વસુધા -વસુમાં
પ્રકરણ 54
ભાનુબહેને સરલાની ફારગતી શબ્દનો ઉપયોગ કર્યો અને વસુધાએ એમને એવી કાળવાણી ઉચ્ચારતાં અટકાવી દીધાં હતાં. પછી ભાનુબહેને વસુધાને સાંભળી સરલા માટે એણે પ્રેરણાત્મક શબ્દોનો ઉપયોગ કર્યો આંગણાંને પાવન કર્યું એમને ખુબ ગમ્યું અંદરને અંદર હ્ર્દયમાં ક્યાંક હાંશ અને સંતોષ અનુભવ્યો છતાં એમણે વસુધાને પૂછી લીધું “ વસુ તારી આવી વિચારવાણી તારો આ કુટુંબ માટેનો પ્રેમ ફરજ જોઈને હું ભગવાનને મનોમન કહી રહી હતી કે કેવી સંસ્કારી અને લાગણીથી ભરપૂર છતાં હિંમતવાળી છોકરી મારે ઘરે મોકલી છે પણ એકવાત મને સમજાવ ભલે મને ગમ્યું તેં કહ્યું આ "પાવન આંગણું" આટલાં વર્ષો ગયાં...હું આ ઘરમાં પરણીને આવી હતી પછી સરલા અને પીતાંબરનો જન્મ થયો એમને "યથાશક્તિ... મારી સમજ સંસ્કાર પ્રમાણે ઉછેર્યા પણ આ આંગણું તે પાવન કર્યું...” એમ કહેતાં કહેતાં એમની આંખો નમ થઇ ગઈ.
વસુધાની આંખો પણ ભીનાશ વળી હતી એણે એની સાસુનું કહ્યું સાંભળ્યું સરલાને વળગીને થોડું રડી...પછી આંખોનાં આંસુનાં તોરણ લૂછીને બોલી “માં...જે ઘરમાં તમારાં જેવાં માંબાપ હોય...વહુને દીકરી જેવી માત્ર ગણતાં નાં હોય પણ એવી રીતે સ્વીકારી હોય...દીકરો ગામતરું કરી ગયો છતાં દીકરી જેવી વહુંની કાળજી ચિંતા કરતાં હોય હૂંફ અનુભવતાં હોય જ્યાં સત્યનો આશરો લેવાતો હોય ત્યાં મૂંગા ઢોર પશુઓ ઘરનાં સભ્યોની જેમ સાચવતાં હોય...માં...એ આંગણું પાવન જ હોય...એટલેજ આપણું પાવનજ છે.”
ભાનુબહેન અને સરલા તથા ગુણવંતભાઈ પણ દૂર બેઠાં બધું સાંભળી રહેલાં... બધાંની આંખો નમ હતી અને સરલા ફરી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી વસુધાને વળગી ગઈ. વસુધાનો પણ ડૂમો છૂટી ગયો એ પણ સરલાને વળગી રડી પડી.
થોડીવાર પછી સ્વસ્થ થતાં બોલી “માં... પાપા...સરલા હવે આપણે હિંમત રાખી આગળનાં ભવિષ્યનું વિચારવાનું છે આપણી ઘવાયેલી સંવેદનાઓને દીલમાં ધરબાઈ દેવાની છે આપણે કરવાનાં કર્મ પર ધ્યાન આવાનું છે આપણી આકુ મોટી થશે એનામાં પણ પરિસ્થિતિ વિપરીત આવે રડીને આંસુ સારી બેસી રહે એવું નથી શીખવવાનું દરેક સ્થિતિ સંજોગનો સામનો કરી એનાં પર વિજય મેળવવાનો પ્રયત્ન, પરિશ્રમ કરવાનો છે. આપણી પાસે છે એ પરંતુ છે પણ સમાજને આપણે શું આપી શકીએ ? વિપરિત સંજોગોનો સામનો કરતી આપણી બહેનો, દીકરીઓને ક્યાંય ખોટી રીતે વિવશ ના થાય...ભાંગી ના પડે અને સર્વાંગી સ્વાવલંબી બને એવો આપણે સામાજીક પ્રયાસ કરવાનો છે આપણું કરીને બેસી નથી રેહેવું...એમાં આપણું તો થશેજ સાથે સાથે સમાજની બહેનો બેઠી થશે.”
