પ્રકરણ-૭
(પ્રગતિના પંથે)
કલ્પના બહેન સાથેની લડાઈ પછી ધીમે ધીમે અનામિકા હવે અન્યાય સામે લડતાં શીખી રહી હતી. સત્યની એની લડત નો કદાચ આ પહેલો જ અધ્યાય હતો. અને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો સામનો કરવા માટે કદાચ એ તૈયાર પણ થઈ રહી હતી. કોલેજનું એનું પહેલું વર્ષ પૂરું થઈ ગયું હતું અને એ સારા માર્ક્સ સાથે પાસ પણ થઈ ગઈ હતી. વેકેશન પડતાં જ એ ફરી પોતાના ઘરે આવી ગઈ હતી. એ જ સમય દરમિયાન કલગી પણ પોતાની ડિલિવરી માટે ત્યાં આવી પહોંચી હતી. હા, લગ્નના એક વર્ષ પછી કલગી અને માનવના જીવનમાં સંતાનનું આગમન થવાનું હતું. રાજવીર પણ હવે કોલેજમાં આવી ગયો હતો. મનોહરભાઈનું ઘર આજે ફરી બંને દીકરીઓના આગમનથી હર્યુભર્યુ થઈ ગયું હતું. મનોહરભાઈ અને માનસીબહેનને થતું હતું કે, આ સમય અહીં જ અટકી જાય અને આપણે હંમેશા આટલાં ખુશ ખુશ જ રહીએ. ખુશીઓની આ ઘડીઓ ક્યારેય સમાપ્ત જ ન થાય. પણ એક નવી શરૂઆત માટે અંત પણ જરૂરી હોય છે.
મહિના પછી એક રાતે કલગીને અચાનક પેટમાં દુઃખાવો ઉપડ્યો. એને હોસ્પિટલમાં લઈ જવામાં આવી.માનવ અને તેનો પરિવાર પણ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતાં. કલગીએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. માનવે પોતાના દીકરાને હાથમાં લીધો. અચાનક એ બાળક રડવા લાગ્યું અને એનો રંગ ભૂરો પડવા લાગ્યો. માનવ આ જોઈને ગભરાઈ ઉઠ્યો. એ તરત ડૉક્ટરને બોલાવવા દોડ્યો. ડૉક્ટરે તેને જોઈને કહ્યું, "બાળકને કાચની પેટીમાં રાખવું પડશે."
તો જલ્દી જે કરવું હોય તે કરો ને ડૉક્ટર સાહેબ. રાહ શેની જુઓ છો? ઉતાવળ કરો નહીં તો મરી જશે મારો દીકરો." નવા નવા પિતા બનેલા માનવનો ગુસ્સો છલકી ઉઠ્યો.
બાળકને કાચની પેટીમાં રાખવામાં આવ્યું. ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ તેઓ એ બાળકને ન બચાવી શક્યાં. કલગી અને માનવ બંને ખૂબ જ તૂટી પડ્યા. બંનેના પરિવાર પણ ખૂબ જ ઢીલા પડી ગયા હતા. કોઈની આંખના આંસું સુકાતાં નહોતા. ન રડી એક માત્ર અનામિકા. જાણે ઈશ્વરની આત્મા આજે અનામિકાની અંદર આવીને વસી હતી અને બધાને હિંમત આપી રહી હતી.
અનામિકા બોલી રહી હતી, "કલગી! એક સંતાનના મૃત્યુથી કંઈ જીવન પૂર્ણ નથી થઈ જતું. જેનો આરંભ છે એનો અંત પણ છે જ અને જેનો અંત છે એનો આરંભ પણ છે. શ્રી કૃષ્ણ એ ગીતામાં કહ્યું છે,
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥
આત્માને શસ્ત્રથી કાપી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી. ન તો પાણી તેને ઓગાળી શકે છે અને ન તો પવન તેને સૂકવી શકે છે. તારો પુત્ર પણ મૃત્યુ નથી પામ્યો કલગી પણ માત્ર આત્માએ એના શરીરનો ત્યાગ કર્યો છે. જે શાશ્વત છે એના માટે આંખમાં આંસુ કેમ? ઈશ્વરની ઈચ્છા હશે તો ફરી તારો ખોળો ભરાઈ જશે. અત્યારે તું સ્વસ્થ થઈ જા અને ફરી ઉભી થા. તારા જીવનની નવી શરૂઆત કર. ગયેલાં પર શોક ન કર પણ જે અત્યારે તારી સાથે છે એને સંભાળી લે. અનામિકાની આ વાતથી બધાં લોકોમાં ચેતનાનો સંચાર થયો અને ધીમે ધીમે એ બાળકનું દુઃખ બધાંને ભૂલાતું ગયું.
