Jivansangini - 11 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | જીવનસંગિની - 11

Featured Books
Categories
Share

જીવનસંગિની - 11

પ્રકરણ-૧૧
(નવું અજવાળું
)

જ્યારે મિહિરભાઈએ મનોહરભાઈને નિશ્ચય અને અનામિકાના લગ્નસંબંધ માટેની વાત કરી તો થોડી ક્ષણો માટે તો મનોહરભાઈ વિચારમાં પડી ગયા. એમને તરત શું જવાબ આપવો એ સૂઝ્યું નહીં એટલે એમણે કહ્યું, "હું તમને વિચારીને કહું." એટલું કહી એમણે ફોન મૂકી દીધો.
માનસીબહેન મનોહરભાઈની સામે એકદમ પ્રશ્નાર્થભાવ સાથે જોઈ રહ્યા હતા. એમણે તરત જ પોતાના પતિને પૂછ્યું, "કોનો ફોન હતો? શું વાત છે? શું વિચારમાં પડી ગયાં છો?"
"પેલા મિહિરભાઈ યાદ છે તને? જે વર્ષો પહેલા મારી બેંકમાં મેનેજર હતા? અને તેમનો દીકરો નિશ્ચય! એ યાદ છે?" મનોહરભાઈ બોલ્યા.
માનસીબહેને પોતાની યાદશક્તિને જોર આપ્યું અને એમને યાદ આવતાં જ બોલી ઉઠ્યા, "અરે! હા હા! યાદ આવ્યું. બહુ સારા હતાં નહીં એ તો. પણ એમનું શું છે? આજે અચાનક એ કેમ યાદ આવ્યા તમને?"
"એમનો જ ફોન હતો. એમનાં દીકરા નિશ્ચય માટે એમણે આપણી અનામિકાનો હાથ માંગ્યો છે." મનોહરભાઈએ વાતનો ઘટસ્ફોટ કર્યો.
આ સાંભળીને માનસીબહેન તો ખૂબ જ ખુશ થઈ ગયા અને બોલી ઉઠ્યા, "અરે! લક્ષ્મી ચાંદલો કરવા આવતી હોય ત્યારે મોં ધોવા થોડું જવાય? આ સંબંધ તો બહુ જ સારો કહેવાય. કરી નાખો ત્યારે કંકુના."
"પણ એકવાર અનામિકાને તો પૂછી જોઈએ ને કે, એની શું ઈચ્છા છે?" મનોહરભાઈ બોલ્યા.
"હવે એમાં એને શું પૂછવાનું? એને શું ખબર પડવાની આવી બધી બાબતોમાં? એ તો આપણે જે કંઈ પણ એના માટે નિર્ણય લઈએ એમાં રાજી જ રહેવાની છે ને? આજ સુધી એણે ક્યારેય આપણી કોઈ વાત ટાળી છે? કે હવે ટાળશે? અને તમે અનામિકાની ચિંતા ન કરો એને તો હું સમજાવી દઈશ. એ ના નહીં જ પાડે. મને નથી લાગતું કે આટલું સરસ માંગુ આવ્યું હોય તો આપણે એમનેમ જવા દેવું જોઈએ! હું ક્યાં આપણાં બંનેના પરિવારની મુલાકાત ગોઠવવાની ના પાડું છું? ભલેને નિશ્ચય અને અનામિકા બંને મળી લે. અને મળ્યા પછી બંને એકબીજાને પસંદ ન કરે તો આપણે આ સંબંધ નહીં કરીએ. પણ મારું મન કહે છે કે, આ સંબંધ જરૂર થશે. એ બંને જરૂર એકબીજાને પસંદ કરશે."
માનસીબહેને પોતાના સ્વભાવ પ્રમાણે પોતાની વાત રજૂ કરી.
*****
આ વાતથી અજાણ અનામિકા હજુ આગળ ભણવા માંગતી હતી. એ પોતાના આગળના કેરિયર વિષે વિચારી રહી હતી. ઘણુંબધું રિસર્ચ કર્યા પછી એને એવું સમજાયું કે, એ હોમ સાયન્સમાં ડિગ્રી મેળવવા ઈચ્છે છે.
હજુ તો એ આ વાત પોતાના ઘરમાં કરવાનો વિચાર જ કરતી હતી ત્યાં જ માનસીબહેન ખુશ થતાં થતાં એની પાસે આવ્યા અને કહ્યું, "અનામિકા! તારા માટે માંગુ આવ્યું છે. અને ખબર છે કોનું? નિશ્ચયનું. જેને તું બાળપણમાં મળી હતી એ નિશ્ચયનું. ખૂબ સારો છોકરો છે એ. કોમ્પ્યુટર એન્જીનીયર છે. અને 30000 પગાર છે અત્યારે એનો."
"પણ મમ્મી! મારે હજુ આગળ ભણવું છે. મારે હોમ સાયન્સમાં બી. એસ. સી. કરવું છે. મારે હજુ લગ્ન નથી કરવા." અનામિકાએ પોતાની વાત રજૂ કરી.
"તો તું તારે ભણજે ને! એની ક્યાં ના છે? હજુ તો ખાલી મળવાની જ વાત છે. અને આપણે લગ્નની કોઈ ઉતાવળ નહીં કરીએ. જો તમે બંને એકબીજાને પસંદ કરશો તો ખાલી સગાઈ જ કરીશું." માનસીબહેને કહ્યું.
