અતીતરાગ-૩૩
જયારે જયારે અનારકલીનો ઉલ્લેખ થાય ત્યારે સૌને મધુબાલા અથવા ફિલ્મ ‘મુગલ-એ આઝમ’નું સ્મરણ થાય.
પણ ‘મુગલ-એ આઝમ’ના ઘણાં વર્ષો પહેલાં પણ કોઈએ ‘અનારકલી’ના અમર પાત્રને તેના અનન્ય અભિનયના ઓજસ થકી ફિલ્મી પરદે ઉત્તમ રીતે ઉજાગર કર્યું હતું. તેનું નામ હતું..
‘બીના રાય’
એ બેહદ ખૂબસૂરત અદાકારા બીના રાય વિષે વાત કરીશું, જેને ગઈકાલની પેઢી થોડી વિસરી ગઈ છે.
બીના રાય, એ નામ પાછળથી પડ્યું. મૂળ નામ હતું ક્રિષ્ના સરીન. જન્મ થયો હતો વર્ષ ૧૯૩૧માં લાહોર ખાતે. તે વખતે ભારત અને પાકિસ્તાન નહતું પણ, હિન્દુસ્તાન હતું.
ત્યાંથી તેમનો પરિવાર સ્થળાંતરિત થયો ઉત્તર પ્રદેશના લખનૌમાં. ત્યાં તેમણે લખનૌની કોલેજમાં એડમીશન લીધુ ૧૯૫૦માં.
ત્યાં તેમની નજર પડી, મુંબઈમાં યોજાનારા એક ટેલેન્ટ હન્ટ કોન્ટેસ્ટની જાહેરાત પર.
બીના રાયએ તે ટેલેન્ટ હન્ટ કોન્ટેસ્ટનું ફોર્મ ભર્યું અને મુંબઈ આવી ગયાં, પરિવારને જાણ કર્યા વગર.
અને બીના રાય એ ટેલેન્ટ હન્ટ કોન્ટેસ્ટના વિનર બન્યાં અને ૧૯૫૦માં તેમને ૨૫૦૦૦ રૂપિયાનું ઇનામ હાંસિલ કર્યું.
વિજેતા બનતાંની સાથે જ તેમને તેની પહેલી ફિલ્મ ઓફર કરી કિશોર સાહુએ. જે ખુદ તેમની જોડે ફિલ્મમાં કામ કરી રહ્યાં હતાં. ફિલ્મનું નામ હતું ‘ કાલી ઘટા’
એ ફિલ્મમાં તેમના અભિનયની નોંધ લેવાઈ અને હિન્દુસ્તાન સ્ટુડીઓએ બીના રાયને સાઈન કર્યા એક એવી ફિલ્મ માટે જે ફિલ્મ રીલીઝ થઇ ૧૯૫૩માં.
બીના રાયની એ ફિલ્મ તેમની કારકિર્દીની લેન્ડમાર્ક ફિલ્મ બની ગઈ.
બીના રાયની સાથે હતાં લીડ રોલમાં પ્રદીપકુમાર.
એક એવી ફિલ્મ જેમાં બીના રાય શીર્ષક ભૂમિકા ભજવી રહ્યાં હતાં.
‘અનારકલી’.
જેમાં લતા મંગેશકરે ગાયેલું ગીત આજે પણ યાદગાર છે.
‘યે જિંદગી ઉસી કી હૈ, જો કિસી કા હો ગયા...પ્યાર હી મેં..’
આ તો અનારકલી અને સલીમની પરદા પરની પ્રેમ કહાની હતી.
પણ વાસ્તવિક જિંદગીમાં ૧૯૫૩માં બીના રાયને એક ફિલ્મની સાથે સાથે તેમને તેમના રીઅલ લાઈફ સલીમ પણ મળ્યાં, જેનું નામ હતું, ‘પ્રેમનાથ’ જે બીના રાયના પતિ બન્યાં.
તે ફિલ્મનું નામ હતું ‘ઔરત’.
તે પછી બંનેએ ‘પી.એન. ફિલ્મ્સ’ નામની એક પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી.
તે બેનર હેઠળ તેમણે ‘ શગુફા’, ‘પ્રીઝન ઓફ ગોલકોન્ડા’, ‘ચંગેઝખાન’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું પણ અફસોસ આમાંની કોઈપણ ફિલ્મ ચાલી નહીં.
પચાસના દાયકામાં બીના રાયની બીજી ફિલ્મો આવી..
બી.આર.ચોપરાની ‘શોલે’ જેમાં તેમની સાથે હતાં..દાદામુની... અશોકકુમાર.
