Education and Lifestyle in Gujarati Philosophy by DIPAK CHITNIS. DMC books and stories PDF | શિક્ષણ અને જીવનઘડતર

Featured Books
Categories
Share

શિક્ષણ અને જીવનઘડતર

શિક્ષણ અને જીવનઘડતર

મનુષ્ય જીવનને સર્વાંશે ‘સત્યમ, શિવમ્ સુંદરમ’ બનાવવાનો પાયો કેળવણી હોવાનો તેમનો મત હતો. એને અનુલક્ષીને જ તેમણે આટલી કેળવણીની સંસ્થાઓ અને ભવનો રચ્યા હતા.

શિક્ષણ અને ઘડતર આ બે શબ્દો જન્મ લેતાં દરેકે દરેક બાળક માટે અગત્યના છે. આ બે શબ્દોનું મુખ્ય સર્જન સ્થાન છો ગણવામાં આવે તો બાળકને જન્મ આપનાર માતા-પિતા તેમજ બાળકના બાળપણ એટલે કે પાંચ વર્ષ સુધીનો સમય. આ સમય પુરો થયાને અંતે ઘડતર અને શિક્ષણની જવાબદારીમાં માતા-પિતાની સાથોસાથ બાળકના તેના પ્રાયમરી શિક્ષણનો પ્રવેશ એટલે બાળકની ઘડતર-શિક્ષણની જવાબદારી નો ભાર પ્રાથમિક શિક્ષણ આપતાં શિક્ષક માસ્તર (જેને મા-સ્તર) ગણવામાં આવે છે તેમની જવાબદારી પણ અનેક ઘણી હોય છે.

શિક્ષણને માનવીના માનવ તરીકેના અસ્તિત્વની સાથે સાંકળવામાં આવ્યું છે. શિક્ષણ વિના માનવી સંભવી જ ન શકે એવી એની દૈહિક રચના રચાયેલી છે. જન્મથી જ માનવીને પ્રાપ્ત થતી શારીરિક સંપત્તિ, એનાં અંગ-ઉપાંગો, એનું મગજ, એની વિવિધ જ્ઞાનેન્દ્રિયો વગેરે એને જીવનભર ટકી રહેવા, વિકસવા, સફળ નીવડવા અને તેમ કરીને એના જીવનની સાર્થકતાનો અનુભવ કરી, તેમાંથી મહત્તમ આનંદ અને સંતોષ મેળવવા જાણે કે એને નિરંતર શીખતા રહેવાની સામગ્રી પૂરી પાડે છે. એ માટે એને અભિપ્રેરણા આપે છે અને એમ કરીને દુનિયાના અન્ય પ્રાણી જાતથી એને એક આગવી ઓળખ આપે છે. આથી જ માનવીને ‘એક શીખતા પ્રાણી’ તરીકે ઓળખવામાં આવ્યો છે.

કેળવણીએ કાંઈ લખવા, વાંચવા કે ગણવા-શીખવાની સગવડ નથી. એ તો એક સ્વતંત્ર દર્શન છે. જીવનનાંક દરેક મહત્વનાં પાસાંનું રહસ્ય તથા સાંરાંશ ઉકેલી આપેલી તેજ સાચી કેળવણી છે આખા રાષ્ટ્રમાં ક્ષાત્રવૃત્તિ જગાડવા માટે કૈઝરને આખરે કેળવણીનો આશ્રય લેવો પડયો હતો.

જે રાષ્ટ્ર પોતાના જુવાનોના સાચા શિક્ષક તરફ ઉદાસીન રહે છે. તે આત્માહત્યા હોરી લે છે તેમાં શંકા નથી રાષ્ટ્રને સાચી કેળવણી જોઈએ જ એમ કહેવું એ તો શરીરને સારો અને સાચો ખોરાક જોઈએ એમ કહેવા બરાબર છે. આ બધા જ ખોરાક કાંઈ શરીરને અનુકૂળ હોતા નથી, વિશિષ્ટા શરીરને વિશિષ્ટા ઉંમરે કેવો ખોરાક જોઈએ નકકી કરવું એજ મહત્વનો સવાલ છે.

