Ikarar - 16 in Gujarati Love Stories by Maheshkumar books and stories PDF | ઇકરાર - (ભાગ ૧૬)

Featured Books
Categories
Share

ઇકરાર - (ભાગ ૧૬)

મને અને રીચાને ઓસ્ટ્રેલીયામાં છ મહિના થઈ ગયા હતા ને આ છ મહિના એટલી ઝડપથી વીતી ગયા હતા કે એક રીતે એમ કહું કે આંખનો પલકારો થયો હોય એમ અને બીજી રીતે જન્મારા જેવો પણ સમય લાગ્યો હતો.


છ મહિનામાં મારા માટે ઘણું બધું બદલાયું હતું, પણ રીચાનું જીવન એકધારી ગતિએ વહી રહ્યું હોય એવું મને લાગતું હતું, પણ ખરેખર એવું હતું કે નહિ એ તો ફક્ત રીચા જ જાણતી હતી. અમારી વચ્ચેની મિત્રતા ગાઢ બનતી ગઈ હતી. એક સમયે સાવ અજાણ્યા હતા, જયારે આજે અમે એક જ ઘરમાં એક જ ફ્લોર પર સામસામે રહેતા હતા. સાચું કહું તો સંદીપ અને દિવ્યા સિવાય જો બીજા કોઈની સાથે અમે રહેતા હોત તો કદાચ અમારી સ્થિતિ અલગ હોત. પોતાના પરિવાર સાથે રહેવામાં જે ફાયદો થાય છે અને જે એમની હુંફ ને પ્રેમ મળી રહે છે એ કદાચ અજાણ્યાઓ સાથે મળતો કે નહીં કોણ જાણે.


રીચા અને મારી વચ્ચે હવે તમે કહેવાના સંબંધો મટીને તું કહેવાના અને એકબીજા પર હક કરવા સુધી અમે પહોંચી ગયા હતા. તે દિવસે અમે સાથે ગીતોની જે રમઝટ બોલાવી હતી તે પછી જયારે જયારે સમય મળે ત્યારે એવી જ ગીતોની સદાબહાર મહેફિલ અમે ઘરમાં ગોઠવતા. મેં એની સામે વ્યક્ત કરેલી ગીટાર શીખવાની મહેચ્છા પણ એના સપોર્ટથી ફળીભૂત થતી જણાઈ રહી હતી. હું ગિટાર પર સરગમ શીખી ગયો હતો.


કૃતિકાને મેં એક દિવસ સાફસાફ કહી દીધું હતું કે આપણે રિલેશનમાં છીએ એનો મતલબ એ નથી કે આખી જિંદગી સાથે રહીશું. આપણે એકબીજાને સમજવાની કોશિશ કરીશું અને જો આપણને એમ લાગે કે આપણે બંને સાથે રહી શકીએ છીએ તો જ આપણે લગ્ન વિશે વિચારીશું. એ પણ મારી વાત સાથે સંમત થઈ ત્યારે મને મારા પ્રત્યે એવી હીન લાગણી પણ થઈ આવી હતી કે જે એલીસે મારી સાથે કર્યું એવું જ તો હું કૃતિકા સાથે નથી કરી રહ્યો ને. અમારી એકબીજાની સંમતિથી જ અમે શારીરિક સંબંધે પણ જોડાયા હતા અને એ પણ એવી સમજણ સાથે કે આપણે તેને એટલા જ સાહજિક ગણીશું જેટલું સાહજિક આપણે સાથે ભોજન લેવાને ગણીએ છીએ. તેની વાતો સાંભળીને માન થાય કે સાંભળ્યા જ કરીએ. દરેક વિષય પર એ જે ફિલોસોફી વ્યક્ત કરતી, મારા માટે ઘણી વાર એ સમજવું પણ અઘરું થઈ પડતું હતું. મને ડર રહેતો કે હું એના જેટલી માનસિક સ્વસ્થતા ધરાવતો નથી તો આખી જિંદગી અમે સાથે કેવી રીતે રહી શકીશું, પણ સતત ચિંતન કરીને એની વાતોને સમજવા કોશિશ કરતો.


