વારસદાર પ્રકરણ 33
દલીચંદ ગડા સાથેની મંથનની મુલાકાત મંથનનું કિસ્મત ખોલી નાખનારી હતી. વિધાતાના અત્યારે એના ઉપર ચારે હાથ હતા. ગડાશેઠે જે ઓફર આપી તે એટલી તો આકર્ષક હતી કે મંથનને ના પાડવાનું કોઈ કારણ જ ન હતું. અને ઉપરથી ગુરુજીએ મંથનના અંતઃકરણમાંથી ઓફર સ્વીકારવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. બસ પછી તો મંથને કંઈ પણ વિચાર્યા વગર ગડા શેઠની ઓફર સ્વીકારી લીધી.
ગડાશેઠ પાસે નવી સ્કીમ મૂકવા માટે જે ત્રણ લોકેશન હતાં એ ત્રણે ત્રણ ખરેખર સોનાની લગડી જેવાં હતાં અને એમાં પણ જુહુ સ્કીમ અને બાંદ્રા તો એવા વિસ્તારો હતા કે મંથન ધારે તે કિંમત ફ્લેટની લઈ શકે. બીજો સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ હતો કે તમામ પૈસા ગડાશેઠ રોકતા હતા. ૫૦૦ કરોડ જેવી રકમ દલીચંદ શેઠ મંથનને આપી રહ્યા હતા.
મંથન પાસે વિઝન હતું. એ અદભુત સ્કીમો મૂકી શકતો હતો. જૂહુ બાંદ્રામાં તો એક એક ફ્લેટ પાંચ કરોડનો મૂકે તો પણ ચપોચપ વેચાઈ જાય એવાં લોકેશન હતાં. બાંદ્રા વેસ્ટના મુસ્લિમ એરિયામાં તો આખે આખી સ્કીમ વેચાઈ જાય એવી પૂરી તકો હતી કારણ કે રફીકના મામુજાન બાંદ્રા વિસ્તારના જ હતા અને એમનું પોતાનું પણ ધનાઢ્ય લોકોનું ઘણું મોટું સર્કલ હતું !!
અંધેરીમાં પણ ઘણો મોટો શ્રીમંત વર્ગ હતો એટલે બોરીવલીની જેમ અંધેરીમાં પણ તમામ ફ્લેટો વેચાઈ જાય એમાં કોઈ શંકા ન હતી. એણે આ બધું માત્ર એક જ મિનિટમાં વિચારી લીધું હતું અને એટલે જ એ આ તક જવા દેવા માગતો ન હતો.
આશ્ચર્યની વાત એ હતી કે ગડાશેઠે એને મર્સિડીઝ જેવી મોંઘીદાટ ગાડી ગિફ્ટ આપી દીધી હતી. હવે એ પોતે ગડાશેઠનો પાર્ટનર બની ગયો હતો એટલે એમના મોભાને છાજે એ રીતે રહેવું એના માટે પણ જરૂરી બની ગયું હતું. પોતાની પાસે સ્વિફ્ટ ગાડી તો હતી જ પરંતુ હવે એ ગાડી અદિતિને આપી દેવાનો એણે નિર્ણય કર્યો.
" મારા ઉપર આટલો બધો વિશ્વાસ મૂકવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશીર્વાદ આપો કે આપની આ પસંદગીમાં હું ખરો ઉતરું અને આપને પણ મારા માટે ગર્વ થાય. " મંથન બોલ્યો.
મંથન મુલુંડમાં દલીચંદ ગડાની ઓફિસમાં એમની સામે બેઠો હતો.
" મારા તો હંમેશા આશીર્વાદ છે જ અને તમારી આ નમ્રતા જ તમને મહાન બનાવે છે. તમે હવે મને આપ આપ ના કહો. હવે તો તમે મારા પાર્ટનર છો. ગમે ત્યારે તમે અહીં આવી શકો છો. એપોઇન્ટમેન્ટ લેવાની કોઈ જરૂર નથી. તમે તમારી રીતે આગળ વધો. રૂપિયા ભરેલી આ બંને બેગો તમારી જ છે. અત્યારે મારી પાસે રાખું છું કારણ કે તમારે આટલી મોટી રકમ રાખવા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવી પડશે. જ્યારે પણ લઈ જવી હોય ત્યારે મને ફોન કરી દેજો એટલે મારો માણસ આવીને મૂકી જશે. મારો પર્સનલ નંબર પણ તમને આપી દઉં છું. " કહીને ગડાએ પોતાનું ગોલ્ડન કલરનું અંગત વીઝીટીંગ કાર્ડ મંથનને આપ્યું.