સરકારી કેળવણીના દોષો અત્યાર સુધી રસપૂર્વક આપણે વર્ણવતા આવ્યા છીએ. સરકાર જ ભૂલો કરે છે, પ્રજા નથી એવું થોડું જ છે. રાષ્ટ્રીય શિક્ષણમાં, શિક્ષણનાં સ્વરૂપમાં અને એને સાંકળતી પરીક્ષા પધ્ધતિમાં કઈ કઈ ખામીઓ રહી છે. તે જોઈને નવી યોજના ઘડી નવી શરૂઆત કરી દેવી જોઈએ રાષ્ટ્રીય શિક્ષણની સાચી શરૂઆત તો જયારે સમાજ સત્યાવસ્થિત હોય, ઉત્સાહ ભાંગી ગયો હોય, અનેક સવાલો સમાજને પીડી રહ્યા હોય, ત્યારે જે શ્રધ્ધાવાન મુઠ્ઠીભર લોકોને હાથે થવી જોઈએ.

સાચો કેળવણીકાર અને કેળવણી આપતી સંસ્થાઓ કોઈ સંપ્રદાય કે રાજકીય પક્ષના આશ્રિત બનવા જોઈએ નહીં, કારણ કે કેળવણીમાં રાજનીતિ નહિ પણ રાષ્ટ્રનીતિ અભિપ્રેત છે.

કેળવણી એટલે સાધના કેળવણી જીવનનું એક અંગ નથી. કેળવણીમાં જીવનનાં સર્વઅંગો આવી જાય છે. કેળવણીનું ક્ષેત્ર ફકત શાળા-કોલેજ પૂરતું મર્યાદિત હોવું ન જ જોઈએ કારણ કે કેળવણી દ્વારા આખા રાષ્ટ્રની સેવા કરવાની છે અને આખા માનવ સમાજનો મહિમા વધારવાનો છે. ખાસ કરીને ગામડાઓમાં દરેક જાતના સંસ્કારોની આવશ્યકતા છે આખા સમાજને શિક્ષણ સંપન્ન કરવો એ કેળવણીકારનું મુખ્ય કર્તવ્ય છે.

શિક્ષણ કહો કે કેળવણી એ દરેકે દરેક યુગની યાદી જરૂરિયાત છે, એ નિઃસંદેહ છે, પરંતુ કોઈપણ યુગમાં જીવનમાં સુખશાંતિ અને સફળતા માટે ચારિત્ર્ય એ પાયાનું પરિબળ છે. ખરેખર તો શિક્ષણનો અને માનવજીવનનો મુખ્ય હેતુ શ્રેષ્ઠતમ ચારિત્ર્યનિર્માણ છે. અણઘડ પત્થરમાંથી માનવને શ્રેષ્ઠતમ ચારિત્ર્યમૂર્તિમા પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે, પરંતુ આજના યુગના શિક્ષણ સામેની એક મોટી ફરિયાદ એ છે કે તે માત્ર અને માત્ર યાદશક્તિની પરીક્ષા કરે છે, જીવન જીવવા માટેનું વાસ્તવિક પ્રશિક્ષણ આપી શકતું નથી અને એટલે બાળકનાં જીવનઘડતરનો પ્રશ્ન માતા માટે વધુ ને વધુ વિકરાળ બનતો જાય છે. આ જ પ્રશ્ન એક માતાએ મને આ રીતે વ્યક્ત કર્યો હતો : ‘અમે પતિ-પત્ની બંને અમારા બાળકોને રોજ સાંજે ત્રીસ મિનિટ અમારી સાથે બેસાડીએ છીએ અને જીવનલક્ષી વિકાસ વિશે અમારા બાળકને વાતો કહીએ છીએ, છતાં જ્યારે અમે વાતો કરતાં હોઈએ છીએ ત્યારે એ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળે છે અને સમજે પણ છે, પરંતુ પછી ગમે ત્યારે મારી સાથે તે ગમે તેમ વર્તે છે, કહ્યું માનતો નથી, બૂમ બરાડા પાડે છે અને પોતાને જે કરવું હોય તે જ કરે છે.’

