Varasdaar - 35 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 35

Featured Books
Categories
Share

વારસદાર - 35

વારસદાર પ્રકરણ 35

" હા જયેશ મહાદેવે બહુ જ કૃપા કરી છે. આ મર્સિડીઝ મારી પોતાની જ છે. અને હવે ડ્રાઇવર પણ રાખી લીધો છે. તારો આ મિત્ર હવે કરોડોપતિ બની ચૂક્યો છે. હું તમને લોકોને ખાસ મળવા માટે જ આવ્યો છું." મંથન બોલ્યો.

મંથનની વાત સાંભળીને જયેશ ખૂબ જ આશ્ચર્ય પામ્યો. કોઈ માણસ આટલા ટૂંકા સમયમાં આટલી બધી પ્રગતિ કેવી રીતે કરી શકે ? ગાડી તો માનો કે લોન ઉપર લઈ શકે. પરંતુ એના સસરાએ હજુ નવી સ્કીમની જાહેરાત કરી હતી એમાં એ છ મહિનામાં કરોડોપતિ કેવી રીતે બની શકે ?

જયેશ મધ્યમ વર્ગનો એક સામાન્ય યુવાન હતો. મંથનની આ હરણફાળ પ્રગતિ એની સમજની બહાર હતી. છતાં એને આનંદ જરૂર થયો.

" ચાલ હવે તું ઘરે ચાલ. સાંજની રસોઈ માટે શિલ્પાને વાત કરવી પડશે. આટલા સમય પછી તું આવ્યો છે તો એ પણ ખુશ થઈ જશે." જયેશ બોલ્યો.

" હા શિલ્પાભાભીને પણ મળી લઉં. મારે પણ ઘર ખોલીને મંજુ માસી પાસે સાફ-સફાઈ કરાવવી પડશે. અત્યારે તો હું નવરંગપુરા એક હોટલમાં ઉતર્યો છું અને હું ત્યાં જ રોકાઈશ. " મંથન બોલ્યો.

" મારું ઘર ખુલ્લું છે તો પણ હોટલમાં ઉતર્યો ભલા માણસ ! " જયેશે ઠપકો આપ્યો.

" સમયની સાથે ચાલવું પડે છે જયેશ. એ બધી વાત જવા દે. તોરલનું કેવું ચાલે છે ? " મંથને પૂછ્યું.

" તોરલના સસરા તો હાર્ટ એટેકથી ગુજરી ગયા પરંતુ જમાઈ શોધવામાં કાંતિલાલ માર ખાઈ ગયા. જમાઈ સટોડિયો છે. ક્રિકેટના સટ્ટામાં દેવાદાર બની ગયો છે. લોકો વાતો કરે છે કે એક કરોડનું દેવું થઈ ગયું છે. " જયેશ બોલ્યો.

" ઓહ... બિચારી તોરલ ! મેં એક વર્ષ પહેલાં તોરલના હાથની માગણી કરી ત્યારે કાંતિલાલે મને કેટલો ધુતકારી કાઢેલો ? મને કહે કે તોરલ સાથે લગ્ન કરવાની તારી હેસિયત શું છે ? કયા મોઢે તું તોરલની વાત કરે છે ? " મંથન થોડો આવેશમાં આવીને બોલ્યો.

" નસીબ નસીબના ખેલ છે મંથન. તારી પોતાની જ વાત કર ને ! અને અદિતિભાભી તોરલને પણ ટક્કર મારે એવાં છે. " જયેશ બોલ્યો.

" તારી વાત સાચી છે જયેશ. પરંતુ એ મારો પહેલો પ્રેમ હતો !! તોરલ પ્રત્યે લાગણી તો રહેવાની જ. મારે એના માટે કંઈક વિચારવું પડશે હવે. " મંથન બોલ્યો.

ત્યાં સુધીમાં વીણામાસીને ઘરે મૂકીને સદાશિવ આવી ગયો હતો. મંથને એને હોટલમાં બેસવાનું કહ્યું.

એ પછી બંને મિત્રો ચાલતા ચાલતા ઘરે ગયા. પોળમાં પ્રવેશતાં જ મંથનને જોઈને તમામ જૂના પડોશીઓ સ્તબ્ધ થઈ ગયા. જાણે કે એકબીજાને કહી રહ્યા હતા કે આ આપણો મંથન છે ?!