" જી શેઠ.. હવે હું રજા લઉં." મંથન બોલ્યો.
" ઓલ ધ બેસ્ટ. અને તમે તમારી રીતે આગળ વધો. કાલે મારો માણસ આવીને તમને ત્રણે ત્રણ પ્લોટ બતાવી દેશે. તમામ પ્લોટના પેપર્સ પણ તમને મળી જશે. કન્સ્ટ્રક્શન માટેની તમામ પરમિશન એક મહિનામાં હું લાવી આપું છું. ત્રણેય પ્લોટ ટાઈટલ ક્લિયર છે. સ્કીમ તમારી પોતાની જ છે. મારી ક્યારે પણ કોઈ પરમિશન લેવાની જરૂર નથી. " કહીને એમણે બેલ મારી એટલે એટેન્ડન્ટ આવ્યો.
"સાવંતને મોકલ. શેઠને અંધેરી મૂકી આવવાના છે. " ગડાશેઠ બોલ્યા.
થોડીવારમાં એ જ ડ્રાઇવર આવ્યો જે મંથનને લઈને આવ્યો હતો. એનું નામ અનિલ સાવંત હતું.
"સાવંત... યે શેઠ કો અંધેરી ઉનકી ઓફિસ છોડ દે ઓર ગાડી ભી વહાં છોડ દેના. ગાડી કી ચાવી શેઠ કો દે દેના ઓર તુમ ટ્રેનમેં આ જાના. " શેઠ બોલ્યા.
" જી શેઠ." કહીને ડ્રાઇવર બહાર ગયો. મંથન પણ ઊભો થઈને શેઠ સાથે ફરી હાથ મિલાવીને બહાર નીકળી ગયો.
અંધેરીમાં ઓલ્ડ નાગરદાસ રોડ ઉપર પોતાની ઓફિસે ગાડી પહોંચી એટલે મંથન નીચે ઉતર્યો. ડ્રાઇવરે ગાડી લોક કરીને ચાવી મંથનને આપી અને બે હાથ જોડી ઉભો રહ્યો.
મંથને એને ૫૦૦ની નોટ કાઢીને આપી દીધી એટલે એ સલામ કરીને જતો રહ્યો.
મંથન લિફ્ટમાં ઉપર ઓફિસ ગયો. આજે બીજું તો કંઈ કામ હતું જ નહીં એટલે અડધો કલાક ઓફિસમાં બેસીને એણે સદાશિવ ને બોલાવી તમામ સ્ટાફ માટે આઈસ્ક્રીમ મંગાવ્યો. આઇસ્ક્રીમ આવી ગયો એટલે એણે ચેમ્બરમાંથી બહાર આવીને તમામ સ્ટાફને જાણ કરી કે આજથી એ ડાયમંડના મોટા બિઝનેસમેન દલીચંદ ગડાનો બિઝનેસ પાર્ટનર બન્યો છે અને ગડાએ મર્સિડીઝ કાર ગિફ્ટ આપી છે.
"તમે લોકો પણ હવે મોટા ગ્રુપમાં જોડાઈ ગયા છો એટલે તમારા બધાનો સેલેરી પણ પહેલી તારીખથી વધી જશે. " મંથને જાહેરાત કરી.
તમામ સ્ટાફે મંથનની આ જાહેરાતને તાળીઓથી વધાવી લીધી અને સૌએ બૉસને અભિનંદન પણ આપ્યા. મંથન પોતાના સ્ટાફ સાથે એક પરિવાર જેવું વર્તન કરતો હતો એટલે સ્ટાફ પણ દિલ દઈને કામ કરતો હતો !
એણે સ્વિફ્ટ ગાડીની ચાવી એના ઓફિસ પ્યુન સદાશિવને આપી કારણકે સદાશિવ ડ્રાઇવિંગ જાણતો હતો. એકવાર એક ફાઈલ ઘરે રહી ગઈ હતી ત્યારે સદાશિવ મંથનની ગાડી લઈને ઘરે ફાઈલ લેવા માટે ગયો હતો.
" સદાશિવ થોડે દિન તુમકો ડબલ ડયૂટી કરની પડેગી. આજ સે તુમ મેરે ડ્રાઇવર બન ગયે હો ઈસલીયે કલસે તુમ સુબહ મેં મુજે લેને મેરે ઘર આ જાના. ઓફિસમેં જબ તક નયા પ્યુન ના આ જાયે તબ તક ઓફિસકી ડયૂટી ભી સમ્હાલની હોગી. " મંથન બોલ્યો.
