"આજે કેમ વરવધૂએ પોતાના ચહેરા સંતળ્યા છે, આપણામાં તો આવો કોઈ રિવાજ નથી!"- વિધિ કરાવી રહેલા મહારાજે અનાયાસે સૌના મનમાં જે ચાલી રહ્યા હતા એ સવાલનો બન્નેને પૂછ્યો.
માયાને થયું કે બધું સાચું કહી દે પરંતુ હવે એ બોલે તો બધા એની પર તુટી પડે અને આખા ગામની સામે પરિવારની ઇજ્જતનાં ધજાગરા થાય, એનું તો મૌન વ્રત હતું એટલે બધાએ એની પાસેથી કોઈ આશા રાખી નહિ કે એ જવાબ આપશે, પરંતુ બધાએ વરની સામે જોયુ, એ કઈ જવાબ આપે તે પહેલાં કરુણાએ જવાબ આપ્યો,"ઈ તો મારાજ એમ છે ને કે આજે આ બન્નેએ આપના પૂર્વજોના રિવાજથી લગ્ન કરવાનું નક્કી કરેલું, એટલે બન્નેએ આમ પોતાના મોઢા એકબીજાથી સાંતળ્યા છે!"- એમ કહીને કરુણાને અટ્ટહાસ્ય કર્યું, સૌને એની વાત પર વિશ્વાસ હોય એમ માની લીધું, પરંતુ મયુરથી રહેવાયું નહિ.
એને પોતાની વાતને બધા સામે મૂકી, "તો પછી આ ફોટોગ્રાફરને બોલાવવાનો શું ફાયદો,મોકલી દયો પાછા!"
"ના ભાઈ, રહેવા દ્યો, ઇ તો વિધિ પતે એટલે લઈ લેશું ને બધા ફોટા, તમે કાં આમ ક્યો સો?"- ફોટોગ્રાફર મોઢામાં માવો ભરીને બોલ્યો, એને એની રોજીને જાણે લાત વાગતી હોય એમ લાગ્યું, એને બચાવ કર્યો.
"સાચી વાત હો ભાઈ તમારી, વિધિ પતાવી દ્યો મારાજ તમે પહેલાં!"- સરલાકાકીએ મહારાજને વિધિ આગળ વધારવા કહ્યું.
માયા બિચારી સાવ ફસાઈ જ ગઈ, મૂંગા મોઢે એ બધું સહેતી ગઈ, એના આંસુ રોકાતા નહોતા, એના મનમાં હવે નયનને ગાળો દેવા સિવાય કશું સૂઝતું નહોતું, એના પર ખોટો ભરોસો કરી લીધો એમ એને મનોમન થવા માંડ્યું, ત્યાં તો સપ્તપદીના શ્લોકો ચાલુ થઈ ગયા, ફેરાની તૈયારી થઈ ગઈ, વિધિ પૂરપાટ જોરે ચાલુ હતી, હવે તો જાણે બધું પતી જ ગયું, મંગળફેરા ફરાઇ ગયા,જાણે હવે ખેલ ખતમ!
ત્યાં તો સામેથી શ્યામા અને શ્રેણિક પ્રગટ થયા, તેઓને જોઈને સૌ આશ્ચર્ય પામ્યા, આ બન્ને અહી છે તો ચોરીમાં કોણ છે? બન્નેને સાથે જોતાની સાથે માયા હેબતાઈ ગઈ, એને જે બીક હતી એ જ સામે આવ્યું, કે ફેરા ફરનાર કોણ હતું? એણે બધાની સામે પોતાનો ઘુમ્મટ ખોલી નાખ્યો," તમે બન્ને અહી છો તો આ કોણ?"- અને બાજુમાં ઊભેલા વરના વેશમાં નયન સામે ઈશારો કર્યો.
"તું જ જોઈ લે જાતે..!"કહીને તેઓ બન્ને હસવા માંડ્યા.
માયાની હાલત એટલી કફોડી થઈ ગઈ હતી કે એ શું કરે ને શું ન કરે એની કશી જ ખબર નહોતી, એ બેબાકળી થઈ ગઈ, એને પોતાની ઓઢણી બાજુએ હટાવી દીધી અને બાજુમાં ઊભેલા વરરાજાનો કેસરિયો સાફો જરાક હાથથી હટાવ્યો અને એની આગળની મોતીની માળાઓ હટાવી, એ સામે ઉભરેલો ચહેરો જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગઈ, "તમે?"- આ વાક્ય સાથે એની આંખો પહોળી થઇ ગઈ.
"હા...હું!"- કહીને વરરાજા બનેલ નયન એને જોઈને હસી રહ્યો.
