પાછળના ભાગમાં આપણે જોયું કે...
"દીકરી એ માસી નહિ તારી મા સમાન કાકી છે. એમને આજથી તારી મા જ સમજી લે. આપણે અહી શહેરમાં તારા કાકા સાથે એમના ઘરે આવ્યા છીએ. અને હવે એમના ઘરે જ રહેવાના છીએ", કાનજી ભાઈ સુમનના માથે હાથ ફેરવતા બોલ્યા.
આ સાંભળતાં જ માથા પર ફરી રહેલ કાનજી ભાઈના હાથ જાણે અચાનક ભારે થઈ રહ્યા હોય એમ સુમનને લાગ્યું. તે હાથના વજન નીચે એનું માથું પીસાવા લાગ્યું હોય અને હજારો સણકા ઉપડ્યા હોય એમ તે ફાટ ફાટ થઈ રહ્યું હતું. સુમન પોતાનું પૂરેપૂરું બળ લગાવતી કાનજી ભાઈનો હાથ હડસેલી ઊભી થઈ ગઈ. અને તેણે માથું પકડતાં રૂમ બહાર ડોટ મૂકી.
હવે આગળ.......
સુમન જાણે અજાણ્યા ગ્રહ ઉપર આવી પહોંચી હોય એમ આખું ઘર જોવા લાગી, ઘરનો એક એક ખૂણો જોઈ વળી જાણે તે કઈક શોધી રહી હતી. તેનું મન બેચેન થઇ રહ્યું હતું. અહીંના લોકો, અહીંની જગ્યા બધું એને ખૂબ અલગ લાગી રહ્યું હતું. મમતા બહેન, મીરા, મોટા કાકા, કિશોર ભાઈ, અને પોતાનો રાઘવ બધા જાણે તેને બોલાવી રહ્યા હતા એવું સુમનને લાગી રહ્યું હતું. બધાથી દૂર લઈ જતું આ ઘર જાણે એના ઉપર હસી રહ્યું હતું એવા ભણકારા સુમનના કાનોમાં ગુંજી રહ્યા હતા. તે અવાજ સહન ન થતાં તે દોડીને ઘરની બહાર નીકળી ગઈ.
ઘર બહાર પગ મૂકતાં જ જાણે કોઈ નવી દુનિયા જોવા મળી. સુમન આભી બની બહારનો નજારો જોઈ રહી. એ ઘર મેળા ઉપર બનેલું હતું. દરેક માળ ઉપર અલગ અલગ ઘરો બનેલા હતા. તે જ્યાં ઊભી હતી તે જગ્યા ઘણી ઊંચે હતી. ઘરની બહાર ફળિયું એમાં રહેલ તુલસી ક્યારો, આજુ બાજુ છવાયેલા હરિયાળા ફૂલ છોડવાઓ, એ ખુલ્લી હવા આમાનું કઈજ નહોતું અહી. પહેલી વખત ગામડાની દુનિયામાંથી શહેરની દુનિયામાં આવેલ સુમનનો શ્વાસ જાણે આં બધું જોઈ રૂંધાઇ રહ્યો હતો.
ગામ જેવું અહી કઈ જ નહોતું. દૂર દૂર સુધી બસ ચારે બાજુ ગાડીઓના ધુમાડા, હોર્ન નાં અવાજ એને બહુમાળી ઇમારતો જ દેખાઈ રહ્યા હતા. સુમનને રાઘવ અને પોતાના ઘરની યાદ આવવા લાગી. તે ત્યાજ જમીન ઉપર ઢળી પડી અને જોર જોરથી રડવા લાગી. એક જ રાતમાં સુમનની આખી દુનિયા બદલાઈ ગઈ હતી. કેટલી ખુશ હતી તે રાધવ અને તેના પરિવાર સાથે, તે સુંદર મજાના ગામમાં. પણ આજે પોતે આં કેવી જગ્યાએ આવી પહોંચી હતી! રાઘવ અત્યારે શું કરી રહ્યો હશે? શું તેને પોતાની યાદ આવતી હશે કે કેમ? આ બધું વિચારીને સુમન વધુ ને વધુ દુઃખી થઈ રહી હતી.
કાનજી ભાઈ અને તેમના ભાઈ ભાભી પણ બહાર આવી ચૂક્યા હતા. સુમનની આવી હાલત જોઈ કાનજી ભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. તેમણે જલ્દીથી સુમન આગળ જઈ એને ઊભી કરી અને ગળે વળગાડી લીધી.
"દૂર જાઓ બાપુ, તમે બહુ ખરાબ છો. તમે જ મને મારા રાઘવ અને મમતા મા પાસેથી અહી ઉઠાવી લાવ્યા." કાનજી ભાઈને ધક્કો મારતાં સુમન ઘરની અંદર દોડી ગઈ.
તેની પાછળ બધા ઘરમાં દોડી ગયા. સુમન બહાર હોલમાં રાખેલા સોફા જોઈ આં નવીન લાગતી બેઠક વ્યવસ્થાને જોઈ રહી. તે પોચા પોચા સોફામાં બેસી એને મજા આવી રહી હતી પણ પાછું યાદ આવતા તે ભેંકડો તાણી રડવા લાગી.
"દીકરી જો અહી બધું કેવું સરસ છે. અહી તને મોટરમાં ફરવા મળશે, નવું નવું ખાવા પીવા મળશે. ત્યાં ગંદા ગામડા કરતા તને અહી શહેરમાં ઘણી સગવડ મળશે. અહીં તો સ્કૂલ પણ બહુ મોટી અને સરસ છે. તને અંગ્રેજીમાં ભણવા મળશે. તારા નવા મિત્રો પણ બની જશે", સુરેખા બહેન જે સુમનની કાકી હતા તે સુમનની પાસે જઈને તેને વહાલ કરતા બોલ્યા.
