Santaap - 1 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | સંતાપ - 1

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

સંતાપ - 1

કનુ ભગદેવ

*****

૧. ચંડાળ ચોકડી…!

 ..વિશાળગઢથી હરદ્વાર જતી એક્સપ્રેસ ટ્રેન પૂરી રફતારથી પોતાની મંઝીલ તરફ ધસમસતી હતી.

 આ ટ્રેનના સેકન્ડ ક્લાસના જનરલ કંપાર્ટમેન્ટમાં એક મુસાફર એવો હતો કે જેની પાસે ટિકિટ નહોતી.ટિકિટ વગર જ એ ખુદાબક્ષ તરીકે મુસાફરી કરતો હતો.

 પરંતુ તેમ છતાંય ટિકિટ ચેકર તેના પ્રત્યે બિલકુલ ધ્યાન નહોતો આપવાનો. એટલું જ નહીં, તેની પાસે ટિકિટ પણ નહોતો માંગવાનો ...!

 એ માનવીનો દેખાવ જ એવો હતો.

 વધેલી દાઢી ...! ખભા સુધી લટકતા લાંબા-બરછટ વાળ ...! મેલાં-ઘેલાં અને પરસેવાથી દુર્ગંધ મારતાં વસ્ત્રોમાં એ માણસ કોઈક ભિખારી જેવો લાગતો હતો.અને ભિખારી પાસે ક્યારેય ટિકિટની માગણી નથી થતી.

 એનું નામ જયરાજ ચૌહાણ હતું !

 નસીબ અને સંજોગો સામે માણસની કોઈ કમાલ કે કારીગરી નથી ચાલતી ...!

 ગમે તેવો બહાદુર અને બુદ્ધિશાળી માણસ પણ સંજોગો સામે લાચાર બની જાય છે.

 સંજોગોની કારમી થપાટે જ જયરાજની આવી અવદશા કરી હતી.

 તે એક એક પૈસાનો મોહતાજ બનીને ભિખારીની જેમ અત્યારે ટ્રેનમાં બેઠો હતો. તે હરદ્વાર જઈને શાંત અને પવિત્ર વાતાવરણમાં થોડા દિવસો વિતાવવા માંગતો હતો.

 જયરાજનો અત્યારનો દેખાવ જોઇને કોણ કલ્પના કરી શકે તેમ હતું કે આ માણસ આજથી માત્ર છ મહિના પહેલાં વિશાળગઢ પોલીસ ખાતાનો એક અત્યંત કર્તવ્યનિષ્ઠ, ઈમાનદાર અને સુવર્ણચંદ્રક વિજેતા ઇન્સ્પેક્ટર હતો ...?એક એવો ઇન્સ્પેક્ટર કે જેના નામ માત્રથી જ ભલભલા ગુનેગારોની છાતીનાં પાટિયાં આઉટ થઇ જતાં હતાં.

 પરંતુ આવો આ દિલેર ઇન્સ્પેક્ટર અત્યારે ભિખારીના વેશમાં એક્સપ્રેસ ટ્રેનના જનરલ કંપાર્ટમેન્ટની ફર્શ પર બેઠો હતો.

 તમને કદાચ એવો વિચાર આવશે કે જયરાજે કોઈક ખાસ કારણસર આવો વેશ ધારણ કર્યો હશે. કારણ કે પોલીસ, સી.આઈ.ડી. સી.બી.આઈ. વિગેરેમાં જરૂર પડ્યે આવા વેશ ધારણ કરીને જાતજાતનાં નાટકો ભજવવા પડતાં હોય છે.

 જો તમારા મગજમાં આવો કોઈ વિચાર આવ્યો હોય તો હમણાં જ એને રુખસદ આપી દેજો.

 જયરાજે એવો કોઈ વેશ ધારણ નહોતો કર્યો ...!

 એનો આ ભિખારી જેવો દેખાવ એક નક્કર હકીકત હતી.

 સૂર્યનો ઉદય પૂર્વ દિશામાં અને અસ્ત પશ્ચિમમાં થાય છે એટલી જ નક્કર હકીકત.

 એના ચમકતા દાંત અત્યારે પીળા પડી ગયા હતા. એના પગમાં ચામડાના ઘસાયેલાં ચપ્પલ હતાં. અને તે કોઈ પણ પળેતેનો સાથ છોડી શકે તેમ હતાં.

 એ બે દિવસથી ભૂખ્યો હતો.

 પેટની આગ બૂઝાવવા માટે એની પાસે પૈસાના નામ પર પચ્ચીસ પૈસાનો એક સિક્કો પણ નહોતો..!

 એનું માથું છાતી પર નમેલું હતું અને આંખો બંધ હતી.

 ઠંડી હવાના સપાટાથી બચવા માટે તે ટૂંટિયું વાળીને બેઠો હતો.

 હરદ્વાર આવવાને એક કલાકની વાર હતી.

 પેસેન્જર ટ્રેન હોવાને કારણે ડબ્બામાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી રહેતી તો ક્યારેક એમાં બે-ચાર મુસાફરો જ રહેતા હતા.

 ‘એય ...જરા આઘો ખસ ...!’ સહસા એક કોમળ અવાજ એના કાને અથડાયો.

 જયરાજે ડઘાઈને આંખો ઉઘાડી.

 એણે જોયું તો આશરે પચીસેક વર્ષની વય ધરાવતી એક યુવતી તિરસ્કારભરી નજરે એની સામે તાકી રહી હતી. એનો આ તિરસ્કાર જયરાજના ભિખારી જેવા દેખાવ પ્રત્યે જ હતો.

 જયરાજે ટોઇલેટના દરવાજા પાસેથી પોતાના પગ ખસેડી લીધા.

 યુવતી ટોઇલેટનો દરવાજો ઉઘાડીને અંદર ચાલી ગઈ.

 ‘હે ઈશ્વર ...! હવે તો તું જ માલીક છો ..!’ જયરાજ એક ઊંડો શ્વાસ લેતાં બબડ્યો .

 ટોઇલેટમાં ગયેલી યુવતીને તે વિશાળગઢથી જ જોતો આવતો હતો. તે દસ-બાર વર્ષના એક છોકરા સાથે મુસાફરી કરતી હતી. દેખાવ પરથી તે યુવતીનો ભાઈ હોય એવું લાગતું હતું.

 ટ્રેન કોઈક સ્ટેશન પર ઉભી હતી.

