીવન એટલે શું?,
જીવન માં અસંખ્ય ચક્રવ્યૂહ આવશે તો એને હું એમાંથી કઈ રીતે પસાર થઈશ?' ( મને ખબર છે કે મને આવું બધું બહુ થાય છે અને સહન તમારે કરવું પડે છે, શું કરું, ભોગ તમારા)
મેં આ પ્રશ્નો ના ઉત્તર સેવ ઉસળ માંથી શોધવાનો પ્રયત્ન કર્યો, અને લો મને તત્ક્ષણ આત્મજ્ઞાન લાંઘ્યું, હું ઈચ્છું છું કે તમને પણ મારા દ્વારા થોડા મટર રૂપી રત્નકણિકા ઓ પ્રાપ્ત થાય અને તમારું જીવન ધન્ય થાય,
તો પ્રસ્તુત છે સેવ ઉસળ ની ફિલોસોફી:
_ સેવ ઉસળ ના રસા માં ચટણી મેળવવી કેમ જરૂરી છે ?
કારણ કે જીવન માં તીખો રસ પણ જરૂરી છે...
_ બધાને સેવ ઉસળનો રસો કેમ બહુ ભાવે છે?
જીવન માં હવે કઇ રસકસ રહ્યો નથી એવું માનનારા લોકો હવે આવી રીતે જીવનને રસભર બનાવી રહ્યા છે...
_ સેવ કે ગાંઠિયા શું શીખવાડે છે?
એજ કે માણસે સ્વભાવ માં બહુ સ્વાદિષ્ટ અને કડક રહેવું નઈ, તમે ભલે બહુ સ્વાદિષ્ટ અને કડક હો પણ લોકો નો ભરોસો નઈ, ક્યાં તો તમને ચાવી જાય ક્યાં તો પછી રસામાં પલાળી ને પોચા બનાવી દે ,એટલે માણસે બહુ સ્વાદિષ્ટ અને કડક રહેવું નઈ...
_ સાથે પાઉં કેમ ખાવાના?
એ જ તો મિત્ર છે જે તમને જીવન ની તીખાશ થી બચાવે છે અને
તમારું જીવન નો ખાલીપો ભરીને ભરપૂર આનંદ માં લાવે છે ...
_ ડુંગળી ની કચુંબર
જીવન માં બધા ગુણ જરૂરી છે, તો તામસી ગુણ પણ જોઈએ જ ને...
_લીંબુ
ફક્ત બે ટીપાં લીંબુ ના રસ ના નાખો અને પછી સ્વાદ માણો, ડિટ્ટો પત્ની સાથેનું લગ્ન જીવન (આપણી જ પત્ની ,ભાઈઓ) આજ પ્રમાણે ચાલી રહ્યુ છે ને...
_ છાસ
છાસ ભલે સ્વાદ માં ખાટી હોય પણ શરીર ના પાચક રસો માટે જરૂરી છે એજ પ્રમાણે તમારા માં ઉત્સાહ વધારે પડતો હોય કે જેની જરૂર ના હોય ત્યારે વધારે પડતા ઉત્સાહ ને માપ માં રાખવા આવા મિત્રો પણ જરૂરી છે ...
_મટર :
બસ થોડા તો થોડા પણ એવા મિત્રો રાખો જે તમને વચ્ચે વચ્ચે સ્વાદિષ્ટ બનાવે ,
_ વળી વળી ને રસો લઈ સેવ ઉસળ બનાવ્યા કરવું
એ બતાવે છે કે જીવન માં કઈ રસકસ રહ્યુ ના હોય એવું તમને લાગતું હોય તો જીવન ને રસ વાળુ બનાવવું તમારા હાથ મા જ છે, જુની સારી યાદો ને વળી વળી ને બહાર કાઢો અને એને શેર કરી જીવન ને તરો તાજા રાખો,
અને આમ દુનિયા રૂપી તપેલા માંથી સંબધ રૂપી કડછા -કડછી ને ડુબાડી ને બહાર કાઢી ને આનંદ રૂપી રસો કાઢી તમારા મનમાં, હૃદય માં ભરો જે તમને જીવન જીવવાનું જોમ પૂરું પાડે( આવું લખ્યા પછી તો મને પણ નવાઈ લાગી કે સાલું હું ખરેખર મસ્ત લખું છું, મેં જાતે જ મારી પીઠ થાબડી,)
છેલ્લે એક જોક પણ બનાવ્યો (કેમ ભાઈ ઓ ફિલોસોફર જોક ના બનાવી શકે?)
' અલ્યા તું કાયમ સેવ ઉસળ માં ગણીને 10 મટર આપે છે તો આજે કેમ
8 જ દાણા આપ્યા?
' સર જી,GST કાપ્યો '
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995