આવી જ મુશ્કેલીઓ લગભગ ઘણીબધી માતાઓ અનુભવે છે. પોતાના બાળકો પોતાના કહ્યા મુજબ ચાલતા નથી હોતા તેનું એક કારણ માતા-પિતાની પોતાની પરિપક્વતાનો અભાવ પણ હોઈ શકે. જ્યાં સુધી આપણે પોતે જ આપણા ચારિત્ર્યને ઉન્નત ન બનાવી શકીએ ત્યાં સુધી આપણે સૌ બાળકોને ચારિત્ર્ય કે એવું કશું આપી શકીએ નહિ. બાળકને ફક્ત ઉપદેશોથી, શિખામણોથી કે સુચનાઓથી કશું શીખવી શકાય નહિ, એ માત્રને માત્ર જે કંઈપણ શીખે તે આપણા ચારિત્ર્યથી શીખે છે. એક કિસ્સો આ તબક્કે કહેવાની ઇચ્છા ફલીભીત થાય છે, એક દિવસ અમારી સામે રહેતા એક બહેન પોતાના બાળકને શાળાએ લઈ જતા હોય ત્યારે એ બાળક હંમેશા જોર-જોરથી રડે. એવામાં એક દિવસ એ ખૂબ ધમપછાડા કરવા માંડ્યો અને પોતાની માતાના કાબૂ બહાર જઈ રસ્તા પર આળોટવા માંડ્યું ત્યારે માતાને ખૂબ શરમ આવી, તેથી માતાએ બાળકને કહ્યું : ‘ચાલ, આજે ચોપાટી જઈએ, શાળાએ નથી જવું.’ ત્યારે બાળક જલદીથી ઊભું થયું અને આનંદથી ચોપાટી જવા માટે તરવરવા લાગ્યું. મમ્મી ચોપાટી જવાનું કહી બાળકને ચૂપ તો કરી શક્યાં અને બાળકને લઈ પણ ગયાં, પરંતુ જ્યારે શાળા આવી ત્યારે ચોપાટીને બદલે મમ્મી બાળકને ઘસડીને શાળામાં મૂકી આવ્યાં. આ પરથી મને લાગ્યું કે જો માતા બાળકને ચોપાટી જવાનું કહી શાળા મૂકી આવતી હોય તો તે બાળક સમય આવ્યે માતાને શાળાનું કહી ચોપાટી ન જાય ?!

ખરા અર્થમાં જો કહું તો આ આપણું ચારિત્ર્ય છે અને પછી આપણે આપણા બાળકોને મહાપુરુષો બનાવવા ઈચ્છતા હોઈએ છીએ. પણ શું એ શક્ય છે ખરું ? ઉમદા ચારિત્ર્ય અને પરિપક્વતા પ્રથમ માતાએ કેળવવા આવશ્યક છે, પછી એ આપણે આપણા બાળકોને શીખવવું નહિ પડે, આપોઆપ વારસો બાળકમાં આવી જશે. તો આ ચારિત્ર્યનિર્માણ જ બાળકના જીવનઘડતરનો મુખ્ય પાયો છે, આધારશિલા છે. આ આધારશિલા તૈયાર થયા પછી બાળકને જીવનનું વિજ્ઞાન શીખવવું એ માતાની મુખ્ય જવાબદારી બની રહે છે. પરિવાર, સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રનાં મૂલ્યોનું બાળકમાં ઘડતર કરવું અતિ આવશ્યક છે. બાળક વિશ્વમાનવ બની ને જીવે છતાં પણ તેના જીવનમાં મૂળ તો પોતાના સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર સાથે સતત સંકળાયેલાં રહેવાં જોઈએ, ઉપરાંત આજનું શિક્ષણ બાળકને જીવન જીવવાની અને પોતાના જીવનનો હેતુ પાર પાડવાની ક્ષમતા નથી આપી શકતું. એ ક્ષમતા આપવાની જવાબદારી હવે માતાની છે.

ખરા અર્થમાં આ બે બાબતો બાળકને જીવનનું વિજ્ઞાન સમજવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને એ થકી બાળકનાં જીવનઘડતરમાં નોંધપાત્ર ફાળો આપે છે. બાળકના જીવનઘડતરના આ યજ્ઞકાર્યમાં સૌ પ્રથમ માતા અને પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને પછી વિશ્વ જ્યારે સક્રિય હોય ત્યારે જ બાળકને આ શિક્ષણ અપાવી શકાય. બાળકમાં આવું જીવનઘડતર ઉપયોગી શિક્ષણ માત્ર શાળાકીય શિક્ષણ દ્વારા થઈ શકે તેમ નથી તેથી માતાએ બાળકને આ શિક્ષણ આપવા માટેનું સૌ પ્રથમ માધ્યમ બનવાનું છે. જાગૃત માતા જ પોતાના બાળક સાથેના સહવાસથી તેનામાં જીવન માટેનો સાચો અભિગમ કેળવી શકે છે. પોતાના કૌટુંબિક, સામાજિક મૂલ્યો, પોતાના વારસાનું ગૌરવ, વિવેક, વિનમ્રતા અને શ્રદ્ધા જેવા સદગુણો ખરેખર તો પોતાના ચારિત્ર્યમાંથી જ ઉપજાવી બાળકમાં તે રોપી શકાય છે. બાળકના જીવનઘડતરમાં ઉપયોગી એવાં મુખ્ય બે પરિબળો (ઉમદા ચારિત્ર્યનિર્માણ તથા શ્રેષ્ઠતમ નીતિમૂલ્યોનું શિક્ષણ) પછી પણ ઘણી એવી ઉપયોગી બાબતો છે જે બાળકના જીવનઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે માતાએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે.