કિશોરકુમાર જોડે ‘મદ ભરે નૈન’.
‘ઈન્સાનિયત’ જેમાં દિલીપકુમાર અને દેવ આનંદ જેવાં દિગ્ગજ કલાકારો પણ હતાં.
આ બધી જ ફિલ્મોમાં તેમના ચાહકો તેમના ‘અનારકલી’ના કિરદારને શોધી રહ્યાં હતાં.
‘અનારકલી’ થી તેમની એવી ઈમેજ બની ગઈ હતી કે, બાકી ફિલ્મોમાં ‘અનારકલી’ જેવો ચમકારો કે પ્રસિદ્ધિ જોવા ન મળી.
પરિવારની જવાબદારી નિભાવવા તેમણે થોડો સમય ફિલ્મોમાંથી બ્રેક લીધો.
૧૯૬૦માં ફરી પરદા પર તેમની એક એવી ફિલ્મ આવી જેની અપાર સફળતાએ તેમને પહેલો ફિલ્મફેર એવોર્ડ પણ અપાવ્યો. બેસ્ટ એક્ટ્રેસ માટે.
વર્ષ ૧૯૬૦માં તેની સામે નોમીનેટ હતાં મધુબાલા ફોર ‘મુગલ-એ-આઝમ’. પણ ફિલ્મફેર એવોર્ડ મળ્યો બીના રાયને ફિલ્મ ‘ઘૂંઘટ’ માટે.
ફિલ્મ ૧૯૬૦માં તેમણે બીજી એક ફિલ સાઈન કરી. જેમાં તેમની ઓપોઝીટ હતાં, ‘અનારકલી’ના કો-સ્ટાર પ્રદીપકુમાર. જે ફિલ્મમાં બીના રાયએ કિરદાર નિભાવ્યું હતું મુમતાઝ મહલનું. ફિલ્મ રીલીઝ થઇ હતી વર્ષ ૧૯૬૩માં.
એ મેગા હિટ ફિલ્મનું નામ હતું... ‘તાજમહલ’
‘જો વાદા કિયા વો નિભાના પડેગા...’
જે ગીત સાંભળતા આજે પણ દિલ અને ડીલ ડોલી ઉઠે.
‘અનારકલી’ અને ‘તાજમહલ’ના કારણે બીના રાયની જે છબી અંકિત થઇ ગઈ હતી તેના કારણે તેમને ફિલ્મોમાં સામાન્ય રોલ્સ નહતા મળતાં.
‘તાજમહલ; પછી માંડ તેમની ત્રણ ફિલ્મો આવી.
તેમની અંતિમ ફિલ્મ આવી હતી વર્ષ ૧૯૬૮માં ‘અપના ઘર અપની કહાની’ જે પાછળથી ‘પ્યાસ’ નામથી રીલીઝ કરવામાં આવી. જે ફિલ્મમાં તેમણે એક્ટ્રેસ મુમતાઝની મા નો રોલ અદા કર્યો હતો.
મહદ્દ અંશે ગઈકાલની પેઢી બીના રાયને આંશિક હદે ભૂલી ગઈ હશે પણ ‘અનારકલી’ અને ‘તાજમહલ’ જેવી અવિસ્મરણીય ફિલ્મો દ્વારા હિન્દી ફિલ્મ જગતમાં તેમનું નામ હંમેશ માટે અમર કરી ગયાં.
આગામી કડી..
આજની પેઢીએ અશોકકુમારને મોટા ભાગે ફિલ્મી પરદા પર ચરિત્ર અભિનેતાના પાત્રમાં જોયાં હશે.
પણ એક જમાનો હતો જયારે અશોકકુમાર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લીડીંગ હીરોના જાનદાર પાત્ર પરદા પર ભજવતાં.
વર્ષ ૧૯૫૦માં આવેલી તેમની એક સુપર સકસેસ ફૂલ ફિલ્મ, જે લાખો રૂપિયાનો બિઝનેશ કરી રહી હતી. તે ફિલ્મ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો.
પ્રતિબંધ મુકવા પાછળનું કારણ હતું.. ફિલ્મની અપાર સફળતા.
સફળતા ?
ફિલ્મની સફળતાથી સરકારને શું નુકશાન થઈ શકે ?
કઈ હતી એ ફિલ્મ ? અને શું કારણ હતું પ્રતિબંધ મુકવા પાછળનું ?
જાણીશું આગામી કડીમાં.
વિજય રાવલ
૦૧/૦૯/૨૦૨૨