વારસદાર પ્રકરણ 37
કાંતિલાલ અને હિતેશ ગયા પછી મંથને એના સસરા અનિરુદ્ધસિંહ ઝાલા ને ફોન કર્યો.
" પપ્પા તમારા નાના ભાઈ અનિલસિંહ ઝાલા અત્યારે કયા પોલીસ સ્ટેશનમાં છે ? મારા એક મિત્રના કેસમાં મારે કદાચ એમને મળવું પડશે." મંથને કહ્યું.
મંથનનાં લગ્ન થયાં ત્યારે અનિલસિંહ ઝાલા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હતા એ એને ખબર હતી. લગ્નમાં પણ એમણે હાજરી આપી હતી અને મંથનને ખૂબ શુભેચ્છાઓ પણ આપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર લેવલની વ્યક્તિ વ્યાજખોરોને પાઠ ભણાવી શકે એ એને ખબર હતી. એટલે જ એણે મુંબઈ ઝાલા સાહેબને ફોન કર્યો.
" એ અત્યારે ક્રાઈમ બ્રાન્ચમાં ઇન્સ્પેક્ટર છે. " ઝાલા સાહેબ બોલ્યા અને એમનો મોબાઇલ નંબર મંથનને લખાવી દીધો.
મંથનને પોતાને આશ્ચર્ય એ વાતનું થયું કે એણે હિતેશને એવું જ કહેલું કે મારા એક સંબંધી ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર છે. એ વખતે એને ખબર જ ન હતી કે ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબ ખરેખર ક્રાઈમ બ્રાન્ચમાં છે. એણે તો અમસ્તું જ કહેલું. કદાચ ગાયત્રી મંત્રનો જ આ પ્રભાવ હતો.
મંથને તરત જ ઇન્સ્પેક્ટર ઝાલાને ફોન કર્યો.
" અંકલ મંથન મહેતા બોલું છું. આજે અમદાવાદ આવેલો છું એટલે એક કામ માટે ફોન કર્યો હતો." મંથને ફોન ઉપર કહ્યું.
" અરે મંથનકુમાર અમદાવાદ આવ્યા છો તો મળ્યા વગર થોડું ચાલશે ? તમે તો અમારા જમાઈ છો. રાત્રે ઘરે પધારો અથવા સવારે આવો. સીજી રોડ ઉપર જ લાલ બંગલા પાછળ સમર્પણ ફ્લેટમાં હું રહું છું. જો ઓફિસે જ આવવું હોય તો ગાયકવાડ હવેલીમાં ક્રાઈમ બ્રાન્ચ બેસે છે ત્યાં તમે ૧૦:૩૦ થી ૭ વચ્ચે મને મળી શકશો. " કહીને એમણે પોતાનો ફ્લેટ નંબર પણ લખાવી દીધો.
" ઠીક છે અંકલ મારી અનુકૂળતા પ્રમાણે હું આવી જઈશ. " મંથન બોલ્યો અને એણે ફોન કટ કર્યો.
કાંતિલાલે ઘરે જઈને સૌથી પહેલાં તોરલને પોતાની પાસે બોલાવી.
" તોરલ બેટા અહીં મારી પાસે આવ. આજે મારે તારી માફી માગવી છે. તારી ઈચ્છા મંથન સાથે લગ્ન કરવાની હતી પરંતુ મંથનને ઓળખવામાં મેં બહુ મોટી થાપ ખાધી. હીરા જેવો છોકરો મેં હાથમાંથી ગુમાવી દીધો. "
કાંતિલાલે સોફામાં બેસીને તોરલને પોતાની પાસે બેસાડીને કહ્યું. રંજનબેન પણ કિચનમાંથી બહાર આવીને આશ્ચર્યથી આ દ્રશ્ય જોઈ રહ્યાં.
" અચાનક એવું તે શું થયું કે તમે આટલા બધા ગુણગાન ગાવા લાગ્યા ?" રંજનબેન બોલ્યાં.
" મંથન એવું કર્યું છે કે આખી જિંદગી એના પગ ધોઈને પાણી પીએ તો પણ એનું વળતર વળે એમ નથી." કાંતિલાલ બોલ્યા.
