Dashavtar - 1 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 1

Featured Books
  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 1

દશાવતાર

વિકી ત્રિવેદી

 

          માત્ર માનવ આકારના પણ માનવ ન કહી શકાય એવા પચ્ચીસ હજાર લોકો નિદ્રાને હવાલે થયેલા હતા એ સમયે પાટનગરની એક વેરાન હોસ્પિટલમાં એક સફેદપોશ વ્યક્તિની આંખમાં ઊંઘનું નામ નહોતું. એનું શરીર દેવતાઓના ખાસ પહેરવેશ એવા સફેદ જભ્ભા અને એવા જ સફેદ પણ એના કરતાં જરા વધુ મજબૂત કાપડમાંથી તૈયાર થયેલા પાયજામામાં જરા વિચિત્ર લાગતું હતું. માત્ર કાપડની સફેદી જ નહીં પણ તેની શારીરિક રચના પણ તદ્દન નોખી હતી. જોકે દેવતાઓ માટે એ સમાન્ય શારીરિક રચના હતી. પાટનગરમાં વસતા દરેક દેવતા જેમ એના માથા પર વાળ નહોતા, એને દાઢી મૂછ તો શું આંખો પર ભ્રમરના વાળ પણ નહોતા.

          બહાર પવન ફૂંકાતો હતો. એકાએક બાળકના રડવાનો અવાજ એ સુસવાટામાં સંભળાયો અને એ સફેદ વસ્ત્રધારી આદમી ઊભો થઈ ગયો.

          એ હોસ્પિટલ રૂમના દરવાજા પાસે ગયો અને એના હાથ આપમેળે જ દરવાજા સુધી પહોચ્યા. તેની આંખો ભોયતળિયાની હલકી ગુણવત્તાની અને સમયની સાથે જૂની અને પીળી પડી ગયેલી ટાઈલસો પરથી હટીને દરવાજાના ઉપરના ભાગમાં રચેલી ચોરસ નાનકડી બારી પર પહોચી બહારના હોલ-વેનો તાગ મેળવવા લાગી. બારીનો કાચ તો ક્યારનોય વિતેલા સમયનો પ્રતિક બનતો ફર્શ પર ખાંડના ભૂકા જેમ વિખેરાયેલો પડ્યો હતો. બસ એની દર્ષ્ટિને કોઈ બાધા નડી તો એ હતી બારીમાં સલામતી માટે લગાવેલા સળિયાની જાળીદાર ભાત.

          કાચી સેકન્ડમાં બહારની સ્થિતિનો તાગ મેળવી એ આદમીએ દરવાજાને પોતાના શરીરનું પૂરું વજન આપી ધક્કો લગાવ્યો. જોકે એને એવું કરવાની કોઈ જરૂર નહોતી કેમકે દરવાજાની કડી અને આગળો તો ક્યારનાય તૂટી ગયા હતા. દરવાજો એક હળવા ધક્કાથી પણ ખૂલી જાય તેમ હતો. જરા વધુ પડતાં ધક્કાને લીધે દરવાજો તીણિ ચિચિયારી કરતો ખૂલી ગયો અને બહારથી ધસી આવેલી હવાનો તેજીલો ઝાપટો એના ચહેરા સાથે અથડાયો. હવા ઠંડી અને કોઈ અજબ ભય લઈને આવી હતી પણ એ ભયની એના પર કોઈ અસર ન થઈ હોય એમ એને ગણકાર્યા વગર એ ઉંબરો પાર કરી હૉલ-વેમાં દાખલ થયો.