****
નિશ્ચયને પોતાની ધારણા કરતાં ઘણી જ ઉતરતી કક્ષાની નોકરી મળી હતી. પોતે ગોલ્ડ મેડાલીસ્ટ હોવા છતાં પણ એને માત્ર ૬૦૦૦ રૂપિયા પગારની નોકરી મળી હતી. પોતાની ક્ષમતા વધુ હોવા છતાં પણ ઓછા પગારની નોકરી મળવાને કારણે એ સહન નહોતો કરી શકતો. પણ એની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. એનું મન ગવાહી નહોતું આપતું આ નોકરી માટે પણ પોતાના પગભર થવું પણ જરૂરી હતું. એનું મન તો જાણતું હતું કે, જો પોતે પોતાના પગ પર ઉભો નહીં રહે તો પોતાના પરિવારના લોકો તેને દબાવી નાખશો. અને પોતે પોતાના જ પરિવાર ની ગુલામીનો ભોગ બનવા નહોતો માંગતો. એ તો આઝાદ ગગનનું પંખી બનવા માંગતો હતો અને ખુદારીથી જીવવા માંગતો હતો અને આઝાદીનું આ પહેલું પગથિયું હતું. એને એ ડગલું ભર્યા સિવાય છૂટકો પણ નહોતો.
*****
મેહુલ ઈકબાલના ક્લાસમાં નોકરી કરી તો રહ્યો હતો પણ માત્ર ૮૦૦ રૂપિયા પાંચ જણનું પેટ ભરવા માટે પૂરતાં ક્યાં હતાં? એટલે એ હજુ પણ વધુ પૈસા કમાવવા ઈચ્છતો હતો અને ઈશ્વર ક્યારેક તો સામું જોશે એવી આશા સાથે હંમેશા પ્રયત્ન કરતો રહેતો. ઈશ્વર ઉપરની એની આસ્થા ગજબની હતી માટે એના પ્રયત્નમાં ક્યારેય ઓટ આવતી નહીં. અને એક દિવસ એવો આવ્યો પણ ખરાં. ઈશ્વરે એની સામે જોયું અને એને રાતનાં સમયમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટના જે ટ્રક જતાં હોય એની દેખરેખ રાખવાનું કામ મળ્યું. દિવસ દરમિયાન એ ક્લાસિસનું કામ કરતો અને રાતે ટ્રકમાં મજૂરો જે સામાન ચડાવતા એની ગણતરી અને દેખરેખ રાખવાનું કામ કરતો. એના કદમ પણ પ્રગતિના પંથ પરની પહેલી સીડી ઉપર આવી પહોંચ્યા હતા.
મેહુલની બહેન મીરાં અને મયુરીની ખાસ સખી નિધિ ઘણીવાર મેહુલના ઘરે આવતી અને મનોમન એ મેહુલને પસંદ પણ કરતી હતી. અને આ વાત મીરાં અને મયુરી બંને જાણતાં પણ હતાં અને એટલે જ બંને ઈચ્છતાં હતાં કે, પોતાની આ પ્રિય સખી જ પોતાની ભાભી બનીને આ ઘરમાં આવે અને એ માટે એ બંને બહેનો હંમેશા પ્રયત્નશીલ રહેતી હતી.
****
પ્રગતિના પંથ પર નીકળી પડેલાં આ ત્રણ પાત્રો અનામિકા, નિશ્ચય અને મેહુલ શું ઉન્નતિના શિખરો સર કરી શકશે? શું અનામિકાના જીવનમાં કોઈ પુરુષનું આગમન થશે? શું નિશ્ચય આઝાદ ગગનનું પંખી બની શકશે કે પછી એની પાંખો કપાઈ જશે? શું મેહુલ પણ નિધિ માટે લાગણીનો અનુભવ કરશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.