"નથી જવું મારે કોઈ સ્કૂલમાં અને મારે અહી રહેવું પણ નથી. મારા ગામને ગંદુ ન કહેશો. આ જગ્યા કરતા તો મારા ગામનું ઘર વધારે મોટું છે. બાપુ ચાલોને આપણે ગામ, મને અહી નથી ગોઠતું. મને રાઘવ પાસે જવું છે. તે પણ મારી રાહ જોતો હશે." સુમન સુરેખા બહેનને પોતાનાથી દૂર હડસેલતા કાનજી ભાઈ આગળ જઈ કાલાવાલા કરવા લાગી.
"જો દીકરી, તારી કાકીએ તારા માટે લાડુ બનાવ્યા છે." સુમનના કાકા મનજી ભાઈ બોલ્યા.
કાકા કાકીની ખીટપિટથી સુમનને હવે રડવાની સાથે ગુસ્સો આવી રહ્યો હતો.
"હું મારા બાપુ સાથે વાત કરી રહી છું. તમે લોકો વચ્ચે કેમ બોલો છો. વળી આ કાકી તો બીમાર હતી ને. ગામમાં તો કાકા કહેતા હતા તમે બીમાર છો. તો તમે બીમાર જેવા લાગતા તો નથી." સુમન સુરેખા બહેન સામે ઊંચી આંખો કરીને જોતા બોલી.
"એતો તું આવી ગઈ ને મારી દીકરી. એટલે તને જોઈને હું સાજી થઈ ગઈ." સુરેખા બહેન થોઠવતા બોલ્યા.
"તું પણ ઘેલી થઈ ગઈ દીકરી આવી એની ખુશીમાં, જો તારી આંખો જોઈને તારી કમજોરી હજુ વર્તાઈ આવે છે. જા થોડો આરામ કર. અને મોટા ભાઈ તમે પણ થાક્યા હશો. સુમનને અંદર રૂમમાં લઇ જાઓ તે થોડો આરામ કરશે તો સારું લાગશે અને તમે પણ આરામ કરી લો." મનજી ભાઈ એ સુરેખા બહેન સામે ઈશારો કરતા બોલ્યા.
કાનજી ભાઈ રડતી સુમનને સમજાવતા અંદર લઇ ગયા અને પોતે પણ થાકેલા હોવાથી થોડીવારમાં જ સૂઈ ગયા.
"આં છોકરી ઘણી હોંશિયાર લાગે છે, આપણી વાત બહાર પડે તે પહેલા તમારે મોટા ભાઈ સાથે કામ કઢાવી લેવું જોઈએ." કાનજી ભાઈના અંદર રૂમમાં ગયાબાદ સુરેખા બહેને મનજી ભાઈને ધીરેથી કહ્યું.
"હું પણ એજ વિચારતો હતો. આજેજ બધી વાત પતાવી લઈશ. અને તું પણ ધ્યાન રાખ. હજુ તારે થોડા દિવસો તબિયત સારી નથી એવા ડોળ કરવા પડશે. નહિ તો બધી બાજી ઊલટી પડશે", મનજી ભાઈ બોલ્યા.
***
રાઘવ ધુમાડો બની હવામાં ભળતી સુમીને જોઈ રહ્યો. તે ધુમાડાને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ તેના હાથમાં નિરાશા સિવાય કઈ જ ના આવ્યું.
"હમણાં તો અહી જ હતી, ક્યાં જતી રહી એટલી વારમાં. સુમી તું મારી સાથે સંતાકૂકડી રમી રહી હોય એવું લાગે છે." રાઘવ પોતાની જાત સાથે જ વાતો કરતો સુમીને પીપળાની ગોળગોળ ફરીને શોધવા લાગ્યો.
રાઘવ હજુ પણ સુમન શહેરમાં જઈ ચૂકી છે તે વાત માનવા તૈયાર નહોતો. તે પીપળા અને તેની આજુ બાજુની દરેક જગ્યાએ ફરીને સુમીને શોધવા લાગ્યો. કઈક યાદ આવતા તે મંદિરે જઈને પણ જોઈ આવ્યો પણ એની સુમી ક્યાંય ન મળી. થાકી હારીને રાઘવ પાછો આવીને ત્યાજ પીપળા નીચે બેસી ગયો. તેના કાનોમાં ક્યારેક સુમનનો અવાજ તો ક્યારેક મીરાએ કહેલી વાતો ગુંજી ઉઠી. સતત રડવાને લીધે એનું માથું દુઃખી રહ્યું હતું અને ક્યારનો તે સુમનને શોધવા ફરી રહ્યો હતો તેના કારણે હવે પગ પણ દુખી રહ્યા હતા. પણ દિલમાં થતા દુખાવાની આગળ આં દુખાવો રાઘવ માટે કઈ જ નહોતો.
રાઘવ જમીન ઉપર એમજ પડ્યો રહ્યો અને સુમી સાથે વિતાવેલી ક્ષણો વાગોળી રહ્યો.
"રાઘવ..", એક મધુરો અવાજ રાઘવના કાને પડતા જ જાણે તે અવાજ પહેલા પણ સંભાળ્યો હોય એમ રાઘવ ચમકી ગયો. આ અવાજ જાણીતો છે પણ આ મારી સુમી નથી એમ વિચારતા રાઘવે અવાજની દિશામાં જોયું.
🌹હવામાં ભળતી બચપણની યાદો,
ધૂંધળી બની રહી પ્રેમની યાદો... 🌹
***
✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)