અતીતરાગ-૪૧
‘ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના..’
‘તીતર કે દો આગે તીતર.. તીતર કે દો પીછે તીતર...’
‘જબ ભી યે દિલ ઉદાસ હોતા હૈ...’
‘વાદા કર લે સાજના .. મેરે બીના તુ ના રહે...’
‘યે કૌન આયા રોશન હો ગઈ મહેફિલ....’
આ સિવાય પણ બીજા ઘણાં ગીતો છે.. પણ આ ગીતો સાંભળતા તમને કોઈ હિરોઈનનું નામ યાદ આવે ખરાં ?
એક એવી અભિનેત્રી, જે તેના અભિનય કરતાં અફેરના કારણે વધુ પ્રચલિત હતી.
જી, હાં સીમી ગરેવાલ.
સીમી ગરેવાલ વિષે વાત કરીશું આજની કડીમાં.
સીમી ગરેવાલ એક એવી અભિનેત્રી હતી જેણે ક્યારેય દુનિયાની પરવા કરી નથી.
આજથી પાંચ દાયકા પહેલાં સીમીએ ફિલ્મી પરદા પર એવાં ઉત્તેજક અને કામુક દ્રશ્યો ભજવ્યા હતાં કે દર્શકોની આંખો પહોળી થઇ ગઈ.
સીમી બેહદ ખુબસુરત તો હતાં પણ સાથે સાથે સભ્ય અને મનોહર વ્યક્તિત્વ પણ ધરાવતાં હતાં.
તેમનો જન્મ પંજાબના જલંધર ખાતે ૧૯૭૪માં થયો હતો. તેમના પરિવારના સભ્યો આર્મી સાથે જોડાયેલા હતાં. સીમીના પિતા ભારતીય સેનામાં બ્રિગેડીયર હતાં. સીમીની માતા તે સમયમાં સીમી કરતાં પણ વધુ બોલ્ડ હતાં.
ગાયત્રીદેવી અને પંડિત જવાહરલાલ નહેરુ સાથે પણ તેમના પરિવારના ઘનિષ્ઠ સંબંધો રહ્યાં હતાં.
ફિલ્મી પરદા સિવાય જાહેર જીવનમાં પણ તેની સુંદરતા ચર્ચાનો વિષય હતો.
નાની ઉમ્રમાં જ તેઓ અનેક વિદેશ પ્રવાસ કરી ચુક્યા હતાં. અને તેમનો બહોળો ચાહક વર્ગ પણ બની ગયો હતો.
શિક્ષણની તાલીમ તેમણે લીધી ઈંગ્લેન્ડની ન્યુલેન્ડ હાઉસ સ્કૂલમાં.
માત્ર પાંચ વર્ષની ઉમ્ર (૧૯૫૧)માં ફિલ્મ ‘આવારા’ જોઇને રાજકપૂરની પ્રશંસક બની ગઈ.
ઇંગ્લેન્ડથી ઇન્ડિયા આવ્યાં પછી સીમીની રુચિ હતી, ફિલ્મી કેરિયર બનાવવાની.પણ તેના પરિવારનો સખ્ત વિરોધ હતો. પણ જીદ્દી સીમીએ તેની સામે હથિયાર ઉગામ્યું, ભૂખ હડતાલનું.
આખરે તેના પિતાએ નમતું જોખતાં સીમી આવ્યાં મુંબઈ.
તેમણે ફિલ્મી પરદે પદાર્પણ કર્યું એક અંગ્રેજી ફિલ્મથી.
તેની તેજ તર્રાર અને ફડફડાટ અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વના કારણે તેમની તરુણાવસ્થામાં ‘ટારઝન ગોઝ ટુ ઇન્ડિયા’ નામની ઈંગ્લીશ ફિલ્મમાં કામ કર્યું.
પણ તેનું સપનું હતું ધ ગ્રેટ શો મેન રાજ કપૂર જોડે કામ કરવાનું.
રાજ કપૂર સાથે જોડાતા પહેલાં તેમને એ અને બી ગ્રેડની ફિલ્મો પણ કરી
‘સન ઓફ ઇન્ડિયા.’(૧૯૬૨) ‘તીન દેવીયા’(૧૯૬૨) જોહર મહેમૂદ ઇન ગોવા’ (૧૯૬૫) ‘દો બદન’ (૧૯૬૬) ‘આદમી.’ ‘સાથી.’ (૧૯૬૮).
એ પછી તેનું મેગા ડ્રીમ સાકાર થયું વર્ષ ૧૯૭૦માં. જયારે ફિલ્મ ‘મેરા નામ જોકર’ પરદા પર આવી. તે ફિલ્મમાં સિમીએ મીસ મેરીનું યાદગાર અને ચર્ચિત કિરદાર નિભાવ્યું હતું.
સીમીએ રાજ કપૂર, સત્યજીત રે, મૃણાલ સેન અને રાજ ખોસલા જેવાં દિગ્જ ફિલ્મ મેકર્સ સાથે પણ કામ કર્યું.
સીમીની રીલ અને રીઅલ બન્ને લાઈફ ચર્ચાસ્પદ રહી.
રાજ કપૂર અને મનમોહન દેસાઈ સાથે પણ તેના અફેરની ચર્ચા ચાલતી રહી.
આ ચટપટી ચર્ચા ફિલ્મી મેગેઝીનને ગોસીપનો પૂરો મસાલો પૂરો પાડતી રહી.
વર્ષ ૧૯૮૧માં મનમોહન દેસાઈની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘નસીબ’ આવી ત્યારે પણ
મનમોહન દેસાઈ અને સીમીના ચક્કરનું પણ ખાસ્સું ચર્ચાસ્પદ રહ્યું હતું.