હવે અનામિકા માટે કંઈ જ આનાકાની કરવા જેવું ન રહ્યું. એ માત્ર એટલું જ બોલી, "જેમ તમને બધાને ઠીક લાગે તેમ."
અનામિકાનો આ જવાબ સાંભળીને માનસી બહેન ખૂબ જ ખુશ થઈ ગયા. અને એમણે મનોહર ભાઈને કહ્યું, "અનામિકા માની ગઈ છે. તમે મિહિરભાઈને ફોન કરો અને આપણે બંને પરિવારોની મુલાકાત ગોઠવીએ.
*****
બંને પરિવારોની મુલાકાત ગોઠવાઈ. અનામિકા અને નિશ્ચય બંને મળ્યા. બંનેની મુલાકાત દરમિયાન અનામિકાએ નિશ્ચયને જણાવ્યું કે, એ પોતે આગળ ભણવા માંગે છે અને ભણવાનું પતે પછી જ એ લગ્ન કરશે. નિશ્ચયે એને એ માટેની મંજૂરી આપી અને અનામિકાની શરત એણે માન્ય રાખી. અને બંનેની સગાઈ કરવામાં આવી.
નિશ્ચયે શરત તો માન્ય રાખી પણ એના પરિવારની જીદ સામે એણે ઝૂકવું જ પડ્યું. એ એનો વાયદો નિભાવી ન શક્યો અને અનામિકાનું કોલેજનું છેલ્લું જ વર્ષ શરૂ થયું હતું ત્યારે જ તેના લગ્ન કરી દેવામાં આવ્યા. અને મોઢાના મોળા મનોહરભાઈ પણ પોતાના વેવાઈ પક્ષને વધુ કંઈ કહી શક્યા નહીં. અને બંનેના લગ્ન માટે એમણે પણ મંજૂરી આપવી જ પડી.
આ વાતથી અનામિકા ખૂબ નારાજ થઈ ગઈ પણ એ વધુ કંઈ બોલી નહીં પણ એ પોતાની વાત પર મક્કમ રહી અને એણે માત્ર એટલું જ કહ્યું કે, હું ડીગ્રી તો મેળવવા માંગુ છું. ભલે હું લગ્ન માટે તૈયાર છું પણ લગ્ન પછી પણ હું ભણીશ.
અનામિકા અને નિશ્ચયના લગ્ન લેવાયા. લગ્ન પછી પણ અનામિકાએ ભણવાનું ચાલું રાખ્યું. એ સમય દરમિયાન અનામિકા અને નિશ્ચય બંને ફોન પર વાતો કરતાં.
અનામિકા કોઈ ઉપર આધારિત નહોતી રહેવા માંગતી. એ તો પોતાના પગ પર જ ઉભી રહેવા માંગતી હતી. એટલે લગ્ન પછી એનો જે પણ ભણવાનો ખર્ચ થયો હતો એ પોતાને લગ્નમાં જે કંઈ પણ રૂપિયા મળ્યા હતા એમાંથી જ એણે પોતાની ફી ભરી. એ સારી પેઠે જાણતી હતી કે, એક સ્ત્રી માટે જીવનમાં પગભર થવું કેટલું જરૂરી છે.
*****
નિધિ પણ હવે પોતાને મેહુલ જે પ્રમાણે ઈચ્છતો હતો એ પ્રમાણે પોતાની જાતને ઢાળી રહી હતી. એ પણ ખરા અર્થમાં મેહુલની જીવનસંગિની બનવાનો પ્રયાસ કરી રહી હતી. ઘરમાં બધાં મેહુલનું નિધિ પ્રત્યેનું આવું શંકાશીલ વર્તન જોતાં. પણ પતિપત્નીના સંબંધમાં કોઈ વચ્ચે પડતાં નહીં અને જેમ ચાલતું હોય એમ ચાલવા દેતા. કારણ બધાં મેહુલનો ગુસ્સાવાળો સ્વભાવ જાણતાં હતા. અને એ પણ જાણતાં હતા કે, ઘર તો મેહુલના પૈસાથી જ ચાલે છે. એટલે એની સામે કોઈ વધુ કંઈ જ બોલવાની હિંમત કરતાં નહીં.
નિધિની બંને નણંદથી મેહુલનું આ વર્તન સહન થતું નહીં. પણ ભાઈની સામે બંને બહેનોનો અવાજ ન નીકળતો. એટલે એ બંને નિધિને સમજાવતાં કે, તમારે અને ભાઈએ હવે બાળક માટે વિચારવું જોઈએ. બાળક આવશે એટલે બધું ઠીક થઈ જશે. ભાઈ પણ સુધરી જશે. શી ખબર! કદાચ આવનાર સંતાન તમારા જીવનમાં નવું અજવાળું લઈને આવે!
*****
શું અનામિકા ખરા અર્થમાં નિશ્ચયની જીવનસંગિની બની શકશે? શું અનામિકા અને નિશ્ચયના લગ્ન એમના જીવનમાં નવું અજવાળું લાવશે કે પછી બંનેનો સંબંધ ક્યાંક અંધારામાં ઓઝલ થઈ જશે? શું નિધિ અને મેહુલના જીવનમાં સંતાનનું આગમન થશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.