મંથને જયેશના ઘરમાં પ્રવેશ કર્યો એટલે શિલ્પા પણ એને જોઈને આશ્ચર્ય પામી. એણે હસીને મંથનનું ઉમળકાથી સ્વાગત કર્યું.

" તમે તો અમને સરપ્રાઈઝ આપ્યું મંથનભાઈ. મુંબઈથી નીકળતી વખતે ફોન ના કરાય ? તમારા માટે કંઈક સ્પેશિયલ બનાવી દેત ને !! ફ્લાઈટમાં આવ્યા લાગો છો. " શિલ્પા બોલી.

" અરે મંથન તો પોતાની મર્સિડીઝમાં આવ્યો છે. આપણી હોટલ પાસે પાર્ક કરી છે. ડ્રાઇવર પણ રાખ્યો છે. આપણાં વીણાકાકી પણ એમની સાથે આવ્યાં છે. " જયેશ બોલ્યો.

" શું વાત કરો છો ? વીણાકાકીને લઈને મર્સિડીઝમાં આવ્યા છે મંથનભાઈ ? " શિલ્પા પણ આશ્ચર્યથી બોલી.

" હા વીણાકાકી ઘરે ગયાં. અને મંથન તો નવરંગપુરા હોટલમાં ઉતર્યો છે. હવે એ બહુ મોટો માણસ થઈ ગયો છે શિલ્પા. માત્ર જમવા માટે જ આપણા ઘરે આવ્યો છે. " જયેશ બોલ્યો.

" આવું કેમ બોલે છે જયેશ ? તું તો મને વર્ષોથી ઓળખે છે. જમાના સાથે ચાલવું પડે છે. મારો ડ્રાઇવર પણ મારી સાથે છે. મારો ભૂતકાળ ત્યાં મુંબઈમાં કોઈ જ જાણતું નથી અને હું એ જણાવવા પણ માગતો નથી એટલે એક અંતર રાખવા માગું છું. " મંથન બોલ્યો.

" અને હોટલમાં ઉતરવાથી આપણા સંબંધો અને લાગણીઓમાં કોઈ જ ફરક પડવાનો નથી. વીણામાસી આ પોળમાં રહે છે અને એમને મૂકવા હું અહીં આવ્યો છું એટલી જ વાત મેં ડ્રાઇવરને કરી છે. " મંથન બોલ્યો.

જયેશ અને શિલ્પા સમજી ગયાં. હવે એમના મનમાં કોઈ પ્રશ્ન રહ્યો નહીં.

મંથને પોતાના હાથમાં રહેલું ડ્રેસનું પેકેટ શિલ્પાના હાથમાં આપ્યું. " આ ડ્રેસ અદિતિ ખાસ તમારા માટે લઈ આવી છે. "

" અરે પણ મારા માટે ખર્ચો કરવાની અત્યારે ક્યાં જરૂર હતી ! " શિલ્પા બોલી અને એણે પેકેટ ખોલી ડ્રેસ બહાર કાઢ્યો. ડ્રેસ જોઈને જ એ આશ્ચર્યચકિત થઈ ગઈ. નહીં નહીં તો પણ આ વજનદાર ડ્રેસ આઠ દસ હજારનો તો હશે જ.

" આટલો બધો મોંઘો ડ્રેસ અદિતિભાભી એ મારા માટે લીધો ? " શિલ્પા બોલી.

" તમને પસંદ આવ્યો ને ? બસ પૈસા વસૂલ ! અદિતિની ચોઈસ બહુ ઊંચી છે. એમાં મારું કંઈ ના ચાલે. " મંથન હસીને બોલ્યો.

" હવે જમવામાં તમને શું બનાવું મંથનભાઈ ? હજુ તો ૬:૩૦ વાગ્યા છે એટલે તમને જે ભાવે તે બનાવી દઈશ." શિલ્પા બોલી.

" અરે શિલ્પા પહેલાં વીણાકાકીને પણ અહીં જમવાનું કહી આવ. એ પણ મંથનની સાથે આવ્યાં છે. એ ક્યાં અત્યારે ઘરમાં રસોઈ કરશે ? " જયેશ બોલ્યો.

શિલ્પા તરત જ બહાર નીકળી અને વીણાકાકીને જમવાનું કહેવા માટે ગઈ.

" તારે જે જમવાની ઈચ્છા હોય તે બોલ મંથન. શિલ્પા રસોઈ ઘણી સારી બનાવે છે. જાતજાતની રેસીપી એ શીખેલી છે. " જયેશ બોલ્યો.

