અતીતરાગ-૩૨
બોલીવૂડ હિસ્ટ્રીમાં કોઈ અભિનેત્રીનું કમબેક સૌથી વધુ ચર્ચાસ્પદ અને વિવાદિત રહ્યું હોય તો તે કમબેક હતું..અભિનેત્રી ડીમ્પલ કાપડિયાનું.
આજની કડીમાં વાત કરીશું ડીમ્પલ કાપડીયાના એ વિવાદિત કમબેકના કારણો વિશે.
વર્ષ ૧૯૭૩માં રીલીઝ થયેલી ‘બોબી’ની અપાર સફળતાથી ડીમ્પલ કાપડિયા માત્ર બોલીવૂડમાં જ નહીં પણ ઘરે ઘરે એ ગુજરાતી છોડીનું નામ જાણીતું થઇ ગયું.
ઘણાં લોકો એવું કહેતાં કે, ‘બોબી’ જોઇને સુપરસ્ટાર રાજેશ ખન્ના ડીમ્પલ કાપડિયા પર ઓળઘોળ થઇ ગયાં. પણ આ વાતમાં તથ્ય નથી. કારણ કે ડીમ્પલ અને રાજેશ ખન્નાના મેરેજ થયાં હતાં માર્ચ ૧૯૭૩માં અને ફિલ્મ ‘બોબી’ રીલીઝ થઇ હતી. ૨૮ સપ્ટેમ્બર ૧૯૭૩ના દિવસે.
પણ ડીમ્પલ લગ્નજીવનમાં બંધાઈ ચુકી છે એ વાત ‘બોબી’ રીલીઝ ન થાય ત્યાં સુધી ગુપ્ત રાખવી એવું નક્કી કરવામાં આવ્યું હતું.
પણ વિધિની વક્રતા જુઓ.. જે યાદગાર જોડીના લગ્નની ખબરને અકબંધ રાખવામાં આવી તેમની જોડી અકબંધ ન રહી અને લગ્ન કરતાં ચર્ચિત રહ્યું તેઓનું લગ્ન વિચ્છેદ.
૧૯૮૨માં જયારે જયારે ડીમ્પલ કાપડિયા રાજેશ ખન્નાથી અલગ થયાં ત્યારે તેની ઉમ્ર હતી માત્ર ૨૫ વર્ષની.
ઘરેથી વિદાય લેતાંની વેળાએ રાજેશ ખન્નાએ ડીમ્પલને કહ્યું કે.
‘તને કશું જ નહીં મળે’
છતાં ડીમ્પલ જુદાં થઇ ગયાં બે બાળકોની જવાબદારી સાથે.
બન્નેના સેપરેશન અને ડીમ્પલના ફિલ્મોમાં કમબેકની ચર્ચા પુરા બોલીવૂડમાં આગની માફક ફેલાઈ ગઈ.
કમબેક માટે ડીમ્પલ કાપડીયાએ પસંદ કરી રમેશ સિપ્પીની ‘સાગર’.
ડીમ્પલના એ કમબેક માટે એવો જોરશોરથી ઢંઢેરો પીટવામાં આવ્યો કે,
૧૧ વર્ષ પછી ડીમ્પલ કાપડીયાની ફિલ્મી પરદે વાપસી, ફરી ‘બોબી’ના ચોકલેટી ઋષિકપૂર જોડે અને એ સુપરહિટ જોડીને ડીરેક્ટ કરશે.. ‘શોલે’ના રમેશ સિપ્પી.
જે રીત રમેશ સિપ્પીએ ધમાકાભેર ફીમ્લની પબ્લિસીટી કરી તે જોઇને પ્રેક્ષકોમાં ઉત્કંઠાનો અનેરો ઉમળકો ઉભરાતો ગયો.
કોઈ કારણોસર ‘સાગર’નું નિર્માણ થોડા સમય માટે પાછળ ઠેલાયું.
અને તે સમયગાળા દરમિયાન ડીમ્પલ કાપડીયા નાણાભીડનો સામનો કરી રહી હતી.
નાણાભીડ કઈ હદે હતી તેનો પુરાવો ડીમ્પલ કાપડિયાએ ‘સાગર’માં કરેલા તેના ભરપુર અંગ પ્રદર્શનના દ્રશ્યો પરથી આવે છે.
તેથી તેમણે રમેશ સિપ્પીની પરવાનગી વગર જીતેન્દ્ર જોડે એક ફિલ્મ સાઈન કરી લીધી.. ફિલ્મનું નામ હતું “ઝખ્મી શેર’.
