Jivansangini - 12 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | જીવનસંગિની - 12

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જીવનસંગિની - 12

પ્રકરણ-૧૨
(અણધાર્યો વળાંક)

અનામિકા નિશ્ચય સાથેના લગ્ન પછી હવે ફરીથી કોલેજ જોઈન કરવા આવી પહોંચી હતી. કોલેજમાં આવીને એણે પોતાની બધી બહેનપણીઓને પોતાના લગ્નના સમાચાર આપ્યાં. આ સાંભળીને એની બધી સખીઓ ખૂબ ખુશ થઈ ગઈ. બધાંએ એને અભિનંદન આપ્યા. પણ સાથે સાથે બધાંને આશ્ચર્ય પણ થયું કે, અનામિકા તો હજુ આગળ વધુ ભણીને નોકરી કરવા માંગતી હતી પણ અચાનક એણે લગ્ન કેમ કરી લીધાં હશે? બધાંના મનમાં આ જ પ્રશ્ન રમી રહ્યો હતો. પણ કોઈએ અનામિકાને વધુ આ બાબતે કંઈ પૂછ્યું નહીં. બધી જ સખીઓએ એને અભિનંદન આપ્યાં અને ક્લાસમાં જવા લાગી. અનામિકાના લગ્નના સમાચાર સાંભળીને એની બધી સખીઓ ખૂબ જ ખુશ હતી સિવાય કે, એની ખાસ સખી પ્રીતિ કે, જે એની રૂમ પાર્ટનર પણ હતી.
મનોહરભાઈએ અનામિકા જ્યાં ભણતી હતી તે જ શહેરમાં એના માટે ઘર ખરીદી લીધું હતું. અને અનામિકાને કંપની મળી રહે એ હેતુથી પ્રીતિ કે જે મનોહરભાઈના મિત્રની દીકરી હતી એ પણ એની સાથે એમના જ ઘરમાં રહેતી હતી. પ્રીતિ અને અનામિકા બંને સાથે જ ભણતાં હતા અને એક જ સાથે રહેવાને કારણે એમનો બંનેના સંબંધમાં વધુ આત્મીયતા કેળવાઈ હતી. અનામિકા પોતાના જીવનની બધી જ વાત પ્રીતિને કરતી. પણ અનામિકાના લગ્ન એ પ્રીતિ માટે આઘાત અને આશ્ચર્યકારક બનાવ હતો. એને સમજાઈ નહોતું રહ્યું કે, અનામિકાએ અચાનક આવો નિર્ણય કેમ લઈ લીધો હશે!
*****
કોલેજનો પહેલો દિવસ પૂરો થયો અને અનામિકા ઘરે આવી. આવીને એણે પોતાનું બેગ મૂક્યું. એ રસોડામાં ગઈ અને પાણી પીધું. પ્રીતિને આજે એક્સ્ટ્રા કલાસ હતાં એટલે એ થોડી મોડી આવી. ત્યાં સુધીમાં અનામિકાએ રસોઈ બનાવી રાખી હતી. પ્રીતિ આવી એટલે અનામિકાએ એને પાણીનો ગ્લાસ આપ્યો. પણ પ્રીતિએ એ લીધો નહીં અને એણે જાતે જ રસોડામાં જઈને પાણી પીધું. એ કંઈ બોલી નહીં. એ અનામિકાથી ખૂબ જ નારાજ હતી. અને એની નારાજગીનું કારણ અનામિકાને સમજતાં બિલકુલ વાર ન લાગી. એટલે અનામિકા પ્રીતિને મનાવતા બોલી, "પ્રીતિ! હું જાણું છું કે, મેં આમ અચાનક લગ્ન કરી લીધા એટલે તું મારાથી નારાજ છે. અને તારી નારાજગી પણ વ્યાજબી જ છે. પણ બધું એટલું ઝડપથી બની ગયું કે, મને ખુદને પણ ખબર ન પડી કે, આ બધું કેમ બની ગયું! હું વેકેશનમાં ઘરે ગઈ અને અમારી મુલાકાત ગોઠવાઈ અને મારા સાસુ સસરાને એમનો પરિવાર એ બધાં તો મારી હા ની જ રાહ જોતાં હતા. અને મારાથી હા પડાઈ ગઈ અને પછી લગ્નની ખૂબ જ ઉતાવળ કરવા લાગ્યાં અને એમની જીદ સામે હું વધુ કંઈ બોલી ન શકી. પણ મને એમણે માત્ર આ ભણવાનું છેલ્લું વર્ષ છે એટલે એ પૂરું કરી લેવાની છૂટ આપી. મને માફ કરી દે સખી. પ્લીઝ!" અનામિકા બોલી.
"ઠીક છે. ચાલ મેં તને માફ કરી પણ તું આ લગ્નથી ખુશ તો છે ને?" પ્રીતિએ પૂછ્યું.
પ્રીતિનો આ સવાલ સાંભળીને એ વિચારોની ઊંડી ગર્તામાં ધકેલાઈ ગઈ. લગ્ન પછી જ્યારે એ પહેલીવાર સાસરે ગઈ ત્યારે જ એને કહી દેવામાં આવ્યું હતું કે, એણે વડીલોની આમન્યા રાખવી પડશે. માથે ઓઢવું પડશે અને વડીલોની સામે એ પોતાની જીભ પણ નહીં ખોલી શકે. અને અનામિકાને જ્યારે આ બધું કહેવામાં આવી રહ્યું હતું ત્યારે નિશ્ચય પણ ત્યાં જ હતો પણ મૌન હતો. અનામિકાને લાગતું હતું કે, નિશ્ચય આ વાતનો વિરોધ કરશે એવી આશાએ એ એની સામું જોઈ રહી હતી. પણ નિશ્ચયનું મૌન એને પગથી માથા સુધી હલાવી ગયું. એને લાગતું હતું કે, આ આટલો ભણેલો ગણેલો કોમ્પ્યુટર એન્જીનીયર છે તો કંઈક તો મુકત વિચાર હશે ને એના! પત્નીનો સાથ આપશે. પણ નિશ્ચયના મૌને એની એ આશા પર પણ હવે પાણી ફેરવી દીધું હતું. નિશ્ચયનું મૌન અનામિકા માટે અણધારી ઘટના હતી.
"તું ખુશ તો છે ને અનામિકા?" પ્રીતિના ફરી પૂછાયેલા પ્રશ્નએ અનામિકાની વિચારતંદ્રાને તોડી.
"હે.. હે..! હા હા. હું ખુશ છું." અનામિકાએ જવાબ આપ્યો.
પણ એના આ જવાબ પાછળ છુપાયેલું દર્દ પ્રીતિની નજરથી છાનું ન રહ્યું. પણ પ્રીતિ પણ કંઈ બોલી નહીં. અત્યારે એને કંઈ પણ બોલવું યોગ્ય ન લાગ્યું.
એણે કહ્યું, "ચાલ હવે મને બહુ ભૂખ લાગી છે. જમવાનું પીરસ."
"હા, હા, ચાલ. જમી લઈએ. મને પણ ખૂબ કકડીને ભૂખ લાગી છે."
અનામિકાએ બંનેની થાળી પીરસી અને બંને જમવા બેઠા. ત્યાં જ મનોહરભાઈનો ફોન આવ્યો. અને એમણે અનામિકા ને ખુશ ખબરી આપી કે, રાજવીરને પણ ત્યાં જ કોલેજમાં એડમિશન મળી ગયું છે એટલે અમે બધાં પણ ત્યાં આવીશું અને હવે રાજવીર પણ અનામિકા જોડે એના ઘરમાં જ રહેશે. પોતાનો ભાઈ પણ હવે પોતાની સાથે અહીં રહેવા આવશે એ વિચારમાત્રથી જ અનામિકા ખૂબ ખુશ થઈ ગઈ.
*****
મેહુલ નોકરી પરથી ઘરે આવ્યો. આજે ઘરે કોઈ નહોતું. બધા મેહુલના મોટાભાઈને મળવા શહેરમાં ગયા હતા પણ મેહુલને નોકરીમાંથી રજા મળી ન હતી એટલે એ અને નિધિ બંને ત્યાં જઈ શક્યા નહોતા. એટલે ઘરમાં નિધિ અને મેહુલ બંને એકલા જ હતા.
નિધિએ મેહુલને પાણી આપ્યું. મેહુલે પાણી પીધું. નિધિ હવે પોતાની વાત રજૂ કરવાના ઈરાદે શબ્દો ગોઠવતી બોલી ઉઠી, "મેહુલ! તમને નથી લાગતું કે, આપણે હવે બાળક વિશે વિચારવું જોઈએ."
નિધિની આ વાત સાંભળીને મેહુલ તો ખુશીથી ઉછળી પડ્યો અને બોલ્યો, "નિધિ! તે તો મારા મનની વાત છીનવી લીધી. હું પણ તને આ જ કહેવાનો હતો. આજે હું ખૂબ જ ખુશ છું. આઈ લવ યુ ડાર્લિંગ!" આટલું કહી એણે નિધીને જોરથી પોતાની પાસે ખેંચી અને એના પર ચુંબનોની વર્ષા કરવા લાગ્યો. અને નિધિ પણ કોઈ પણ જાતનો ઈન્કાર કર્યા વિના એના આ પ્રેમને માણતી રહી અને મનોમન ખુશ થતી રહી.
*****
શું પ્રીતિ અનામિકા અને નિશ્ચયના સંબંધનું સત્ય જાણી શકશે? શું નિશ્ચયના મૌનને અનામિકા જીરવી શકશે? શું મેહુલ અને નિધિના જીવનમાં સંતાનનું આગમન થશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતાં રહો આ વાર્તા જીવનસંગિની.