" શિલ્પાભાભી ને જે અનુકૂળ હોય એ બનાવે. મારી એવી કોઈ સ્પેશિયલ ચોઈસ નથી. સદાશિવને પણ મારે અહીં જ જમાડવો પડશે. મારે મંજુમાસીને પણ ચાવી આપીને મકાન સાફસૂફ કરાવવું પડશે. હું એમને ચાવી આપીને આવું. " મંથન બોલ્યો.

મંથન બહાર નીકળ્યો તો મંજુમાસી પણ સામે જ મળી ગયાં. એ વીણામાસી ના ઘરે એમનું ઘર સાફ કરવા માટે જઈ રહ્યાં હતાં.

" માસી આ ચાવી તમારી પાસે રાખો. કાલે સવારે મારા ઘરે કચરા પોતાં કરી દેજો અને ચાવી પછી વીણા માસીને આપી દેજો. હું તો હોટલમાં જ રોકાવાનો છું પણ અમદાવાદ આવ્યો છું તો ઘર પણ સાફસુફ કરાવી દઉં. " મંથન બોલ્યો અને ચાવી એણે મંજુ માસીને આપી.

મંથન ત્યાંથી સીધો તોરલના ઘરે જ ગયો.

કાંતિલાલ હજુ ઘરે આવ્યા ન હતા. પરંતુ રંજનબેન અને તોરલ બંને ઘરમાં જ હતાં.

" શું વાત છે ! આજે તો તોરલ પણ ઘરમાં જ છે ! " મંથન આશ્ચર્યથી બોલ્યો.

" આવો મંથનભાઈ. હા તોરલ આજે બપોરે જ ઘરે આવી છે. ગામમાં પિયર ને ગામમાં સાસરુ એટલે મન થાય ત્યારે આવે અને જાય. કાલે રવિવાર છે એટલે કાલનો દિવસ રહેશે. પછી જમાઈ તેડી જશે. " રંજનબેને કહ્યું.

" તોરલ તારી સાથે વાત કરવાની ઘણી કોશિશ કરી પણ મોકો મળ્યો નથી. તું મજામાં તો છે ને ? " મંથને તોરલ સાથે વાત શરૂ કરી. રંજનબેન ઊભા થઈને કિચનમાં જતાં રહ્યાં.

" મજામાં છું એવું કહેવું પડે છે બાકી કિસ્મતે મારી સાથે મોટી મજાક કરી છે. પપ્પાની જીદ ના કારણે આપણો સંબંધ આગળ ના વધી શક્યો એનું મને ખૂબ જ દુઃખ છે. તમને સુખી જોઈને હું ખૂબ જ ખુશ છું. " તોરલ બોલી. જો કે એની આંખો ઉભરાઈ આવી હતી.

" બધા ખેલ પ્રારબ્ધના છે તોરલ. તારા પપ્પા મને મુફલિસ માનતા હતા અને આજે હું કરોડોપતિ છું. મર્સિડીઝ પણ લઈ લીધી છે. હવે બોલ તને હું કઈ રીતે મદદ કરી શકું ? " મંથન લાગણીથી બોલ્યો.

" તમારી કોઈ જ મદદ હું લઈ શકું નહીં. ક્રિકેટનો સટ્ટો રમવામાં એ દેવાદાર બની ગયા છે. મારા ઘરમાં પણ શાંતિ નથી. માગવાવાળાઓ ઘરે આવીને બેસી જાય છે. ધમકીઓ આપે છે. એટલે જ હું માનસિક શાંતિ માટે મમ્મીના ઘરે આવી છું. " તોરલ બોલી.

" કેટલી રકમનું દેવું છે ? મને તારા વર નો ફોન નંબર આપ અને બાકીનું બધું મારા ઉપર છોડી દે. જેટલી બની શકે એટલી મદદ હું કરીશ. " મંથન બોલ્યો.

" મને મારા નસીબ ઉપર છોડી દો મંથન. તમારે કંઈ આપવાની જરૂર નથી. ધંધામાં નુકસાન થયું હોય તો મદદ કરાય. મારા બાપે જ સટોડીયો વર શોધ્યો. " તોરલ બોલી.

