Prem - Nafrat - 46 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૪૬

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૪૬

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૬

રચના વધારે કંઇ વિચાર કરે અને પૂછે એ પહેલાં જ આરવે પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢીને રૂમની બાજુમાં એક મોટો દરવાજો હતો એને ચાવીમાંના રીમોટથી ખોલ્યો. એ કારનું ગેરેજ જેવું હતું. એમાં બે અલગ જાતની કાર મૂકાયેલી હતી. આરવે જમણી તરફની લાલ કાર તરફ ઇશારો કરી ખુશીથી કહ્યું:'રચના, આજથી તારે આ કાર વાપરવાની છે. હવે તારો સમય બચી જશે અને તને સુવિધા રહેશે...'

'ઓહ! આરવ, થેન્ક યુ!' રચના ખુશીથી ઊછળી પડી. રોજ રીક્ષામાં કે કેબમાં અવરજવર કરીને એ આમ પણ કંટાળી હતી. તેણે સપનામાં વિચાર્યું ન હતું કે આવી કોઇ કાર ખરીદી શકશે. તેણે કારના ગેરેજની આજુબાજુની કંપનીની ઇમારત તરફ નજર નાખીને મનોમન સંકલ્પ દોહરાવ્યો:'બહુ જલદી આ બધા જ સપનાં પૂરા થશે એમ લાગે છે.'

'રચના, તું હવે આ કંપનીની માત્ર કર્મચારી જ નહીં એમાં માલિકી ધરાવતી સભ્ય બની રહી છે. તારો હક છે આ સુવિધા પ્રાપ્ત કરવાનો. અલબત્ત મેં થોડું મોડું કરી દીધું છે. તને આપણી દોડધામ અને નવા મોબાઇલને લોન્ચ કરવાની તાણની પરિસ્થિતિનો અંદાજ છે જ એટલે વધારે સમજાવવાની જરૂર નથી...કંપનીની આ એક વધારાની કાર છે એટલે હમણાં નવી લેતા નથી...' આરવે કારની ચાવી કોઇ ભેટ અર્પણ કરતો હોય એવી અદાથી આપી.

રચનાએ ચાવી લઇ કાર જાતે ચલાવીને બહાર કાઢી પછી દરવાજાનો કાચ ખોલી ડોક કાઢી કહ્યું:'સરસ છે!'

'બસ તો વાપરવાનું શરૂ કરી દે...એક ચક્કર મારીને આપણી ઓફિસમાં આવ...' કહી આરવે રીમોટથી ગેરેજનો દરવાજો બંધ કર્યો.

રચના દમામથી કાર લઇને બહાર નીકળી. તે મનોમન હવામાં ઊડી રહી હતી.

રચના કાર ફેરવીને ઓફિસમાં પાછી ફરી અને બોલી:'આરવ, કાર ચલાવવાની મજા આવી. વર્ષો પહેલાં એની તાલીમ લીધી ત્યારે ચલાવી હતી. આ કાર ઓટોમેટિક છે એટલે વાંધો ના આવ્યો.'

'રચના, તને કાર ગમી એનો આનંદ થયો. હવે આપણા મોબાઇલ અને લગ્નના કાર્ડને તૈયાર કરીને વહેંચવાનું શરૂ કરી દેવું જોઇએ...' આરવ લગ્નની રાહ જોઇ રહ્યો હતો.

'હા! આપણે કાર્ડની ડિજિટલ કોપી પણ બનાવી રહ્યા છે. દરેક મહેમાનને એ ખાસ મોકલીશું.' રચનાએ આયોજન સમજાવ્યું.

રચના ખરીદી અને બીજા કામો માટે કાર લઇને વહેલી નીકળી ગઇ એ પછી લખમલભાઇની ચેમ્બરમાં હિરેન અને કિરણ ગંભીર વદને બેઠા હતા.

'જુઓ, તમે બંને કંપની માટે ઘણી મહેનત કરી છે અને આજે પણ કરી જ રહ્યા છો. આરવ મોડેથી જોડાયો છે અને દિલ દઇને કામ કરી રહ્યો છે. હવે તેની મદદમાં રચના આવી ગઇ છે. આપણે બધાંએ મળીને કંપનીને હજુ ઊંચા શિખરો પર લઇ જવાની છે.' લખમલભાઇ બંનેને જ્ઞાન આપી રહ્યા હતા. ત્યાં આરવ આવ્યો અને કહ્યું:'પપ્પા, ગયા વખતના મોબાઇલનો ના વેચાયેલો એક જથ્થો પાછો આવ્યો છે એને અપડેટ કરીને નવા વર્સન તરીકે ફરી એ જ કિંમતે બજારમાં મૂકીએ તો કેવું રહેશે? લોકોને એમ નહીં લાગે કે આપણે છેતરપીંડી કરી છે.'