"આ બધું શું છે?"- માયા નયન અને શ્યામા અને શ્રેણિકની સામે જોઇને કપાળની કરચલીઓ સાથે બોલી ઉઠી.
"તારા મનની વાતને અમે રજૂ કરી!"- શ્યામાએ એને વળતી નજરે જવાબ આપ્યો.
"હા...છેલ્લા સાત વર્ષથી તું જેના માટે ઝૂરતી રહી એને અમે તો માત્ર તારી સમક્ષ રજૂ કર્યો!"- શ્રેણિકે નયન સામે ઈશારો કરતા કહ્યું.
"તું એટલો બધો પ્રેમ કરતી હતી તો એક વખત પણ કહી ના શકી? એટલો જ વિશ્વાસ હતો મારા પર?"- નયને માયાની આંખોમાં આંખ પરોવીને એનો હાથ પકડતા કહ્યું.
માયા નિશબ્દ રહી, એના આંસુ જાણે બધું કહી રહ્યા હતા અને નયન એને જાણે બધું ભૂલીને સાંભળી રહ્યો હતો, નયને એને એની છાતી સરસી ચાંપી લીધી અને શાંત કરવા માંડ્યો, માયા પણ જાણે એનું બધું સર્વસ્વ એને આપી દીધું હોય એમ એને પકડી રહી.
આખી જાન સામે સર્જાયેલ આ દૃશ્યને જાણે સૌ આપમેળે કળી જ ગયા હોય એમ જોઈ રહ્યા હતા"એલ્યા...આ બધું શું થઈ રહ્યું છે?"- સરલાકાકી બધાની વચ્ચે આવીને ઊભા રહ્યા અને પૂછવા માંડ્યા, એમનાં આ સવાલમાં એક ધાક હતી પરંતુ ક્યાંક ખુશીની લાગણી છુપાઈ રહી હતી એમ લાગી રહ્યું હતું.
શ્યામાએ બધા સામે માયા અને નયનની આખી પ્રેમકથા કહી અને જ્યાં એમને પરણવાનું હતું ત્યાં કેવી રીતે આ બન્નેને લાવીને ઊભા કર્યા ત્યાં સુધીનો એમનો આખો પ્લાન પણ કહ્યો,બધા ખુશ થઈ ગયા, બધાના મનમાં માયા અને નયન માટે એક અજાયબ લાગણી ઉમટી, દિલથી તેઓ માટે આશિષ નીકળ્યા.
માયા અને નયને અધૂરી લગ્ન વિધિ સંપન્ન કરી અને વડીલોના આશિષ લીધા, ફરી ઘડિયા લગ્ન લેવાયાં પરંતુ આ વખતે શ્યામા અને શ્રેણિકને બદલે જોડી બદલાઈ ગઈ, માયા અને નયનનાં ફેરા થયા.
બાજુમાં ઊભેલા શ્યામા અને શ્રેણિક એકબીજાં જોડે એકદમ ધીમી ગણગણાટ કરી રહ્યા હતા, "હવે આપણે ક્યારે ફેરા ફરવા?"
"ફરીશું...ફરીશું...એના માટે ફરી ઇન્ડિયા આવીશું."
"ના...એક કામ કરીએ ચોરી અહી છે જ....ફરી લઈએ...!"- શ્રેણિકે શ્યામાને ખભેથી ખભો ટકરવતા કહ્યું.
પાછળ ઊભેલો મયુર એમને સાંભળી ગયો, "તો હાલો...કોની વાત જોવાની સે? હંધાય અહી છે જ...તમારા ફેરા બાકી હોય તો તમે પણ જોડાઈ જાઓ!"
"જા ને વાયડા....બહુ થયું.!"- શ્યામાએ એની સામે આંખ કાઢી.
"ના...ના...સાચી વાત છે! મયુર ચાલ મહારાજને કહે તૈયારી કરે!"- શ્રેણિક હસ્યો.
"હા...ભલે....પણ ઊભા રહ્યો...પહેલાં બધાયને પૂછી લેવા દ્યો!"- મયુરે જરાક મોટેથી સૌને સંભળાય એમ કહ્યું.
"શું?"- બધાનો એકીસાથે સવાલ આવ્યો.
"કોઈ બાકી તો નથી ને માયા અને નયનની જેમ? હોય તો સ્વેચ્છાએ આવી જાય...બાકી પછી શ્યામા અને કુમારનો વારો રહી ના જાય!"
બધા હસી પડ્યા, એક સુખી અંત થયો અને નવદંપતીની નવી શરુઆત!
સમાપ્ત!!!