          હૉલ-વે વિશાળ, વિરાન અને અંધારિયો હતો. જોકે એના માટે અંધકાર કોઈ અવરોધ નહોતો કેમકે એ 36મી સદી હતી અને એ સમયે ન્યૂરોસાયન્સ, નેનો સાયન્સ અને જેનેટિક એંજિનિયરિંગના દરેક રહસ્યો માનવ ઉકેલી ચૂક્યો હતો. કદાચ એ વિકાસ જ માનવજાતના વિનાસનું કારણ બન્યો હશે પણ અત્યારે એ જીવવિજ્ઞાન ક્ષેત્રે થયેલી પ્રગતિ એના માટે આશીર્વાદરૂપ હતી. એની આંખોમાં લગાવેલા નાઈટ વિઝન ઓર્ગન એને અંધકારમાં પણ 256 ફૂટ જેટલા અંતર સુધી જોઈ શકવાની ક્ષમતા આપતા હતા. તેની સુપરહ્યૂમન આંખોએ હૉલના એક તરફના ખૂણે મેટલના જર્જરિત થયેલા ટેબલ અને તેના પરના વિવિધ ઈલેક્ટ્રોનિક મશીનોને જોયા. ચારે તરફનો ખાલીપો જોઈ એણે એક નિસાસો નાખ્યો. એ હોલની એકલતા જોતાં એમ લાગતું હતું જાણે આખું વિશ્વ એ જગ્યાને એકલું છોડી ક્યાક ચાલ્યું ગયું છે. જાણે કે એ એક એકલવાયી ઇમારતને પાછળ છોડી દુનિયા ક્યાક બીજે જ સ્થાયી થઈ ગઈ છે! પણ એ સાચું નહોતું. દુનિયા ક્યાય ગઈ નહોતી. દુનિયા બચી જ ક્યાં હતી? બસ રહ્યા સહ્યા લોકો પૃથ્વી પર અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણમાં હતા.

          સફેદપોશ આદમી ઉતાવળા પગલે હૉલ-વે પાર કરી આગળ વધ્યો. ઉતાવળમાં એને એ પણ યાદ ન રહ્યું કે હોસ્પિટલમાં લિફ્ટની સુવિધા છે. એ લગભગ દોડતો જ સીડીઓ ચડી છત પર પહોંચ્યો.

          છત પરથી આખા પાટનગરને જોઈ શકાતું કેમકે હોસ્પિટલ પાટનગરની એક સમયની ઊંચી ગણાતી ઈમારતોમાંથી એક હતી. સફેદપોશની નજર આખા શહેર પર એક આંટો લગાવી આવી. શહેરની બહુમાળી ઇમારતોની અસંખ્ય બારીઓમાંથી આવતા પ્રકાશને લીધે આખું શહેર દેખાતું હતું. જોકે કોઈ એક ખાસ ઈમારતને ઓળખી શકવું મુશ્કેલ હતું.

          તેણે ફરી એક ઊંડો નિસાસો નાખ્યો કેમકે એની નજર સામે જે પાટનગર દેખાતું હતું એવું પાટનગર એણે ક્યારેય કલ્પ્યું નહોતું. ગગનચુંબી ઇમારતો રેતના દરિયામાંથી બહાર નીકળી આકાશને આંબવા મથતી હતી. કોઈ સીધી, કોઈ લંબચોરસ, કોઈ પિલર જેવી તો કોઈ ગોળાકાર, કોઈ ત્રિકોણાકાર તો કોઈ વળી અલગ જ આકારની અને મોટે ભાગે કાચથી મઢેલી ઇમારતોને જોઈને માત્ર અને માત્ર નિસાસા જ નીકળ્યા કારણ કે ઈમારતોની ચારે તરફના રસ્તાઓ વેરાન અને રેતના ઢુવાઓથી ઘેરાયેલા હતા. પ્રલય સમયે સૂર્ય-પ્રકોપે ભારતવર્ષને એક વિશાળ રેગિસ્તાનમાં ફેરવી નાખ્યો હતો અને પાટનગર સિવાયના સામાન્ય શહેરોમાં તો મોટા ભાગની ઇમારતો અડધે સુધી રેતના ઢુવામાં ગરકાવ થઈ ગઈ હતી.

          રસ્તાઓ પર માત્ર અને માત્ર ચાંદનીથી ચમકતી રણ જેવી રેત ફેલાયેલી જોઈ એક પળ માટે સફેદપોશની આંખોના ખૂણા ભીના થઈ ગયા પણ અત્યારે એના મનમાં એ અફાટ રેતીના આગળ વધતાં સમુદ્ર કરતાં પણ વધુ તણાવ આપનારી કોઈ બાબત ચકરાવો લેતી હતી.