" પણ પપ્પા તમે કંઈક સરખી વાત કરો ને ! તમે મારી કેમ માફી માગો છો ? " તોરલ બોલી.
" અરે હિતેશકુમાર નું ટોટલ ૬૮ લાખનું દેવું એમણે ભરી દીધું. આજના આ જમાનામાં કોઈ કોઈને ૫૦૦૦ પણ ઉધાર આપતું નથી ત્યારે આ માણસે આટલી મોટી રકમ હિતેશકુમારને આપી દીધી. " કાંતિલાલ બોલ્યા.
તોરલ અને રંજનબેન બંને અવાક થઈ ગયાં. સમાચાર એટલા બધા મોટા હતા કે પચાવવા અઘરા હતા. પોતાના કાન ઉપર વિશ્વાસ આવતો ન હતો. આ તો સ્વપ્ન છે કે સત્ય !!
" હું તો તમને પહેલેથી જ કહેતી હતી પણ તમે મારું સાંભળતા જ ક્યાં હતા ? મંથનભાઈને હું નાનપણથી ઓળખું છું. અને તોરલનું દિલ એની સાથે મળી ગયું હતું. આજે એ માણસ પોતાના નસીબથી ક્યાંનો ક્યાં પહોંચી ગયો !! તોરલ આજે રાજ કરતી હોત." રંજનબેન બોલ્યાં.
તોરલ હજુ આ સમાચારના આશ્ચર્યમાંથી બહાર આવી ન હતી. મંથન મારી ખુશી માટે થઈને આટલી મોટી ૬૮ લાખ જેવી રકમ આપી દે ! એને મારા માટે આટલી બધી લાગણી છે કે મારું દુઃખ એ જોઈ ના શક્યો !! ઈશ્વરે કેમ અમને બંનેને છૂટાં પાડ્યાં ? !!! -- તોરલનું હૈયું ભરાઈ આવ્યું અને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.
" મને તમે બધી માંડીને વાત કરો. આ કેવી રીતે થયું ? " રંજનબેન બોલ્યાં.
"મંથન નવરંગપુરાની ક્લાસીક ગોલ્ડ હોટલમાં ઉતર્યો છે. એણે મને અને હિતેશકુમારને ચાર વાગે હોટલ ઉપર બોલાવ્યા હતા. હિતેશકુમાર આવ્યા એટલે એણે ટોટલ કેટલું દેવું છે અને કોનું કોનું છે એ બધું પૂછી લીધું. બે માથાભારે માણસોના ૩૫ લાખ છે અને મિત્રો તથા સગાં વહાલાંના વ્યાજ સાથે બીજા ૩૩ લાખ છે એ બધી વાત હિતેશકુમારે કરી." કાંતિલાલ વિગતવાર વાત કરી રહ્યા હતા.
" મંથને તરત જ ૧૦ ૧૦ લાખના ત્રણ ચેક હિતેશકુમારને આપી દીધા અને કહ્યું કે તમારા મિત્રો અને સગાઓના પૈસા પાછા આપી દો. જે બે માથાભારે માણસો છે એમના પૈસા એમને બોલાવીને હું પોતે ચૂકવી દઈશ. તમારી ઉપર આજ પછી કોઈનો પણ ફોન નહીં આવે. " કાંતિલાલે વાત પૂરી કરી.
" આ તો ખરેખર માનવામાં જ ન આવે એવી વાત છે. મંથનભાઈ આપણા માટે ખરેખર દેવદૂત બનીને આવ્યા." રંજનબેન બોલ્યાં.
" મને તો એ વિચાર આવે છે કે મંથન પોણો કરોડ જેવી રકમ જો આ રીતે દાન કરી શકતો હોય તો એની પાસે કેટલો પૈસો હશે !! મહિને બે પાંચ લાખના પગારદારની આ હેસિયત જ નથી. " કાંતિલાલ બોલ્યા.
" તમે ફરી પાછા ગણતરીમાં પડી ગયા ? એ જે કમાતા હોય તે. હું તો કહું છું કે ઈશ્વર એમને હજુ વધુ સુખી કરે ! " રંજનબેન બોલ્યાં.