લંડનમાં તેના પડોસી અને જામનગરના મહારાજા સાથે સીમીને પ્રેમ થઇ ગયો હતો. આ વાતનો ઉલ્લેખ વર્ષ ૨૦૧૩ના ફિલ્મફેર એવોર્ડ ફંક્શનમાં સિમીએ કર્યો હતો. તે અફેર ત્રણ વર્ષ ચાલ્યું. પછી બન્ને છુટ્ટા પડ્યા.
એ પછી સીમીની લાઈફમાં એન્ટ્રી થઇ ભારતીય ક્રિકેટર નવાબ મંસૂર અલીખાન પટૌડીની. બન્નેના પ્રેમ પ્રકરણની ચર્ચાના ચોકા, છક્કા ક્રિકેટ ગ્રાઉન્ડથી લઈને ફિલ્મ મેગેઝીન સુધી ખુબ ઉછળ્યા.
ખાનગી અને પબ્લિક પ્લેસમાં પણ બન્ને સતત સાથે જ જોવાં મળતાં.
આ સંબંધ માટે મંસૂર અલી પટૌડી ગંભીર હતાં. પણ અચાનક નવાબની લાઈફમાં શર્મિલા ટાગોરનું આગમન થતાં પટૌડીએ સીમી સાથેની પ્રેમ કહાની ડ્રોપ કરી.
મંસૂર અને સીમીના સંબંધ બે વર્ષ સુધી ચાલ્યા.
આખરે સીમીને તેનો સાજન મળી ગયો. ૧૯૭૦માં તેમણે દિલ્હી નિવાસી રવિ મોહન નામના શખ્સ સાથે લગ્ન કર્યા.
પરંતુ અહીં પણ સીમીને જોઈતું કશું માફક ન આવ્યું. એટલે ત્રણ વર્ષ બાદ બન્ને અલગ અલગ રહેવાં લાગ્યાં. એ પછી ૧૯૭૯માં બન્નેએ ડિવોર્સ લઈ લીધાં.
એ પછી ૧૯૮૦માં તેની જિંદગીમાં ફરી નવી એન્ટ્રી પડી એક પાકિસ્તાનના બિઝનેશ મેન સલમાન તાસીરની. અને એ સંબંધ પર પણ ટૂંક સમયમાં પરદો પડી ગયો.
૧૯૮૦માં આવેલી સુભાષ ઘાઈ નિર્દેશિત ફિલ્મ ‘કર્ઝ’માં તેની ભૂમિકા યાદગાર રહી.
તે પછી તેને ખરી સફળતા અને નામના મળી ઇડીયટ બોક્સ પર.
૯૦ના દાયકા બાદ ચિત્ર ફરી ગયું..
ઇન્ડિયન ટેલીવીઝન પર તેના શોઝ્સને ખુબ જ સરાહના મળી. ફિલ્મ અભિનેત્રી સિવાય સીમીએ નામાંકિત અને સફળ શો હોસ્ટ તરીકે નવી ઓળખ ઉભી કરી.
સેવન્ટી એમ.એમ.ના પરદા કરતાં સત્તર ઈંચના પરદા પર સિમીએ સીરીયસલી શરુ કરેલી સેકન્ડ ઇનિંગની જબરદસ્ત અને જલવંત સફળતાથી સીમીએ ખુબ નામના હાંસિલ કરી.
પણ મરજીવા બની પાંચ પ્રેમી અને પતિ મેળવ્યાં પછી પણ અંતે પ્રેમ સીમી ગરેવાલ માટે મૃગજળ જ સાબિત થયું. સિમી માટે સ્નેહ હંમેશા સોનાનું હરણ જ રહ્યું
સીમીની ચકાચોંધ કરતી સફળતાની રોશની પાછળ કાળમીંઢ અંધકાર જેવી અનંત એકલતાની રાત માટે કદી સૂર્યોદય ન થયો, તે ન જ થયો.
આગામી કડી..
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક એવી હિરોઈન, જેણે માત્ર અગિયાર વર્ષની ઉંમરે ચાઈલ્ડ આર્ટીસ્ટથી ફિલ્મી કારકિર્દીના સંઘર્ષની શરૂઆત કર્યા પછી છેક લાઈફ ટાઈમ એવીચીવમેન્ટ સહીત બીજા પાંચ નામાંકિત એવોર્ડ તેના નામે કર્યા.
તે હિરોઈનના સંઘર્ષના દિવસોમાં તેની સાથે જીતેન્દ્ર અને શશી કપૂરે કામ કરવાની ના પાડી દીધી હતી.
ત્યારબાદ સમયચક્ર ફરતાં તે ઇન્ડસ્ટ્રીઝની ટોપની હિરોઈન બની જતાં, જીતેન્દ્ર અને શશી કપૂર તેની જોડે કામ કરવા અધીરા હતાં..
‘બિંદીયા ચમકેગી ..’
‘જય જય શિવ શંકર...’
‘યે રેશમી ઝૂલ્ફે...’
‘મેં તેરે ઈશ્ક મેં..’
‘લે જાયેંગે.. લે જાયેગે...’
‘કરવટે બદલતે રહે...’
બસ એ સફળ હિરોઈનની ઓળખ માટે આટલાં ગીતોની યાદી પર્યાપ્ત છે.
મશહુર અભિનેત્રી ‘મુમતાઝ’ની ફિલ્મી કેરિયર વિષે વાત કરીશું આગામી કડીમાં.
વિજય રાવલ
૦૫/૦૯/૨૦૨૨