" જી શેઠ. કોઈ બાત નહીં. " સદાશિવ બોલ્યો.
" અભી તુમ ઓફિસ ટાઈમ કે બાદ સ્વિફ્ટ ગાડી મેરે ઘર છોડ દેના. મૈં અભી મર્સિડીઝ લે જાતા હું." મંથને કહ્યું.
મંથને ઘરે પહોંચીને અદિતિને પોતાના બેડરૂમમાં બોલાવી. જેવી અદિતિ આવી કે એણે એને બે હાથે ઊંચકી અને ખુશીના માર્યા બે ત્રણ ફુંદરડી ફરી લીધી.
" અરે અરે મંથન તમે આ શું કરો છો ? આજે કેમ આટલા બધા ખુશ થઈ ગયા છો ? " અદિતિ આશ્ચર્યથી બોલી. કારણકે આજ સુધી ક્યારેય પણ મંથને આ રીતે એને ઊંચકી ન હતી !!
" અદિતિ પપ્પા કહેતા હતા એ સાચું જ છે. તારાં પગલાં ખરેખર શુકનિયાળ છે. આજથી હું દલીચંદ ગડાનો બિઝનેસ પાર્ટનર બની ગયો છું. ૫૦૦ કરોડની ત્રણ સ્કીમો હવે હું બનાવી રહ્યો છું અને પ્રોફિટમાં ૪૦% મારો ભાગ છે. શેઠે મને મર્સિડીઝ ગાડી પણ ભેટ આપી છે. એ લઈને જ હું આજે ઘરે આવ્યો છું. એમાં બેસીને અત્યારે આપણે પપ્પાના ઘરે જઈએ છીએ." મંથન એકી શ્વાસે બોલી ગયો અને એણે અદિતિને નીચે ઉતારી.
" વાઉ !! ધીસ ઇઝ રીઅલી આ ગ્રેટ ન્યુઝ મંથન ! પરંતુ તમારું આટલું મોટું પ્રમોશન થયું એના માટે મને યશ ના આપો સાહેબજી. તમારી આવડત અને તમારી કાબેલિયતની કદર થઈ છે." અદિતિ લાડથી બોલી.
"તું ભલે ગમે તે કહે પરંતુ તારા પગલાં શુકનિયાળ તો છે જ. લગ્ન પછી જે રીતે ઝડપથી ઘટનાઓ આકાર લઈ રહી છે એ મારી કલ્પનાની બહાર છે. આવડત તો મારામાં પહેલેથી જ હતી પરંતુ કદર લગ્ન પછી થઈ છે. " મંથન બોલ્યો.
" મંથન તમારી વાતોથી મારી આંખોમાં પાણી આવી જાય છે. આ જગતમાં કોઈ કોઈને યશ આપતું નથી. તમારી પોતાની મહેનત અને આવડત હોવા છતાં તમે મારી જે કદર કરી રહ્યા છો એ સાંભળીને દિલને કેટલું બધું સારું લાગે છે એ હું તમને કહી શકતી નથી. હું ખરેખર નસીબદાર છું કે તમારા જેવા પતિ મને મળ્યા. " અદિતિ બોલી.
અદિતિએ એની મમ્મીને ફોન કરીને કહી દીધું કે અમે લોકો રાત્રે ત્યાં જમવાના છીએ. માસીને પણ કહી દીધું કે એમની રસોઈ ના બનાવે.
"અરે પણ બેટા થોડા વહેલા ના કહેવાય ? સાત વાગવા આવ્યા. " સરયૂબા બોલ્યાં.
" મમ્મી ચિંતા નહીં કરો. ભલેને મોડું થતું ! અને હું આવીને મદદ કરાવીશ ને ? " અદિતિ બોલી.
એ પછી દસ જ મિનિટમાં મંથન અને અદિતિ નીચે ઉતર્યા. નવી નક્કોર વ્હાઇટ કલરની મર્સિડીઝ જોઈને અદિતિ તો ગાંડી જ થઈ ગઈ. આ ગાડીમાં બેસવાનો આનંદ જ કંઈક અલગ હતો !
સાંજે ટ્રાફિક વધારે હતો છતાં પોણા કલાકમાં મંથન લોકો મયુર ટાવર પહોંચી ગયાં.
મંથને નીચેથી જ ઝાલા અંકલ અને સરયૂબા ને ફોન કરીને નીચે બોલાવ્યાં.