અમે એક દિવસ તળાવ કિનારે ઘાસ પર એકમેકને અડીને પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા. હું હંમેશની જેમ એની વાતો સાંભળી રહ્યો હતો અને વચ્ચે વચ્ચે હુંકારો પુરાવ્યે જતો હતો.. એ કહી રહી કે જીવન આઝાદ હોવું જોઈએ. ન કોઈ ચંચુપાત, ન કોઈની રોકટોક. ન રીસાવું કે ન મનાવવું. બસ પ્રત્યક્ષનો આનંદ જ માણવાનો. પરોક્ષ માટે પ્રત્યક્ષને શું કામ વેડફી નાખવું. પ્રેમમાં અધિકાર ન હોય તો જ મુક્ત પ્રેમ સંભવી શકે છે. ‘હું’નો અહં ઓગળી જાય પછી જે દર્શન થાય છે જીવનનું, એ જીવન જીવવાની મજા જ કંઈ ઓર છે.


મેં હળવેકથી પૂછ્યું, “આવું બધું તારા મગજમાં આવે છે કયાંથી?” એ ફક્ત હસી. સાચું કહું તો મને એની વાતો સમજમાં જ નહતી આવતી. દરેક વખતે અલગ જ પ્રકારની ફિલોસોફી રજુ કરતી. જો પ્રેમમાં એકાધિકાર ન હોય તો એ પ્રેમનો અર્થ શું? તમને દરેક રીતે આઝાદી જોઈએ તો પછી લગ્ન કરવાની જરૂર શું? લગ્ન થાય એટલે બંધન તો આવવાનું છે એ નક્કી જ છે. આવા કંઈક વિચારો કરીને હું કૃતિકાની વાતોને સમજવાનો પ્રયત્ન કરતો. એની વાતોએ મને દાર્શનિક બનાવવાની શરૂઆત કરી હતી એ ચોક્કસ હતું.


સંદીપના ઘરે ઇન્ડીયાથી એક ખરાબ સમાચાર આવ્યા હતા કે એના પપ્પા બીમારીમાં પટકાયા હતા અને તેણે તાત્કાલિક ઇન્ડિયા જવું પડે એમ હતું. સંદીપ અને દિવ્યાએ નક્કી કર્યું હતું કે બંને ઇન્ડિયા જશે. મેં અને રીચાએ તેમને ખાતરી આપી હતી કે તમે બંને ચિંતા કર્યા વગર ઇન્ડિયા જાવ, અમે અહીં બાળકોને સાચવી લઈશું.


સંદીપે મને કહ્યું, “મેં તારા ખાતામાં ત્રણ હાજર ડોલર જમા કરાવ્યા છે, જે પણ ખરીદી કરવાની થાય એ માટે. અમે એક મહિનામાં તો પાછા આવી જઈશું.”


મને તેની આ વાત ખરેખર બહુ જ ખરાબ લાગી હતી એટલે મેં એને ગુસ્સામાં કહ્યું, “તને એવું લાગે છે કે તું પૈસા નહીં આપે તો ઘર નહીં ચાલે. તું મારી પાસેથી અહીં રહેવા જમવાના પણ પૈસા લેતો નથી અને છતાં તું આપણી ભાઈબંધી વચ્ચે પૈસા લાવે છે. મને પારકો સમજે છે.”


સંદીપે હું ખોટો ગુસ્સે થાઉં છું એનું ભાન કરાવવા માટે એના મનમાં જે ગણતરી હતી એ કહેતા કહ્યું, “એવું જરાય નથી મહર્ષિ, પણ તું જે ખર્ચો કરીને આવ્યો છે એ ભરપાઈ કરતાં તને એકાદ વર્ષ લાગશે અને એમાં તારા પર આ બીજો બોજો પડે તો.”


મેં વાત કાપતા જ કહ્યું, “તો શું. હું હાલ જ તારા ખાતામાં ત્રણ હજાર ડોલર પાછા જમા કરાવી દઉં છું.”


સંદીપે કહ્યું, “ઠીક છે. બસ પાછા જમા કરાવી દેજે, પણ હું ઇન્ડીયાથી આવું ત્યાં સુધી તો રાખ અને હવે તો ગુસ્સો ખંખેરી નાખ.” અમે બંને એ વાત પર સહમત થયા.