 છોકરાએ એક ફેરીવાળા પાસેથી ચીકુ ખરીદ્યાં.

 ચીકુ જોઇને જયરાજની આંખોમાં લાલચના હાવભાવ તરવરી ઊઠયા.

 એના પેટની આગ વધુ તીવ્ર બની.

 જયરાજની ભૂખી આંખોના હાવભાવ એ માસુમ બાળકે પણ પારખ્યા.

 ‘ચીકુ ખાશો ..?’ એણે જયરાજને ચીકુ બતાવતાં માસૂમ અવાજે પૂછ્યું.

 જયરાજ હા કે ના કહે તે પહેલાં જ એણે એક ચીકુ એની સામે ઉછાળ્યું જે જયરાજે ક્રિકેટનો ખેલાડી કેચ કરતો હાય એ રીતે સ્ફૂર્તિથી પકડી લીધું.

 ‘ભગવાન તને સુખી રાખે બેટા..!’ એણે પોતાના હોઠ પર જીભ ફેરવતાં આશીર્વાદ આપ્યા.

 પછી તે ચીકુ ખાવામાં મશગુલ બની ગયો.

 ચીકુથી વધુ સ્વાદિષ્ટ વસ્તુ દુનિયામાં બીજી કોઈ નથી એવું તેને લાગતું હતું.

 દસ સેકન્ડમાં જ ચીકુ એના પેટમાં પહોંચી ગયું.

 ભૂખથી મરડાતા એના આંતરડાને થોડી રાહત થઇ.

 ટ્રેન ધીમે ધીમે સરકવા લાગી.

 એ કોચમાં હવે જયરાજ, બાળક અને ટોઇલેટમાં ગયેલી યુવતી સિવાય કોઈ નહોતું.

 આગલું સ્ટેશન હરદ્વાર હતું.

 સહસા ચાર યુવાનો કોચમાં ચડી આવ્યા. તેમના હાથમાં બે-ત્રણ ફૂલસ્કેપ સાઈઝના ચોપડા તથા એકાદ-બે નોટબુકો હતી. તેઓ કોઈ કોલેજના વિદ્યાર્થીઓ લાગતા હતા

.

 ‘યાર ...!’ એક યુવાન બીજાના ખભા પર હાથ મારતાં બોલ્યો, ‘નરેશની રાહ જોવા રોકાયા હોત તો આજે ટિકિટભાડું ખર્ચવું પડત...! મફત મુસાફરી કરવાની મજા મારી જાત...!’

 ‘ઇકબાલ, તું હાથચાલાકી વગર વાત નથી કરી શકતો ..?’ એ યુવાને ખભા પર રહેલા તેના હાથને હડસેલીને દૂર કરતાં કહ્યું.

 ‘શું કરું યાર..? આદત પડી ગઈ છે ..! તું તો જાણે છોકરી હોય એ રીતે ...’

 એ જ વખતે ટોઇલેટનો દરવાજો ઉઘાડીને પેલી યુવતી બહાર નીકળી.

 એનું અપ્રતિમ સૌંદર્ય જોઇને ઇકબાલ નામના યુવાનના મોં પર તાળું લાગી ગયું હતું.

 ચારેય મંત્રમુગ્ધ નજરે યુવતી સામે તાકી રહ્યા.

જયરાજ એમની નજરનો અર્થ સ્પષ્ટ રીતે પારખતો હતો. 

વાસના અને લોલુપતાભરી નજર...!

પરંતુ કોઈ ઝઘડો કે ટંટો-ફિસાદ થાય એમ તે નહોતો ઈચ્છતો ! અલબત્ત, આ ચારેય છેલબટાઉ યુવાનોની લોલુપ નજરથી એનું હૈયું જરૂર નફરતથી ભરાઈ ગયું હતું.

યુવતી તેમની વાસનાભરી નજર પ્રત્યે આંખ આડા કાન કરી, આગળ વધીને પોતાના ભાઈની બાજુમાં સીટ પર બેસી ગઈ.

‘હાય....શું ફાટ ફાટ થતું જોબન છે...! ઇન્દ્રના દરબારમાં પણ આવી અપ્સરા નહીં હોય...!’ એક યુવાન પોતાના હૃદય પર હાથ મૂકતાં બોલ્યો.

‘લે, હવે રાખ...રાખ...! કાલો થા માં કાલો...!’ બીજાએ ઠાવકા અવાજે કહ્યું, ‘તું તો જાણે ઇન્દ્રના દરબારમાં જઈને બધી અપ્સરાઓ જોઈ આવ્યો હોય એવી વાત કરે છે...!’

‘અપ્સરા તો અહીં જ છે તો પછી ઇન્દ્રના દરબારમાં જવાની પણ શું જરૂર છે ? અને મુદ્દાની વાત તો એ કે આપણને ત્યાં લઇ પણ કોણ જાય...? આપને રહ્યા મફતની મજા કરનારાઓ...! ઇન્દ્રના દરબાર સુધી પહોંચવાનું ટિકિટભાડું કેટલું થાય, એનો વિચાર કર્યો છે તમે ?’ ત્રીજો બોલ્યો.

‘સાચી વાત છે...!’ ચોથાએ ટાપસી પૂરાવતાં કહ્યું, ‘સ્વર્ગ જેવી અપ્સરા અહીં જ હાજર છે તો પછી આપણે સ્વર્ગ સુધી ધક્કો ખાવાની શું જરૂર છે ? રહી વાત જોબનની...! તો એ તો આપણે તેનો સ્વાદ ચાખીશું ત્યારે જ આપણણે ખબર પડશે ! વસ્તુ સ્વાદિષ્ટ છે કે નહીં, એ તો તેનો સ્વાદ માણ્યા વગર કેવી રીતે નક્કી થાય ?’

ચારેયે આંખોની ભાષામાં જ કંઈક મસલત કરી.

‘આ ભિખારી સિવાય કોચ ખાલી જ પડ્યો છે...!’ એક દાઢીધારી યુવાન પોતાના ગળામાં બાંધેલા રૂમાલની ગાંઠ ચેક કરતા બોલ્યો, ‘હવે તો ટ્રેન સીધી હરદ્વાર પહોંચીને જ ઊભી રહેશે. અને હરદ્વાર આવવાને એક કલાકની વાર છે. એક કલાકમાં તો આરામથી આપણું કામ પૂરું થઇ જશે !’

‘એક ટાબરિયો પણ બેઠો છે ! છોકરીનો ભાઈ લાગે છે !’

‘ટાબરિયાને તો ઇકબાલ સાંભળી લેશે...! ચાલો, દોસ્તો...!’ દાઢીધારી છાતી ફુલાવીને ગર્વભેર કંપાર્ટમેન્ટમાં આગળ વધ્યો, ‘મફતની મુસાફરીની સાથે સાથે મફતનો સ્વર્ગીય આનંદ પણ માણીએ...!’ આટલું કહ્યા પછી અચાનક તે થંભી ગયો અને જયરાજની પીઠ પર લાત મારતાં ધમકીભર્યા અવાજે બોલ્યો, ‘ચૂપચાપ પડ્યો રહેજે નહીં તો ડબ્બામાંથી તારી લાશ જ બહાર જશે...!’

જયરાજનાં જડબાં સખતાઈથી ભીંસાયાં. પરંતુ તેમ છતાંય મનમાં ઉકળતા રોષને શમાવીને એણે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું. એ નાહક જ કોઈ લફરામાં ફસાવા નહોતો માંગતો. યુવાનો યુવતીની છેડતી કરશે અને તુમાખી છોકરી તેમને વળતો જડબાતોડ જવાબ આપી દેશે એમ તે માનતો હતો.

‘આને બીજા ડબ્બામાં મોકલી દે યાર...!’ ઇકબાલે કહ્યું. ‘એની હાજરીમાં મજા નહીં આવે...!’

‘ચાલ, એય ભિખ્ખુ...!’ દાઢીધારી જયરાજનો કાંઠલો પકડીને તેને ઉભો કરતાં બોલ્યો, ‘આ કોચના બીજા કંપાર્ટમેન્ટમાં ચાલ્યો જા...!’

જયરાજે માંડ માંડ પોતાના ક્રોધાવેશ પર કાબૂ મેળવ્યો.

પછી તે બીજા કંપાર્ટમેન્ટ તરફ આગળ વધ્યો. 

ચાલતાં ચાલતાં જ એણે પેલી યુવતી તરફ ઊડતો દ્રષ્ટિપાત કર્યો.

તે ભયભીત હરણીની માફક થરથર ધ્રૂજતી હતી.

જયરાજ કંપાર્ટમેન્ટના બીજા ભાગની છેલ્લી સીટ પાસે ફર્શ પર બેસી ગયો. 

‘લે... સિગારેટ પી !’ ઇકબાલે પેકેટમાંથી એક સિગારેટ કાઢીને તેની સામે લંબાવી.

કોઈની પાસેથી લાંચની જેમ સિગારેટ સ્વીકારતાં જયરાજનું કાળજું ફાટી પડતું હતું.

પરંતુ તમાકુની લતને કાળજા સાથે નિસ્બત પણ શી હતી ? આ લત તો આમેય કાળજાને કમજોર બનાવવાનું જ કામ કરતી હતી.

જયરાજે સિગારેટ પેટાવીને પૂરી તાકાતથી લાંબો કસ ખેંચ્યો.

બે દિવસ પછી તેને સિગારેટ મળી હતી.

સિગારેટનો ધુમાડો ફેફસામાં પહોંચતા જ એના જ્ઞાનતંતુઓ કામે લાગ્યા અને થાકેલાં મગજને થોડી રાહત થઇ.

‘અમારું કામ વહેલું પતી જાય તો તું પણ લાભ લઇ લેજે !’ જતાં જતાં એ યુવાન અશ્લીલ હાસ્ય કરતાં બોલ્યો.

    -અને ત્યારે જયરાજને પહેલી જ વાર ભાન થયું કે આ ચારેય યુવાનો પેલી યુવતીની અસ્મત લૂંટ્યા વગર નહીં જ જંપે. 

 યુવાનના જતાં જ તે ઉભો થઇને બિલ્લીપગે યુવતીવાળા કંપાર્ટમેન્ટ તરફ આગળ વધ્યો.

 તે કંપાર્ટમેન્ટના દરવાજા પાસે પહોંચ્યો હતો ત્યાં જ એના કાને એક યુવાનનો સ્વર સંભળાયો.

 ‘બેબી, તારું નામ શું છે ?’

 ‘મારા નામ સાથે તારે શું લાગેવળગે છે ?’ યુવતીનો તીખો અવાજ ગુંજ્યો.

 ‘હાય...આ તો તીખી મરચી લાગે છે કાલુ...!’

 ત્યાર બાદ કંપાર્ટમેન્ટમાં ચારેયનું મિશ્રિત હાસ્ય ગુંજ્યું..

 ‘પપ્પુ !’ યુવતીનો અવાજ ગુંજ્યો, ‘ચાલ, આપણે બીજી તરફ જઈને બેસીએ !’

 જયરાજે ગેલેરીનું દ્રશ્ય જોવા માટે પાર્ટીશન પાછળથી પોતાનો અડધો ચહેરો બહાર કાઢ્યો.

 એણે દાઢીધારીને યુવતી તરફ ધસતો અને ‘પપ્પુ’ નામધારી બાળકને દાઢીવાળા યુવાન પર મુક્કા વરસાવતા જોયો. સાથે જ પપ્પુ જોરજોરથી બૂમો પણ પાડતો હતો.

 ‘છોડી દો...! મારી દીદીને છોડી દો...!’

 એ જ વખતે એક યુવાને આગળ વધીને પપ્પુણે પકડી લીધો. 

 ‘આ નાલાયક બહુ બૂમો પડે છે...!’ દાઢીધારી યુવતીણે બળજબરીપૂર્વક પોતાના આલિંગનમાં જકડતાં બોલ્યો, ‘એનું મોં બાંધીને સીટ નીચે ફેંકી દો...!’

 યુવતીએ પોતાના મોં પર ઢાંકણાની જેમ દબાયેલા યુવાનના પંજાને ખસેડવાનો ભરચક પ્રયાસ કર્યો. પરંતુ યુવાનના પંજાની પકડ મજબૂત હોવાથી તેને સફળતા ન મળી.

 ‘જલદી કર યાર...!’ એક જણ ઉત્તેજિત અવાજે બોલ્યો, ‘નહીં તો બધાંનો વારો નહીં આવે !’ 

 જયરાજની આંખોમાં લોહી ઊતરી આવ્યું. 

 સહસા માસૂમ પપ્પુની નજર જયરાજ પર પડી.

 એની મૂક આંખોમાં યાચના સમાયેલી હતી.

 હવે જયરાજથી ન રહેવાયું.

