ગુજરાતના મહિસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકાનું એક નાનું સરખું ગામ. નાનકડા ગામમાં નાની પણ અતિસુંદર શાળા હતી. રાજુભાઈ આ શાળાના આચાર્ય હતા. રાજુભાઈને બાળકો બહુ ગમે. બાળકોને પણ રાજુભાઈ બધા ને ખુબ ગમતાં. અને બાળકો તેમને પ્રેમથી રાજુ સર કહીને બોલાવતા હતા. રાજુભાઈની બાળકોને ભણાવવાની રીત બહુ સરસ હતી.
તેઓ એવી બાળકોને રીતે ચતુરાઇ પૂર્વક ભણાવતા કે બાળકોને જેમના રાજુસર ભણાવે એટલે ઝટ યાદ રહી જય એક વખત રાજુભાઈને વિચાર આવ્યો કે વિદ્યાર્થીઓની પરીક્ષા નિરીક્ષકની ગેરહાજરીમાં લેવામાં આવે તો ? શું વિદ્યાર્થીઓ ચોરી કર્યા વગર, જાતે જ પ્રશ્નપત્રોના જવાબ લખશે ખરા ? શું નિરીક્ષકની ગેરહાજરીથી તેમને ચોરી કરવાની લાલચ થશે ખરી ?
આવા ઘણા વિચારો તેમને આવી ગયા. રાજુભાઈનો મુળ સ્વભાવ એવો કે એક સારો વિચાર મનમાં આવે તો તેનો અમલ કરીને જ તેઓ જંપે. સત્રાંત પરીક્ષા નજીક આવી ત્યારે એક દિવસ ધોરણ સાતના વિદ્યાર્થીઓને રાજુભાઈએ કહ્યું: બાળકો, હર વખતે તમારી પરીક્ષા દરમિયાન અમે તમારી પરિક્ષા વખતે નજર રાખીએ છીએ.
જેથી તમારામાંથી કોઈ ચોરી કરીને લખે નહીં. પણ આ વખતે હું એક પ્રયોગ કરવા માગું છું.” બધા વિદ્યાર્થીઓ તેમના વ્હાલા સરની વાત ધ્યાન દઈને સાંભળી રહ્યા હતા. રાજુભાઈએ આગળ જણાવ્યું : “આ વખતે તમે જ્યારે ઉત્તરવહી લખતા હશો ત્યારે તમારા વર્ગમાં અમારામાંથી એક પણ શિક્ષક હાજર રહેશે નહીં. મને તમારામાં શ્રદ્ધા છે કે તમે ચોરી નહીં કરો.
‘‘તમને પેપરમાંથી જેટલું આવડતું હશે તેટલું જ લખશો. બોલો, તમે મને આ માટે સહકાર આપશો ?” વિદ્યાર્થીઓ માટે આ પ્રયોગ તદ્દન નવો હતો. તેમણે સહકાર આપવાની હા પાડી. સત્રાંત પરીક્ષા શરૂ થઈ. વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં ગોઠવાઈ ગયા. રાજુભાઈ ટેબલ પર પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ મૂકી વર્ગની બહાર ચાલ્યા ગયા. વિદ્યાર્થીઓ પોતાની જાતે પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ લઈ ગયા.
વર્ગમાં બિલકુલ ગરબડ થતી ન હતી. સમય પૂરો થતા દરેક વિદ્યાર્થી પોતાની ઉત્તરવહી ટેબલ પર મૂકીને ચાલતા થયા. દરેક વિષયની પરીક્ષા આ રીતે જ લેવાઈ. થોડ દિવસો બાદ પરિણામ જાહેર થયું. શીતલનું પરિણામ જોઈ રાજુભાઈ નવાઈ પામ્યા. શીતલને બધા વિષયબરાબર ફાવતા હતા.
પણ ગણિત બરાબર નહોતું આવડતું. શીતલને દર વરસે ગણિતમાં નાપાસ થવાને લીધે ઉપરના ધોરણમાં પ્રમોશન આપવામાં આવતું. આ પરીક્ષામાં શીતલ ગણિતમાં પાસ થઈ ગઈ હતી. એટલું જ નહિ પણ તેને ગણિતમાં ૫૦ માંથી ૩૦ ગુણ મળ્યા હતા. શીતલનો વર્ગમાં પાંચમો નંબર આવ્યો હતો.
રાજુભાઇએ વર્ગમાં શીતલના ખૂબ વખાણ કર્યા. એમણે શીતલને કહ્યું: “શીતલ, ગણિતમાં તે ખૂબ મહેનત કરી લાગે છે.” શીતલ ઘેર ગઈ. રાતે તેને ઊંઘ ન આવી. કારણ કે તેણે ગણિતની પરીક્ષામાં ચોરી કરી હતી. રાજુભાઇએ જે પ્રયોગ કર્યો હતો તેનાથી તેને ચોરી કરવાની તક મળી ગઈ હતી.
પરીક્ષામાં તેની આગળ બેઠેલા એક હોશિયાર વિદ્યાર્થીની ઉત્તરવહીમાં જોઈને શીતલે ઘણા દાખલા ઉતારી લીધા હતા. શીતલને હવે તેનો પસ્તાવો થવા લાગ્યો. શીતલને થયું કે તેણે સાહેબને છેતર્યા છે. ચોરી કરીને એણે ગુનો કર્યો. બીજા દિવસે શીતલે રાજુભાઈના હાથમાં એક ચિટ્ટી મૂકી અને નીચું જોઈને ઊભી રહી.
રાજુભાઈએ ચિટ્ટી ખોલીને વાંચવા માંડી : પરમ પૂજય સાહેબ, સાદર પ્રણામ, સવિનય જણાવવાનું કે સત્રાંત: પરીક્ષામાં મેં ગણિતમાં ચોરી કરી હતી, તેથી હું પાસ થઇ ગઈ. નહિ તો હું ગણિતમાં નાપાસ થઇ હોત. ગઈકાલે આપની આગળ સાચું બોલવાની હિંમત કરી શકી નહીં. તો સાહેબ મારો આટલો ગુનો માફ કરજો.
હવેથી હું ગણિતમાં ખૂબ મહેનત કરીશ. ફરીથી કદીયે ચોરી કરીશ નહીં અને જૂઠું બોલીને કોઈને છેતરીશ નહીં. લિ. આપની વિદ્યાર્થીની શીતલના પ્રણામ. રાજુભાઈએ શીતલ સામે જોયું. તે નીચું જોઈને રડી રહી હતી. રાજૂભાઇએ તેની પીઠ પર પ્રેમથી હાથ ફેરવ્યો અને બોલ્યા : “શીતલ તું એક સારી છોકરી છે. તું મને ગમે છે. પણ આજ તું મને વધુ ગમે છે.
તેં તારી ભૂલ કબૂલ કરી મહાન કામ કર્યું છે. હવે રડીશ નહિ. જા, તારી જગ્યાએ બેસી જા.” શીતલ પોતાની જગ્યાએ બેસી ગઈ. તે પછી રાજુભાઈએ વર્ગ સમક્ષ વિગતે બધી વાત કરી અને શીતલની હિંમતને બિરદાવી. તે પછી શીતલે ગણિતમાં ખૂબ મહેનત કરી. માનવામાં ન આવે જેવી પાંચ હતી કે વાર્ષિક પરીક્ષામાં શીતલે ગણિતના વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા!
DIPAK CHITNIS (DMC)