          એણે આસપાસની તબાહીને ભૂલી જવાનો પ્રયત્ન કરતાં આકાશ તરફ નજર કરી. ચંદ્રનો ઉજાસ એના ચહેરા પર પડતાં એનો ચહેરો એકદમ ચોખ્ખો દેખાયો. એના આખા ચહેરા પર અને જભ્ભો જ્યાં ખુલ્લો હતો ત્યાં શરીરના ભાગે એક વિચિત્ર ચીજ દેખાઈ. એનો ચહેરો જ નહીં પણ આખું શરીર નાની નાની લીલી નસોથી ધેરાયેલું હતું. એવી જ વિચિત્રતા એની આંખોમાં હતી. જેમ કોઈ અવાવરુ સ્થળ કરોળિયાના જાળાથી ઘેરાયેલું હોય એમ એની આંખો પાતાળા દોરા જેવી અનેક લાલ નસોથી છવાયેલી હતી.

          સફેદપોશ છેલ્લા નવ મહિનાથી ચિંતાતુર હતો પણ આજે તેની ચિંતા આસમાને હતી. એની કીકીઓ આકાશમાં કશુંક શોધવા લાગી. ચંદ્ર ધીમી ગતિએ આકાશી સફર ખેડવા આગળ વધી રહ્યો હતો. ચંદ્ર પણ એક નજરે તો એકદમ ફિક્કો, ઝાંખો, ઉદાસ અને કાટ લાગેલા લોઢાં જેવો જીર્ણ લાગતો હતો. કદાચ કલિયુગ એની ચરમસીમાએ હતો એટલે જ લાખો તારાઓના તારા મંડળની સેના લઈને નીકળેલો એ ચંદ્ર નાશીપાશ થયેલો હતો. એ અંધકારનો યુગ હતો અને એ યુગમાં અંધકારને હટાવવો સહેલૂ કામ નહોતું. રાતના અંધકારને ભેદવા મથતો, હાંફતો, થાકેલો ચંદ્ર જે ગતિએ આગળ વધતો હતો એ જ ધીમી ગતિએ સફેદપોશનો હાથ એના જભ્ભાના ખિસ્સામાં પહોચ્યો.

          તેણે જભ્ભાના ખિસ્સામાંથી ઘડી કરેલો ચામડાનો નકશો કાઢીને એની ઘડી ખોલી એક નજર એના પર બનાવેલા સિતારાના નકશા પર કરી. એક પળ સિતારાના નકશાનું અવલોકન કરી ફરી એની આંખો આકાશ તરફ મંડાઈ.

          ‘એ ત્યાં જ છે.... બરાબર ત્યાં જ જ્યાં એ હોવું જોઈએ...’ એ સ્વગત બબડ્યો. ‘એ ધનિશા નક્ષત્રમાં છે...’

          એની કીકીઓ જીણી થઈ ચંદ્રને જોવા લાગી, ‘ધનિશા નક્ષત્ર... એનો સીધો જ અર્થ સ્મૃધ્ધિ, પ્રખ્યાતિ અને શાસન સાથે છે...’ એ ફરી બબડ્યો.

          તેની આંખો સૂર્યની ગેરહાજરીમાં પણ ચંદ્રના સ્થાનને જોઈ બરાબર એ સમયે સૂર્ય કયા સ્થાન પર હશે એનો અંદાજ લગાવવા માંડી. તારાઓને વાચવામાં નિષ્ણાત એવા સફેદપોશ માટે એ કામ અઘરું નહોતું. ચંદ્રના સ્થાનને આધારે સૂર્યની ગેરહાજરીમાં પણ એણે સૂર્ય કઈ રાશિ અને કયા નક્ષત્રમાં હશે એનો અંદાજ લગાવી લીધો.

          ‘સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ્યો છે... સ્વાતિ અર્થાત શમશેરનું નક્ષત્ર.. તલવારનું પ્રતિક...”

          ઠંડો પવન એના સફેદ પોષાકને ઉખાડી ફેકવા માંગતો હોય તેમ તેજ ગતિએ ફૂંકાતો હતો અને એનું શરીર નાના બાળકની જેમ ધ્રુજતું હતું પણ એ બધાની જાણે એના મન પર કોઈ અસર ન હોય તેમ એની આંખો ફરી એકવાર પશુના ચામડા પર તૈયાર કરેલા સિતારાના નકશા પર સ્થિર થઈ.

          “ગુરુનું સ્થાન...” એ જાણે પોતાને જ ઠપકો આપતો હોય એમ બોલ્યો, “વિષ્ણુયશા, તું એટલી મહત્વની બાબત કઈ રીતે ભૂલી શકે?” એણે ફરી આકાશ તરફ નજર કરી.