'આ પણ રચનાનો જ વિચાર હશે નહીં?' હિરેન ટોન્ટ મારતો હોય એવા ટોનમાં બોલ્યો.

આરવે એ વાતને સહજ રીતે લઇ પૂછ્યું:'તમને કેવી રીતે ખબર પડી?'

'ભાઇ, હું તમારી કોઇ જાસૂસી કરી રહ્યો નથી. પણ રચના આજકાલ કંપનીમાં વધારે રસ લે છે એટલે કલ્પના કરી છે.' હિરેન હજુ સંભળાવવાના જ મૂડમાં હતો.

'બેટા, આપણા માટે તો સારી જ વાત છે કે રચના કંપનીને પોતાની માનીને રસ લઇ રહી છે. બાકી આટલાં વર્ષોમાં એક કર્મચારી એવો હોય તો બતાવ કે જેણે કંપનીની પ્રગતિમાં રસ લીધો હોય કે ક્યારેય કોઇ સૂચન કરી વિશેષ યોગદાન આપ્યું હોય?' લખમલભાઇએ જવાબ આપ્યો ત્યારે હિરેન અને કિરણને થયું કે તે કર્મચારીનું ઉદાહરણ આપી ક્યાંક અમને તો સંભળાવી રહ્યા નથી ને? હિરેનને કહેવાનું મન થઇ ગયું કે કોઇ કર્મચારીને કંપનીના પરિવારના સભ્ય બનવાની દાનત ન હતી.

'હા, રચના સાથે લગ્ન કરવાનો મને વિચાર આવ્યો ન હતો ત્યારથી જ એ લગનથી કંપની માટે કામ કરી રહી છે...' આરવે સૂર પુરાવ્યો.

હવે કિરણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં બોલ્યો:'રચનાની કામગીરી પ્રશંસનીય છે અને હવે એ આપણા ઘરની વહુ બની રહી છે એ આનંદની વાત છે. મને લાગે છે કે લગ્ન પછી એની ઘર-પરિવારની જવાબદારી વધી જશે એટલે કંપની પર વધુ ધ્યાન આપી શકશે નહીં અને સમય ફાળવવાનું પણ મુશ્કેલ બનશે. માત્ર એના ભરોસે રહી શકાશે નહીં...'

હિરેને બાજી વધારે ફેલાવવાના આશયથી સાથ આપતાં કહ્યું:'હા, રચનાની સામાજિક જવાબદારીઓ પણ વધી જશે...એના પર કંપનીની વધુ જવાબદારીઓ નાખી શકાશે નહીં.'

લખમલભાઇને બંનેની વાત વ્યાજબી લાગી રહી હતી. આરવને થયું કે હિરેન અને કિરણ વધારે પડતા સામાજિક થઇને વિચારી રહ્યા છે. તે બોલ્યો:'રચના હોંશિયાર છે. એ બધું જ મેનેજ કરી શકે એમ છે.'

'હા, એ વાતનો તો મને એના પર વિશ્વાસ છે. પણ હિરેન અને કિરણની વાત સાચી છે. આપણે રચના પર વધારે જવાબદારી નાખી શકીએ નહીં. એ એની ફુરસદે જેટલું કામ કરવું હોય એટલું કરી શકશે...' લખમલભાઇ કંઇક વિચારીને બોલ્યા.

'મને સમજાયું નહીં.' આરવ નાદાન હોય એમ બોલ્યો.

'આરવ, અમારો કહેવાનો મતલબ એ છે કે આઇ.ટી. ની કર્મચારીના સ્થાન પર બીજી કોઇ છોકરીને લેવાની જરૂર છે. આમ પણ રચના હવે કંપનીની ડિરેક્ટર બની જશે એટલે કર્મચારી રહેવાની નથી.' હિરેને કિરણ તરફ સિફતથી આંખ મીંચકારીને કહ્યું.

આરવ અને લખમલભાઇ એ વાતથી અજાણ હતા કે બંને ભાઇઓ કઇ ચાલ ચાલી રહ્યા છે.

ક્રમશ: