કઠપુતલી
-રાકેશ ઠક્કર
નિર્દેશક રંજીત તિવારીની 'કઠપુતલી' વિશે બે શબ્દોમાં કહેવું હોય તો અક્ષયકુમારની 'વધુ એક ફિલ્મ' થી વિશેષ કંઇ કહી શકાય એમ નથી. તે દક્ષિણની ફિલ્મોની રીમેક પર રીમેક કરી રહ્યો હોવાથી તેની કઠપુતળી બની ગયો છે એમ કહેવામાં હવે અતિશયોક્તિ નથી. તેણે આ ભૂમિકામાં નવું કંઇ કરવાનું ન હતું. તેણે અગાઉ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હોવા છતાં ફિલ્મના ઘણા દ્રશ્યોમાં મિસફિટ લાગે છે. પડદા પર પાત્રને ઉતારવામાં ખાસ સફળ થતો નથી. ૩૬ વર્ષના પોલીસ અધિકારી તરીકે માત્ર તેની ફિટનેસને કારણે જ યોગ્ય દેખાય છે. એકપણ દ્રશ્ય એવું નથી જેમાં તે દર્શકોને ચોંકાવીને રોમાંચ કે ઉત્સુક્તા વધારી શક્યો હોય. દક્ષિણની હિટ રહેલી 'રત્સાસન' ની રીમેક તરીકે અક્ષયકુમારની 'કઠપુતલી' એક એવી ફિલ્મ બની કે કોઇ વિતરકે ખરીદીને રજૂ કરવાની હિંમત ના કરતાં OTT પર બતાવવાની નોબત આવી ગઇ. અગાઉની ફિલ્મોના હાલ પછી અક્ષયકુમારે ફિલ્મને થિયેટરમાં રજૂ ના કરીને સમજદારી જ બતાવી છે. આનાથી વધારે સારી થ્રિલર ફિલ્મો યુટ્યુબ પર મફતમાં ઉપલબ્ધ હોય ત્યારે દર્શકો એને OTT પર જોવાની તસ્દી શા માટે લે?
નિર્દેશક રંજીત તિવારીની કારકિર્દીના દસ વર્ષના ગાળામાં 'લખનઉ સેન્ટ્રલ' અને 'બૉલ બેટમ' પછી આ ત્રીજી ફિલ્મ છે. તેમણે ફિલ્મનો સ્ક્રીન પ્લે અસીમ અરોડા પાસે લખાવ્યો છે. જેમણે 'મલંગ' અને 'હીરોઝ' જેવી ફ્લોપ ફિલ્મો લખી હતી. આ એક રીમેક હોવાથી વધારે મહેનત કરવાની ન હતી. તેની પટકથા વ્યવસ્થિત હતી. પરંતુ જરા પણ મહેનત કર્યા વગર એની નકલ જ કરી નાખી છે. છતાં બંને વચ્ચે જમીન- આસમાનનો ફરક છે. નિર્દેશકે દક્ષિણના અને હિન્દીના દર્શકો વચ્ચે કોઇ ફરક ના હોવાનું માન્યું છે. વિલન પણ અદ્દલ એવો જ બતાવ્યો છે. કેટલાય એવા દ્રશ્યો છે જે માટે અક્ષયકુમારને નિર્દેશન આપવાની જરૂર પડી નહીં હોય. એને 'રત્સાસન' જોવાનું કહી દેવામાં આવ્યું હોય એમ લાગે છે. દર્શકો સરખામણી કરશે તો 'રત્સાસન' અનેકગણી સારી લાગશે. '
