અતીતરાગ-૫૦
માત્ર ચૌદ વર્ષની ઉમ્રમાં અભ્યાસ પડતો મુકીને ફિલ્મના પડદા પર આવવું પડ્યું.
અભિનેત્રી રેખાને.
એવી તે શું મજબૂરી હતી ?
તે વિષે વધુ વિગત જાણીશું આજની કડીમાં.
અભિનેત્રી રેખાના પિતા તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સુપર સ્ટાર તરીકે જાણીતાં હતાં.
નામ હતું જેમિની ગણેશન.
રેખાની માતાજી પણ તમિલ ફિલ્મોની એક્ટ્રેસ હતી. જેમનું નામ હતું પુષ્પાવલી.
પુષ્પાવલીએ જેમિની ગણેશન સાથે ફિલ્મો પણ કરી હતી.
ધીરે ધીરે રીલ લાઈફનો રોમાન્સ રીઅલ લાઈફમાં તબદીલ થઇ ગયો.
જેમિની ગણેશન વિવાહિત હતાં.
છતાં પણ જેમિની ગણેશને પુષ્પાવલી જોડે સંબંધ સાચવ્યો, પણ કયારેય લગ્ન ન કર્યા.
પણ આ નામ વગરના સંબંધની સૂચિમાં એક નવું નામ ઉમેરાયું રેખાના સ્વરૂપમાં.
૧૦ ઓક્ટોબર ૧૯૫૪માં રેખાનો જન્મ થયો.
નામકરણ થયું ભાનુરેખાના નામથી.
રેખાના પિતા જેમિની ગણેશનને હોર્સ રેસિંગ (ઘોડાની રેસ) નો જબરો ચસકો હતો.
અને આ ચસકાનો ચેપ લાગ્યો રેખાની માતાજી પુષ્પાવલીને પણ.
વર્ષ ૧૯૬૮માં રેખાની ઉમ્ર હતી આશરે ચૌદેક વર્ષ. ત્યારે જેમીની ગણેશન અને પુષ્પાવલીના સંબંધ લગભગ ખત્મ થઇ ચુક્યા હતાં
પણ ત્યાં સુધીમાં ઘોડાની રેસની લત્ત એ હદે પુષ્પાવલી પર હાવી થઇ ગઈ હતી કે, પુષ્પાવલી તેની તમામ સંપતિ પણ ખત્મ કરી ચુક્યા હતાં.
એ પછી પુષ્પાવલી એ કરજ કરીને પણ તેની લાનત જેવી લત્તને લાડ કર્યા કર્યું.
રેખાની સ્કૂલ લાઈફ પણ ડામાડોળ હતી.
કારણ કે, પુષ્પાવલીએ જેમિની ગણેશનની પુત્રીને જન્મ આપ્યો પણ,
જેમિની ગણેશને રેખાને બાપનું નામ નહતું આપ્યું.
‘ભાનુરેખા ગણેશન’ નામ વાંચી કે સાંભળીને તેના ક્લાસ મેટ બાપના નામ વિશે ઉલ્લેખ ન થતાં રેખાની ઠેકડી ઉડાવતાં.
એ સમયગાળા દરમિયાન ચૌદ વર્ષની રેખા અત્યંત અપસેટ રહેવા લાગી અને
નવમા ધોરણની એક્ઝામમાં ફેઈલ પણ થઇ ગઈ.
એક હદ પછી બેહદ કંટાળેલી રેખાએ એ આત્મહત્યા કરવાની પણ કોશિષ કરી.
એ પછી સ્કૂલ લાઈફથી રેખાને નફરત થઇ ગઈ.
આ વાતની જાણ રેખાએ તેની માતા પુષ્પાવલી કરી.
અને પુષ્પાવલીએ એવું વિચાર્યું કે, આમ પણ તેમના પર ગજા બહારનું કરજ ચડી ગયું છે.
અને જો રેખાને ભણવામાં રુચિ નથી તો બહેતર છે કે, તેના મારફતે કોઈ આવકનું કોઈ નવું સ્ત્રોત ઉભું કરવામાં આવે. જેના થકી તેનું દેવું ભરપાઈ કરવામાં આસાની રહે.
અને તે પછી રેખા માટે ફિલ્મ લાઈનના દરવાજા ખટખટાવવાનું શરુ થયું.
રેખાની અભ્યાસ કારકિર્દીનો અંત તો ખુબ વહેલો આવી ગયો.
અને જયારે રેખાએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જોઈન કરવાનો વિચાર કર્યો ત્યારે રેખાને તમિલ સિવાય બીજી કોઈ ભાષા નહતી આવડતી.
પણ તેના ફિલ્મ પ્રત્યેના લગાવને કારણે રેખા હિન્દી શીખ્યા, અંગ્રેજી શીખ્યા અને ઉર્દુ ભાષાની પણ જાણકારી મેળવી.
નવમું ધોરણ ફેઈલ રેખાને આજે કોઇ સાંભળે તો એવું થાય કે બસ સાંભળ્યા જ કરીએ.
રેખાનો કિસ્સો વાંચતા એવું સાબિત થાય કે, આંશિક સંજોગોમાં એજ્યુકેશન કરતાં સ્કીલના પલડાનું વજન વધુ હોય છે.
આગામી કડી..
એકવાર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ભાગલાં પડી ગયાં.
બે અલગ અલગ જૂથ બની ગયાં.
એક જૂથની આગેવાની કરતાં હતાં લતા મંગેશકર અને બીજા જૂથના આગેવાન હતાં મહમ્મદ રફી.
લતા મંગેશકરના સમર્થન અને જૂથમાં જોડ્યા કિશોરકુમાર, તલત મહેમૂદ, અને મન્ના ડે જેવાં દિગ્ગજ સિંગર્સ.
અને મહમ્મદ રફી સાબના ખેમામાં હતાં માત્ર એક આશા ભોંસલે.
બન્ને જૂથના મતમતાંતરનો મુદ્દો હતો મહેનતાણાનો.
અને આ મુદ્દાના કારણે તિરાડ પડી લતા મંગેશકર અને મહમ્મદ રફી વચ્ચે.
અને તેની ઊંડી અસર પડી પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સમગ્ર સંગીતક્ષેત્ર પર.
લતા મંગેશકર અને મહમ્મદ રફી વચ્ચે થયેલા સાર્વજનિક વિરોધમાં કોઈ ત્રીજી વ્યક્તિ ફાવી ગઈ હતી.
શું હતો એ કિસ્સો ?
ક્યાં સમયગાળમાં આ ઘટના બની હતી ?
અને જે માધ્યમના આધારે સમાધાન થયું હતું તે માધ્યમનો આજ સુધી પુરાવો મળ્યો નથી.
એ રસપ્રદ કિસ્સાને મમળાવીશું આગામી કડીમાં.
વિજય રાવલ
૦૯/૦૯/૨૦૨૨