" અરે તને કહેવાનું જ ભૂલી ગયો. મંથનને મેં અત્યારે જમવાનું કહ્યું છે. એ આઠ વાગ્યા સુધીમાં આવી જશે. " કાંતિલાલ બોલ્યા.
" અરે તમે તો કહેતા પણ નથી. સાડા પાંચ તો વાગી ગયા છે. મંથનભાઈ પહેલીવાર આપણા ત્યાં જમવા આવે છે અને એ પણ આટલું મોટું દાન આપીને ! એમનું પ્રેમથી સ્વાગત કરવું જોઈએ. તોરલ શું રસોઈ કરીશું આજે આપણે ? " રંજનબેન બોલ્યાં.
" સીઝન છે એટલે શિખંડ અથવા કેરી નો રસ અને સાથે પુરી કઢી ભાત. શાક ભીંડાનું બનાવીશું કારણ કે મંથનને ભીંડાનું શાક બહુ ભાવે છે. ગૌરી માસી ઘણીવાર આ વાત મને કહેતાં. " તોરલ બોલી. આજે એ પોતાના જૂના પ્રિયતમને જમાડવાની હતી.
" સાંજનો ટાઈમ છે એટલે આપણે શિખંડ જ મંગાવી લઈએ. કેરીનો રસ સવારે સારો લાગે. તમે એક કિલો શિખંડ લઈ આવો અને વાડીગામ ભજીયા હાઉસમાંથી મેથીના ગોટા પણ લેતા આવજો. " રંજનબેન બોલ્યાં.
" હિતેશકુમારને પણ જમવાનું કહેવું પડશે ને ? " કાંતિલાલ બોલ્યા.
" ના આજે નહીં. આજે તોરલને મંથન સાથે કોઈ વાત કરવી હોય તો એમની હાજરીમાં પછી નહીં થઈ શકે. એમને બે જણને એકલાંને વાત કરવી હોય તો પણ કરવા દેજો. તમે પાછા કોઈ માથાકૂટ ના કરતા. વાત કરવાનો તો એનો હક બને છે હવે. " રંજનબેન બોલ્યાં.
" ઠીક છે ઠીક છે. તમે રસોઈ ની તૈયારી શરૂ કરી દો. " કાંતિલાલ બોલ્યા. એ હવે ઢીલા પડી ગયા હતા. મંથન તરફ એમને ખૂબ જ માન પેદા થયું હતું.
લગભગ સવા આઠ વાગે મંથન જમવા માટે તોરલના ઘરે પહોંચી ગયો.
ખૂબ જ ભાવ અને ઉમળકાથી રંજનબેન અને કાંતિલાલે મંથનનું સ્વાગત કર્યું. તોરલ પણ મુગ્ધ નજરે મંથનને જોઈ રહી હતી. એની આંખોમાંથી ભૂતકાળનો પ્યાર છલકાઈ રહ્યો હતો.
" આવો મંથનભાઈ. મને એમણે બધી જ વાત કરી છે. તમે જે કર્યું છે એ કદાચ દુનિયામાં કોઈ ના કરી શકે. મારી તોરલને તમે નવું જીવન આપ્યું છે. એ તો બિચારી ચિંતામાં ને ચિંતામાં અડધી થઈ ગઈ હતી. " રંજનબેન બોલ્યાં.
" માસી ઋણાનુબંધની વાત છે. તોરલ સાથે ગયા જનમની કોઈ લેણદેણ હશે એ આજે પૂરી કરી. ઉપકાર જેવું કંઈ છે જ નહીં. મેં માત્ર મારી ફરજ બજાવી છે. તોરલને હું દુઃખી જોઈ શકતો નથી. અને સાચું કહું તો ઈશ્વરે જ મને તોરલ માટે અમદાવાદ મોકલ્યો છે." મંથન બોલ્યો.