          ગુરુ પૂર્વ અષાઢા નક્ષત્રમાં હતો. એક ક્ષણ માટે તો વિષ્ણુયશાને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. એ સાચો હતો. એની શંકા સાચી હતી. એ બેમતલબ ચિંતિત નહોતો. છેલ્લા નવ મહિનાથી એ જે બાબતને લઈને ચિતામાં ડૂબેલો હતો એ સાચી હતી.

          તેણે શનિનું સ્થાન તપાસ્યું. એ પણ બરાબર એના હાથમાં પકડેલા સિતારાના નકશા પ્રમાણે હતું. શનિ તુલા રાશિમાં હતો. તલવાર અને ન્યાય બંને વચ્ચે બરાબર સમતોલન સૂચવતું શનિનું સ્થાન બાળક વિષે એણે જે વિચાર્યું એ સાચું હતું એની ખાતરી આપતું હતું. કેતુ... કેતુ વૃશ્ચિકમાં હતો મતલબ એ નક્ષત્રમાં જન્મનાર બાળક વિષ્ણુનો દશમો અવતાર છે – કલ્કી અવતાર, સફેદ ઘોડા પર સવાર થઈ દુનિયાને અસૂરોથી મુક્ત કરાવવા માટે જન્મનાર અવતાર.

          હવે વિષ્ણુયશાને આકાશમાં કોઈ ચિહ્ન ચકાસવાની જરૂર રહી નહોતી. અવતારના આગમનની દરેક એધાણી તેને મળી ગઈ હતી. આખું આકાશ અને સિતારા આવનાર અવતારનું સ્વાગત કરતાં હોય તેવું તેને લાગ્યું. હવે કોઈ ચકાસણી બાકી હતી તો એ હતી બાળકના શરીર પરના ગર્ભિત સંકેતો.

          એ ઉતાવળે સીડીઓ ઉતર્યો. એ હજુ પણ એટલો ચિંતિત હતો કે ઉતરવા માટે પણ લિફ્ટનો ઉપયોગ કરવાનું એને યાદ ન આવ્યું.

          વિષ્ણુયશાની પત્ની સુમતિએ થોડીક મિનિટો પહેલા જ એક બાળકને જન્મ આપ્યો હતો. એ જ બાબતને લઈને વિષ્ણુયશા છેલ્લા નવ મહિનાથી ચિંતિત હતો. જ્યારે સુમતિએ ગર્ભ ધારણ કર્યો એ સમયે એણે આકાશના તારાઓ વાંચ્યા હતા અને એ સિતારાઓ એક જ દૈવી રહસ્ય તરફ ઈશારો કરતાં હતા. બીજું પાટનગરમાં સ્થિત એમના વિશાળ મહેલ સમાન ઘર સામે અશ્વથાનું વૃક્ષ ધાર્મિક પુસ્તકોમાં લખેલી ભવિષ્યવાણીને સાથ આપતું હતું. અરે, ખુદ પાટનગર, તેનો દુષ્ટ, ઘાતકી અને અન્યાયી શાસક કારુ જે પોતાને ભગવાન કહેતો હતો પણ વાસ્તવમાં એક રાક્ષસ હતો. ચતુષ્કોણમાં રહેતા નિર્ભય સિપાહીઓમાંથી મોટાભાગના સિપાહીઓ નિર્ભયને બદલે નિર્દય હતા, એ બધી જ બાબતો અવતારના પૃથ્વી પર આવવાના સંકેતો નહિ તો બીજું શું હતું?

          પ્રાચીન પુરાણના ત્રીજા અધ્યાયના સાતમા ખંડના સોળમાં શ્લોકમાં કહ્યા મુજબ આજે વૈશાખ મહિનાની અજવાળી બારસ હતી. એટલે જ વિષ્ણુયશા એની પત્ની સુમતિને પાટનગરની કારુ શાસિત કોઈ હોસ્પિટલમાં લઈ જવાને બદલે વર્ષોથી બંધ એક હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. એ પોતે એક ડોક્ટર હતો અને એટલે જ એ વર્ષોથી બંધ હોસ્પિટલના આઉટ ઓફ ડેટ સાધનો વડે પણ સુમતિની સર્જરી કરવામાં સફળ રહ્યો હતો. એ સર્જરી જોખમી હતી પણ જોખમ ક્યાં નહોતું?

