the earth in Gujarati Women Focused by Nisha Patel books and stories PDF | ધરતી

Featured Books
Categories
Share

ધરતી

મે ૧૧, ૨૦૧૦

આજે હું જોબ પરથી છુટી ધીરે ધીરે ઘરે આવતી હતી. મારા પગ, પીઠ અને શરીરમાં સખત દુખાવો થતો હતો. આ દુખાવો કાંઈ નવો નહોતો, રોજ એ જ કામ અને એ જ દુખાવો. ભૂખના લીધે પેટ અવાજો કરતું હતું. આજે તો રસોઈ પણ બાકી હતી, એટલે ‘શું બનાવવું’ના વિચારમાં ક્યારે ઘર આવી ગયું ખબર જ ના પડી! ઘરના બારણાં પાસે આવતાં જ રસોઈની સુગંધ આવી. નીચેવાળા મીનામાસી જમવાનું આપી ગયા લાગે છે, એમ વિચારતાં મેં બારણું ખોલ્યું અને જોયું તો આશ્ચર્યચકિત બની ગઈ!


“મમ્મી, ચાલ, તું જલ્દી જલ્દી જમવા બેસી જા. જો મેં ચોળા, ભાત અને કઢી બનાવ્યા છે. તું બેસ એટલે તને ગરમ ગરમ રોટલી ઉતારી આપું!” ધરતીના શબ્દોથી દોરવાયેલી હું જમવા તો બેઠી, પણ શું થઈ રહ્યું છે તે મને સમજાતું નહોતું!

“આ બધું તેં બનાવ્યું,ધરતી? પણ તને કઈ રીતે આવડ્યું?”

મેં તો એને કોઈ દિવસ રસોઈ બનાવતાં શીખવાડી નથી. અરે, શાક સમારતાં પણ નથી શિખવાડ્યું અને એ તો અત્યારે બધાને ગરમ ગરમ જમવાનું પોતાના હાથે બનાવી ખવડાવી રહી છે!!! એનાથી વધુ સુખદ આશ્ચર્ય બીજું શું હોઈ શકે??

“મેં નિર્મલના મમ્મીને બધું પૂછીને બનાવ્યું.”

ગરમ રોટલીનો પહેલો કટકો મોંઢામાં મૂકતા મૂકતા હું ગદ્ગદિત બની ગઈ. પરણીને મમ્મીનું ઘર છોડ્યું, પછી પહેલીવાર મને કોઈ જેમ મમ્મી ગરમ ગરમ રસોઈ જમાડે તેમ થાળી પીરસી જમાડી રહ્યું છે, એવા ખ્યાલથી લાગણીવશ આંસુ સરી પડ્યા! બાળપણના દિવસો યાદ આવી ગયા! મમ્મી યાદ આવી ગઈ!


ધરતી એટલે લાગણીથી તરબતર, પ્રેમાળ, સદાય હસતી, હસાવતી, ચૈતન્યથી ભરપુર નવયુવતી! એનામાં બધા જ પ્રકારની લાગણીઓ છલોછલ ભરેલી છે! પ્રેમ, કાળજી, આનંદ, સહાનુભૂતિ, કરૂણા અને હા, ક્રોધ પણ! એને લાગણીઓની આ અતિશયતા પિતા તરફથી વારસામાં મળેલી છે. પર્લ તેના કરતાં સાત વર્ષ નાની છે. તે જેટલી મોંઘી વસ્તુ પોતા માટે ખરીદે છે તેટલી બધી તેવી જ મોંઘી વસ્તુઓ પર્લ માટે પણ ખરીદે છે. હું રોકું તો મને કહે છે “ના, હું મારા માટે લઈશ તો પર્લ માટે પણ લઈશ જ.” પર્લ જન્મી તે દિવસથી ધરતી દુનિયાની સૌથી નાની માતા બની ગઈ હતી! તે પર્લની બધી વાતનું ધ્યાન રાખે - ખવડાવવાનું, પીવડાવવાનું, રમાડવાનું, સુવાડવાનુ, હીંચકા નાંખવાનું… બધું જ.


મને યાદ છે, પર્લ માત્ર સવા મહિનાની હતી અને ધરતી સાત વર્ષની. રાતનો લગભગ એક વાગ્યો હતો. પર્લે અર્ધ ઊંઘમાં રડવા માંડ્યું. હજુ તો હું એને થાબડું એ પહેલા તો ઘસઘસાટ ઊંઘતી ધરતીએ ઊંઘમાં જ પર્લને થાબડવા માંડી! માને ભર ઊંઘમાં પણ પોતાનું બાળક હલે તો ખબર પડી જાય! દુનિયાની આ સૌથી નાની માને પણ ખબર પડી ગઈ!!!


આ પ્રસંગના દોઢ વર્ષ પૂર્વેની જ વાત…


ઘરમાં રોજ દારૂ, જુગાર, કકળાટ, મારઝૂડ…ના લીધે હું મમ્મીના ઘરે જતી રહી હતી. હંમેશની જેમ મને ધરતીને સાથે લઈ જવા દીધી નહોતી. હું શું કરવું અને શું ના કરવુંની દ્વિધામાં હતી. હવે આનો કાયમી ઉકેલ લાવવો જરૂરી હતો. એવામાં એમણે સામેથી જ હરેનભાઈને સમાધાન માટે મોકલાવ્યા. સમાધાન કરવું હતું એટલે મને હરેનભાઈને ત્યાં ધરતીને એકલા મળવા પણ દીધી. ઘરમાં હું, દીનાભાભી અને ધરતી એકલા જ હતાં. મેં અને દીનાભાભીએ ધરતીને મારી સાથે અમદાવાદ આવવા પૂછ્યું. અમે તેને ખાત્રી પણ આપી કે ડેડી એના પર ગુસ્સે નહીં થાય. એ હા કે ના કહેશે અમે કોઈને કહીશું નહીં. એણે જરા પણ ડર્યા વિના જે મને કહેવું હોય એ કહી શકે છે!


એણે મારી સાથે આવવાની ના પાડી હતી, કહે કે, “ મમ્મી, ના મારે તારી સાથે નથી આવવું. હું તારી સાથે આવીશ તો ડેડી તને ત્યાં પણ શાંતિથી રહેવા નહીં દે!”


હું અને દીનાભાભી એક છ વર્ષની નાની બાળકીની આ સમજશક્તિથી અવાક્ બની ગયાં હતાં…

એક બાળકી પણ પોતાની માને શાંતિ મળે તે માટે તેનાથી જુદી રહેવા તૈયાર હતી! આટલી નાની ઉંમરે કેટલી સમજશક્તિ!!! તે જ ક્ષણે મારી દ્વિધાનો પણ અંત આવેલો. ગમે તે પરિસ્થિતિ આવે હું મારા બાળકને એકલું નહીં છોડું!


સ્ત્રી કોઈપણ ઉંમરની કેમ ના હોય, તે દરેક તબક્કે, દરેક પરિસ્થિતિમાં, દરેક સ્વરૂપે પોતાના સ્વજનોનું પોતાના ભોગે પણ કલ્યાણ જ ઈચ્છા છે! સુખ જ ઈચ્છે છે! નારી તું નારાયણી છે! તું કલ્યાણી છે!