અતીતરાગ-૩૦
રાજ બબ્બર
વર્ષ ૧૯૫૨, આગ્રામાં જન્મેલા રાજ બબ્બરે નાટ્ય જગતમાં કામ કરતાં કરતાં અને હિન્દી જગતમાં આવતાં પહેલાં બે સુપરહિટ ફિલ્મો સાઈન કરી લીધી હતી.
પણ...છેલ્લી ઘડીએ તે બન્ને ફિલ્મોમાંથી તેમને હટાવી દેવામાં આવ્યાં.
અને જોગાનુજોગ જુઓ..
એ બંને ફિલ્મોની અભિનેત્રી હતી સ્મિતા પાટીલ.
કઈ હતી એ બે સુપરહિટ ફિલ્મો ? શું હતો એ કિસ્સો ?
જાણીશું આજની કડીમાં.
આ વાત છે વર્ષ ૧૯૭૦ની.
એ સમયે રાજ બબ્બર દિલ્હી સ્થિત હતાં અને થીએટર કરતાં.
સુપ્રસિદ્ધ લેખક જોડી સલીમખાન અને જાવેદ અખ્તર પણ દિલ્હીમાં અવારનવાર નાટકો જોવાં જતાં.
એ સમયે તેઓ એક વાર્તા ઘડી રહ્યાં હતાં. અને તેઓને એવું લાગ્યું કે તે વાર્તાના પાત્ર માટે રાજ બબ્બર યોગ્ય કલાકાર છે.
રાજ બબ્બરની કેટલીક તસ્વીરો બતાવવામાં આવી તે ફિલ્મના પ્રોડયુસરને.
ફિલ્મના પ્રોડ્યુસર હતાં, રમેશ સિપ્પી.
એ તસ્વીર રમેશ સિપ્પીને તો પસંદ પડી પણ સાથે સાથે તે ફિલ્મમાં એક દિગ્ગજ કલાકાર પણ કામ કરી રહ્યાં હતાં તેમણે પણ ગમી. તે અભિનય સરતાજ હતાં. દિલીપકુમાર.
રાજ બબ્બરને તે ફિલ્મ માટે સાઈન કરવામાં આવ્યાં અને તેમને સાઈનિંગ એમાઉન્ટ પણ આપવામાં આવી.
બધું જ ફાઈનલ થઇ ગયાં પછી... અચનાક રામના રાજ્યાભિષેકની માફક રાતોરાત ચિત્ર પલટાઈ ગયું..
ફિલ્મમાંથી રાજ બબ્બરને હટાવીને તેમની જગ્યાએ સાઈન કરવામાં આવ્યાં મહાનાયક અમિતાભ બચ્ચનને, ફિલ્મનું નામ હતું... ‘શક્તિ’.
જે વર્ષે રાજ બબ્બરના મોં સુધી આવેલો ‘શક્તિ’નો કોળીયો છીનવાઈ ગયો તે વર્ષે દિલ્હીમાં નાટક ભજવતાં ભજવતાં મુંબઈ જઈને બોલીવૂડમાં સિક્કો જમાવી સ્ટાર બનવાના સપના જોતાં રાજ બબ્બરના હાથમાંથી બીજી એક ફિલ્મ ઝુંટવાઈ ગઈ.
અને બીજી ફિલ્મ જે હાથમાં આવતાં આવતાં સરકી ગઈ તેના ડીરેક્ટર અને પ્રોડ્યુસર હતાં,પ્રકાશ મહેરા.
એ ફિલ્મ માટે પ્રકાશ મહેરાએ જયારે રાજ બબ્બરને ઓફર કરી, તે સમયે બન્ને દિલ્હીમાં હતાં.
પણ તે સમયે રાજ બબ્બરે પ્રકાશ મહેરાને એવું કહ્યું કે,
‘હું મુંબઈ આવી તો જાઉં પણ મુંબઈમાં મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી, અને
સાંભળ્યું છે કે, મુંબઈમાં રેન્ટ પણ બહુ ઊંચાં હોય છે, જે મને પરવડે નહીં.
તેના જવાબમાં પ્રકાશ મહેરાએ કહ્યું કે,
‘આપ મુંબઈ આવી જાઓ અને રહેવાની ચિંતા છોડી દો.’
એ પછી પ્રકાશ મહેરાએ મુંબઈમાં તેમનું એક ઘર રાજ બબ્બરને રહેવાં માટે આપી દીધું.