" પપ્પા તમે મમ્મીને લઈને જરા નીચે આવો ને ? મારે એક સરપ્રાઈઝ આપવું છે. " મંથન બોલ્યો.
દસેક મિનિટમાં ઝાલા અંકલ અને સરયૂબા નીચે આવ્યાં. એમણે નીચે ઉભેલી વ્હાઇટ મર્સિડીઝ ગાડી જોઈ તો ખરી પરંતુ એમને કલ્પના પણ નહીં કે એમની અંદર મંથન અદિતિ બેઠાં હશે ! એ લોકો આજુબાજુ જોવા લાગ્યાં એટલે અદિતિએ કાચ ખોલીને પપ્પાને બૂમ પાડી.
" પપ્પા !!! " અદિતિ મોટેથી બોલી.
અદિતિના અવાજથી ઝાલા અંકલ અને સરયૂબા બંનેએ એકસાથે મર્સિડીઝ તરફ જોયું. અદિતિને એમાં બેઠેલી જોઈને એ ચમકી ગયા. એ નજીક ગયા એટલે અદિતિ અને મંથન બંને નીચે ઊતર્યાં.
" અરે વ્હોટ આ સરપ્રાઈઝ !! તમે લોકો આ ગાડીમાં ? " ઝાલા અંકલ આશ્ચર્યથી બોલ્યા.
" હા પપ્પા ઉપર જઈને બધી જ વાત કરું છું. " મંથન બોલ્યો અને એણે ગાડી પાર્કિંગમાં લોક કરી.
બધાં લિફ્ટમાં ઉપર ગયાં અને ફ્લેટ ખોલી સહુ ડ્રોઈંગ રૂમમાં ગોઠવાયાં.
" આ ગાડી દલીચંદ ગડાએ મને ગિફ્ટ આપી. મને એમનો બિઝનેસ પાર્ટનર બનાવ્યો. પાર્ટનરશીપનું પેપર વર્ક પણ થઈ જશે. મારી પાર્ટનરશીપ માત્ર પ્રોપર્ટી ડેવલપમેન્ટ પૂરતી જ હશે. એમના બીજા ધંધા સાથે મારે કોઈ જ લેવા નથી. પ્રોફિટમાં મારો ભાગ ૪૦ ટકા રહેશે. મને એમણે ૫૦૦ કરોડ રૂપિયા રોકડા આપ્યા. જો કે આટલી મોટી રકમની બેગો હજુ હું ઘરે લાવ્યો નથી કારણકે એ મૂકવા માટે વ્યવસ્થા કરવી પડશે. " મંથન બોલ્યો.
" બહુ મોટા સમાચાર આપ્યા તમે કુમાર ! મને હજુ માનવામાં નથી આવતું કે દલીચંદ ગડા જેવો શાતિર બિઝનેસમેન તમને બિઝનેસ પાર્ટનર બનાવે !!" ઝાલા અંકલ બોલ્યા.
" છતાં એ હકીકત છે પપ્પા. એટલું જ નહીં ત્રણ લગડી પ્લોટ એ મને આપી રહ્યા છે. જુહુ સ્કીમ બાંદ્રા વેસ્ટ અને અંધેરી વેસ્ટ ! મૂડી એમની, પ્લોટ એમના. મારે માત્ર સ્કીમ મૂકીને ફ્લેટ બનાવી આપવાના અને વેચાણ કરવાનું. એમણે સ્પષ્ટ કહ્યું કે બધા જ નિર્ણયો મારા હશે. કોઈપણ સ્કીમમાં એ માથું નહીં મારે. આપણી બોરીવલી ની સ્કીમની જે પણ સ્ટ્રેટેજી છે એનાથી એ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા છે. " મંથન બોલ્યો.
" માત્ર ચાર જ મહિનામાં આ તમારી જબરદસ્ત સિદ્ધિ છે કુમાર અને દિલથી હું તમને અભિનંદન આપું છું. તમે ખરેખર એને લાયક છો જ નહીં તો આ માણસ કોઈને એની ઓફિસમાં બેસવા પણ ના દે. તમને તો આટલી મોંઘી ગાડી ગિફ્ટ આપી. અમેઝિંગ !!" ઝાલા અંકલ બોલ્યા.
" તમે તો આ ૫૦૦ કરોડની વાત મને કરી પણ નહીં મંથન ! " અદિતિ જાણે રિસાઈ ગઈ હોય એ રીતે બોલી.
" સરપ્રાઈઝ અદિતિ. મારે આ વાત પપ્પાની હાજરીમાં કહેવી હતી. " મંથને હસીને ખુલાસો કર્યો.
" ચાલ અદિતિ હવે આપણે રસોઈની તૈયારી કરવી પડશે ને ? એ લોકોને વાતો કરવા દે " સરયૂબા બોલ્યાં અને ઊભાં થયાં.
" હવે આપણે રસોઈમાં શું કરીશું? અમારા બંને જેટલો તો ભાખરીનો લોટ બાંધી દીધો છે. તમારા બંનેનો બીજો બાંધવો પડશે. અમારા બેઉ માટે ટિંડોરાનું શાક સમારેલું પડ્યું છે પરંતુ હવે બધા માટે કોબી બટાકાનું બીજું શાક જ બનાવી દઈએ. " સરયૂબા બોલ્યાં.
" ઠીક છે મમ્મી તું લોટ બાંધી દે. હું શાક સમારી લઉં છું. " અદિતિ બોલી અને એને ફ્રીજમાંથી કોબી બહાર કાઢી.
એક કલાકમાં બધી રસોઈ થઈ ગઈ એટલે સાડા નવ વાગે બધાં સાથે જ જમવા બેસી ગયાં.
" કાલે ગડા શેઠનો માણસ આવવાનો છે. એ મને તમામ ત્રણ પ્લોટ બતાવી દેશે. ત્રણે ય પ્લોટ ટાઇટલ ક્લિયર છે. કન્સ્ટ્રક્શનની તમામ પરમિશનો એક મહિનામાં ગડા શેઠ લાવી દેશે. " મંથન જમતાં જમતાં બોલ્યો.
" એ બધી જવાબદારી ગડા શેઠ લેતા હોય તો પછી આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. " ઝાલા બોલ્યા.
" પપ્પા હવે આપણે સ્ટાફ વધારવો પડશે. દરેક સાઈટ ઉપર એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર ગોઠવવા પડશે. હવે કોઈ સારો આર્કિટેક્ટ પણ આપણે રોકવો પડશે કારણ કે બધે હું નહીં પહોંચી વળું. ઓફિસ પણ નાની પડશે." મંથને કહ્યું.
" હમ્... તમારી વાત સાચી છે. એ દિશામાં આપણે વિચારવું પડશે. હું મલાડમાં જ હવે કોઈ મોટી ઓફિસ મળતી હોય તો તપાસ કરું છું. કારણ કે હવે જો નવી જ ઓફિસ લેવી હોય તો પછી અંધેરી સુધી લાંબા થવાની કોઈ જરૂર નથી. " ઝાલા બોલ્યા.
" એના બદલે આપણે બંને ઓફીસ ચાલુ રાખીએ તો ? અંધેરીમાં બધા એન્જિનિયર બેસે જ્યારે મલાડની ઓફિસમાં એડમિનિસ્ટ્રેશન. " મંથન બોલ્યો.
" પ્રેક્ટીકલી એમાં મજા નહીં આવે કારણ કે રોજ તમારે કોઈને કોઈ એન્જિનિયરનું કામ પડે, ફાઈલ જોવાની હોય, અપડેટ લેવાનું હોય તો રોજ એણે અંધેરી અને મલાડ વચ્ચે ધક્કા ખાવાના રહે ને !! " અનુભવી ઝાલા બોલ્યા.
" હા એ વાત તમારી સાચી છે પપ્પા. તો પછી આપણે અંધેરીની ઓફિસ વેચી જ દઈએ. રીનોવેશન કરાવ્યું છે એટલે ભાવ તો સારા મળશે. એરિયા પણ સરસ છે. " મંથન બોલ્યો.
" હા નવી ઓફિસ લેવાઈ જાય એ પછી આપણે બ્રોકરને કહી દઈએ અને એક એડ પણ આપી દઈએ. " ઝાલા બોલ્યા.
" તમને એક વાત કહેવાની ભૂલી ગયો પપ્પા. ગડા શેઠે મને મર્સિડીઝ માટે ડ્રાઇવર રાખી લેવાનું કહ્યું છે અને એનો પગાર એમની કંપનીમાંથી જ થશે. એટલે આપણા સદાશિવને હું ડ્રાઇવર તરીકે કાલથી રાખી લઉં છું. નવો પ્યુન હવે લેવો પડશે. " મંથન બોલ્યો.
" હા એ બરાબર કર્યું. કારણ કે હવે તમે ગડાશેઠના પાર્ટનર બની ગયા છો. એમના મોભાને શોભે એ રીતે તમારે પણ વર્તવું જ પડે. " ઝાલા બોલ્યા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)