સંદીપે મને અને રીચાને પૂછ્યું કે તમારે ઘરે કંઈ મોકલવું હોય તો અમે જઈએ છીએ તો લેતા જઈએ. હું અને રીચા પોતપોતાના ઘરે મોકલવા માટેની વસ્તુઓ લેવા માટે ખરીદી કરવા મારી કારમાં નીકળ્યા. કાર ચલાવતી વખતે મેં રીચાને મારા કારના અલગ અલગ ફંક્શન વિશે જણાવતા જણાવતા કારની ઉપરનું રૂફ ખોલી નાખ્યું. ખુલ્લા થયેલા રૂફમાંથી ઠંડો ઠંડો પવન અંદર આવવા લાગ્યો. આ પળની ભરપુર લિજ્જત માણવા રીચાએ સીટ પર ઉભા થઈ ધડથી ઉપરનો ભાગ કારની બહાર કાઢ્યો. કારની ઝડપને લીધે સુસવાટાભેર વાત પવનમાં તેના વાળ કારની વિરુદ્ધ દિશામાં ઉડવા લાગ્યા અને એ અચાનક ચીસો પાડવા લાગી.


મેં ગાડી ધીરે કરતાં પૂછ્યું, “શું થયું?”


એને બુમો પડતા જ કહ્યું, “કંઈ નહીં. તું સ્પીડ ઓછી ન કર. મજા આવે છે એટલે આનંદમાં આવીને ચિચિયારીઓ પાડવાનું મન થઈ ગયું.”


મેં હાશકારો લેતા ટકોર કરતાં કહ્યું, “પણ કહીને મજા લે ને. તારી મજામાં મારું હાર્ટ ફેલ થઈ જાત તો.” એ પછી તો એ આખા રસ્તે અલગ અલગ પ્રકારના અવાજો કરીને બુમો પાડતી રહી. રસ્તા પરથી નીકળતા અમુક લોકો મારી સામે એવી રીતે જોતા હતા જાણે હું કોઈ પાગલને પાગલખાને લઈ જતો હોઉં, જયારે અમુક એના રંગ રંગાઈને અલગ અલગ જાતના અવાજો ભેળવીને નવું સંગીત રચવા માંગતા હોય એવું લાગતું હતું.


અમે મોલમાં અલગ અલગ ડીપાર્ટમેન્ટમાં ખરીદી કરી રહ્યા હતા. હું પહેલાં માળે મોબાઈલ વિભાગમાં ખરીદી કરી રહ્યો હતો, ત્યાં મને કૃતિકા મળી. એ એની બીજી બે ફ્રેન્ડ્સ સાથે હતી. તેમની સાથે એ મારી ઓળખાણ કરાવી રહી હતી અને હું રીચાની ઓળખાણ કરાવવા એને બોલવવા પાછળ ફર્યો તો એ ક્યાંય દેખાઈ જ નહીં. કૃતિકાએ થોડીવાર સુધી મોલમાં મારી સાથે મારા પપ્પા માટે મોબાઈલની પસંદગી કરવામાં સમય કાઢ્યો અને પછી મને એક તસતસતું આલિંગન આપી તેની ફ્રેન્ડ્સ સાથે રવાના થઈ ગઈ.


કૃતિકા મારી નજરથી ઓજલ થઈ હશે કે પાછળથી ગુસ્સામાં ધુંઆપુઆ થતી રીચા મારી પાસે આવી બોલી, “ચલ ઘરે જવું છે મારે.”


મેં કહ્યું, “પણ હજી તો આપણે પૂરતી ખરીદી પણ કરી નથી.”


એ એજ તેવર જાળવી રાખી બોલી, “તો તું આવ પછી, હું જાઉં છું.” હું સમજવા મથી રહ્યો હતો કે અચાનક એને શું થઈ ગયું હતું, કેમ આમ ગુસ્સે ભરાઈ હતી. હું એને એકલી જવા દેવા નહતો માંગતો, એ કદાચ એના ગુસ્સાને કારણે હોય કે બીજા કોઈ કારણસર, પણ છેવટે અમે જેટલી પણ વસ્તુઓ ખરીદી હતી એનું બીલ ચૂકવી એની સાથે હું બહાર નીકળ્યો. મેં એને નાસ્તા કરવા માટે પૂછ્યું, તો પણ એને છણકો કર્યો. ચોકલેટ આપી એ પણ ન લીધી. મને સમજાતું ન હતું કે અચાનક શું થઈ ગયું હતું એને?