કઠપુતલી' ની શરૂઆત એકદમ ધીમી છે. અર્જન સેઠી (અક્ષયકુમાર) ફિલ્મ નિર્દેશક બનવાનું સપનું જોતો હોય છે અને એને સિરિયલ કિલર્સની વાર્તાઓમાં રસ હોય છે. તેણે એક મર્ડર મિસ્ટ્રીની વાર્તા તૈયાર કરી હોય છે. તેની વાર્તાને પડદા પર ઉતારવા કોઇ ફિલ્મ નિર્માતા રાજી થતા નથી. પછી સંજોગો એવા ઊભા થાય છે કે અર્જનને પોલીસમાં જોડાવાનું થાય છે. એ દરમ્યાનમાં યુવન છોકરીઓનું અપહરન કરી ત્રાસ આપીને મારી નાખવાનો સિલસિલો ચાલુ થાય છે અને અર્જન એ હત્યારાની શોધમાં લાગી જાય છે. સ્પેન્સ – થ્રિલર ફિલ્મોની વાર્તાની ગતિ ઝડપી હોવી જોઇએ. છેક ઇન્ટરવલ પર પહોંચે છે ત્યારે રસ પડે છે. પણ પછી બધી જ અપેક્ષાઓ પૂરી થતી નથી. જેનું રહસ્ય ઊભું કર્યું હતું એ હત્યારાનો જવાબ બહુ જલદી મળી જાય છે. કેટલાક દ્રશ્યો તો દર્શકોને મૂરખ માનીને આપવામાં આવ્યા હોવાનું લાગે છે. વિલન રકુલપ્રીત સિંહ પર કુહાડીથી હુમલો કરે છે પછી તે સાજી થઇને અક્ષયકુમારની મદદમાં આવી જાય છે. રકુલના ઓળખના દ્રશ્યમાં કોમેડી નાખવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે. એક દ્રશ્યમાં પોતાના સંબંધીની હત્યા પછી અક્ષયકુમાર અને ચંદ્રચુડ સિંહ રડે છે. એ લાંબા દ્રશ્યમાં એમનો અભિનય બનાવટી લાગે છે. કેટલાક દ્રશ્યો બીનજરૂરી લાગે છે. જે ફિલ્મની ગતિને ધીમી કરે છે. સંવાદ પણ એટલા સામાન્ય છે કે દ્રશ્યોને દમદાર બનાવી શકતા નથી. અક્ષયકુમાર હોવાથી એમાં મસાલો જરૂરી હોવાનું માનીને જબરદસ્તી કોમેડી અને રોમાન્સ નાખવામાં આવ્યા છે. હત્યાનું રહસ્ય શોધવાની વાત બાજુ પર રાખી અક્ષયકુમાર- રકુલની લવસ્ટોરી બતાવવામાં આવી છે. લેખન એવું છે કે દર્શકોને માત્ર ગોળ ગોળ ફેરવવામાં આવ્યા હોય એવું લાગે છે. છેલ્લે કોઇ જબરદસ્ત અનુભવ કરાવવાને બદલે ક્લાઇમેક્સ બહુ ઝડપથી આપી દીધો છે. મૂળ ફિલ્મમાં ખતરનાક રીતે એને બતાવવામાં આવ્યો છે.
રકુલપ્રીત સિંહનું કામ ઠીકઠાક છે. સરગુન મહેતા પહેલી ફિલ્મથી જ પ્રભાવિત કરે છે. મલયાલમ ફિલ્મોના અભિનેતા સુજીત શંકર અને કન્નડ અભિનેતા જોશુઆનું કામ પણ સારું છે. બે કલાકની ફિલ્મ ટૂંકી કરીને દોઢ કલાકની કરી શકાય એમ હતી. હિન્દી ફિલ્મોમાં સંગીતકારોની સંખ્યા વધતી રહી છે એની સામે લોકપ્રિય ગીતોની સંખ્યા ઘટી ગઇ છે. 'કઠપૂતલી' માં ત્રણ સંગીતકારો હોવા છતાં એકપણ ગીત યાદ રહે એવું નથી. જેમણે તમિલ ફિલ્મ 'રત્સાસન' જોઇ નથી એવા અક્ષયકુમારના ચાહકોને જ આ ફિલ્મ જોવાની મજા કદાચ આવી શકે છે. કેમકે ફિલ્મ મનોરંજનનો વાયદો પૂરો કરતો નથી.