 તે ગેલેરીમાં આગળ વધીને યુવાનો પાસે પહોંચ્યો. 

 ‘આ છોકરીને છોડી દો...!’ એણે કઠોર અને કર્કશ અવાજે કહ્યું, ‘એ તમારી બહેન સમાન છે.’

 ‘બહેન હશે તારી...!’ દાઢીધારી યુવાન અશ્લીલ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘અમારે માટે તો તે રમકડું છે, રમકડું ! દિલ બહેલાવવાનું રમકડું !’

 ‘હું તમને છેલ્લી વાર કહું છું કે એને છોડી દો...!’

 ‘જરૂર છોડી દેશું પણ અમારું કામ પત્યા પછી !’ 

 ‘હું છું ત્યાં સુધી તમે એની સાથે કોઈ બળજબરી નહીં કરી શકો !’ જયરાજ હિંસક અવાજે બોલ્યો.

 ‘તો એનો ઉપાય પણ છે અમારી પાસે..!’ વાત પૂરી કરીને દાઢીધારીએ પોતાના સાથીદારો સામે જોતાં કહ્યું, ‘આ હરામખોરને ઊંચકીને બહાર ફેંકી દો.’

 ત્રણેય યુવાન ખૂંખાર હાવભાવ સાથે જયરાજ સામે ધસ્યા.

 ગેલેરીમાં ત્રણેય યુવાન એકસાથે હુમલો ન કરી શકે એટલા માટે જયરાજ બે ડગલાં પાછળ ખસી ગયો.

 હવે ત્રણમાંથી એક જ જણ આગળ વધી શકે એવી પોઝીશન હતી.

 એક જણે આગળ વધીને જયરાજનાં જડબાં પર ઝીંકવા માટે મુક્કો ઉગામ્યો.

 જયરાજે પોતાની હથેળી પર મુક્કો ઝીલ્યો અને પછી દાંત કચકચાવીને પૂરી તાકાતથી એના પેટ પર એક લાત ઝીંકી દીધી.

 યુવાનના કંઠમાંથી પીડાભરી ચીસ નીકળી ગઈ અને તે પીઠભેર ઊથલી પડ્યો.

 પરંતુ વળતી જ પળે એણે ઊભા થઈને પોતાના ગજવામાંથી છૂરી ખેંચી કાઢી.

 બાકીના બંને જણે પણ તેનું અનુકરણ કર્યું.

 તેમના હાથમાં છૂરી જોઇને તેઓ છેલબટાઉ હોવાની સાથે સાથે ગુનાહિત માનસના છે, એ વાત પણ પુરવાર થઇ ગઈ હતી. 

 પોતે ત્રણેય ચાકુબાજોનો એકસાથે સામનો નહીં કરી શકે એવું જયરાજને લાગ્યું.

 એણે સહેજ પાછળ ખસીને પેન્ટના અંદરના ચોર ખિસ્સામાં હાથ નાંખ્યો.

 પછી જયારે એ હાથ બહાર નીકળ્યો ત્યારે તેમાં રિવોલ્વર જકડાયેલી હતી.

 આ એની સર્વિસ રિવોલ્વર હતી.

 ‘એક ડગલું પણ આગળ વધશો તો ગોળી ઝીંકી દઈશ...!’ એણે તેમની સામે રિવોલ્વર લહેરાવતાં કઠોર અવાજે ચેતવણી ઉચ્ચારી, ‘છૂરી ફેંકીને હાથ ઊંચા કરી દો...!’

 રિવોલ્વર અસલી છે કે નકલી, એનું અનુમાન એ ત્રણેય કરવા લાગ્યા.

 રિવોલ્વર...! અને એ પણ એક ભિખારી પાસે !

 ચારેય આ અનોખા ભિખારી સામે નરી તાજ્જુબીથી તાકી રહ્યા હતાં, કે જેના હાથમાં હજારો રૂપિયાની કિંમત ધરાવતી રિવોલ્વર ચમકતી હતી.

 ‘અરે...!’ દાઢીધારી પેંતરો બદલીને સ્મિતસહ બોલ્યો, ‘તું તો અમારી જ લાઈનનો માણસ લાગે છે ! ચાલ, પહેલાં તું મોજ કરી લે બસ ને ?’

 યુવતી વ્યાકુળ નજરે જયરાજ સામે જોતી હતી.

 આ ભિખારી ચમત્કારિક ઢબે પોતાને બચાવી લેશે એવી તેને આશા હતી.

 ‘છોકરીને છોડીને તારા ચમચાંઓ સાથે લાઈનમાં ઉભો રહી જાય નહીં તો આ કોચમાંથી તમારા ચારેયની લાશ જ બહાર જશે !’ જયરાજે આદેશાત્મક અવાજે કહ્યું.

 દાઢીધારીએ યુવતીને છોડી દીધી.

 યુવતીએ સીટ નીચેથી પોતાના ભાઈને બહાર કાઢ્યો અને તેના મોંમાંથી કપડાંનો ડૂચો કાઢી નાંખ્યો.

 બાળકે મોં ઉઘાડીને ઊંડા ઊંડા શ્વાસ ખેંચ્યા.

 એનો ચહેરો ભયથી પીળો પડી ગયો હતો.

 ‘તમે...તમે કોઈ પોલીસના માણસ છો ?’ દાઢીધારીએ રિવોલ્વર સામે તાકી રહેતાં કહ્યું, ‘મેં અવારનવાર પોલીસવાળાઓ પાસે આવી જ રિવોલ્વર જોઈ છે !’

 ‘તમારે માટે હું યમદૂત છું ..!’ જયરાજ આગ્નેય નજરે એની સામે જોતાં બોલ્યો, ‘બાકી તો તમારે જે માનવું હોય તે ખુશીથી માની શકો છો! હવે તમે ચારેય દરવાજા પાસે ચાલો....અને હા , જો જિંદગીથી કંટાળી ગયા હો તો જ કોઈપણ જાતની અવળચંડાઈનો વિચાર કરજો ...!’

 ચારેય વચ્ચે આંખોની ભાષામાં જ કંઈક મસલત થઇ.

 પછી તેઓ દરવાજા તરફ આગળ વધ્યા.

 ‘તમે.તમે શું ઈચ્છો છો ...?’ ઇકબાલ નામના યુવાને વ્યાકુળ અવાજે પૂછ્યું.