" તારી પ્રગતિ જોઈને હું ખૂબ જ ખુશ છું મંથન. તને ઓળખવામાં મેં બહુ મોટી ભૂલ કરી. તે દિવસે તું મારા ઘરે આવ્યો ત્યારે પણ મેં તારું અપમાન કર્યું છતાં તું દરિયાદિલનો માણસ છે. આજે મારા કુટુંબ માટે તેં જે કર્યું છે એ મારી કલ્પનાની બહાર છે. ભગવાન તને સો વરસનો કરે. " કાંતિલાલ દિલથી બોલ્યા.
" તમારા જેવા વડીલોના આશીર્વાદ છે અંકલ. અત્યારે જુહુ સ્કીમ, બાંદ્રા અંધેરી અને બોરીવલીમાં મારી કરોડોની મોટી મોટી સ્કીમો ચાલે છે. મલાડમાં મારી પોતાની ઓફિસ અને ફ્લેટ છે. ૮ માણસનો મારો સ્ટાફ છે. તમારાં પડોશી વીણામાસી બધું જ જાણે છે. મુંબઈથી મર્સિડીઝમાં હું આવ્યો છું. " મંથને જાણીજોઈને આ બધી વાતો કરી.
કાંતિલાલ કંઈ બોલ્યા નહીં. બોલવા જેવું કંઈ રહ્યું જ ન હતું. જો કે આ વાતોથી તોરલ ખૂબ જ ખુશ થઈ હતી.
થાળીમાં ભીંડાનું શાક પીરસેલું જોઈને મંથને તોરલની સામે જોયું.
" આજે પણ તેં મારુ પ્રિય શાક યાદ રાખ્યું છે ! " મંથન બોલ્યો.
પપ્પા પણ સાથે જ જમવા બેઠેલા એટલે તોરલે કોઈ જવાબ ના આપ્યો.
"હા મંથનભાઈ ભીંડાના શાક નું સજેશન એનું જ હતું. આજે રસોઈ પણ એણે જ બનાવી છે. " રંજનબેન બોલ્યાં.
મંથને આજે તોરલના હાથનું જિંદગીમાં પહેલીવાર ભોજન લીધું. એની મમ્મી જીવતાં હતાં ત્યારે એ ક્યારેક ક્યારેક એની મમ્મીને મદદ કરાવતી. પરંતુ એ મદદ રોટલી કે ભાખરી બનાવવા પૂરતી જ રહેતી.
" શાંતિથી જમજો. જો કે ગૌરીકાકી ના જેવી તો રસોઈ નહીં જ હોય ! " તોરલ પહેલીવાર બોલી.
" મમ્મીથી જરા પણ ઉતરતી નથી. એ જ ટેસ્ટ છે ! " મંથન તોરલની સામે જોઈને બોલ્યો.
જમ્યા પછી કાંતિલાલ "હું જરા બહાર જઈને આવું છું" કહીને અડધા કલાક માટે બહાર નીકળી ગયા. તો રંજનબેન પણ "તમે લોકો થોડીવાર વાતો કરો" કહીને મેડી ઉપર જતાં રહ્યાં.
મંથન અને તોરલ પહેલીવાર આજે બે વર્ષ પછી એકબીજાની સાથે એકલાં જ હતાં.
" તમે મારા માટે થઈને આટલી મોટી રકમ હિતેશને આપી દીધી ?" તોરલ બોલી.
" તું તો મને નાનપણથી ઓળખે છે. પ્રેમ આગળ પૈસાનું કોઈ મૂલ્ય હોતું નથી. તારી હાલત વિશે મને જયેશે વાત કરી અને કાલે તારી પાસેથી પણ બધી વિગતો જાણી લીધી એટલે મેં નિર્ણય લઇ લીધો. તને ખબર જ છે કે તને હું દુઃખી જોઈ શકતો નથી. " મંથન બોલ્યો.
આ સાંભળીને તોરલને મન તો એવું થયું કે એ ઊભી થઈને મંથનને પ્રેમથી વળગી પડે પરંતુ હવે એ પરણેલી હતી એટલે એને મર્યાદા નડતી હતી.
"૬૮ લાખની રકમ કોઈ નાની રકમ નથી મંથન. પ્રેમ ગમે તેટલો સાચો હોય તો પણ કોઈ આટલી મોટી કુરબાની ના કરે. " તોરલ બોલી.