‘ઝખ્મી શેર’નું શૂટિંગ ‘સાગર’ના શૂટિંગ પછી શરુ થયું. ‘ઝખ્મી શેર’ નું નિર્માણ કરી રહ્યાં હતાં દક્ષિણના ફિલ્મ મેકર “દાસરી નારાયણ રાવ’. ‘ઝખ્મી શેર’ એક તમિલ ફિલ્મની રીમેક હતી.
સાઉથના ફિલ્મ મેકર્સ સમયસુચકતા અને શિષ્ટાચારના આગ્રહી હોય છે. એટલે ફિલ્મ ‘ઝખ્મી શેર’નું નિર્માણ ‘સાગર’ કરતાં પહેલાં સંપ્પન થઇ ગયું.
‘સાગર’ પહેલાં ડીમ્પલ કાપડિયાની કોઈ ‘ઝખ્મી શેર’ નામની ફિલ્મ તૈયાર થઇ ગઈ છે, અને ફિલમ ‘ઝખ્મી શેર’, ‘સાગર’ કરતાં પહેલાં રીલીઝ થવાની છે. જે ડીમ્પલની પહેલી કમ બેક ફિલ્મ કહેવાશે. આ હકીકતની જાણ જયારે રમેશ સિપ્પીને થઇ ત્યારે...
રમેશ સિપ્પી ડીમ્પલ કાપડિયા પર અત્યંત ગુસ્સે થયાં અને કહ્યું કે, તમારી ભૂલના કારણે મારી મહેનત પર પાણી ફરી વળશે.
એક તરફ ‘ઝખ્મી શેર’ અલ્મોસ્ટ તૈયાર થઇ ચુકી હતી અને આ તરફ હજુ ‘સાગર’નું શૂટિંગ શરુ હતું.
છેવટે ડીમ્પલ કાપડિયાએ ‘ઝખ્મી શેર’ના અંતિમ ભાગનું જે શૂટિંગ બાકી હતું એ ટાળી દીધું. જેથી ફિલ્મ રીલીઝ ન થઇ શકે. ડીમ્પલ કાપડિયાની આ અવળી અવળચંડાઈના કારણે ‘ઝખ્મી શેર’ ના નિર્માતા, એ હદે અકળાઈ ગયાં કે તેમણે વચલો રસ્તો કાઢતા ફિલ્મનું ક્લાયમેક્સ ધરમૂળમાંથી બદલીને ડીમ્પલ કાપડિયા વગર જ ફિલ્મનો ધ એન્ડ લાવી દીધો.
ડીમ્પલ કાપડિયાના ધમપછાડા નિષ્ફળ ગયાં અને રમેશ સિપ્પીની ખ્વાહીશ ‘સાગર’ના ખારા પાણીમાં ધોવાઇ ગઈ.
‘ઝખ્મી શેર’ ડીમ્પલ કાપડીયાની પહેલી કમબેક ફિલ્મ બની.
‘ઝખ્મી શેર’ ૧૯૮૪માં રીલીઝ થઇ ને ‘સાગર’ ૧૯૮૫માં.
‘ઝખ્મી શેર’માં આપને ડીમ્પલ કાપડિયાનો અવાજ જુદો લાગશે.. કારણ કે તેઓ ‘ઝખ્મી શેર’ના ડબિંગ માટે ગયાં જ નહતા. તેના બદલે એક ડબિંગ આર્ટીસ્ટે સ્વર આપ્યો છે.
આગામી કડી...
જયારે જયારે અનારકલીનો ઉલ્લેખ થાય ત્યારે સૌને મધુબાલા અથવા ફિલ્મ ‘મુગલ-એ આઝમ’નું સ્મરણ થાય.
પણ ‘મુગલ-એ આઝમ’ના ઘણાં વર્ષો પહેલાં પણ કોઈએ ‘અનારકલી’ના અમર પાત્રને તેના અનન્ય અભિનયના ઓજસ થકી ફિલ્મી પરદે ઉત્તમ રીતે ઉજાગર કર્યું હતું. તેનું નામ હતું..
‘બીના રાય’
એ બેહદ ખૂબસૂરત અદાકારા બીના રાય વિષે વાત કરીશું, જેને ગઈકાલની પેઢી થોડી વિસરી ગઈ છે.
વિજય રાવલ
૦૧/૦૯/૨૦૨૨