નિયમિત રીતે બાળક સાથે સમય પસાર કરી, વાતચીત તથા તેના મનોભાવો જાણી બાળકમાં ઘડાતાં વિચારો, માન્યતાઓ અને ગ્રંથિઓથી પરિચિત રહી જરૂર પડ્યે યોગ્ય માર્ગદર્શનથી તેને ખોટાં વિચારો અને માન્યતાઓથી બચાવી શકાય છે, કારણ કે બાળકમાં શ્રેષ્ઠતમ ચારિત્ર્યનિર્માણના પાયામાં તેનાં વિચારો તથા માન્યતાઓ મુખ્ય હોય છે, જે તેના આખાયે જીવનનો આધાર છે. કહેવાય છે ને કે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. જે વિચારો અને માન્યતાઓ બાલ્યકાળમાં રોપાય છે તે જ વિચારો અને માન્યતાઓના પાયા પર તેનું આખુંયે જીવન ઘડાય છે અને તે પ્રમાણે જ માણસ જીવન જીવવા કટિબદ્ધ થાય છે, કારણ કે કોઈપણ કાર્યના મૂળમાં વિચાર રહેલો છે. માણસનું કોઈપણ કાર્ય બે વખત આકાર લે છે, પ્રથમ તેના મનમાં અને પછી બાહ્ય કાર્ય સ્વરૂપે, તેથી સ્વસ્થ અથવા મજબૂત માનસિકતામાંથી એ વિચાર ઉદ્દભવ્યો નહીં હોય તો તેણે કરેલું કાર્ય પૂર્ણરૂપે ખીલી ઊઠશે નહીં, તેથી સૌ પ્રથમ માતાની જવાબદારી બને છે કે બાળકનાં વિચારો, માન્યતાઓ તથા ગ્રંથિઓને ધ્યાનમાં લઈ તેને સ્વસ્થ માનસ ઘડવામાં મદદરૂપ થવું જોઈએ.

બાળકના જીવનઘડતરમાં ઉપયોગી તેવી બીજી બાબત તેનામાં ઉત્તમ સર્જનશક્તિનું નિર્માણ કરવું તે છે. આ વિશ્વમાં ઘણી બધી બુદ્ધિપ્રતિભાઓ થઈ ગઈ, તે દરેકે કંઈક સર્જન કર્યું છે અને આ વિશ્વને પોતાના મહાન સર્જનથી શણગાર્યું છે. દરેક બાળકમાં પણ આ સર્જનતાના કોઈક ને કોઈક અંશો રહેલા જ છે. દરેક બાળકમાં આવી કંઈક ને કંઈક આગવી વિશિષ્ટતાઓ રહેલી છે. માતા બાળકની ખૂબ જ નજીક હોય છે તેથી ખૂબ કાળજીપૂર્વક તથા ધ્યાનપૂર્વક જોવામાં આવે તો માતા પોતાના બાળકમાં રહેલી આ વિશેષતાને ઓળખી તેને બહાર લાવવામાં કે ખિલવવામાં મદદરૂપ થઈ શકે છે. જેમ કવિ કોઈ સારી કવિતા લખે ત્યારે, લેખક કોઈ સારું પુસ્તક લખે ત્યારે, વૈજ્ઞાનિક કોઈ નવી શોધ કરે ત્યારે અથવા તો કોઈપણ સર્જક પોતાનું મહાન સર્જન આ વિશ્વને આપે ત્યારે આપણને અનહદ આનંદ થાય છે, તેવી જ રીતે એક માતાનું બાળક કંઈક વિશિષ્ટતા ધરાવતું હશે તો માતાને ખૂબ આનંદ થશે. તેથી, દરેક માતાને પોતાના બાળકની આ સર્જનાત્મકતાને યોગ્યતમ રીતે ઓળખી અને તેને ખીલવવામાં મદદરૂપ થવું જોઈએ અને આ શક્તિને વિકસાવવા માટે તેને પૂરતું પ્રોત્સાહન, તક અને તાલીમ મળતા રહે તે ખૂબ જ જરૂરી છે. બાળકનાં ઉછેર કે કેળવણી ખામી ભરેલાં હોય તો તેની સર્જનશક્તિ મૂરઝાઈ જાય છે, મંદ પડી જાય છે, તેથી આ બાબતે ખાસ ધ્યાન આપવું જરૂરી બની જાય છે.

Dipakchitnis (DMC) dchitnis3@gmail.com