" તારી વાત સાચી છે તોરલ પણ આ મંથન છે. અને મંથન કોઈ ગણતરી કરતો નથી. હું કઈ હાલતમાં જીવતો હતો એ તને તો ખબર જ છે. અને બધું અહીંને અહીં મૂકીને ખાલી હાથે જ જવાનું છે. માત્ર આપણું સારું કર્મ આપણી સાથે આવવાનું છે. " મંથન બોલ્યો.
" અરે સંત મહાત્મા મારે તમને શું કહેવું હવે !! લાગણીઓ તો એટલી બધી ઉભરાઈ રહી છે કે કઈ રીતે વ્યક્ત કરું એ જ ખબર નથી પડતી. કાશ તમે તે દિવસે મારી વાત માની હોત અને ભાગીને લગન કરી દીધાં હોત !" તોરલ બોલી.
" તોરલ આ બધા નસીબના ખેલ છે. જો તું મારા નસીબમાં હોત તો તારી સાથે લગ્ન થયાં જ હોત ! આપણો પ્રેમ સાચો જ હતો પણ વિધાતાને એ મંજૂર નહીં હોય !! તું ખોટું ના લગાડે તો એક વાત પૂછું ? " મંથન બોલ્યો.
" હા પૂછો ને. તમારો પૂરો અધિકાર છે."
" હિતેશને હું ગઈકાલે મળ્યો. મારું અંતરમન એમ કહેતું હતું કે કંઈક ગરબડ છે. તારું લગ્નજીવન તો સુખી છે ને ? " મંથને પૂછ્યું.
" મારા પપ્પાના સ્વભાવને તો તમે જાણો જ છો. એમની પસંદગી આગળ મારું કંઈ થોડું ચાલે ? દીકરીને ગાય દોરે ત્યાં જાય જેવી મારી હાલત છે. નસીબમાં જેવું પાત્ર હતું એવું મળ્યું. મારું પર્સનલ લાઈફ એટલું બધું સંતોષકારક નથી મંથન. એનામાં થોડી શારીરિક નબળાઈ છે. આયુર્વેદની દવા ચાલે છે." તોરલ નીચું જોઈને બોલી.
મંથન કંઈ ના બોલ્યો. એના દિલને ખૂબ જ વેદના થઈ. એ પોતે હવે આમાં કંઈ કરી શકે એમ ન હતો.
" હવે જો મેં હિતેશને ૩૦ લાખના ચેક આપ્યા છે તો જેના પૈસા લીધા હોય એ બધાને એ પાછા ચૂકવી દે એનું જરા તું ધ્યાન રાખજે. એ બીજું પાછું કોઈ ખોટું સાહસ ના કરે એ તારે જોવાનું છે. ૩૫ લાખ રૂપિયા તો બાકીની બે પાર્ટીને હું પોતે જ ચૂકવી દઈશ." મંથન બોલ્યો.
" હા એ ચિંતા તમે નહીં કરો. તમારા દરેક પૈસાનો હું હિસાબ રાખીશ. મારી હાજરીમાં જ બધાને પૈસા ચૂકવાશે. " તોરલ બોલી.
" ચાલો હવે હું નીકળું. તારા મમ્મી પપ્પા જાણીજોઈને આઘાં પાછાં થઈ ગયાં લાગે છે. મમ્મીને બોલાવી દે. " મંથન બોલ્યો.
તોરલ ઉપર જઈને મમ્મીને બોલાવી લાવી.
" ચાલો માસી હું નીકળું છું. તમે આજે મને તોરલ સાથે વાત કરવાનો મોકો આપ્યો અને જે લાગણી બતાવી એ બદલ ખૂબ ખૂબ આભાર. " મંથન બોલ્યો.
" મંથનભાઈ તમે અમને શરમાવો નહીં. લાગણી તો તમે બતાવી છે. તમે તોરલ માટે જે કર્યું છે એટલું દુનિયામાં કોઈ ના કરે. " રંજનબેન બોલ્યાં.
એ પછી મંથન ત્યાંથી નીકળી ગયો અને વાડીગામ જઈને પોતાની ગાડીમાં બેસી હોટલ જવા માટે રવાના થઈ ગયો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)