વસુધાને સાંભળીને સરલા અને ભાનુબહેન એકી અવાજે બોલી ઉઠ્યાં “દીકરા તારી વાત સાચી છે તને જે સ્ફુર્ણા મળી રહી છે એમાં અમારો સાથ છે... બસ આપણી આકુ પણ સરસ રીતે ઉછરીને મોટી થાય...મને ઊંડે ઊંડે હતું તને છોકરો આવશે આપણો કુળદીપક આપણો વંશવેલો આગળ ઘપાવશે પણ ઈશ્વરને જે ગમ્યું એ ખરું હવેતો વંશવેલો વધારનાર પણ ના રહ્યો.” એમ કહી સાડલો મોઢે આડો કરી રડવા લાગ્યાં...
વસુધા સાંભળીને થોડીવાર ચૂપ રહી...એનો ચહેરો પડી ગયો એને આવું સાંભળી જાણે દુઃખ થયું હતું એણે કહ્યું “માં...કુળદીપક માત્ર દીકરોજ હોય શકે ? દીકરી નહીં ? પીતાંબર નથી રહ્યાં...એનો ખુબ શોક છે મારાં માટે જીંદગી ભરની ખોટ છે પણ જો બીજી છોકરીજ આવી હોત તો ? હવે આ જમાનામાં દીકરી -દીકરા વચ્ચે નો ભેદ કેવો ? દીકરો નાલાયક કે કુળ ડુબાવનાર નીકળે તો શું કરો ? દીકરી તો બે બે ઘર ઉજાળે...એક પોતાનાં પિતાનું બીજું એનાં પતિનું...આવો લ્હાવો દીકરાઓને નથી મળતો માં...આજે તો દીકરીઓ ઘણી આગળ છે દરેક ક્ષેત્રમાં પાવરધી છે અરે પુરુષોને પાછળ કરી દે એવી વીરાંગનાઓ છે. તમે સ્ત્રી કે દીકરીઓને ક્યાંય ઓછી ના આંકશો...મારાં માટે ...એટલેકે આપણાં માટે આકુ... આપણી આકાંક્ષા દીકરો અને દીકરી બંન્નેની ફરજો બજાવશે અને કુટુંબનું નામ ઉજળું કરશે જોજો આપણે એને ઉછેરમાં, સંસ્કારમાં , કેળવણીમાં ક્યાંય કચાશ નહીં રાખીએ...”
“માં...બીજી ખાસ વાત કહું ? પીતાંબર છોડીને ગયાં પછી આ પાવન આંગણાંનું નામ હું અને સરલાબેન ઉજ્વળ કરીશું અમે બંન્ને તમારી વહુ દીકરી છીએ હું તમને વચન આપું છું આ આંગણું કે આ કુટુંબનું નામ અજ્વાળીશું...ખુબ ખંત અને લગનથી કામ કરીશું આ ખોરડું નામ કાઢશે યાદ રાખજો...”
ભાનુબહેન વસુધાનાં ઓવારણાં લીધાં અને આશીર્વાદ આપ્યાં અને કહ્યું “બસ દીકરાં મારાં તમને બંન્નેને ખુબ આશીર્વાદ છે. અમારો બધામાં સહકાર છે અને સામાજીક રીતે તમારું રક્ષણ કરવાં વાળા પણ છીએ તમે નિશ્ચિંન્ત થઈને તમારાં મનમાં જે પ્રયોજનો હોય એ પુરા કરો..”.
ગુણવંતભાઈએ કહ્યું “ભાનુનીવાત સાચી છે બેટાં તું અને સરલા હવે કાર્યરત થઇ જાઓ...મને એવો પણ વિશ્વાસ છે કે ભાવેશકુમાર એમની મેતેજ પાછા આવશે અને તારાં સમજાવ્યાં પછી વિશ્વાસ બેવડો થઇ ગયો છે.”
વસુધાએ કહ્યું “પાપા શુભસ્ય શીઘ્રમ...તમારી યોજના મુજબ પહેલાંજ આપણે દૂધ મંડળીમાં આવનાર ચૂંટણીમાં મારુ ફોર્મ ભરાવી દો... બીજું પીતાંબરના મૃત્યુ ના જવાબદારને સજા અપાવીશું અને પીતાંબરે જે કામ હાથમાં લીધું હતું ડેરી અંગેનું એ કામ હું અને સરલાબેન આગળ વધારીશું. અમે આવતીકાલેજ એમનાં આણંદનાં મિત્ર નલિનભાઈની સાથે વાત કરીને ફરીથી બધું સમજી આવીશું અને જે વાસ્તવિકતા હશે એને સમજીને આગળ નિર્ણય લઈશું...”