 ‘તમારે મારા હાથે ન મરવું પડે એમ હું ઈચ્છું છું....!’ જયરાજ ક્રૂર અવાજે બોલ્યો, ‘ચાલો, દરવાજો ઉઘાડીને એક પછી એક ચારેય જણ બહાર કૂદી પાડો...!’

 ‘કૂદી પડીએ ...?’ દાઢીધારી હેબતાયો, ‘પણ એમ કરવાથી તો અમે માર્યા જઈશું...!’

 ‘તમે લોકો મારી જ જશો એ કંઈ નક્કી નથી...! તમારા માત્ર હાથ-પગ જ ભાંગે એવું પણ બની શકે છે...! પરંતુ જો રિવોલ્વરમાંથી ગોળી છૂટશે તો તમારું મોત નિશ્ચિત જ છે..!’

 ‘અ ...અમાઈ ભૂલ થઇ ગઈ ....! અમને માફ કરી દો ..!’ દાઢીધારી કરગરતા અવાજે બોલ્યો.

 ‘ના ..!’ જયરાજે નકારમાં માથું હલાવતાં કહ્યું, ‘તમને કોઈ કાલે માફ કરી શકાય તેમ નથી. તમે લોકો ક્રાઈમ માઈન્ડેડ છો...! ક્રિમીનલ છો ..! અત્યાર સુધીમાં તમે તમે કોણ જાણે કેટલી માસુમ યુવતીઓની આબરૂ લૂંટી હશે ..! જો તમને પાઠ ભણાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ કોણ જાણે કેટલી અબલા તમારી હવસનો ભોગ બનશે. અને આવું થાય એમ હું નથી ઈચ્છતો ...!’

 ‘પણ ચાલુ ગાડીએ અમે.’

 ‘ચાલુ ગાડીએ કૂદવાથી તમે કદાચ મારી જશો તો પણ ધરતી પરથી એટલો ભાર ઓછો થશે.થોડાં પાપ પણ થતાં અટકશે ....! હું એકથી દસ સુધી ગણતરી કરીશ. ત્યાર પછી જો તમારામાંથી કોઈ અહીં નજરે ચડશે તો પછી ન છૂટકે મારે મારી આંગળીને રિવોલ્વરનું ટ્રિગર દબાવવા માટે તકલીફ આપવી પડશે ..!’

 ‘તમે આ છોકરીની માલ-મત્તા તો લૂટવા નથી માંગતા ને ?’ ઇકબાલે શંકાભર્યા અવાજે પૂછ્યું.

 એના આ સવાલથી જયરાજને ભાન થયું કે પોતાને તાબડતોબ પૈસાની જરૂર છે. અને આ ચારેય પાસેથી પૈસા મળી શકે તેમ હતાં.

 ‘વાહ....આ શુભ કામ યાદ કરાવવા માટે તારો ખૂબ ખૂબ આભાર ...! આ શુભ કામના અમલની શરૂઆત પણ તમારાથી જ કરીએ તો કેમ રહેશે ..?’

 ‘એટલે ...?’

 ‘એટલે એમ કે તમારા ચારેયનાં ખિસ્સામાં જેટલી રકમ હોય, કાઢીને ફર્શ પર મૂકી દો ...!’

 ‘ઓહ ...તો અંતે તું ય તારી હેસિયત પર ઊતરી જ આવ્યો એમ ને ...?’

 ‘મારી હેસિયત શું છે, તે તમે ન જાણો એ જ સારું છે...! મારી પાસે હજુ તમે નાના બાળક જ છો ....!’ જયરાજ તિરસ્કારભર્યા અવાજે બોલ્યો, ‘ચાલો....કાલડી કરો ..! તમારાં ગજવા ખાલી કરીને જે કંઈ પૈસા હોય તે મારે હવાલે કરી દો ....!’ 

 ચારેયે એના આદેશ મુજબ પોતપોતાનાં ગજવાં ખાલી કરી નાખ્યાં.

 ‘પપ્પુ...બેટા રૂપિયા લઇ લે ...!’ જયરાજે બાળક સામે કોઈને કોમલ અવાજે કહ્યું.

 પપ્પુએ પોતાની બહેન સામે જોયું.

 યુવતીએ ધીમેથી હકારમાં માથું હલાવ્યું.

 પપ્પુ રૂપિયા લઈને પાછો યુવતી પાસે પહોંચી ગયો.

 ‘ચાલો...હવે ફટાફટ કૂદવા માંડો..!’ જયરાજે કહ્યું.

 દાઢીધારીએ દરવાજો ઉઘાડ્યો.

 ટ્રેનની રફતાર જોઇને એનું કાળજું મોંમાં આવી ગયું.

 ‘દ...દયા.’ ઇકબાલ કરગર્યો.

 જવાબમાં જયરાજ ખતરનાક અવાજે ગણતરી કરવા માંડ્યો.

 ‘એક..બે..ત્રણ..ચાર...’

 મોતનો ભય ન કરાવે તેટલું ઓછું છે ...!

 જયરાજને દસ સુધી ગણતરી જ ન કરવી પડી.

 ચોથા યુવાને ટ્રેન બહાર છલાંગ લગાવી ત્યારે તે ‘આઠ’ ચુધી જ પહોંચી શક્યો હતો.

 જયરાજના હોઠ પર પળભર માટે ક્રૂર સ્મિત ફરકીને વિલીન થઇ ગયું.

 એણે પીઠ ફેરવીને યુવતી સામે જોયું. રિવોલ્વર હજુ પણ એના હાથમાં જ હતી.

 યુવતી ભયભીત નજરે તેની સામે જ તાકી રહી હતી.

 ‘ત. ...તમારે જે જોઈએ તે લઇ લો...!’ એ થોથવાતા અવાજે બોલી, ‘પણ મારી ઈજ્જત ...’

 ‘જુઓ મિસ ..!’ જયરાજે રિવોલ્વરને પુનઃ ચોર ખિસ્સામાં મૂકતાં કહ્યું, ‘તમે માનો છો એવો માણસ હું નથી. હું એક ભલો તથા શરીફ માણસ છું અને સંજોગોનો શિકાર બનીને અત્યારે ભિખારી થઇ ગયો છું.’

 ‘પણ..પણ તમે તો ચારેયને લુંટ્યા છે ..!’ યુવતીના અવાજમાં વિરોધનો સૂર હતો.