          આખા પાટનગરની કોઈ પણ હોસ્પિટલ આ બાળક માટે સલામત નહોતી. પાટનગરના નિયમ મુજબ બાળક જન્મતા જ હોસ્પિટલ સ્ટાફ બાળકના શરીરમાં જી.પી.એસ. ચિપ બેસાડી દેતો. પાટનગરનો કાનૂન કહેતો કે એ ચિપ ભવિષ્યમાં ક્યારેય બાળક ખોવાઈ જાય કે તેનું અપહરણ થાય તો તેને શોધવા માટે હતી. કારુ તરફથી દરેક બાળકની સલામતી માટે એ ચિપ લગાવવમાં આવતી પણ વિષ્ણુયશા પોતે કારુ માટે કામ કરતો હતો. એ જાણતો હતો કે એ ચિપ અપહરણને રોકવા કે ખોવાયેલા બાળકોને શોધવા માટે નહીં પણ પાટનગરમાં જન્મેલા દરેક બાળક પર નજર રાખવા માટે હતી. પાટનગરની દરેક વ્યક્તિ, દરેક સ્ત્રી પુરુષ અને બાળક કયા સમયે ક્યાં છે એના પર કારુ હંમેશાં નજર રાખતો. વિષ્ણુયશા જાણતો હતો કે એકવાર બાળકના શરીરમાં એ ચિપ દાખલ થઈ જાય એ પછી તેને કારુથી છુપાવવું અશકય બની જાય. એકવાર કારુ જાણી લે કે બાળક ખરેખર કોણ છે તો ચતુષ્કોણમાં રહેતા નિર્ભય સિપાહીઓનું એક જ લક્ષ બની જાય – બાળકને મારી નાખવું.

          વિષ્ણુયશા છેલ્લા નવ મહિનાથી જાણતો હતો કે એનું જીવન બદલાઈ જવાનું છે. એ એની પત્ની સુમતિ સાથે પાટનગરમાં એક સુખી જીવન વિતાવતો હતો. એ સ્ટેશન બિલ્ડીંગ પર દિવ્યયંત્રનો એકમાત્ર ઓપરેટર હતો. એનું કામ દીવાલની પેલી તરફથી આવતા શૂન્ય લોકોની દૈવી પરીક્ષા લેવાનું હતું.

          વિષ્ણુયશા મજબૂત અને ઊંચો માણસ હતો. 36મી સદીમાં પણ એણે વિજ્ઞાન ક્ષેત્રે એવા સંશોધન કર્યા હતા કે ખુદ કારુએ જ એને ‘વૈધરાજ’ ઉપનામ આપી નવાજયો હતો. તેની પત્ની સુમતિ સુંદર અને પાતળા બાંધાની હતી. એ પાટનગરની સ્ત્રીઓ કરતાં એકદમ અલગ હતી. જ્યાં કલિયુગ પોતે જ માનવરૂપ ધારણ કરી શાસન કરતો હતો એવા પાટનગર કે જે લંકા કરતાં પણ વધુ દુષ્ટ પ્રદેશ હતો એવા પ્રદેશમાં પણ સુમતિ ધર્મથી ચલિત થઈ નહોતી. તે દયાળુ અને નમ્ર હતી. અન્યની મદદ કરવા માટે એ ગમે તે જોખમ લેવા તૈયાર થઈ જતી. તેના ચહેરા પર હંમેશાં દિવ્ય તેજ અને એના હોઠ પર મીઠું સ્મિત રહેતું જેનું કારણ સુમતિએ કરેલા ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ હતું. પ્રલય પછી એકાએક ઉદભવેલા આ નવા ભગવાન કારુએ પ્રલય પહેલાના દરેક ભગવાનની પૂજા બંધ કરાવી હતી, દરેક જૂના ગ્રંથો પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને એવા કોઈ પણ ગ્રંથનું વાંચન કે એ ગ્રંથ સાથે પકડાવાની સજા મૃત્યુદંડ હતી છતા સુમતિ છાને છાને એ પુરાણો જેવા પુસ્તકોનો અભ્યાસ કરતી કેમકે એ જાણવા માંગતી હતી કે જૂના સમયના ભગવાન જે આકાશમાં રહેતા એ કેવા હતા? પ્રલય કેમ આવ્યો? અને ખાસ તો આ નવો ભગવાન કેમ એ જૂના ભગવાન જેમ દયાળુને બદલે દુષ્ટ છે?