સરલાએ કહ્યું “સાચીવાત છે વસુભાભી હું ગામમાં રમણકાકાને ઘરે ગઈ હતી ત્યાં એમની દીકરી અને વહુ બંન્ને મળ્યાં હતાં. રશ્મી અને દીકરી ભાવના એ એનાં સાસરેથી પાછી આવી છે એ ખુબ ઉદાસ રહે છે...હું એને મળી પછી મને એનું દુઃખ સ્પર્શી ગયું મને બધુંજ જાણે સમજાઈ ગયું એને પણ બોલાવીશું એ કોઈ કામમાં ગૂંથાશે એનો મૂડ સરખો થઇ જશે. પાપાનાં ખાસ મિત્રની દીકરી છે એમ પણ...”
વસુધાએ કહ્યું “આવતીકાલે આણંદ જઈએ ત્યારે ભાવનાને સાથે લઇ જઈશું એપણ બધું જોશે શીખશે ખાસ તો એનું મન વળી જશે.”
ત્યાં દિવાળીફોઈએ કહ્યું “વસુ જોતો આકુ બહુ રડે છે ક્યારની ઘોડીયું હીંચું છું પણ એમ હવે જબરી થઇ ગઈ છે તારો અવાજ એ સાંભળે પછી છાનીજ રહેતી નથી...એને હવે લઇ લે થોડો વખત...” અને વસુધા તરતજ આકુને સુવાડી હતી ત્યાં ગઈ.
ભાનુબહેને કહ્યું “સરલા આપણે રસોઈનું બધુંજ પરવારી જઈએ આમ પણ કાલથી તમે બધું કામ શરૂ કરવાનાં...દિવસ પણ સારો છે ગુરુવાર...બસ તમને બધી રીતે સફળતા મળે...”
વસુધા આકુને ઉંચકીને બહાર લાવી અને બોલી “ઓ સરલાફોઈ અમારે ઊંઘવું નહોતું બહાર ફરવું હતું છતાં દિવાળી બા સુવાડી રાખે તો રડીએજ ને ?” એમ કહી હસ્તી હસ્તી એને લાલી પાસે લઈને ગઈ...
દિવાળીફોઈ એ કહ્યું “તારી દીકરી તારાં જેવીજ છે ફરવું છે તો રડવું છે.” એમ કહી હસી પડ્યાં... ત્યાં ભાનુબહેન કહે “એ ફરવાની ટેવ એનાં બાપની આવી છે મારાં પીતાંબરને ફરવાનો ખુબ શૌખ હતો.” - કહી પાછાં એ પીતાંબરની યાદોમાં ખોવાયાં...
લાલી પાસે આવીને વસુધા એની બાજુમાંજ બેસી ગઈ લાલીએ પણ વસુધા સામે જોયું એની દીકરી જોઈ ભાંભરવા લાગી...વસુધા જાણે સમજી ગઈ અને બોલી “મુકું છું તારાં ખોળામાં...” એમ કહીને આકુને ગોદડી સાથે લાલીની પીઠ પર સુવાડી અને પકડી રાખી...લાલીને પણ આનંદ થયો એણે ખુશીનાં માર્યા જીભથી ચાટવા લાગી...
વસુધાએ કહ્યું “લાલી હવે તને પણ વાછરડી કે વાછરડો આવશે અમે ઢોરોનાં ડોક્ટરને કહી રાખ્યું છે એ વિનોદકાકા આવી જશે બસ થોડાં દિવસ છે પછી તારાં ખોળામાં બચ્ચું રમતું હશે”. એમ કહીને લાલીને હાથ ફેરવવા લાગી પછી કહ્યું “લાલી કાલે હું અને સરલાબેન આણંદ જવાનાં છીએ...” બીજા હાથમાં આકુ હતી એ આકુને જોતી જાય અને લાલી સામું જુએ.
વસુધાએ આકુને પોતાનાં ખોળામાં સુવરાવી એક પગથી એ પલાંઠીમાં આકુને બેઉ પગ હલાવીને સુવરાવવા પ્રયત્ન કરવા લાગી. આકુનાં માથે હાથ ફેરવી કંઈક ભજન ગણગણી રહી હતી...
વસુધાએ જોયું લાલી એની સામેજ જોઈ રહી છે જાણે એ વસુધા પાસેથી વાત્સલ્ય શીખી રહી હોય. લાલી પણ મોટી થઇ પહેલીવાર ગાભણી થઇ છે એને પહેલીવાર વાછરડું આવશે અને વસુધાએ એની આંખોમાં આંખ પરોવી કહ્યું “લાલી નાનપણથી સમજણી થઇ ત્યાં સુધી વાડામાંજ બધી ગાયો જોઈ હતી હું મોટી થઇ અને તારું ઘરમાં આગમન થયું ત્યારથી તું મારી સહેલી છે અહીં મારાં સાસરે સાથે આવ્યાં...મેં ધણી ગુમાવ્યો અને દીકરી પામી...હવે લાલી...લાલી...”
વધુ આવતા અંકે પ્રકરણ - 55