 ‘હા..એ લોકોને મેં દંડ ફટકાર્યો છે..! સજા પણ કરી છે ...! વાત એમ છે કે હું..!’ કહેતાં કહેતાં જયરાજ સહેજ અટક્યો અને પછી બોલ્યો, ‘જવા દો મિસ ....!હું મારા ભૂતકાળનાં પડ ઉખેડવા નથી માંગતો. તમારે જે માનવું હોય તે માની શકો છો ...! કદાચ તમે મને ચોર, ડાકુ કે લુંટારો માનતા હો તો પણ મને કંઇ વાંધો નથી.’

 ‘તમારે મારી પાસેથી રૂપિયા-પૈસા કે અન્ય કોઈ માલમત્તા નથી જોઈતી ?’

 ‘ના’

 યુવતી આંખો પટપટાવીને એની સામે જોવા લાગી.

 ‘તેમને લૂંટવામાં મને કશુંય ખોટું નહોતું લાગ્યું !’ જયરાજ સ્મિતસહ બોલ્યો, ‘કોઈ પાપ ન દેખાયું એટલે મેં તેમનાં ગજવાં ખાલી કરાવી નાંખ્યાં...! પેટની આગ બુઝાવવા માટે મારી પાસે એક રૂપિયો પણ નહોતો. હા, થોડી વાર પહેલાં એક ચીકુ જરૂર મળ્યું હતું અને એ પણ તમારા ભાઈ પપ્પુએ જ આપ્યું હતું..!’

 ‘પ...પપ્પુએ ..?’ યુવતીએ ચમકીને પોતાના ભાઈ સામે જોયું.

 ‘હા, દીદી ...!’ માસૂમ પપ્પુ ભોળાભટાક અવાજે બોલ્યો, ‘ભિખારી અંકલ ભૂખ્યા છે એવું મને લાગ્યું હતું...!’

 ‘ભિખારી અંકલ...!’ પપ્પુએ આપેલું ઉપનામ સ્વગત બબડીને જયરાજ હસી પડ્યો.

 માસૂમ બાળકે આપેલા અ ઉપનામથી તેને જરા પણ ખોટું નહોતું લાગ્યું કે દુઃખ નહોતું થયું.

 ‘તમારી પાસે રિવોલ્વર ક્યાંથી આવી ..?’

 ‘સોરી ..એ હું તમને જણાવી શકું તેમ નથી !’ જયરાજે દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું, ‘મેં તમારી આબરૂ લૂંટવા તૈયાર થયેલા બદમાશોથી તમને બચાવ્યાં છે ..! બસ...!ભવિષ્યમાં ક્યારેય આપણી મુલાકાત થવાની નથી. અલબત્ત, વગર માંગ્યે એક સલાહ હું તમને જરૂર આપીશ કે આવી રીતે એકલા મુસાફરી કરવી ક્યારેક ખૂબ જ જોખમી પુરવાર થાય છે. તમારે કોઈક વડીલને સાથે લઈને નીકળવું જોઈતું હતું.’

 ‘હું જાણું છું ...પરંતુ મમ્મી બીમાર છે અને પિતાજી વિશે સમાચાર મળ્યા હતાં. એટલે ઘરમાં મોટી હોવાને નાતે મારે જ આવવું પડ્યું...!’

 ‘સમાચાર મળ્યા એટલે...? શું તમારા પિતાજી બીમાર છ્હે કે તેમને અચાનક કોઈ અકસ્માત નડ્યો છે ...?’ જયરાજે સહાનુભુતિભર્યા અવાજે પૂછ્યું.

 ‘ના’

 ‘તો’

 ‘વાત એમ છે કે મારા પિતાજી ઘર છોડીને ચાલ્યા ગયા હતાં. તેમના વિશે અખબારોમાં જાહેરાત આપવામાં આવી હતી. આ જાહેરાતનો જવાબ હરદ્વારથી આવ્યો હતો. કોઈકે પિતાજીનો ફોટો ઓળખીને લખ્યું હતું કે એણે મોહનલાલ પટેલ નામના આ માણસને હરદ્વારની હોટલ કાવેરીમાં જોયા છે...!’

 ‘ઓહ...તો તમારા પિતાજીનું નામ મોહનલાલ પટેલ છે એમ ને.?’

 ‘હા’

 ‘અને આ સમાચાર સાચા છે કે કેમ એ જાણવા માટે તમે વિશાળગઢથી હરદ્વાર દોડી આવ્યાં ?’

 ‘હા...પિતાજીના ગયા પછી મમ્મીની તબિયત એકદમ લથડી ગઈ છે !’ યુવતી ધીમેથી બોલી, ‘ઉપરાંત પિતાજીની ગેરસમજ પણ થઇ હતી..!’

 ‘ગેરસમજ ...?’

 ‘હા..’

 ‘કેવી ગેરસમજ ....?’

 ‘શરાબના નશામાં જમશેદ નામના એક ગુંડા સાથે તેમને બોલાચાલી થઇ. પિતાજીએ ક્રોધાવેશમાં ભાન ભૂલીને એ ગુંડાના માથા પર શરાબની બોટલનો ઘા ઝીંકી દીધો. જમશેદ ઘાયલ થઈને ભાન ગુમાવી બેઠો. તેના સાથીદારે જણાવ્યું કે એ મરી ગયો છે. પોતાના હાથેથી કોઈકનું ખૂન થઇ ગયું છે એ વાત જાણીને પિતાજી એકદમ ગભરાઈ ગયા અને તરત જ ત્યાંથી નાસી છૂટ્યા. છ મહિનાથી તેઓ ગુમ છે...! માત્ર તેમનો પત્ર આવ્યો હતો. પત્રમાં લખ્યા મુજબ તેઓ જેલમાં જવા નહોતા માંગતા અને ખૂનના આરોપી બનીને લોકોની તિરસ્કારભરી નજરનો સામનો કરી શકે તેમ નહોતા ...!’

 ‘ઓહ ...’જયરાજ ધીમેથી બબડ્યો.

 ‘પિતાજીની જગ્યાએ કોઈ બીજું હોત તો તે પણ એમ જ વિચારત ...!’

 ‘બરાબર છે ...પરંતુ જમશેદ નામનો ગુંડો મૃત્યુ નહોતો પામ્યો પણ માત્ર ઘાયલ જ થયો હતો, એ વાતની સ્પષ્ટતા અખબારમાં કરી શકાય તેમ હતી.’

 ‘આ જાતની સ્પષ્ટતા કરતી જાહેરાત પણ આપવામાં આવી હતી...!’

 ‘તો પછી ...?’