          સુમતિ જાણતી હતી કે તેનું એ દૂસાહસ એમના જીવનને છિન્નભિન્ન કરી શકે તેમ છે. એમની પાસે ખોવા માટે ઘણું બધુ હતું. વિશાળ મહેલ જેવુ ઘર, જ્યારે દુનિયાની ત્રીજા ભાગની વસ્તી પીવાના પાણી વિના ટળવળતી હતી એ સમયે પીવા અને નહાવા માટે પાણી, પાટનગરના દેવતાઓ પાસે ભાગ્યે જ જોવા મળે તેવી રથ-226 કાર અને એવી કેટલીયે સુવિધાઓ જે નામશેષ થઈ ચૂકી હતી. પણ સુમતિ એ બધુ ખોવાનું જોખમ લેવા તૈયાર હતી કેમકે એનામાં જાણવાની આતુરતા હતી. આતુરતા એક એવી ચીજ છે જે તમને એ કામ કરવા માટે પ્રેરી શકે છે જે કરવાની કલ્પના કરતાં પણ તમે ધ્રુજી ઉઠતાં હોવ. આતુરતા ભયને ગળી જાય છે અને ક્યારેક એના ભયાનક પરિણામ પણ માણસે ભોગવવા પડે છે.

          જોકે સુમતિના દૂસાહસની જાણ કારુને ક્યારેય થઈ નહોતી પણ વિષ્ણુયશા જાણતો હતો કે આજે જે ઘટના બની એ કારુથી છુપાવવી અશકય છે. સુમતિએ જે બાળકને જન્મ આપ્યો એ બાળક અન્ય દેવતાઓ જેવુ નહોતું. એની આંખો કરોળિયાના જાળાં જેવી રાતી નસોવાળી કે એનું શરીર પાતળા વેલા જેવી લીલી નસોવાળું નહોતું. બાળકના માથા પર વાળ હતા જે એક દેવતાના બાળકના માથા પર હોવા અશકય હતા. એ બાળકને છુપાવવું અશક્ય હતું.

          આજે ગુરુવાર હતો અને એ ઘટના બની જેને લઈને વિષ્ણુયશા સતત વિચારનગ્ન હતો. આકાશના નક્ષત્રો સૂચવતા હતા કે કળિયુગનો અંત થવાનો છે. ટૂંક સમયમાં આખા ભરતવર્ષમા જ્ઞાનનો ઉદય થવાનો છે. કળિયુગને સત્યયુગમાં પરિવર્તિત કરવાની શક્તિ લઈને જન્મ લેનાર બાળક પોતાના જ ઘરમાં કે જે દુષ્ટ કારુએ બનાવેલા પાટનગરમાં હતું ત્યાં અવતાર લેશે એવી કલ્પના પણ વિષ્ણુયશાએ ક્યારેય કરી નહોતી પણ છતા એ બન્યું. અવતારે એના ઘરે જન્મ લીધો.

          જ્યારે વિષ્ણુયશા સીડીઓ ઉતરી હૉલ-વેમાં પ્રવેશ્યો ત્યારે હોલવે પહેલા જેમ અંધારિયો કે વેરાન નહોતો. હૉલ-વેની ટ્યૂબલાઈટો ચારે તરફ પ્રકાશ રેલાવતી હતી અને એ ઉજાસમાં વિષ્ણુયશાએ હૉલ-વેના પ્રવેશદ્વાર પાસે પથ્થરની જેમ સ્થિર ઊભેલી આકૃતિ જોઈ.

          આકૃતિ હળવેથી વિષ્ણુયશા તરફ ફરી. એનો ચહેરો મહોરાંમાં ઢંકાયેલો હતો છતા એ મહોરું જાણે એના ચહેરાનો જ એક ભાગ હોય કે પારદર્શક કાપડનો બનેલ હોય તેમ એના ચહેરાના ખાસ્સા લક્ષણો મહોરાં ઉપર પણ દેખાઈ આવતા હતા. મહોરું કોઈ એવી જટિલ રચના જેવું હતું કે જાણે એ વ્યક્તિના ચહેરાનો જ એક ભાગ હોય અને જો એ મહોરું ખેચી કાઢવામાં આવે તો એ વ્યક્તિની ચામડી પણ ઊખડીને સાથે આવી જાય.

 

ક્રમશ: