Review in Gujarati Love Stories by Nisha Patel books and stories PDF | સમીક્ષા

Featured Books
Categories
Share

સમીક્ષા

તેને ખબર હતી, તેના સ્વપ્નાં પૂરાં થવાનાં નથી. કદાચ અશક્ય વાતોને જ દિવાસ્વપ્ન કહેતાં હશે!! તેણે મનનનો હાથ પકડી રાખ્યો હતો. તેને તો જીવનભર પકડી રાખવો હતો. જ્યારથી સમજણ આવી ત્યારથી તેણે મનનને પોતાનાં જીવનસાથી તરીકે મનોમન સ્વીકારી લીધો હતો. મનન પણ તેને પ્રેમ કરતો હતો. એકમેકનાં સહવાસમાં જીવન સફળ બનશે તેવું લાગતું હતું. કોલેજનો આજે છેલ્લો દિવસ હતો. ગ્રેજ્યુએટ આ વર્ષે એ થઈ જશે. અને મનને તો હાઈસ્કૂલ પછી ભણવાનું જ છોડી દીધેલું. તો પછી હવે મનનને મળવું અશક્ય તો નહી પણ અઘરું જરૂર બની જશે. સમાજનાં રીતરિવાજોથી બંધાયેલાં બંને એકબીજા સાથે બંધાઈ શકે તેમ નહોતાં. તો હવે આ સંબંધનો અંત લાવવો જ રહ્યો! આજે તે મનનને એવું કહેવાં માટે જ મળવાં આવી હતી.


પણ મનન આજે જુદાં જ મુડમાં હતો. તેને તો આખાં જગત સાથે લડી લેવું હતું. પ્રેમની સીડી ચઢીને લગ્ન કરી જ લેવાં હતાં. રોજ જેની સાથે વિચારોનો મેળ મળતો આજે એ જ બંનેનાં વિચાર તદ્દન અલગ હતાં. મનન નક્કી કરી આવ્યો હતો, બધાં સંબંધો છોડી દૂર જતાં રહેવું. દૂર બીજાં કોઈ શહેરમાં જઈ સાથે મળી ઘર વસાવવું. લગ્ન કરી લેવાં! પણ… તેને એવું કરી માબાપને દુ:ખી કરવાં નહોતાં. છેવટે મનને ગમેતેમ કરી તેને મનાવી જ લીધી. એ એપ્રિલ મહીનો હતો. તે ૧૯ વર્ષની અને મનન ૨૧ વર્ષનો થઈ ગયો હતો. મે મહિનાની ૩૧ તારીખે બંને જણાંએ માતપિતાનું ઘર છોડી પોતાનું એક આગવું ઘર વસાવવાનું નક્કી કરી દીધું. એક દુનિયા, માત્ર એની અને મનનની દુનિયા!


તેનું મન સ્વપ્નનાં આકાશમાં ઊડવાં લાગ્યું હતું. થોડાં સમય માટે તો બંને જણાં કોઈ મિત્રને ત્યાં રહેશે. પછી પોતાનું ઘર વસાવી લેશે. મનન કમાવાં જશે અને એ ઘર સાચવશે, બાળકો સાચવશે… બાળકોનાં વિચારમાત્રથી તેનું રોમરોમ રોમાંચ અનુભવી રહ્યું! દિવસો જતાં હતાં તેમ મનન સાથે ઘર વસાવવાની આતુરતાં વધતી જતી હતી.


છેવટે ૩૦મી મે આવી પહોંચી. એને કાલે તો નીકળી જવાનું હતું. એણે કપડાંની એક નાની બેગ તૈયાર કરી હતી. થોડાં સાચવી રાખેલાં પૈસા તેણે બેગમાં લઈ લીધાં હતાં. કાલે વહેલી સવારની ટ્રેનમાં નીકળવાનું હતું. બહેનપણીઓ સાથે પીકનીકનાં બહાને તે નીકળવાની હતી. અને પછી બે દિવસ એક બહેનપણીનાં ઘરે રહેવાનું તેણે બહાનું બનાવી દીધું હતું. તેથી બે-ત્રણ દિવસ તો કોઈને કશી ખબર પડવાની નહોતી. પછી… પછી ખૂબ કકળાટ થશે. ખબર પડશે તો મમ્મી પપ્પા અનહદ ગુસ્સે પણ થશે. દુ:ખી પણ થશે. સમાજમાં નામોશી લાગશે. તેમને પહેલેથી જ મનન ગમતો નથી. ખાસ તો એ ભણ્યો નહી તેથી તેમને તેને માટે જરા પણ માન નહોતું. પપ્પા હંમેશ કહેતાં, “એ જીવનમાં શું કરવાનો? માબાપનાં પૈસા પર લહેર કરતો ફરે છે!! અમથો સ્કુટર લઈ આખો દિવસ રખડતો ફરે છે. “ મનન તેમનાં દૂરનાં ઓળખીતાંનો દીકરો હતો અને એ જ સોસાયટીમાં રહેતો હતો, તેથી ઘરનાં સૌ તેને ઓળખતાં હતાં.


એ દિવસે એણે નાનાં ભાઈબહેનને ખૂબ વહાલ કર્યું. તેમની સાથે ખૂબ રમી. મમ્મી પપ્પાની આગળપાછળ ફરતી રહી. તે પહેલેથી જ પ્રેમાળ હતી, તેથી કોઈને શંકા ના ગઈ. રાતનાં આઠ વાગવાં આવ્યાં હતાં. રાતનું જમવાનું પતી ગયું હતું. રોજની જેમ મમ્મી પપ્પા બહાર વરંડામાં બેસી વાતોએ વળગ્યાં હતાં. ભાઈબહેન બહાર સોસાયટીમાં રમવાં ગયાં હતાં. બધાની નિઃશંક નજર અને ચહેરાં જોઈ તેનાં મનમાં હવે જણે ગુનાની લાગણી સળવળી ઉઠી હતી. પુસ્તક વાંચવાને બહાને એ રુમમાં ભરાઈ ગઈ. હવે જેમ જેમ જવાનો સમય નજીક આવવાં લાગ્યો, તેમતેમ એક અજાણ્યો ડર હ્રદયને જોરથી ધ્રૂજાવવાં લાગ્યો હતો. એ જાણે વ્યાકુળ બની ગઈ હતી. એણે વ્યાકુળતા છુપાવવાં રેડિયો ચાલુ કર્યોં. એ સમયે હજુ ટીવી ભારતનાં ઘરો સુધી આવ્યું નહોતું.


રેડિયા પર કોઈ અસલ જીવન પર આધારીત નાટક પ્રસારિત થઈ રહ્યું હતું. પાંચ દસ મિનીટ પછી બેધ્યાન તેણીનાં કાનની અંદર રેડિયોનાં સ્વર જવાં લાગ્યાં. ધીરેધીરે તે નાટકમાં એકરસ બની ગઈ:

નાટકમાં એના જેવી જ કોઈ મુગ્ધા સમીક્ષાની અને આલાપની વાત હતી. સમીક્ષા પોતાનાં માતપિતાનું ઘર છોડી આલાપ સાથે પોતાનું આગવું ઘર વસાવવાં ચાલી નીકળેલી. કોઈ મિત્રની મદદથી કોઈ દૂરનાં શહેરમાં જઈ એ બંનેએ એક ઘર ભાડે લીધેલું. ધીરે ધીરે ઘરેથી સાથે લઈ આવેલાં પૈસા પતી ગયાં અને મિત્રોની મદદ પણ બંધ થઈ ગઈ, અને આલાપને હજુ સુધી કોઈ નોકરી મળી નહોતી!! સમીક્ષાનાં પોતાનાં ઘરેથી લાવેલ ઘરેણાં પણ વેચાઈ ગયાં! છેલ્લાં કેટલાંય દિવસોથી આલાપ દારુનાં નશામાં મોડી રાત્રે જ ઘરે આવતો હતો. અઠવાડિયાથી ઘરમાં અનાજનો દાણો નહોતો. સમીક્ષાને હવે કોઈ ઉધાર અનાજ આપવાં તૈયાર નહોતું. તે પાણી પી મન મનાવી લેતી, કે, આજે આલાપને કામ મળશે, કાલે મળશે…


આજે આલાપ ફરી અડધી રાત્રે દારુનાં નશામાં ઘરે આવી જમવાનું માંગ્યું. અઠવાડિયાની ભૂખી સમીક્ષાને હજુ આલાપ પર એટલો જ પ્રેમ હતો. તેને લાગી આવ્યું. ઘરમાં તો કશું હતું નહીં, એ આલાપને શું જમવાં આપે?? તેણે પાડોશી પાસે મદદ માંગવાની આશામાં સહેજ બારણું ખોલી ચારેબાજુ જોયું. બધાં ઘરો બંધ હતાં. રાત્રે બે વાગ્યે કોનું ઘર ખુલ્લું હોય?? અને કદાચ હોય તો પણ તેની મદદ કોઈ કરત ખરું કે!? બધાની બહુ મદદ તે લઈ ચુકી હતી. છતાં એક આછીપાતળી આશાનો નાનો તાંતણો હતો! કોઈ કદાચ મદદ કરે! પણ બધાં ઘર બંધ જોતાં તે નિરાશ થઈ. એ બારણું બંધ જ કરવાં જતી હતી ત્યાં પાછળથી નશામાં ધૂર્ત આલાપ આવ્યો, “આટલી અડધી રાત્રે બહાર કોની રાહ જુએ છે?” અને નશામાં ગમેતેમ બોલતાં બોલતાં તેણે સમીક્ષાને લાત મારી. આભી બનેલી સમીક્ષાને પ્રતિકાર કરવાનું તો શું, જવાબ આપવાનું પણ ના સૂઝ્યું. અને એટલે આલાપની હિંમત વધી ગઈ. આલાપે બારણાં પાસે જ સમીક્ષાને આડેધડ મારવાં માંડી.