 ‘પિતાજીએ કદાચ આ સ્પષ્ટતાને પોલીસ ખાતાની જ ચાલ માની હતી ! આ રીતે અંધારામાં રાખીને પોલીસ પોતાને પકડી લેવા માંગે છે એમ તેઓ માનતા હતાં. પરંતુ સાચી હકીકત એ હતી કે સમયસર સારવાર મળી જવાને કારણે જમશેદ ખરેખર જ બચી ગયો હતો...!’

 ‘જુઓ મિસ ...’

 ‘મારું નામ મિસ અનિતા છે ...! અનિતા પટેલ ...!’

 ‘હા, તો મિસ અનિતા ...! આ દુનિયામાં ચાલબાજ અને શયતાનોની કમી નથી..! ડગલે ણે પગલે આપણને આવા અનુભવો થાય છે. કોણ શરીફ છે ને કોણ શયતાન એ કંઈ કોઈના ચહેરા પર લખેલું નથી હોતું. ચહેરા પરથી શરીફ અને સજ્જન દેખાતો માણસ ક્યારેક અંદરખાનેથી એટલો જ ક્રૂર અને ઘાતકી હોય છે ! એવી રીતે ચહેરા પરથી ગુંડા જેવો દેખાતો માણસ એટલો જ નેક અને ભલો પુરવાર થાય છે !અને આ શરીફ કે શયતાનને પારખવા માટે સાવચેતીની ખૂબ જ જરૂર પડે છે 

. બલકે તે અનિવાર્ય એમ કહું તો પણ અતિશયોક્તિ નહીં ગણાય ! પેલી કહેવત તો કદાચ તમે પણ સાંભળી હશે કે “ચેતતો નર સદા સુખી ...” તમારે રીઝર્વેશનવાળા કોચમાં આવવું જોઈતું હતું. ભવિષ્યમાં ક્યારેય તમે એકલાં હો ત્યારે અનરિઝર્વડ કોચમાં મુસાફરી કરશો નહીં ...!’ જયરાજનો અવાજ બેહદ ગંભીર અને શાંત હતો.

 ‘ભલે ....’ અનિતાએ ધીમેથી હકારમાં માથું હલાવ્યું.

 જયરાજે ચારેય બદમાશો પાસેથી મળેલી રકમ ગણી જોઈ.

 કુલ પાંચસો ત્રેપન રૂપિયા હતા.

 ‘ભિખારી અંકલ, તમે વધુ ચીકુ ...?’ પપ્પુએ તેની સામે સાત-આઠ ચીકુ ભરેલી નાની ટોપલી લંબાવતાં પૂછ્યું.

 ‘હું માત્ર બે જ ચીકુ લઈશ દીકરા ...!’ સ્નેહાળ અવાજે આટલું કહીને જયરાજે ટોપલીમાંથી બે ચીકુ ઊંચક્યા અને પછી બોલ્યો, ‘થેંક યુ દીકરા ...! તારા પિતાજી તને મળી જાય એવા આ ભિખારી અંકલના આશીર્વાદ છે ...!’

 ‘તમે તમારું નામ તો જણાવ્યું જ નહીં ..?’ સહસા યાદ આવ્યું હોય એમ અનિતા બોલી ઉઠી 

. ‘મારું નામ ....?’ જયરાજ હસ્યો.

 ‘હા..’

 ‘કમનસીબ ....!’

 ‘એટલે ...?’

 ‘એટલે એમ કે કમનસીબ માણસનું કોઈ નામ નથી હોતું મિસ અનિતા ...! પપ્પુ માટે હું “ભિખારી અંકલ” છું અને તમારે માટે ભિખારી ....!’

 વાતની સમાપ્તિ પછી એણે બારીમાંથી બહાર નજર કરી.

 હરદ્વારની બત્તીઓ દૂર ચમકતી હતી.

 પોણા આઠ વાગ્યા હતાં. પરંતુ જાન્યુઆરીની શરૂઆતને કારણે ધરતી પર અંધારું વહેલું ઊતરી આવ્યું હતું. અંધકારના આવરણમાં જાણે કે બધી ચીજવસ્તુઓ લપેટાઈ ગઈ હતી.

 આમ ને આમ ચુપકીદીભર્યા વાતાવરણ વચ્ચે પંદર મિનિટ વીતી ગઈ.

 ‘હરદ્વાર આવી ગયું ...! શું તમે તમારે વિશે કશુંયે નહીં જણાવો ...?’અનિતાએ પૂછ્યું.

 ‘ના’

 ‘કેમ’

 ‘તમે શા માટે મારા વિશે જાણવા માંગો છો ?’ જયરાજે ઊભા થતાં પૂછ્યું.

 ‘માનવ સ્વભાવની સહજ ઉત્સુકતાને કારણે ..!’

 ‘બસ, આ સિવાય બીજું કોઈ કારણ નથી ...?’

 ‘ના...’

 ‘તો તમે એમ માની લો કે મારું નસીબ મારાથી નારાજ થઇ ગયું છે ..! મારા સંજોગો અને મારા દિવસોએ મારો સાથ છોડી દીધો છે  ! આઈ હેવ લોસ્ટ ઈચ એન્ડ એવરીથિંગ ઇન માય લાઈફ ...!’

 ‘આ વાતનો મારે શું અર્થ સમજવો ...?’ અનિતાએ પુછ્યું .

 ‘કશુંય નહીં ....!’

 ટ્રેન હવે ખૂબ જ ધીમી રફતારથી હરદ્વારના સ્ટેશનના પ્લેટફોર્મ પર સરકતી હતી.

 જયરાજ પપ્પુનો ખભો થપથપાવીને દરવાજા તરફ આગળ વધી ગયો.

 એ કોઈ અજાણી વ્યક્તિને પોતાના વિશે કશુંય જણાવવા નહોતો માંગતો. ઉપરાંત ભવિષ્યમાં અનિતા સાથે તેની મુલાકાત થવાની કોઈ શક્યતા પણ નહોતી. 

 પરંતુ માણસના નસીબમાં શું લખ્યું છે, એ કોણ જાણી શકે છે ?

 માણસ ધારે છે કઈક ને બને છે કંઇક !

 અશક્ય જણાતા કામ પણ ક્યારેક પળભરમાં જ શક્ય બની જાય છે !

 હરદ્વાર રેલવે સ્ટેશનમાંથી બહાર નીકળ્યા પછી બર્ફીલી હવાના ઠંડા સપાટાઓથી જયરાજ ધ્રૂજી ઉઠ્યો. એ બંને હાથ બગલમાં દબાવીને કોઈક સસ્તું ગરમ સ્વેટર ખરીદવાનું વિચારતો હતો. જીંદગીમાં આવા ભયંકર દિવસો જોવાનો વખત આવશે એવી તો એણે કલ્પના પણ નહોતી કરી.

 ‘સાંભળો...’ સહસા કોઈકની બૂમ તેને સંભળાઈ.

 જયરાજે ચમકીને પીઠ ફેરવી.

 સામે જ પપ્પુનો હાથ પકડીને અનિતા ઉભી હતી. તેમની સાથે એક કુલી પણ હતો. એણે પોતાના માથા પર અનિતાનો સમાન ઉચક્યો હતો.

 ‘આ ધાબળો લઇ લો ! જુઓ....ના પાડશો નહીં ! નહીં તો મને દુઃખ થશે !’ અનિતા ગળગળા અવાજે બોલી, ‘ગરમ કપડાના નામ પર તમારી પાસે કશુંય નથી.’

 ‘તમે ઉપકારનો બદલો ચૂકવવા માંગો છો દેવીજી !’ જયરાજે કુલી પર ઉડતી નજર ફેંક્યા બાદ પુનઃ અનિતા સામે જોઇને પૂછ્યું.

 ‘ના...’

 ‘તો...’

 ‘હું માત્ર ઈન્સાનિયતની ફરજ જ બજાવું છું...!’

 જયરાજે હસીને એના હાથમાંથી ધાબળો લઇ લીધો.

 અનિતા પપ્પુ સાથે કાવેરી હોટલ તરફ આગળ વધી ગઈં.

 ‘હરી ઈચ્છા બળવાન !’ સ્વગત આટલું બબડીને જયરાજ બજાર તરફ રવાના થઇ ગયો.

 એની પાસે પૂરતા પૈસા હતા. આ પૈસામાંથી તે બે જોડી સસ્તાં કપડાં પણ ખરીદી શકે તેમ હતો અને આઠ-દસ દિવસ સુધી પેટની આગ પણ બુઝાવી શકે તેમ હતો.

 દુકાનો બંધ થવાની તૈયારીમાં જ હતી.

 એણે એક દુકાનમાંથી બે જોડી સસ્તાં પેન્ટ-શર્ટ ખરીદ્યા અને ગંગા નદીના સ્નાન કર્યું. ઠંડીને કારણે એને પોતાનું શરીર અકડાતું લાગ્યું. પરંતુ સાથે જ સ્નાન કરવાથી તાજગી પણ અનુભવી. બહારનું વાતાવરણ પાણીની સરખામણીમાં વધુ ઠંડુ હતું. એટલે સ્નાનાદિથી પરવાર્યા પછી જ તેને વધુ ઠંડી લાગી.

 એણે નવાં પેન્ટ-શર્ટ પહેરીને શરીર પર ધાબળો વીટાળ્યો. ધાબળાણે કારણે તેને ઠંડીથી ઘણી રાહત થઇ.

 હરદ્વારના પંડાઓ કૌતુકભરી નજરે તેની સામે તાકી રહ્યા હતા.

 ‘કોઈ સંબંધીના ક્રિયા-કર્મ માટે આવ્યા છો યજમાન ?’ એક પંડાએ પૂછી જ નાખ્યું.

 ‘ના, હું તો માત્ર સ્નાન કરવા માટે જ આવ્યો હતો !’

 ‘જી.’

 જયરાજ આગળ વધી ગયો. એને ખૂબ જ ભૂખ લાગી હતી.

 એણે એક સસ્તી હોટલ શોધી અને જમવા બેસી ગયો. વીસ રૂપિયામાં “નો લિમિટ” જમવાનું મળતું હતુ.

 એ જમી, બીલ ચૂકવીને બહાર નીકળ્યો ત્યારે કાઉન્ટર પાછળ બેઠેલો હોટલનો ટાલિયો માલિક પોતાની ટાલ પર હાથ ફેરવતાં મનોમન ધૂંધવાઈને બબડ્યો, ‘આવા ને આવા કોણ જાણે ક્યાંથી ચાલ્યા આવે છે ! વીસ રૂપિયામાં તો પચાસ રૂપિયા જેટલું જમી ગયો ! જો આવા લોકો જ આવતાં રહેશે તો “નો લિમિટ” ની સિસ્ટમ જ બંધ કરવી પડશે !’

 એનો આ બબડાટ સાંભળીને જયરાજના હોઠ પર રમતિયાળ સ્મિત ફરકી ગયું.

 એણે પાનની દુકાનેથી બ્રિસ્ટોલ સિગારેટનું પેકેટ અને માચીસ ખરીદ્યાં. પછી એક સિગારેટ પેટાવીને એ ધીમે ધીમે તેનો કસ ખેંચતો રેલવે સ્ટેશન તરફ આગળ વધી ગયો.

 હોટલ કાવેરી સ્ટેશન પાસે જ હતી. એના પર એક ઉડતી નજર ફેંકીને, તે સ્ટેશનની ઈમારતમાં દાખલ થઈને એક ખાલી બેંચ પર સૂઈ ગયો. કપડાંની બીજી જોડી એણે ઓશીકાની જેમ માથા નીચે ગોઠવી દીધી. ધાબળામાં પણ તેને ઠંડી લાગતી હતી.

 ઊંઘ અને થાક થોડી વારમાં જ ઠંડી પર કાબૂ મેળવી લેશે એવા વિચારે એણે આંખો બંધ કરી દીધી.

 પરંતુ તેને ઊંઘ ન આવી. એ વિચારવમળમાં અટવાઈ ગયો. ભૂતકાળની સ્મૃતિઓને તાજી થતી તે ન અટકાવી શક્યો. એના માનસ ચક્ષુઓ સામે એક ચહેરો તરવરી ઉઠ્યો. એ દિલોજાનથી જેને ચાહતો હતો, તે અત્યંત ખૂબસૂરત અપ્સરાનો ચહેરો !

 એ ચહેરો એની પત્નીનો હતો ! સુમન ચૌહાણ ! વાઈફ ઓફ જયરાજ ચૌહાણ !

 અનાયાસે જ જયરાજના હોઠ પર એક ફિક્કું સ્મિત ફરકી ઉઠ્યું.

 એણે પોતાના લગ્નની પ્રથમ રાત યાદ આવી !

 એ ભૂતકાળમાં સરી પડ્યો. 

*************