એ પછી રાજ બબ્બર મુંબઈ આવ્યાં
ફિલ્મ શૂટિંગની તૈયારીઓ જોરશોરમાં શરુ થઇ ગઈ.
અને અંતિમ ઘડીએ કમોસમી માવઠાની માફક મૌસમ બદલાતા રાજ બબ્બરની જગ્યાએ ફિલ્મમાં શશીકપૂરને સાઈન કરવામાં આવ્યાં.
એ પણ અમિતાભ બચ્ચનની ફિલ્મ હતી... જી, હાં, ‘નમક હલાલ’
ફિલ્મ તો હાથ અને હસ્તરેખામાંથી જતી રહી પણ નિરાશ રાજ બબ્બરે પ્રકાશ મહેરાને વિનંતી કરતાં એટલું કહ્યું કે,
‘ફિલ્મમાંથી મને ભલે હાંકી કાઢ્યો પણ આ ફ્લેટમાંથી મને રૂખસત થવાનું ન કહેતા.
અને આ ફ્લેટ હું એક વર્ષ માટે રાખવા ઈચ્છું છું.
અને એ આગામી એક વર્ષમાં રાજ બબ્બરે ઘણી ફિલ્મો સાઈન કરી પણ ટર્નીંગ પોઈન્ટ સાબિત થઇ....બી.આર.ચોપરાની ‘ઇન્સાફ કા તરાજુ’.
‘ઇન્સાફ કા તરાજુ’ રાજ બબ્બરની માઈલ સ્ટોન મૂવી સાબિત થઇ.
૧૯૮૧માં ‘ઇન્સાફ કા તરાજુ’
૧૯૮૪માં ‘અગર તુમ ના હોતે’
૧૯૮૫માં ‘આજ કી આવાઝ’
૧૯૯૪માં’ ‘દલાલ’ અને
૧૯૯૬માં ‘યારાના’ જેવી પાંચ ફિલ્મો માટે રાજ બબ્બર ફિલ્મફેર એવોર્ડમાં નોમીનેટ થયાં, છતાં એક પણ એવોર્ડ હાંસિલ ન કરી શક્યા.
હિન્દી સિવાય તેમણે પંજાબી ભાષાની પણ ચૌદ ફિલ્મોમાં અભિનય કર્યો.
વર્ષ ૨૦૧૬માં રીલીઝ થયેલી ફિલ્મ ફોર્સ-૨માં તેઓ અંતિમવાર નજરે ચડ્યાં હતાં.
આગામી કડી..
વર્ષ ૧૯૭૦માં હિન્દી ફિલ્મ જગતમાં એક અલગ વિષય પર ફિલ્મો બનાવનાર એક અલગ સમુદાય હતો. તે ફિલ્મોના નિર્માતા, કલાકાર અને દર્શકોનો ટેસ્ટ બિલકુલ જુદો જ હતો. તે ફિલ્મ મેકર્સ અને અભિનેતા મધ્યમ વર્ગનું પ્રતિબિંબ યા તો મધ્યમ પરિવારની વાચાનું બખૂબી પરદા પર એવું નિરૂપણ કરતાં કે જે જોઇને સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ તેની છબી ફિલ્મી પરદે જોઇને તેની બધી જ તકલીફો ત્રણ કલાક માટે ભૂલી જતો.
તે પ્રકારની ફિલ્મ નિર્માણના હિમાયતી અને સુત્રધાર હતાં.. ગુલઝાર, ઋષિકેશ મુખરજી, યા તો બાસુ ચેટરજી. જે આમ આદમીની ખાસ ફિલ્મો હતી.
આવી હટકે ફિલ્મોનું પ્રતિનિધિત્વ કરતાં, મહા નાયકનું નામ હતું..
‘અમોલ પાલેકર’.
ધ બોય લાઇક નેક્સ્ટ ડોર.
અમોલ પાલેકરનું ફિલ્મી પરદે પદાપર્ણ થયું બાસુ ચેટરજીની ફિલ્મ ‘રજનીગંધા’થી.
પણ ‘રજનીગંધા’ પહેલાં પણ અમોલ પાલેકરને એક ફિલ્મ ઓફર થઇ હતી
પણ..?
એ ‘પણ’નું પ્રશ્ન પેપર ખોલીશું અગામી કડીમાં ?
વિજય રાવલ
૩૧/૦૮/૨૦૨૨