અઠવાડિયાની ભૂખી સમીક્ષા બેવડ વળી ગઈ. હવે તેનાં આંખોમાંથી આંસુ અને ગળામાંથી ચીસો નીકળી ગઈ. આલાપની બૂમો અને સમીક્ષાની ચીસો સાંભળી અત્યાર સુધીનાં બંધ ઘરો ખુલી ગયાં અને સૌ સમીક્ષાની વહારે દોડી આવ્યાં. કોઈ આલાપને રોકવાં લાગ્યાં તો કોઈ સમીક્ષાને આશ્વાસન આપવાં માંડ્યાં. થોડીવારમાં એ બંનેને ઘરમાં પાછાં અંદર મોકલી સૌ પોતપોતાનાં ઘરે જતાં રહ્યાં. જોતજોતાંમાં ફરી સૂનકાર થયો અને આલાપ વળી ગાળાગાળી કરતો બહાર જતો રહ્યો. હબકી ગયેલી સમીક્ષા હજુ આભી હતી. આવું કંઈ બની શકે? એ જે આલાપને ઓળખતી હતી તે જ આ …? તે મનમાં કકળતી રહી. હવે શું કરવું તે સૂઝતું નહોતું. આવું પણ બની શકે તેવું તેણે કોઈ દિવસ સ્વપ્નમાં યે વિચારેલું નહી. આ શું બની ગયું!!


થોડીવારમાં ખાલી બારણું અટકાવી ગયેલો આલાપ કોઈને લઈને પાછો આવ્યો અને સમીક્ષા કાંઈ સમજે તે પહેલાં પેલાં પુરુષને અંદર મોકલી આલાપ બહારથી બારણાંને તાળું મારી જતો રહ્યો. અવાચક બનેલી અઠવાડિયાંની ભૂખી સ્ત્રીનાં શરીર સાથે પેલો આવનાર પુરુષ રમી રહ્યો. વિચારશૂન્ય સમીક્ષા સામનો કરવાની હાલતમાં રહી નહોતી. તે સવારે આલાપ પાછો આવ્યો અને પેલો પુરુષ જતો રહ્યો. શૂન્ય અને સ્થિર નજરે સમીક્ષા આ બધું જાણે પ્રેક્ષક બનીને જોઈ રહી! થોડી ક્ષણો પછી બડબડાટ કરી નિંદ્રાધીન બનેલાં આલાપ પર અચાનક ઊભાં થઈ તેણે ચપ્પુનો ઘા કર્યો!


નિઃસહાય, બેઘર બનેલી સમીક્ષા વહેલી સવારનાં સુમશાન રસ્તાં પર દિશાહીન બની દોડી રહી હતી!


૰ ૰ ૰ ૰

હવે શૂન્યમનસ્ક બનવાનો તેનો વારો હતો. તેને ખબર પણ ના પડી કે ક્યારે ઘર આખું નિંદ્રાગ્રસ્ત થઈ ગયું. જાણે કે એ બેહોશ બની ગઈ હતી! ને તેનાં મનમાં એક ચમકારો થયો…એ સમીક્ષા તો નહોતી બનવાં જઈ રહી ને!!! ?? વહેલી સવારનું એલાર્મ તે રાત્રે જ બંધ કરી ચુકી હતી. આખી રાત તે મટકું મારી શકી નહીં. ધડીક વિચારોનાં વાવાઝોડાં, તો ધડીકમાં વિચારશૂન્યતા… છેવટે તેણે નક્કી કરી લીધું, તેને સમીક્ષા બનવું નથી જ. સવારે બહેનપણીઓ સાથે પીકનીકમાં જવાનો ટાઈમ થઈ ગયો તો યે તે ઊઠી નહીં એટલે મમ્મીએ તેને ઉઠાડી. પણ તે પેટમાં દુખે છે કરીને સૂવાનો ઢોંગ કરી પડી રહી…. છાનાં આંસુ સારતી રહી…


આજે એ દિવસને ચાલીસ ચાલીસ વર્ષો વીતી ગયાં હતાં. તે પિયર ભાઈને ઘરે રહેવાં જઈ રહી હતી. તેને રસ્તામાં જ દારુનો નશો કરેલ મનન અને પિયરનાં આધારે સંસાર ચલાવતી તેની પત્ની મળી ગયેલાં. ને તેનું મન બોલી ઊઠેલું, ‘તે સાચે જ સમીક્ષા બનતાં બનતાં રહી ગઈ…!