" તને હું દુઃખી જોઈ શકતો નથી તોરલ. જે પણ મદદ કરવા માગું છું એ તારા માટે કરું છું. તું ખાલી રકમ બોલ. મારે કેટલા આપવા એ હું નક્કી કરીશ. અને તારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મારી મદદના કારણે તારા લગ્નજીવનમાં કોઈ વાંધો નહીં આવે. " મંથન બોલ્યો.

થોડીવાર સુધી તોરલ કંઈ બોલી નહીં. એણે મંથનને એના વરનો મોબાઈલ નંબર લખાવ્યો.

" લગભગ ૭૦ લાખનું દેવું એમના માથે છે. એમાં ૨૫ લાખ તો ૧૦ ટકાના વ્યાજે છે. દર મહિને ત્રણ લાખ વ્યાજ ચડે છે. " તોરલ બોલી.

" કાંતિલાલ આ રકમ વિશે જાણે છે ? " મંથન બોલ્યો.

" હા જાણે છે પણ એમની તાકાત નથી ૫ લાખ પણ આપવાની." તોરલ બોલી.

" ઓકે. તું ચિંતા કરીશ નહીં. તારા પપ્પા આવે તો કહેજે કે કાલે રવિવારે સી.જી રોડ ઉપર હોટેલ ક્લાસિક ગોલ્ડમાં રૂમ નંબર ૨૦૪ માં મને સાંજે ચાર વાગે મળે. " મંથન બોલ્યો અને ઉભો થયો.

તોરલને બોલવાનો એણે કોઈ જ મોકો ના આપ્યો અને બહાર નીકળી ગયો.

" જયેશ ચાલ આપણે તારી હોટલ ઉપર જ બેસીએ. " જયેશ ના ઘરે જઈને મંથન બોલ્યો.

" મંથનભાઈ તમારા માટે રસોઈમાં શું બનાવવું એની કોઈ ચોઈસ તમે આપી નહીં. " શિલ્પા બોલી.

" તમારે જે બનાવવું હોય તે બનાવો. જમવામાં મારો ડ્રાઇવર સદાશિવ પણ છે. " મંથન બોલ્યો.

" હા. એ મને તમારા ભાઈએ કહ્યું. " શિલ્પાએ જવાબ આપ્યો.

મંથન અને જયેશ બહાર નીકળી ગયા અને ચાલતા ચાલતા હોટલ ઉપર ગયા.

" મંથન મને તારી આ કરોડોપતિ વાળી વાત સમજાઈ નહીં. " જયેશે પૂછ્યું.

" મુંબઈમાં અત્યારે મારી ચાર સ્કીમો ચાલી રહી છે. કોઈ ફ્લેટ અઢી કરોડનો છે તો કોઈ ફ્લેટ પાંચ કરોડનો પણ છે. દોરી લોટો લઈને જનારા મુંબઈમાં કરોડપતિ બન્યા છે જ્યારે હું તો સિવિલ એન્જિનિયર છું અને મારા એડવોકેટ સસરા પોતે જ બિલ્ડર પણ છે. તારી હાજરીમાં જ બે ટાવરની જાહેરાત થઈ હતી. પૈસો પૈસાને ખેંચે છે જયેશ. " મંથન બોલ્યો.

જયેશે કોઈ જવાબ ના આપ્યો કારણકે આ બધી ગણતરી એને ફાવતી ન હતી અને એના મગજમાં આ કંઈ બેસતું ન હતું.

" જયેશ તું હોટલ વાઈન્ડ અપ કરીને મુંબઈ આવી જા. તને રહેવા માટે સરસ ફ્લેટ આપી દઉં. મારી ઓફિસમાં તું મેનેજર બની જા. અહીંયા તું જે કમાય છે એના કરતાં બમણો પગાર મળશે. મને પણ તારી કંપની મળશે. " મંથન બોલ્યો.

" ના ભાઈ ના. મારે અમદાવાદ છોડવું જ નથી. આ મારો સ્વતંત્ર બિઝનેસ છે. મારી રીતે હું ખૂબ જ સુખી છું. અહીં શાંતિની જિંદગી છે. મારી હોટલનો હું શેઠ છું. " જયેશ બોલ્યો.

મંથન એ પછી કંઈ બોલ્યો નહીં. એ જયેશને ઓળખતો હતો.

" હું જરા રફીકના ત્યાં આંટો મારી આવું. એણે મને ઘણી મદદ કરી છે. તારી બાઈક ઉપર મને મૂકી જા. આવતી વખતે ચાલતો આવીશ. "

જયેશ મંથનને રફીકની ડ્રાઇવિંગ સ્કૂલ પાસે ઉતારીને પાછો ગયો.

" અરે મંથન કબ આયા તુ ? અબ તો બડા આદમી બન ગયા ભાઈ ! " રફીક મંથનને જોઈને બોલ્યો.

" અભી એક ઘંટે પહેલે હી મુંબઈ સે મર્સિડીઝ મેં આયા હું. સબ તેરી મહેરબાની સે હુઆ હૈ રફીક. શુક્રિયા અદા કરને હી આયા હું " મંથન બોલ્યો.

"ક્યા બાત કરતા હૈ ! કહાં હૈ મર્સિડીઝ ?" રફીકે આશ્ચર્યથી પૂછ્યું.

" જયેશકી હોટલ કે પાસ પાર્ક કી હૈ. ડ્રાઇવર ભી હૈ. ઈતની બડી ગાડી લેકર કહાં ઘુમતા ફિરું ? પાર્કિંગ કે પ્રોબ્લેમ હોતે હૈ. " મંથન બોલ્યો.

" મેં બહોત ખુશ હું મંથન. બીચ મેં મામુજાન કા ફોન આયા થા. બતા રહે થે કી તીન ઑર પ્લોટ ડેવલપમેન્ટ કે લિયે દલીચંદને તુઝે દિયે હૈ. " રફીક બોલ્યો.

" હા રફીક. બહોત બડા કામ મિલા હૈ. ઈસી લીયે તો તેરા શુક્રિયા અદા કરતા હું. યે મર્સિડીઝ ભી દલીચંદ ગડાને ગિફ્ટ દી હૈ. " મંથન બોલ્યો.

" આજ તુ જો ભી હૈ યે તેરી હી મહેનત ઑર લગન કા પરિણામ હે મંથન. મામુજાન ભી તેરી બહોત તારીફ કર રહે થે. તેરે અંદર જો આગ હૈ વો કભી બુઝને મત દેના. મુજે તો પહેલે સે હી પતા થા કી એક દિન તુ બડા આદમી બનેગા." રફીક બોલ્યો અને એણે એના એક માણસને કોલ્ડ્રિંક્સ લેવા મોકલ્યો.

થોડી આડી અવળી વાતો કરીને મંથન કોલ્ડ્રિંક્સ પીને નીકળી ગયો. ચાલતો ચાલતો હોટલે પહોંચ્યો ત્યારે સાડા સાત વાગ્યા હતા.

આઠ વાગ્યા સુધી એ જયેશની હોટલ ઉપર બેઠો. તોરલની વાત સાંભળ્યા પછી એને કઈ રીતે મદદ કરવી એનું પ્લાનિંગ એ કરતો રહ્યો. તોરલના વિચારોમાંથી એ કેતા અને શીતલના વિચારે ચડી ગયો.

છેલ્લા એક વર્ષમાં કેતાના અને શીતલના એના ઉપર પ્રેમથી છલકાતા ઘણા રોમેન્ટિક મેસેજ આવ્યા હતા. મંથન સંયમ રાખીને બંનેને સંભાળી લેતો હતો. જો કે શીતલના મેસેજ થોડા મહિનાથી બંધ થઈ ગયા હતા. પોતાના લગ્નની કોઈ વાત હજુ સુધી એણે કેતાને કે શીતલને જણાવી ન હતી.

મનોમન એણે બે કામ કરવાનાં નક્કી કરી દીધાં. એક તો તોરલના વરને આર્થિક મદદ કરવી અને એ રીતે તોરલને ટેન્શનમાંથી મુક્ત કરવી. તોરલે મને સાચા દિલથી પ્રેમ કર્યો હતો અને એ તો ભાગીને કોર્ટ મેરેજ કરવા પણ તૈયાર હતી. મેં જ ના પાડી હતી.

અમદાવાદ આવ્યો જ છું તો નડિયાદ જઈને કેતા અને શીતલને પોતાના લગ્નની વાત કરી દેવી જેથી એ લોકો અંધારામાં ન રહે. એ લોકો જો તૈયાર હોય તો એમને મુંબઈમાં એક ફ્લેટ આપી દેવો અને શીતલને પોતાની સ્કીમોમાં ઇન્ટિરિયર ડિઝાઇનર નું કામ સોંપી દેવું. એ બહાને શીતલની આવક ચાલુ થઈ જશે અને પરિવારને મદદ પણ મળશે.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)